(અક્રમ વિજ્ઞાની શ્રી દાદા ભગવાનનો પુર્નજન્મ અંગેનો સત્સંગ પ્રસંગ)
એક ફ્રેન્ચ સાયન્ટિસ્ટ મળેલા, માઈક્રોબાયોલોજીસ્ટ હતા. તે પાંસઠ વર્ષની ઉંમરના હતા. તે ઔરંગાબાદના એરોડ્રામ પર ભેગા થયા. ત્યારે એ કહે, છે ‘આખા હિન્દુસ્તાનમાં ફર્યા, આખા વર્લ્ડમાં, એક પુર્નજન્મ છે કે નહીં એટલું તપાસવા માટે હિન્દુસ્તાનમાં આવ્યો છું.’ પુર્નજન્મને આખું વર્લ્ડ માનતું નથી. હિન્દુસ્તાન એકલું જ માને છે. જો વોટીંગ કરીએ તો હિન્દુસ્તાનનો વોટ આવે નહીં, ને હિન્દુસ્તાન ખોટું પડે છે. અમારા ક્રાઈસ્ટે તો લખ્યું નથી, પુર્નજન્મ છે એવું. પણ તે અમને શંકા પડે છે. એટલે હું પૂછવા આવ્યો તો અહીં બધા સાધુઓ કહે છે કે પુર્નજન્મ છે.
આમાં ખરી હકીકત શું છે? ત્યારે મેં કહ્યું, ‘હિન્દુસ્તાનમાં તમે ક્યાં ક્યાં ફર્યા?’ ત્યારે કહે છે, ‘બધેય ફર્યો છું’, ને બધા લોકો એમ કહે છે ખરા કે ‘પુર્નજન્મ છે ખરો’, ‘છે’ બોલે છે. પણ ‘છે જ’ નથી બોલતા. એક જણ આઠ વાગે જન્મે છે, બીજો પણ આઠ વાગે જન્મે છે. એક ગરીબને ત્યાં જન્મે છે. એક શ્રીમંતને ત્યાં જન્મે છે. એ જન્મતા જ મરી જાય છે, એકને જંગલમાં મૂકી આવે છે તોય જીવે છે. આમ, બધા બહુ જાતના કોઝીઝ આપણા લોકોએ બતાવ્યા, છતાંય એની બુદ્ધિમાં ના બેઠા.
પછી છેલ્લીવાર જતી વખતે અહીં જોવા આવ્યો, ત્યાં ઔરંગાબાદમાં પેલી ગુફાઓ ને એવું તેવું. તે ત્યાં આગળ આવ્યો, ત્યારે મને કહે છે આ છેલ્લી જતી વખતે અહીં આવ્યો છું અને મને ખાતરી લાગતી નથી, કે હિન્દુસ્તાનની વાત સાચી છે એમ? ત્યારે મેં કહ્યું, ‘કોની વાત સાચી લાગે છે?’ ત્યારે કહે, ‘પુર્નજન્મ નથી.’ મેં કહ્યું, ‘શું ક્રાઈસ્ટે કહ્યું છે?’ ત્યારે કહે, ‘પુર્નજન્મ નથી.’ મેં કહ્યું, ‘ક્રાઈસ્ટે જે કહ્યું છે, બિલકુલ કરેક્ટ (સાચી) વાત છે. આખું જેટલું એમણે લખેલું છે, નવ કલમો કે જે હોય તે, તે બધું કરેક્ટ વાત છે. પણ એની આગળ તો બહુ જ્ઞાન જાણવાનું બાકી છે. હજુ તમે પુર્નજન્મ નથી સમજ્યા ફોરેનવાળા કોઈ.’ ત્યારે કહે, ‘પુર્નજન્મ છે પણ?’ મેં કહ્યું, ‘હા, છે જ કહું છું.’ ‘છે જ’ કહું છું. ત્યારે કહે, મને પુરાવો આપવો પડશે. ત્યારે મેં કહ્યું, સાયન્ટિફિક પુરાવો આપીશું, એમ કંઈ આવા આ લોકો આપે છે એવી નહીં. ત્યારે મને કહે છે, એની માટે બે-ત્રણ વર્ષ તમે કહો તો પાંચ વર્ષ રહું. મેં કહ્યું, ‘હું’ તમને બેઝીક (પાયાનું) આપીશ. હું તમને વિગતવાર નહીં આપું. કારણ કે, તમે સાયન્ટિસ્ટ છો. જો વિગતવાર તમે માંગતા હો, તો તમે સાયન્ટિસ્ટ નથી. એટલે હું તમને બેઝીક આપી દઈશ. ત્યારે કહે, ‘હા, બેઝીક આપી દો. બહુ થઈ ગયું.’ ત્યારે મેં કહ્યું, ‘પ્લેનમાં આપી દઈશ, અહીંથી.’ મેં કહ્યું, ભઈ આ મન-વચન-કાયા છે, એ તો તારા અનુભવમાં આવે એવી વસ્તુ છે કે નહીં? ત્યારે કહે, હા, મારી બોડી છે, મારી સ્પીચ છે ને મારું મન છે. તે મને અનુભવમાં આવે છે. હવે આ મન-વચન-કાયા ઈફેક્ટીવ છે એવું તમે સમજ્યાં. ત્યારે કહે, કે ઈફેક્ટીવ કેવી રીતે, એ મને સમજાવો. ત્યાકે આપણે કહીએ, કે નાના બાળકને સુવાડીએ અને ઠંડો પવન આવે તો રડવા માંડે. એ બાળક શું સમજી ગયું? ઠંડી પડી એ સમજી ગયું. શેનાથી સમજી ગયું? કારણ કે, તે ઘડીએ આ ચામડીને ઈફેક્ટ લાગે છે. બોડી ઈફેક્ટીવ છે એટલે એને ઠંડીની અસર થઈ. એટલે એ રડવા માંડે છે. તો આપણે ઓઢાડીએ તો રડતું બંધ થઈ જાય ને પાછો ખુશ થઈ જાય. પછી મેં કહ્યું, એને છે તે કડવી દવા મોઢામાં નાખીએ તો ચીઢાય છે. ગળી દવા મોઢામાં નાખીએ તો ખુશ થાય છે. એવું બને છે? ત્યારે કહે, ‘હા, બને છે.’ ત્યારે મેં કહ્યું, આ ઈફેક્ટ છે બોડીની, ઈફેક્ટીવ બોડી છે.
મેં બહુ રીતે સમજાવ્યું’તું. ત્યારે કહે, મને સમજાઈ ગયું, ઈફેક્ટીવ છે. મન-વચન-કાયા ઈફેક્ટીવ છે તો પણ ગર્ભમાં શું? ત્યારે મેં એમને ગર્ભનો દાખલો આપ્યો. મેં એમને કહ્યું, કે ભઈ, અમારા ગામમાં એક ગર્ભવતી બાઈને ગર્ભાશય પર ગાયનું શીગડું વાગ્યું અને ગર્ભાશયને નુકશાન થયું અને મહીંલા બાળકની આટલી જ આંગળી શરીરની બહાર નીકળી ગઈ. હવે જરાક જ એક દોરાનો સોળમો ભાગ પણ તે આંગળી અંદર ના જાય ત્યાં સુધી બાઈને લોહી બંધ થઈ શકે નહીં. હવે બાળકની આંગળી અંદર કેવી રીતે જાય? મિશનના ડોકટરોને આ સમજણ પડી નહીં અને એ ડોકટરો બિચારા થાકી ગયા. એટલી વારમાં એક ઘૈડીયા ડોશીમા આવ્યા. તે કહે છે, કે ‘ઊભા રહો, આ તમારૂં કામ નહીં, આ કામ તો અમારૂં.’ ડોકટરો સમજ્યા કે આમની પાસે કંઈ દવાની પેટી નથી. કશું સાધન નથી. આ માજી શું કરવાના છે ?
પછી એ માજીએ સાધનમાં માગ્યું શું? એક ઘાસતેલનો ખડિયો માંગ્યો અને એક સોય માંગી. પછી ખડિયો સળગાવી અને સોય ઉપર ધરી સહેજ ગરમ કરી. પછી પોતે આમ હાથ અડાડી જોયો, કે બહુ દઝાય છે કેમ? એટલું જોયું પછી એ બાળકને સહેજ સોય અડાડી કે તરત એ બાળકે આંગળી ખેંચી લીધી. એ આ બોડી ઈફેક્ટીવ છે. એટલે આ બોડી ગર્ભમાં પણ ઈફેક્ટીવ છે, એવી પેલા સાયન્ટિસ્ટને ખાતરી થઈ ગઈ. કો’ક મધર સહેજ મરચું વધારે ખાય છે ને, તો તરત મહીં હાલી ઊઠે છે એવું સાંભળવામાં આવ્યું છે? આ ઈફેક્ટીવ છે. મન-વચન-કાયા...
આ એક્ઝેક્ટ છે, આ તો કોઈને પણ માન્યા વગર છૂટકો જ નથી. પછી પૂછ્યું, કોઝીઝ પહેલા હોવા જોઈએ કે નહીં? કોઝીઝ પહેલા હોય તો જ ઈફેક્ટ થાય કે ઈફેક્ટ પહેલી હોય? ત્યારે કહે, કોઝીઝ પહેલા હોવા જોઈએ. કોઝની તો જરૂર. એ કોઝીઝ એ આગલો જન્મ જ છે. કોઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝીઝ, કોઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝીઝ ચાલ્યા જ કરે છે આ.
આ મન-વચન-કાયા એ ત્રણ ‘બેટરીઓ’ છે, એ ગર્ભમાંથી ‘ઈફેક્ટ’ (પરિણામો) આપતી છે. તે ‘ઈફેક્ટ’ પૂરી થાય, ‘બેટરી’થી હિસાબ પૂરો થઈ જાય. ત્યાં સુધી એ ‘બેટરી’ રહે અને પછી એ ખલાસ થઈ જાય એને મૃત્યુ કહે છે. પણ ત્યાર પછી આવતા ભવને માટે મહીં નવી ‘બેટરીઓ’ ચાર્જ (પાવર ભરાય) થઈ ગઈ હોય. આવતા ભવના માટે અંદર નવી ‘બેટરી’ ચાર્જ થયા જ કરે છે અને જુની ‘બેટરીઓ’ ડીસ્ચાર્જ થાય છે. આમ ચાર્જ-ડીસ્ચાર્જ (ખાલી) થયા જ કરે છે. કારણ કે, એને ‘રોંગ બીલિફ’ (ઊંધી માન્યતા) છે. એટલે ‘કોઝીઝ’ (કારણ) ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી ‘રોંગ બિલીફ’ છે ત્યાં સુધી રાગ-દ્વેષને ‘કોઝીઝ’ ઉત્પન્ન થાય છે અને ‘રોંગ બીલિફ’ બદલાય ને ‘રાઈટ બીલિફ’ બેસે એટલે રાગ-દ્વેષ ને ‘કોઝીઝ’ ઉત્પન્ન થાય નહીં.
ત્યારે કહે, ‘હું સમજી ગયો, હું સમજી ગયો. આખુંય તદ્દન સમજી ગયો.’ તો, એ કોઝીઝ ને ઈફેક્ટનું એકબીજાનું કહ્યું એટલે પુર્નજન્મ પ્રુવ થઇ ગયો. આવી ગયું બસ. એટલે કોઝીઝ જો બંધ થઈ જાય તો ફક્ત ઈફેક્ટ એકલી રહે. મહાવીર ભગવાનનેય કોઝીઝ બંધ કરી દીધા હતા, એટલે ભગવાનને એકલી ઈફેક્ટ જ રહી હતી. ઈફેક્ટ બધી પૂરી થઈ એટલે મોક્ષે ગયા.