~~~~~~~
વિસામો - 11 -
~~~~~~~
હવેલીના સિંહાસન ઉપર બેઠા બેઠા ગોરલબા, મનમાં ને મનમાં ચારેબાજુ ફેલાયેલા પોતાના માણસોની સુરક્ષા સાવચેતીથી ચકાસી રહયા હતા,.. એમના મત પ્રમાણે એક ગૂનેગાર ને માફ કરવો પડે તો ચાલે પરંતુ, કોઈ પણ બેગુનાહ વિના વાંકે ના જ પિસાવો જોઈએ,..
મનમાં ને મનમાં એમની તમામ સેના ની સુરક્ષા ની ગણતરી કરતા એમને આસ્થા યાદ આવી ગઈ,..
"દરબાર, આસ્થા ની આસપાસ,.. " ગોરલબા થી પુછાઈ ગયું
"બા, એ ચોતરફ સુરક્ષિત છે,.. દરબારના સૂચન મુજબ એની વ્યવસ્થા મેં જ કરી હતી,.. " પૃથ્વી એ સાંત્વન આપતા ગોરલબા ને કહ્યું,.. જો કે એને પોતાને ત્યારે જરા પણ અણસાર નહોતો કે વિક્રમ સિંહ અને ગોરલબા આસ્થાની સુરક્ષાએ માટે આટલું બધું શું કામ કરે છે,.. પણ આજે એને સમજાઈ ગયું,..
ક્યારના નીચે જ ચર્ચાઓ કરતા બાને કે પૃથ્વીને ઉપર નહિ આવેલા જોઈને પૂનમ પોતાના રૂમ માંથી બહાર આવી,..
દીવાનખાના માં સીડી ના સૌથી ઉપરના પગથીએ પૂનમ ને જોઈને અચાનક વિક્રમસિંહ અને પૃથ્વી એકસાથે પોતાની બેઠક ઉપરથી ઉભા થઇ ગયા,..
વિક્રમ સિંહ ના હાથ અદબ પૂર્વક પોતાની પીઠ પાછળ બંધાઈ ગયા અને પૃથ્વી પૂનમની તરફ જવા લાગ્યો,..
જતા જતા જ એણે લીલી ને સાદ દીધો,.. "લીલી,.. "
એક શબ્દના લેવાયેલા પોતાના નામ સાથે કોનો કયો આદેશ છે એ પારખી લેવાનું હુનર લીલીમાં કમાલ નું હતું,.. મોટા ભાગે એવું જ બનતું કે આગળ કોઈએ કશુંજ બોલવાની જરૂર જ ના રહેતી અને એમને શું જોઈએ છે એની ખબર લીલીને પડી જતી,..
"હુકુમ,.."
બોલતાની સાથે જ લીલી પણ સ્ફૂર્તિથી પૃથ્વીની સાથે સાથે જ સીડીઓ ચઢીને પૂનમ સુધી પહોંચી ગઈ,..
પૂનમે એક હાથ પોતાના પેટ ઉપર મૂકી બીજા હાથે પૃથ્વીનો હાથનો સહારો લીધો,.. અને પૂછ્યું,
"શું થયું ? કેમ બા હજી સુતા નથી ? બધું ઠીક તો છે ને ?"
પૂનમ નો હાથ પૃથ્વીના હાથમાં થી લઈને એને સહારો આપતા લીલી બોલી,.. "કઈ જોઈતું હતું ભાભી,.. મને બોલાવી હોત તો,.. "
"બધું જ બરાબર છે પૂનમ તમે આરામ કરો બેટા,.. હું પૃથ્વી ને હમણાં જ મોકલું જ છું,.. " - ગોરલબાએ નીચે બેઠા બેઠા જ વ્હાલથી કહ્યું
"અરે નહિ બા પૃથ્વી ભલે ને તમારી પાસે હોય,.. હું તો બસ જોવા આવી હતી કે બધું ઠીક તો છે ને,.. "
લીલીના હાથ ના સહારે પાછા વળતા એણે શાંતિ નો શ્વાસ લેતા લીલીને કહ્યું, "થોડી બેચેની લગતી હતી લીલી,... મને જાણે બાપૂના પાછા આવ્યાના ભણકારા વાગતા હતા,.. "
પૂનમને પાછા રૂમમાં લઇ જતા લીલીએ કહ્યું, "ભાભી તમે ચિંતા નહિ કરો,.. ભાઈ છે, બા છે તમે નિરાંતે સુવો,.. "
"હા લીલી, કોણ જાણે કેમ આજે વિશાલભાઈની ખુબ જ યાદ આવે છે,.. એવું લાગે છે જાણે મારા સારા સમાચાર કોઈ જઈને એમને આપી દે તો એ મને જોવાની લાલચમાં પણ પાછા આવી જાય,.."
લીલી ની આંખો ભાવવિભોર થઇ ગઈ ગઈ,..
"ચોક્કસ આવશે,.. કેમ નહિ આવે,.. બધું જ ઈશ્વર ઉપર છોડી દો ભાભી,.. ગીતાજી માં કહ્યું છે ને કે સમય થી પહેલા અને કિસ્મત થી વધારે ક્યારેય કોઈને કશુંજ મળતું નથી,.. ટાઈમ આવશે એટલે તમારી પણ બધી જ આશાઓ પુરી થશે,.."
"હંમમ,..."
લીલી સાથે રૂમ માં આવીને પૂનમે પલંગ ઉપર લંબાવ્યું..
બાજુમાં પડેલા કાચના કબાટમાંથી એકાદ ચોપડી લઈને લીલી પણ પૂનમના પલંગ ની બાજુમાં ખુરશી ખેંચીને બેસી ગઈ,..
~~~~~~~~~
"બાદશાહ,... બાર વાગ્યા,... એ પહોંચી તો ગયો હશેને ?"
તાપણું સળગાવતા પ્રભાતે પૂછ્યું
"એ બહાદુર છે,... મને જરાયે શંકા નથી, ... પહોંચી જ ગયો હશે,.. સવાર થતાંમાં તો એ ગિરિજાઠાકુર ને લઈને પાછો પણ આવી જશે,.. "
"તમે માનો કે ના માનો - એ ચોક્કસ એની માશૂકાને મળવાનો - યાદ રાખજો બાદશાહ,... "
" ... ,હા તો,... ?"
"જો ઓલીને મળશે તો પાછો નહિ આવે,... શું કરશો જો પાછો નહિ આવે તો ?" પ્રભાતસિંહ જાણે બાદશાહને ચકાસી રહ્યો હતો,..
"તું છે ને,.. " બાદશાહે મજાક કરતા કહ્યું,...
થોડું થોભીને સિરિયસ થતા બાદશાહે પ્રભાત સિંહને જણાવ્યું, - "તને લાગે છે બાદશાહની ગેંગ એ છોકરા ઉપર નભે છે ? એના આવ્યા પહેલા પણ કેટલાયે ખૂનખાર શિકાર બાદશાહે એકલે હાથે કરેલા છે,.. અને આજે એના વિના પણ એકલે હાથે બાદશાહ એવાજ ખૂનખાર શિકાર કરી શકે એમ છે "
"તમારી તાકાતમાં જરાયે શંકા નથી મને,.. પણ એનો ભરોસો નથી પડતો,.. એ કાંઈ પણ કરી શકે,.. પોલીસને આપણી બાતમી આપી શકે,.. ગિરિજાશંકરને મારી નાખે,.. ઓલીની સાથે ઘર માંડે,.. પાછો ના આવે,... કઈ પણ બાદશાહ,.. કઈ પણ,.. જરા વિચારો,.. આ તો મારા બા કેતાતા કે ચેતતો નર સદાયે સુખી,.. બાકી તો મરજી તમારી બાદશાહ,.. "
"જો ભાઈ એને પાછું ન આવવું હોય તો હક છે એનો,... અને જ્યાં સુધી હું જાણું છું એને,... એ એક દરબારનું લોહી છે, ગમે તે કરશે, ગિરિજાને જીવતો મારી માટે પકડશે એ વચન આપીને ગયો છે.. જુબાન ની કિંમત શું છે એ વાત એ સારી રીતે જાણે છે,.. "
બાદશાહને ક્યારનો ભડકાવી રહેલો પ્રભાતસિંહ હવે થોડો ચૂપ થઇ ગયો..
એ લગભગ અડધા કલાક સુધી તાપણા સાથે રમતો રહ્યો,..
એના મનમાં બીજી ગડમથલ ચાલુ થતા એણે હળવેથી પૂછ્યું, " બાદશાહ, એક સવાલ હતો.."
"શું હતો?" - બાદશાહે સામે પૂછ્યું
"એ જ - કે - ઠાકૂર ગિરિજાશંકરે તમારું તો કશું બગાડ્યું નથી, તોયે એને જીવતો પકડવાનું તમે વિશાલને કેમ કીધું ? "
"વાત એમ છે ભાઈ, કે વર્ષો પહેલા વિશાલે કરેલી લૂંટ ના કોઈની પાસે કોઈ પૂરાવા નથી અને આજે જો એ કદાચને ઠાકૂર નું ખૂન કરે તો એ ખૂન સાબિત થયા વિના રહે નહિ,.. હું નથી ઈચ્છતો કે મારે શરણે આવેલું કોઈ પાછું વાળવા માંગે તો એના રસ્તા બંધ થઇ ગયા હોય,.."
"હું સમજ્યો નહિ, બાદશાહ - ... " પ્રભાત સિંહે પૂછ્યું
"મતલબ એ કે ઠાકુરનું ખૂન એના હાથે થાય તો એના સારી રીતે જિંદગી જીવવાના અને ઠરીઠામ થવાના બધા જ રસ્તા બંધ થઇ જાય, અને એવું તો હું કોઈની પણ માટે નથી ઈચ્છતો,.. ઠાકૂરને એ જીવતો પકડશે તો જ ઠાકુર ને મારવાના કે એના કતલ કરવાના ઇલજામ માંથી એને બચાવી શકાય,.. અત્યારે આટલું સચવાઈ જાય એટલે આગળનું હું સાંભળી લઈશ,.. "
"આગળનું એટલે ? ?"
"એટલે ઠાકુરનું આગળ શું કરવું એ હું જોઈ લઈશ,.."
"પણ એમ કરવાથી તમારો એક સાથી ઓછો થાય એ પરવડશે તમને ?? "
"એક નહિ બે,... "
"બે ? ... કેવી રીતે ??"
બાદશાહે માયાળુ સ્મિત સાથે પ્રભાત સિંહના માથે હાથ મૂક્યો અને અને વાત બદલતા કહ્યું -
"શેર ને શિકાર માટે સાથીદાર ક્યારેય ના જોઈએ ભાઈ,.. સમજી લે,.. બાદશાહે એની ગેંગમાં જોડાવા માટે કોઈની સાથે કોઈ પણ વાતની બળજબરી કરી જ નથી,.. ને જો કોઈ ગેંગ છોડવા ઈચ્છતા હોય તો બાદશાહે એમને ક્યારેય રોક્યા પણ નથી,.. બાદશાહ પોલીસ થી ડરતો નથી, ગુનેગારને છોડતો નથી,.. કોઈનો હક્ક મારતો નથી ને અસહાય ને લૂંટતો નથી,... સિમ્પલ,.. "
"પણ બાદશાહ,.. "
"ભાઈ તું આટલા બધા સવાલ કેમ કરે છે ?"
"સાચું કહું તો એ આપણી જવાબદારી કહેવાય,.. " ... પ્રભાતસિંહે વાત ફેરવી નાખી
"તું ભાઈ સાફ વાત કર, કઈ જવાબદારી ની વાત કરે છે ? "
"જો, ના કરે નારાયણ ને કાલે સવારે ગિરિજાશંકર કઈ કાવતરું કરે ને આપણા માણસ ઉપર હુમલો કરે તો કેવાય નહિ,... મને લાગે છે કે વિશાલને મદદ કરવા એની જાણ બહાર આપણે કોઈ યોજના કરવી જોઈએ જેથી કરીને ગિરિજાશંકરને જીવતો પકડવાની વિશાલની એક યોજના અસફળ થાય તો આપણી બનાવેલી બીજી યોજના તો કામ આવે,... નમક ખાધું છે તમારું સરદાર, એટલે ચિંતા થાય છે " - પ્રભાતસિંહ બોલ્યે જતો હતો
"મને વિશાલ ઉપર ભરોસો છે,... એ બખૂબી એનું કામ કરી શકે એમ છે,.. તેમ છતાં તારી વાત પણ સાવ ખોટી નથી,.. ગિરિજાશંકરને પકડવાનો આ મોકો ગયો તો ફરી ક્યારેય નથી મળવાનો,.. યોજના શું છે તારી પાસે ? ... "
બાદશાહને પૂરો વિશ્વાસ અપાવી એણે બાદશાહ સમક્ષ ગિરિજાશંકરને જીવતો પકડવામાં વિશાલને મદદરૂપ થાય એવી પોતાની યોજના બાદશાહને સમજાવવા માંડી,...
~~~~~~~
વિશાલને સમજાતું નહોતું - આસ્થાએ જે પૂછ્યું હતું એ સવાલ હતો કે જિંદગીનો સૌથી મોટો અહેસાસ ... એ સવાલ હતો કે જિંદગીનું સૌથી મોટું સત્ય ... એને જરાયે સમજાતું નહોતું કે શરીરનો કયો હિસ્સો આ સવાલ સાથે સંકળાયેલો હતો કે એના મનમાં એક વાવાઝોડું મચાવી ગયો ...
આ છોકરી ને આવા તર્ક ભર્યા સવાલ કરતાંયે આવડે છે એ એને આજે સમજાયું. શું જવાબ આપવો એ અસમંજસ માં એ શૂન્ય થઇ આસ્થા ની સામે જોઈ રહ્યો..
એને વિચાર આવી ગયો - કે - એક ઓછું ભણેલી સામાન્ય સ્ત્રી જયારે તાર્કિક સવાલ કરે ત્યારે એ ઇન્દિરા ગાંધી થી જરાયે ઓછી નથી લાગતી ...
ક્યાંય સુધી ચૂપ થઈ ગયેલા વિશાલને આસ્થાએ ફરીથી એ જ સવાલ કર્યો,
" તને પૂછું છું વિશાલ, કહે મને, - "તને મારા વિનાના છેલ્લા આઠ વર્ષ સારા લાગ્યા કે મારી સાથેના છેલ્લા ચાર કલાક ?"
" ચાર કલાક થઇ ગયા આસ્થા,.. " એને ભાન થયું. એ અશાંત અને બેચેન થઇ રહ્યો,.. હાથમાંથી છૂટતો જતો સમય કેમનો પકડી રાખવો એવા વિચાર એને વધુ બેચેન કરવા લાગ્યા,..
હવે બહુ સમય નથી એની એને ખબર હતી. એને લાગ્યું કે સત્ય સ્વીકારીશ તો રસ્તો ઝટ મળશે,.. એટલે એણે બોલવા માંડ્યું, - "હું શું કરું આસ્થા, લાગે છે બહુ મોડું થઇ ગયું યાર,.. આ ચાર કલાક તારી સાથે કાઢયા બાદ, આટલું મોડું મોડું,.. પણ હવે મને સમજાય છે કે તારા વિના જીવવાની મઝા નથી,.. અને અત્યારે તારી પાસે પાછા આવીને,. જીગર નો ખોવાઈ ગયેલો ટુકડો જાણે પાછો મળી ગયો હોય અને હ્ર્દયમાં એના સ્થાને ફીટ થઇ ગયો એવું લાગે છે ."
આસ્થાએ પાછું ફરીને વિશાલના હ્ર્દય પર હાથ મૂકીને એક આશા સાથે કહ્યું,.-
"બસ તું એક વાર મનથી નક્કી કર કે તારે મારી સાથે જીવવું છે અને બાકીનું બધુંજ તું ઈશ્વર ઉપર છોડી દે.." .
કોઈ નાદાન બાળક કશુંક નવું શીખતો હોય એમ ઉમ્મીદ સાથે એ પૂછવા લાગ્યો,.. "શું થશે એનાથી,.. ?? "
"એક ચમત્કાર તો ચોક્કસ થશે જ"
પોતાની માને હતી એવી જ આસ્થાની ઈશ્વર ઉપર ની શ્રદ્ધા જોઈને વિશાલ ગદ્દગદ્દ થઇ ગયો,..
આજની જ રાત હતી એની પાસે, અને એક વાર અહીંથી નીકળી ગયા પછી આ ગામમાં પાછું ફરવાનું ક્યારેય થવાનું નહોતું એને ખબર હતી..
આસ્થા પોતાનો હાથ એના હ્ર્દય પરથી હટાવી એની ઔર નજીક આવી,.. એના બન્ને હાથમાં વિશાલનો ચહેરો લઈને એની આંખમાં આંખ નાખતા દ્રઢતા સાથે બોલી, - "બધું જ ઈશ્વર ઉપર છોડી દે,.. એ ચોક્કસ કોઈ રસ્તો કાઢશે,.. અને એ રસ્તો એવો હશે કે તારું વચન પણ રહી જશે અને મારુ કામ પણ થઇ જશે,.. "
"એવું કેવી રીતે બને ?"
"ખબર નથી કેવી રીતે બને, પણ એટલી ખબર છે કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી"
વિશાલે એનું માથું આસ્થાના માથે ટેકવી એની આંખમાં જોઈને વિસ્પર કર્યું,.. "આટલી શ્રદ્ધા ??"
એક ક્ષણ માટે આંખો બંધ કરીને એણે કહ્યું, - "હંમમ "
અંધારું વધી રહ્યું હતું,..
રાત પણ પુરી થવામાં બે-ત્રણ કલાક જ બાકી હતા,..
બેચેની આસ્થાને પણ એટલી જ થતી હતી જેટલી વિશાલને થતી હતી,..
"મેં ક્યારેય વિચાર્યું નહોતું મારે તને મારી પાસે રાખવા આટલા વાના કરવા પડશે,.. " વિશાલને વળગીને આસ્થાએ કહ્યું
વિશાલ હસ્યો.. આસ્થાની આસપાસ પોતાના હાથ જોરથી ભીંસતાં બોલ્યો,.. "વાના ક્યાં કરે છે તું ? તું તો દાદીમા ની જેમ લૅકચર આપે છે,... "
આસ્થા શરમાઈ ગઈ,..
વિશાલે એનું કપાળ ચૂમતા કહ્યું,..
"પહેલા ખબર હોત કે આટલું મીઠું બોલે છે તો .. "
"તો પરણી ગયો હોત બચપનમાં જ,.. માં ની સામે,.. ખબર છે મને,.. " વિશાલની વાત કાપતા આસ્થા બોલી ઉઠી, અને એની સામે જોયું,.. શરમાયા વિના,..
વિશાલ સાફ જોઈ શકતો હતો, કે હવે આસ્થા નહિ - આસ્થાની આંખો બોલી રહી હતી,.. "હજી ક્યાં મોડું થયું છે ?"
~~~~~~~~~
પ્રભાતસિંહ ની સાથે યોજના બનાવવા કલાક એક ની ચર્ચા બાદ બન્નેએ હુક્કો સળગાવ્યો ત્યાંજ એક સાથીદારે બહારથી અંદર આવીને બાદશાહ અને પ્રભાતસિંહને કહ્યું
"બાદશાહ,.. ગામથી મારો માણસ આવ્યો છે "
"શું સમાચાર છે ?"
"વિક્રમસિંહે ગિરિજાશંકરને દબોચી લીધો છે"
બાદશાહ થોડો વધારે સજાગ બન્યો,..
એણે તાત્કાલિક બે-ચાર માણસોને જગાડ્યા,.. અને કહ્યું
"જુઓ, હું માનું છું કે વિશાલ કાઠી દરબાર છે - બોલશે એ કરી બતાવશે,. - પણ મને એમ છે કે આપણે આપણી ટુકડી સાથે ત્યાં પહોંચી જવું જોઈએ,.. ના કરે નારાયણ ને કોઈ બીજું જ, મતલબ કે વિક્રમસિંહ જ - એ ઠાકુર ઉપર વાર કરી દે તો તો એ આપણા હાથમાં આવી રહ્યો,.. "
"હા, મને પણ વિક્રમસિંહ ઉપર ભરોસો નથી,.. " પ્રભાતસિંહ બોલ્યો તો ખરો પણ એને પોતાના જ શબ્દો બનાવટી લાગ્યા,..
થોડીક તલવારો, થોડાક વિદેશથી મંગાવેલા હથિયારો અને આર્મી કેમ્પસ માંથી ચોરી કરેલી થોડી ઘણી આર્મી રિવૉલ્વર ભેગી કરીને એ ચાર પાંચ લોકો બાદશાહ અને પ્રભાતસિંહ સાથે હીરાપુર જવા નીકળી ગયા,..
રસ્તામાં ઘોડે દોડતા પ્રભાતે પૂછ્યું
"સરદાર, આ ગિરિજાશંકર સાથે એવી શી દુશમની છે તમારી ? તમારે એને પકડવો છે,..?"
"એને તો હું કોઈ કાળે છોડીશ નહિ,.. અમુક હિસાબો લેવાના બાકી છે એની પાસેથી,.. એ આપ્યા વિના તો એ મરી પણ ના શકે,.."
"એવું શું છે બાદશાહ,.. ?"
"તું નહિ સમજે પ્રભાતસિંહ,.. "
પ્રભાતસિંહ ની શંકા આજે યકીનમાં બદલાઈ ગઈ હતી કે બાદશાહની ગિરિજાશંકર સાથે મોટી દુશમની લાગે છે અને હવે એ પણ સમજી ગયો હતો કે આનાથી વધારે માહિતી અત્યારે મળી શકે એવા કોઈ પણ આસાર દેખાતા નથી,..
"સરદાર જઈશું ક્યાં આપણે ? વિશાલની માશૂકાને ત્યાં કે પછી,... "
"વાતો ઓછી કર .... ઘોડો દોડાવ,.. સીધા હવેલીએ જ પહોચશું "
પ્રભાતસિંહ સાથે બાદશાહ અને બીજા સાથીદારો હવે ઝડપથી હવેલી તરફ દોડવા લાગ્યા,..
~~~~~~~~~