Runanubandh - 23 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 23

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

ઋણાનુબંધ - 23

અજય બધાનું સ્વાગત કરતા બોલ્યો, આવો આવો બધા. બહારના ગેટથી મુખ્ય દરવાજા સુધી ફૂલની પાંદડીઓની મદદથી સુંદર ડિઝાઇનમાં રસ્તો કર્યો હતો. જેના પર ચાલીને પ્રીતિ મુખ્ય ધ્વાર સુધી આવી હતી. ભાવિની આ ક્ષણને ફોટામાં કેદ કરી રહી હતી. પ્રીતિની પાછળ પરેશભાઈ, કુંદનબેન ચાલી રહ્યા હતા. મુખ્ય ધ્વાર પાસે એક કંકુની થાળી રાખેલી હતી. એની ઉપર એક સફેદ રૂમાલ રાખ્યો હતો. એ રૂમાલમાં પ્રીતિના પગલાં લઈ ને એને સીધા મંદિર રૂમ તરફ પોતાના પગલાં પાડતું જવાનું હતું. પ્રીતિએ જેવા કંકુની થાળીમાં પગ મુક્યા કે અજયે પ્રીતિ પોતાનું સંતુલન જાળવી શકે એ માટે એનો એક હાથ પકડી લીધો હતો. પ્રીતિએ હળવેકથી સફેદ કાપડ પર પોતાના પગ મુક્યા અને પછી એ મંદિર તરફ ચાલી હતી. પ્રીતિ અને અજયે આજ પહેલીવાર એકસાથે ભગવાન પાસે નમન કર્યા હતા.

હસમુખભાઈ સીમાબેનને બોલ્યા, 'પ્રીતિના પગલાંને સાચવીને તિજોરીમાં મૂકી રાખજો.'

સીમાબહેન તરત જ એ પગલાં તિજોરીમાં મુકવા ગયા હતા. એ મુક્તી વખતે થોડો દ્રેષભાવ એમના મનમાં જનમ્યો હતો. એમણે મનમાં વિચાર કર્યો મારા આવા પગલાં કોઈએ લીધા નથી. પછી પોતાની જાતને જ સમજાવતા એ બોલ્યા, કે ત્યારે ક્યાં આવું કોઈ કરતું પણ હતું.

પ્રીતિ અને ભાવિની અંદરના રૂમમાં બેઠા હતા. ભાવિની એની સ્ટડીની બધી વાત કરી રહી હતી. એ ભાભી સાથે વાતોમાં એટલી મશગુલ થઈ ગઈ કે એ બહાર બધા બેઠા છે ત્યાં જવાનું એને યાદ જ ન આવ્યું. સીમાબહેને બધા માટે ચા બનાવી હતી. એ પ્રીતિને ચા આપવા રૂમમાં અંદર ગયા, બંને નણંદભોજાય એટલી શાંતિથી વાત કરી રહી હતી કે એ જોઈને સીમાબહેન બોલી ઉઠ્યા કે, તમે બંને બહાર આવવાનું નામ જ કેમ નથી લેતા ચાલો બંને બહાર આવો ચા પણ ત્યાં જ બધાની સાથે લો.

પ્રીતિ બહાર બધાની જોડે બેઠી હતી. હવે એક ડર હતો એ પ્રીતિના મનમાંથી દૂર થઈ ગયો હતો. એ એકદમ નોર્મલ હતી. હસમુખભાઈએ પ્રીતિની સાથે વાતની શરૂઆત કરતા કહ્યું,
'તારી પરીક્ષા ક્યારે છે?

'હજુ તારીખ આવી નથી પણ બે મહિનાની અંદર કદાચ હોય.'

'અજયે કીધું હતું કે તારે હજુ આગળ ભણવું છે. તો અમારા તરફથી એ તને છૂટ છે જ. તું ઈચ્છે એટલું તું ભણી શકે છે. પણ મનમાં કોઈ ભાર ન રાખજે.'

'હા, હું કોઈ જ ચિંતા વગર ભણું છું. મને કદાચ જોબ મળે તો તમે એની મંજૂરી આપો ખરા?'

'હા, જોબ કરે એમાં કોઈ વાંધો નથી જ પણ બેટા તું બધું કામ કરીને થાકી નહીં જાય?'

'હા એ તો કરવાનું જ હોય ને! બધા કરતા હોઈ તો એ મારાથી પણ થઈ જ જશે!'

'ઓકે બેટા. સીમા પણ જોબ કરે જ છે અને તું પણ ઈચ્છે તો જોબ કરી શકે છે.'

પ્રીતિએ આ વાત કરી ત્યારે એવી કોઈ એને ખબર નહોતી કે અહીં ઘરે કોઈ કામ માટે આવતું નથી. એ એટલી નાદાન હતી કે, એને એમ જ હતું કે બધાના ઘરે સાફસફાઈ નું એક કે બે કામ તો બંધાવેલ જ હોય ને!

બધાયે જમી લીધુ એ પછી વાસણ સાફ કરી રહ્યા હતા ત્યારે સીમાબેન બોલી રહ્યા હતા કે, અમે કામ માટે બેન શોધીએ જ છીએ, અમારે પણ બંધાવું જ છે. ભોળી પ્રીતિ એવી જ ગફલતમાં રહી કે એ તો મળી જ જાયને! એણે કે કુંદનબેને એવો કોઈ ખુલાસો ન પાડ્યો કે, પ્રિતીને રસોઈ સિવાય બીજા કામની ટેવ નથી. કામ તો પ્રીતિને બધું જ ફાવતું હતું, પણ ક્યારેય બધું જ કામ એકસાથે કરવાનો સમય આવ્યો જ નહોતો. બસ, આ વાતની ચોખવટ થયેલ ન હોવાથી એની ખુબ મોટી કિંમત પ્રીતિએ ચુકવવાની થશે. ક્યારેક સાવ નાની લાગતી બાબત પણ એટલું ગંભીર રૂપ ધારણ કરી લે છે કે, એ સમયવીતે પછી સમજાય છે કે આમ કર્યું હોત તો આવું ન થાત! અને ત્યારે ફક્ત અફસોસ જ રહી જાય છે.

આખો પરિવાર જમીને એકસાથે બેઠો હતો. બધા જ વાતોમાં મશગુલ હતા પણ પ્રીતિ અને અજયને હજુ સુધી કોઈ એકાંતમાં વાત કરવાનો મોકો મળ્યો નહોતો. અજય એજ વિચારમાં હતો કે એ થોડો સમય ચોરી લે, કારણકે આવતી કાલે તો એને કોઈ જ સમય નહીં મળે વળી મહેમાનો પણ વહેલી સવારથી આવી જ જવાના હતા.

અજયે અંતે વોકનું બહાનું કાઢીને થોડીવાર ફરિયામાં ટહેલવાની ઈચ્છા જણાવતા પ્રીતિને પણ આવવા પૂછ્યું હતું.

પ્રીતિ અને અજય બહાર થોડીવાર માટે સમય કાઢીને નીકળ્યા હતા. પ્રીતિ હવે અજય સાથે એકદમ નોર્મલ રહીને વાત કરી શકતી હતી. એને હવે કોઈ સંકોચ થતો નહોતો. થોડી વાર બંને સાથે સમય પસાર કર્યો ત્યારે અજય બસ પ્રીતિને સમજી રહ્યો હતો. પ્રીતિ તો વાતોમાં જ મશગુલ હતી. એને એવું ધ્યાન પણ નહોતું કે બધી જ વાતો એ જ કરી રહી છે અજય તો ફક્ત વાતમાં સહમતી જ આપી રહ્યો હતો. અજય પ્રીતિની વાત કરવાની છટા અને વાત કરતી વખતે હાથ દ્વારા વાતને અનુરૂપ કરતી સ્ટાઇલ બસ આ બધું જ એ નીરખી રહ્યો હતો. પ્રીતિને બોલવાની ઓછી જ ટેવ હતી પણ અજય જેટલી ઓછી નહીં. એવું સામાન્ય નોટિસ પણ પ્રીતિએ કર્યું નહોતું. બસ એતો પુરેપુરી મનથી અજયને સમર્પિત થઈ જ ચુકી હતી. થોડીવારના સમય પસાર કરી બંને અંદર રૂમમાં ગયા હતા.

હસમુખભાઈ ગોરમહારાજે આપેલ લિસ્ટને આધીન બધું જ પહેલા બંગલે લઈ જવાનું સીમાબહેનને યાદ કરાવી રહ્યા હતા. સીમાબહેન કામમાં એટલી ચીવટ રાખતા કે એ બધું જ એમણે તૈયાર રાખ્યું હતું. સવારે વહેલું ઉઠવાનું હોય બધા ઊંઘવાની તૈયારીમાં હતા, પણ અજય અને પ્રીતિને ઊંઘ આવતી જ નહોતી. એ બંનેની રાત પડખા ફરવામાં જ વીતી હતી.

પ્રીતિએ આજ સાડી પહેરી હતી. અજયે એને પહેલી વખત સાડીમાં સજ્જ પ્રીતિને જોઈ હતી. પ્રીતિ ખુબ સુંદર લાગતી હતી. અજયને પ્રીતિની સેજ ઉઘાડી કમર પર અડકવાનું મન થયું હતું. એને પ્રીતિનું ખુબ આકર્ષણ થઈ રહ્યું હતું. પણ એ મન ખુબ મક્કમ કરી પોતાની ઈચ્છાને અંકુશમાં રાખીને વર્તી રહ્યો હતો.

હવનની પૂજામાં સીમાબહેન અને હસમુખભાઈ બેઠા હતા. એ બંનેની આસપાસ પ્રીતિ અને અજય બેઠા હતા. પૂજારી ખુબ ચીવટ રાખી દરેક પૂજા અને મંત્રોચ્ચાર સ્પષ્ટ ઉચ્ચારી રહ્યા હતા. એકદમ સરસરીતે હવનનું કાર્ય પૂરું થયું હતું.

હસમુખભાઈ અને સીમાબહેન બંને આવનાર મહેમાનોને ભેગા રહીને નહીં પણ અલગ અલગ રહી આવકાર આપી રહ્યા હતા. સામાન્ય રીતે પતિપત્ની બંને ભેગા રહીને જ બધાને આવકાર આપે, આમ નોખો આવકાર પહેલી વખત કુંદનબેને જોયો હતો. કુંદનબેનની નજરમાં સામાન્ય લાગતી આ બાબત ધ્યાનમાં આવી જ ગઈ હતી, પણ એમને થયું કે બંને જોબના લીધે અલગ રહે છે તો કદાચ બધા મહેમાનને એ બંને ઓળખતા ન હોય એમ માની આ વાત વધુ ઊંડાણથી ન વિચારી, પણ આવા વ્યક્તિત્વની ઊંડી અસર ભવિષ્યમાં ભાગ ભજવશે એની કલ્પના પણ કુંદનબેનને નહોતી.

હવનનું બીડું હોમતી વખતે બધા જ કુટુંબીઓને કતારબંધ એકબીજાનો હાથ પકડીને આ હવનવિધિમાં ભાગીદાર થવાનું ગોરમહારાજે સૂચન કર્યું હતું. બીડું હોમી દીધા પછી આરતી અને થાળ ગાવામાં આવ્યા હતા. પૂજારી એટલા સ્પષ્ટ વક્તા હતા કે એકએક શબ્દ એકદમ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો જેથી સાંભળનાર હરકોઈ એકદમ પૂજામાં લીન થઈ ગયું હતું. બધાએ પૂજા સંપૂર્ણ થયા બાદ પ્રસાદ લીધો હતો.

અજય અત્યારસુધી મન મક્કમ કરીને હતો પણ હવે પ્રીતિને જવાનો સમય થઈ રહ્યો હોવાથી જમતા જમતા બધાથી નજર બચાવી એણે પ્રીતિને ઇશારાથી મસ્તીભર્યા નટખટ અદાથી જે થોડી ઉઘાડી કમર હતી એના વખાણ પ્રીતિને કરી જ દીધા હતા. પ્રીતિ અજયનો ઈશારો સમજી ગઈ આથી શરમથી સંકોચાઇ ગઈ હતી. અજયની આ હરકત પ્રીતિને પણ ખુબ રોમાંચિત કરી ગઈ હતી. પણ શરમ ભારોભાર ઘરેણું બની પ્રીતિ પર સજ્જ હતી.

પરેશભાઈએ પ્રસાદ લઇ લીધા બાદ હસમુખભાઈ અને સીમાબહેનને હવન પૂજાનીમિતે બંનેને કવર આપ્યું હતું. કુંદનબેને અજયને અને ભાવિનીને પણ એક કવર હરખનું આપ્યું હતું. બધા સુંદર યાદો લઈને હવે નોખા પડી રહ્યા હતા. કારણ કે પરેશભાઈને હવે જવાનો સમય થઈ ચુક્યો હતો.

શું પ્રીતિ અજયના રોમેન્ટિક અંદાજને સહજરૂપે સ્વીકારી શકશે?
ક્યારે મળશે બંને ફરી રૂબરૂ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻