(10)
૩૧ : સદ્વાંચન
શિક્ષણકાર્ય પૂરું થયા પછી યુવાનો ધંધા રોજગારે ચઢી ગયા પછી પણ મનને ખોરાકની જરૂર રહે છે. જેમ તનને પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક આપવાથી માનવ શરીર ટકી રહે છે. રોગ સામે પ્રતિકાર શક્તિ મેળવી રહી, તંદુરસ્તી ટકાવી રાખે છે. તેવું જ મનને પણ ખોરાકની જરૂર પડે છે. કે જેનાથી તેની જીવન નૈયા સરળતાથી કશા પણ ઉચાટ, ઉદ્વેગ, શોક કે મોહ, દુઃખ દર્દ વગર સંસાર તરતો રાખી શકે તે માટે મનનો ખોરાક સદ્વાંચન છે.
વાંચવાની પણ કલા છે. કોઇ કહેશે શું અમને વાંચતા નથી આવડતું? હા, કેટલીકવાર એવું કહેવું પડે છે, મનને રસ રુચિ ને રસવંતુ રાખે,શાંતિ, જ્ઞાન આપે અને અંતર-મન-પ્રાણને જાગૃત રાખે તેવું, પોતાને ઉપયોગી થઇ પડે તેવું વાંચન વાંચવું સારું ગણાય.
અત્યારે એટલાં બધાં લખાણો સમાચાર પત્રો, સામયિકો, પુસ્તકો વગેરે પ્રગટ થાય છે. તેની સાથે ઘણું બધું ખરાબ અને ગલિચ સાહિત્ય પણ પ્રકાશિત થતું રહે છે. તે જીવન માર્ગને ખરાબ રસ્તે લઇ જનારું છે. જીવન્નોતિ બની રહે તેવું હોતું નથી. એકમાત્ર સદ્સાહિત્ય જ પ્રજાની ઉન્નત્તિકારક છે. ઘણું એવું સાહિત્ય પ્રગટ થતું રહે છે. અને તે વંચાય છે તેનાથી માનવીના મનમાં ઉત્તેજના, વિલાસિતા, લોલુપતા કે જુગુપ્સા, લોભ લાલચ ઉત્પન્ન કરી, માનવીને ઉંધે રસ્તે દોરી જાય છે. જીવન બરબાદ કરી નાખે છે. એવા વાંચનથી ચઢતી તો થવાની નથી જ પણ માનવ ચારિત્ર્ય ઉપર ક્રૂર ફટકો પડે છે. માનવ ચારિત્ર્યની ક્ષતિ થાય છે. તેની અસર સમાજ ઉપર પણ ખરાબ પડે છે. એવા ગંદા વાંચનથી વાંચનારના મનને તો બગાડે છે પણ તેનાથી થતાં વૈચારિક આંદોલનોની અસર બીજાઓ ઉપર પણ ખરાબ થાય છે જે મનુષ્ય માટે હાનિકર્તા બને છે. ઘણા એવા સામયિકો પણ પ્રગટ થાય છે તે મંગાવી તેનું વાંચન કરવું જોઇએ. જે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરી રહે છે.
માનવ ચારિત્ર્ય ઘડતરમાં તો જીવન ચરિત્રોનો ફાળો નોંધપાત્ર ગણાય. ધાર્મિક સાહિત્ય પણ ઉન્નતપથગામી બનાવી રહે છે. એવી સારી નવલકથા કે વાર્તાના વાંચનથી મનુષ્યનું, કુટુંબનું રોજિંદુ સુંદર ઘડતર થઇ શકે છે. સુંદર ભજન કીર્તન વાળું સાહિત્ય વાંચવું જોઇએ. ગાવું જોઇએ. જેનાથી આનંદને શાંતિ સાથે સારા વિચારો ઉત્પન્ન થઇ શકે છે. ભાવપૂર્ણ લેખોના સંગ્રહ કે અનુભવયુક્ત વાણીથી લખાયેલું, ગદ્ય પદ્ય, ગ્રંથોનું વાંચન માનવ અને દેશને માટે હિતકારક નીવડે છે.
છતાં આજે ઉપરોક્ત સાહિત્ય તરફ અણગમો જોવા મલે છે. ચારિત્ર્યને નષ્ટ ભ્રષ્ટ કરનારું નીચ કક્ષાનું સાહિત્ય, વિલાસથી ઉભરતી નવલકથાઓ કે સિને માસિકો વગેરે વધારે વંચાય છે. પોતાના દેશની આબાદી ઉન્નતિમાં સર્વેએ ફાળો આપવો જોઇએ. અને એ ફાળો સદ્વાંચનથી આપી શકાય. એવા સારા વાંચનનો પ્રચાર કરવો જોઇએ. ભાઇબંધો કે અન્યને તેવા વાંચન વાંચવાં સૂચન પણ કરી શકાય. પુસ્તક આપી શકાય. જે શ્રેષ્ઠત્તમ જ્ઞાનદાન છે. સારા પુસ્તકો પ્રગટ કરી, સગાં સંબંધી સ્નેહી, મિત્રોને ભેટ આપવા જોઇએ.
દરરોજ થોડુંથોડું વાંચન રાખવાની ટેવ પાડવી જોઇએ. વાંચો થોડું પણ સારું વાંચો. વાંચીને વિચારો અને તદ્નુસાર જીવનમાં તેનું આચરણ કરી, જીવન સાર્થક્ય બનાવો. રાત્રે લાંબા સમય સુધી ખોટા ઉજાગરા કરીને ખરાબ યા સારું વાંચવાથી કોઇ ફાયદો નથી. વાંચ્યા પછી તેનો સાર લખી રાખવાની ટેવ કે નોંધ ખૂબ સારી છે. જીવનમાં, ચારિત્ર્ય ઘડતરમાં કે સદાચારમાં એ બધી નોંધ ખૂબ જ ઉપયોગી થઇ પડે છે.
આંખો ઉપર પ્રકાશ પડે તે રીતે કદીય ના વાંચવું. આંખો બગડે, તેજહીન થાય. વાંચવાની વસ્તુ ઉપર પ્રકાશ પડે તે રીતે વાંચન કરવું હિતકર છે. ચાલતાં ચાલતાં કે ટ્રેન બસ જેવા ઝડપી વાહનમાં બેઠાં બેઠાં પણ વાંચવું નહીં. તેનાથી આંખોને નુકસાન થાય છે. પુસ્તકો ખૂબ પાસે રાખીને પણ ન વાંચવા જોઇએ.
આજે એવા ઘણા મનુષ્યો નિવૃત્તિ જીવન ગાળતા વૃદ્ધો, ગામ ગપાટા હાંકી, બીડી, સિગારેટ પી સમય બરબાદ કરી રહે છે. તે ઠીક તો નથી જ. સારું આધ્યાત્મિક, ધાર્મિક વાંચન વાંચી, ભેગા મળી, તેની ચર્ચા વિચારણા કરી, સારત્વ જાણવા પ્રયત્ન કરવો જોઇએ. જે જીવનમાં ઉતારી, જીવન ધન્ય બનાવી, સુખ શાંતિથી જીવન પસાર કરવું જોઇએ. વિદ્યાવ્યાસંગ, ચારિત્ર્યને ઉન્નત પથગામી બનાવવામાં મહત્વનો ફાળો આપે છે.
ફક્ત મનોરંજન માટે કે જુગુપ્સાપ્રેરિત કે સમય પસાર કરવાને માટે નહિં વાંચતાં, જ્ઞાનવૃદ્ધિ કરી, જીવનનને ઉચ્ચતર બનાવી, આનંદમય જીવન જીવવું જોઇએ. જીવનના વિકાસ માટે સારા ઘડતર માટે આધારભૂત સામયિકો, ગ્રંન્થો કે ચારિત્ર્ય શીલતામાં સદાચારમાં મદદરૂપ થાય તેવા પુસ્તકોનું દરરોજ વાંચન કરવું જોઇએ. જે તેને લાભકારી બની રહે. જીવ્યું સાર્થક બનાવી રહે.
૩૨ : ચારિત્ર્ય પતન
કતારમાં ઉભા રહેતાં દરેકને કંટાળો આવે છે. ચાહે પછી તે કતાર ઘાસતેલ માટે, ખાંડ માટે, અનાજ માટે, સ્કૂટર માટે, સિમેન્ટ માટે, ગેસ માટે, કે કોલેજમાં એડમિશન માટે કેમ ન હોય? તે માટે આજનું માનસ શરમ અનુભવતું હોય છે. આ બધામાં જે પૈસાવાળા કે સંબંધ ધરાવતી હોય તે પોતાની ઓળખાણ પીછાણથી ગમે ત્યાં પ્રવેશ મેળવતા હોય છે? લાગવગ હોય તો ચપટી વગાડતામાં કામ બની જાય છે. જો ઘેર ટેલિફોન હોય તો તેના પર જ કામ થઇ શકે છે. લાગવગ કે ઓળખાણ પીછાણ જ આજના માનવજીવનના રોજિંદા કામ માટે એક માધ્યમ બની રહ્યું છે. અને તેના વગર આજના માનવીને ચાલે કે પરવડે તેમ નથી. તેમાં “દામ કરે કામ” એ અનુસાર નોકરી મેળવવા પણ ઘણી જગ્યાએ દામ જ કામ લાગે છે. ભલે નોકરી માટે પોતાનામાં લાયકાત ન હોય. વિદ્યાર્થીના પરીક્ષા પેપરમાં વધારે માર્ક મૂકાવવા દામ જ કામ લાગે છે. સમાજમાં એવા બીજા અનેક કામો માટે જ્યાં માનવી હતાશ થયેલ હોય ત્યાં દામ જ કામ આપે છે. નાના બાળકો પણ પિપરમીન્ટ કે ચોકલેટ મેળવ્યા પછી જ ઘરકામ કરતા હોય છે. અરે! મંદિરના પૂજારીઓ પણ જે માણસ વધારે ભેટદાન કે પૈસા મૂકે તેને જ પ્રસાદ (મિઠાઇ) હોય છે. માણસ ભગવાન પાસે કામ કઢાવવા, ઉકેલવા માનતા બાધા માનતા હોય છે. ભોગ ધરાવતા હોય છે.
આજનો અને આવતો સમય એવો કઠિન થતો જાય છે કે માનવીનું ભૌતિક મૂલ્ય દિવસે દિવસે ઓછું થતું જાય છે. અનેક દુર્ગુણોથી ભરેલા માનવીના ચારિત્ર્યની તો વાત શી કરવી? રોજિંદા જીવનમાં જ્યાં ને ત્યાં ચારિત્ર્યની શિથિલતા જોવા મળે છે. સમાજમાં દુરાચાર, ભ્રષ્ટાચાર, લાંચ રુશ્વત અને લાગવગશાહીના દર્શન થતાં હોય છે. જેથી સમાજ પાંગળો બનતો જાય છે. શ્રીમંતો શ્રીમંતાઇના જોરે, દેશનું સુકાન ચલાવનારા સત્તા સ્થાને બિરાજેલ સત્તાધિશો સત્તાના જોરે, અમલદારો તેમની તાકાત પર, વેપારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષણ સંસ્થાઓ સમાજમાં પોતાની મનમાની હકૂમત પર ફાવે તેવા ખરાબ કામો કરતા હોય છે. જે આપણે સાંભળીએ છીએ, જોઇએ છીએ છતાં આંખ આડા કાન કરી તેવા કાર્યો થવા દઇએ છીએ. આપણે પોતે પણ સામેલ થતા હોઇએ છીએ.
આપણે પોતે જ રાષ્ટ્ર નિર્માણના કામમાં માનવીનું ચારિત્ર્ય ભ્રષ્ટ કરતા રહ્યા છીએ, મૂલ્યનો હ્રાાસ જ થતો રહ્યો છે. રાષ્ટ્રનું ઘડતર લોખંડી થવું જોઇએ તેને બદલે માટી કામથી થઇ રહ્યું છે. ચોતરફ ઝેરી પવન વાઇ રહ્યો છે. અને તે જ હવા આજનો માનવી પોતાના ફેંફસામાં ભરી રહ્યો છે. તેથી રોજિંદા જીવનમાં માનવીનું શુદ્ધ આચરણ ક્યાંથી હોય? અને તેથી તેની પ્રવૃત્તિઓ, પણ અશુદ્ધિથી ખદબદતી રહી છે. આજનો માનવી જ્યાં ને ત્યાં લાગવગશાહી, સગાવાદની અનેક, અનિષ્ટ પ્રવૃત્તિ કરતો રહ્યો છે. અને રહેંશાઇ રહ્યો છે. આસ છતાં આ બધુ તેને કોઠે પડતું જણાય છે. આજના માનવીનું જીવન જ શુદ્ધ નથી. ત્યાં સમાજશુદ્ધિ કોણ અને કેવી રીતે કરશે? આજે તો સમગ્ર સમાજ ઉપર ભ્રષ્ટાચારનો ઓળો પથરાઇ ગયો છે. તે ક્યાં જઇને અટકશે તે કોણ વિચારશે?
********