Between Heaven and Hell... - King Aditya in Gujarati Short Stories by પરમાર રોનક books and stories PDF | સ્વર્ગ અને નર્કની વચ્ચે... - રાજા આદિત્ય

Featured Books
Categories
Share

સ્વર્ગ અને નર્કની વચ્ચે... - રાજા આદિત્ય

● રાજા આદિત્ય



મૃત્યુ બાદ શું થાય છે ? પ્રશ્ન એક પણ જવાબ અનેક ! આ પ્રશ્નનો સાચો જવાબ ત્યારે જ મળે, જયારે પ્રશ્ન પૂછવા વાળો મરે.


શરીરનું કઈ જ મહત્વ નથી, આત્મા કેન્દ્ર છે. જયારે શરીર મરે છે ત્યારે આત્મા શરીરમાંથી નીકળીને પોતાના માર્ગે આગળ વધે છે. જો તે આત્માએ શરીરમાં રહીને અન્યોની ભલાઈ, અન્યોની રક્ષા, અન્યોની સેવાઓ જેવા સ્તકર્મોની સાથે પોતાનો ધર્મ (એટલે કે કર્તવ્યોનો પથ) ક્યારેય છોડ્યો નહિ હોય તો તે 'સ્વર્ગ'માં જશે. પણ જો તે આત્માએ શરીરમાં રહીને ક્રોધ, લોભ, ધ્રુણા, વાસના જેવા અનેકો કુકર્મો કર્યા હશે તો તે 'નર્ક'માં જશે. પણ આ પહેલા આત્મા એક સ્થાને વિરામ લે છે, જ્યાં તેના કર્મોને લીધે તે ક્યાં જશે એ નક્કી કરવામાં આવે છે. આ સ્થાન એટલે કે, યમલોક. જ્યાં ચિત્રગુપ્ત આત્માના કર્મોની યાદી રાખે છે અને તે કર્મો પ્રમાણે ન્યાયમૂર્તિ ધર્મરાજ (યમરાજ) આત્માનો આગળનો માર્ગ નક્કી કરે છે. આ ક્રમ આરબો વર્ષોથી ચાલ્યા કરે છે.


એક વાર એવું બન્યું કે, એક આત્મા યમલોકમાં પહોંચીને ચિત્રગુપ પાસે ગઈ. પણ ચિત્રગુપ્તને એ વાતથી કઈ નવાઈ ન લાગી. કારણ કે, હમેશાં આત્મા પોતાના જન્મમાં શું ભૂલ કરી અને શું ખરેખર સારા કર્મો કર્યા તે વાત જાણવા માટે ચિત્રગુપ્તને મળે જ છે. તો આ આત્મા એ જ જાણવા માટે તેની પાસે આવી રહી હશે, એમ ચિત્રગુપ્તે મનોમન ધાર્યું.


"શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું, શ્રી ચિત્રગુપ્ત ?" આત્માએ આજ્ઞા માંગી.


ખરેખર તો ચિત્રગુપ્ત જાણતો હતો તો કે, પ્રશ્ન શું છે. તેમ છતાં તેણે સ્મિત સાથે કહ્યું, "જરૂર ! પ્રશ્ન પૂછવો એ અજ્ઞાનતાને દૂર કરવાનો સરળ માર્ગ છે."


"પણ…"


"પણ શું ? જે કઈ પણ પૂછવું હોય તે પૂછો."


"ચિત્રગુપ્તજી, હું તમને માત્ર એક જ પ્રશ્ન પૂછીશ. પણ તમે મને વચન આપો કે, તમે તે પ્રશ્નનો સાચો ઉત્તર આપીશો."


ચિત્રગુપ્તે આત્મવિશ્વાસથી કહ્યું, "મારા શબ્દ જ મારા વચન છે. તમે જે કઈ પણ પુછીશો તેનો હું સાચો જ ઉત્તર આપીશ."


"તમારા પ્રમાણે, શું યમલોકમાં કોઈ એવી આત્મા આવી ખરી, જેની સાથે અન્યાય થયો હોય ?" આત્માએ પ્રશ્ન પૂછ્યો.


આ પ્રશ્નથી ચિત્રગુપ્તના વિચારો અટકી ગયા. ધારેલા પ્રશ્નની વિરુદ્ધના પ્રશ્નથી તેને ઘણી નવાઈ લાગી. તેને આશ્ચય પણ થયું કે, એક આત્માને આવો પણ પ્રશ્ન જન્મી શકે ! તે વચનબધ હતો, તેને આ પ્રશ્નનો જવાબ દેવો જ પડશે. ધર્મરાજ ન્યાય કરવાનું જાણે છે. પણ એક ઘટના એવી બની કે, જેમાં ચિત્રગુપ્તને લાગે છે કે તે આત્મા સાથે અન્યાય થયો હતો. પણ તે ધર્મરાજની વિરુદ્ધ જઈ શકતો ન હતો.


ચિત્રગુપ્તે નિસાસો નાખતા કહ્યું, "હા, મારા પ્રમાણે એક વાર એવુ બન્યું હતું."


"શું બન્યું હતું ?" આત્માએ ઉત્સુકતાથી પૂછ્યું.


"આ કથા…ખબર નહિ કેટલા સમય પહેલાની છે. પણ આજે પણ માનો આંખોની સામે જ બધું બની રહ્યું છે…


બહુ સમય પહેલા 'નિલંબર' કરીને એક દેશ હતો. તે દેશની સ્થાપમાં સમ્રાટ નિલંબરે કરી હતી. તેના નામ પરથી જ દેશનું નામ પડ્યું હતું. તેના સો વંશજો ચક્રવર્તી રાજા હતા. તેમાંથી એક ચક્રવર્તી રાજા હતો રાજા આદિત્ય. શૂરવીર, પરાક્રમી, દાનવીર, કર્તવ્યનિષ્ઠ, ધર્મનિષ્ઠ, કર્મવીર એટલે ચક્રવર્તી રાજા આદિત્ય.


એક વાર રાજા આદિત્ય સામાન્ય માનવીના વસ્ત્રોમાં નગર ભ્રમણ કરવા નીકળ્યા હતા. તેઓ જંગલના માર્ગે ચાલીને કુદરતનું સૌંદર્ય નિહારવા માટે એક નદીના કાંઠે બેઠા કે, ત્યારે જ તેમની પર હુમલો થયો. તે હુમલો રાજાના જ કોઈ વ્યક્તિએ કરાવ્યો હતો, જે જાણતો હતો કે રાજા નગર ભ્રમણ માટે નીકળ્યા છે, પણ આ વાત રાજા આદિત્ય જાણતા ન હતા. હુમલા કરનાર પાસે તલવાર, છરી અને કુલ્હારી જેવા સાધનો હતા, જ્યારે બીજી બાજુ રાજા આદિત્ય પાસે પોતાની રક્ષા માટે માત્ર એક નાનું ચાકુ હતું. તે નાના ચાકુની મદદથી રાજા આદિત્યએ લડત આપી. ઘણા માર્યા ગયા અને બાકીના હુમલાખોરો ભાગી નીકળ્યા. પણ એ લડતમાં રાજા આદિત્યને ગંભીર ઇજા થઈ હતી. તેમના પેટમાંથી સતત રક્ત વહી રહ્યું હતું. તેમની પાસે જેટલી શક્તિ હતી તેટલી શક્તિની મદદથી તેઓ નદીની નજીક ગયા અને ત્યાં જ બેભાન થઈ ગયા.


સાંજના સમયે તે નદી કાંઠે એક નગરજણ પાણી લેવા આવ્યો હતો. તેણે જોયું કે, ત્યાં જ ઘણા મૃતદેહોની વચ્ચે કોઈ બેભાન પડ્યું છે. એટલે તે એ બેભાન વ્યક્તિને ઉપાડીને તેના ઘરે લઈ ગયો. તે નગરજણનું ઘર જંગલની વચ્ચે જ હતું.


જ્યાંરે રાજા આદિત્યએ પોતાની આંખો ખોલી ત્યારે તે એક નાની કુટીરમાં હતા. જ્યાં જ્યાંથી રક્ત નીકળતું હતું, ત્યાં ત્યાં લેપ લગાડવામાં આવ્યો હતો. રાજા આદિત્ય ઘણી સ્વસ્થતા આનુભવી રહ્યા જતા. ત્યારે જ એક યુવાન સ્ત્રી ત્યાં દાખલ થઈ. જ્યારે તેણે જોયું કે રાજા આદિત્યને ભાન આવી ગયું છે ત્યારે તે બારે ગઈ અને પોતાની સાથે બીજા યુવાન પુરુષને લઈ આવી. બન્ને સ્ત્રી પુરુષ રાજા આદિત્યની બાજુમાં બેઠા. ત્યારે બન્નેના ચહેરા પણ મોટી સ્મિત હતી.


"હવે તમને કેવું લાગે છે ?" યુવતીએ પૂછ્યું.


"ઘણું સારું લાગે છે." રાજા આદિત્યએ સ્મિત સાથે કહ્યું.


"મેં એવી જ ઔષધિઓનો ઉપયોગ કર્યો છે કે, જેથી તમારો દર્દ જલ્દી ચાલ્યો જાય." યુવતીએ કહ્યું.


"હું તમારો આભારી છું."


"અરે, હા ! હું તો મારો પરિચય દેતા જ ભૂલી ગઈ. હું છું નારાયણી." યુવતીએ પોતાનો પરીચય આપ્યો.


"અને હું છું નારાયણીનો ભાઈ, નટરાજ" યુવાને પોતાનો પરીચય આપ્યો.


"હું છું…" કઈક વિચાર્યા બાદ રાજા આદિત્યએ પોતાનો પરિચય આપ્યો, "હું છું ભૈરવ."


"આપણે મળીને આનંદ થયો, મિત્ર ભૈરવ." નટરાજે રાજા આદિત્ય/ભૈરવનો હાથ પકડતા કહ્યું.


"મને પણ આનંદ થયો." રાજા આદિત્ય/ભૈરવએ કહ્યું.


"ભૈરવ ભાઈ, આપ તે નદી કાંઠે બેભાન કેમ થયા હતા ?" નારાયણીએ પ્રશ્ન પૂછ્યો.


"બહેન નારાયણી, હું નદી કાંઠે કુદરતનું સૌંદર્ય જોવા બઠો હતો કે, ત્યારે મારી પર હુમલો થયો. જેમ તેમ હું તે હુમલાથી બચીને નદીના કાંઠા સુધી પહોંચ્યો અને ત્યાંજ બેભાન થઈ ગયો."


આમ, રાજા આદિત્યએ પોતાનો પરિચય છુપાવ્યો હતો. જ્યાં સુધી તેઓ ઠીક ન થઈ જાય ત્યાં સુધી નટરાજ તથા નારાયણીની જ કુટીરમાં રહેવાનો તેમણે નિર્ણય કર્યો.


આમ, એક માસ વીતી ગયો. રાજા આદિત્ય હવે સ્વસ્થ થઈ ગયા હતા. તેમ છતાં નટરાજના આગ્રહથી તે થોડા વધુ દિવસ રહેવા માટે તૈયાર થયા હતા.


એક દિવસે રાજા આદિત્યે નટરાજને એક પ્રશ્ન પૂછ્યો, "મિત્ર, તે અને નારાયણી બહેને શા માટે લગ્ન નથી કર્યા ?"


"કારણ કે, મિત્ર…"


"તને કોઈ તકલીફ હોય તો મને જણાવીશ, મિત્ર."


"ઠીક છે !" નટરાજે એક નિસાસો નાખતા કહ્યું, "મારા પિતા ચંદનના લાકડા વહેંચવાનું કામ કરતા હતા. તેમના મૃત્યુ બાદ મેં એ કામ સંભાળ્યું. પણ ચંદનના ભાવ વધતા કોઈ તેને ખરીદવા તૈયાર જ ન થયું. આથી તે લાકડાનો એક મોટો જધો મારી પાસે પડ્યો છે, જે વહેંચતો જ નથી. મેં અને નારાયણીએ એ પ્રણ લીધો છે કે, જ્યાં સુધી તે ચંદનના લાકડા નહિ વહેંચાય ત્યાં સુધી અમે લગ્ન નહિ કરીએ."


"અરે !" રાજા આદિત્યએ આશ્ચયની સાથે કહ્યું, "માનો આજીવન ચંદનના લાકડા વહેંચાણ નહિ, તો તમે આજીવન માટે લગ્ન નહિ કરો ?"


"હા, મિત્ર." થોડી વાર થોભીને નટરાજે આગળ ઉમેર્યું, "આ ચંદનના લાગડાને વહેંચવાનો એક જ ઉપાય છે."


"કયો ?"


"જો ચક્રવર્તી રાજા આદિત્ય મૃત્યુ પામે તો ! તેમના અગ્નિસંસ્કારમાં જેવા તેવા લાગડા તો હશે નહિ, ચંદનના જ લાકડા જોશે. ત્યારે હું આ લાકડા વહેંચી નાખીશ."


"અને પછી તમે બન્ને લગ્ન કરવા માટે છુટા !" રાજા આદિત્યએ ભાવભેર કહ્યું.


"હા, મિત્ર ભૈરવ !"


"મિત્ર, તારી પાસે ધાતુની તક્તિ હશે ?"


"હા."


નટરાજ ધાતુની એક નાની તક્તિ લઈ આવ્યો. એક ધારદાર પથ્થર દ્વારા નટરાજના મિત્ર ભૈરવે તેમાં કઈક લખ્યું. ત્યાર બાદ તેણે નટરાજ સામે જોયું. ત્યારે જ આશ્ચયમાં પડેલી નારાયણી ત્યાં આવી પહોંચી. તેણી પાછળ પાછળ સૈનિકો પણ આવી પહોંચ્યો. તે સૈનિકોને જોઈને નટરાજ આશ્ચયમાં ઉભો થઈ ગયો.


"મિત્ર નટરાજ, બહેન નારાયણી, મારુ ખરું નામ ભૈરવ નથી. હું છું નિલંબરનો ચક્રવર્તી રાજા. હું છું રાજા આદિત્ય." રાજા આદિત્યએ પોતાની ભારી અવાજમાં કહ્યું, "અને આ સૈનિકોને મેં જ બોલાવ્યા હતા. તમને બન્નેને રાજમહેલમાં લઈ જવા માટે. પણ હવે લાગે છે કે તેઓને કઈક બીજું જ કામ કરવું પડશે."


આશ્ચયમાં પડેલા બન્ને ભાઈ બહેન આ સાંભળી રહ્યા હતા. ત્યારે રાજા આદિત્યએ પેલી ધાતુની તક્તિ નટરાજને આપી. નટરાજે અને નારાયણીએ તે તક્તિ ઉપરનું લખાણ વાંચ્યું અને બન્નેની આંખોમાં આંસુ આવી ગયા. તે તક્તિમાં લખેલું હતું કે,


'હું નિલંબર દેશનો રાજા, ચક્રવર્તી સમ્રાટ આદિત્ય. પોતાની સંપૂર્ણ જાગૃતિમાં એ નિર્ણય લઉં છું કે, મારા મૃત્યુ બાદ મારા અગ્નિસંસ્કારમાં શ્રી નટરાજ તેમજ બહેન નારાયણી પાસે રહેલા ચંદનના લાકડાનો જ ઉપયોગ કરવો અને તેની પુરી રકમ તેમને આપવી. આ સાથે તેમના લગ્ન વૈભવપૂર્ણ કરવા.


  • નિલંબન નરેશ ચક્રવર્તી રાજા આદિત્ય '


આંસુભેર આંખોથી બન્ને ભાઈ બહેને રાજા આદિત્ય સામે જોયું, કે ત્યાર રાજા આદિત્યએ પેલું ધારદાર પથ્થર પોતાની છાતીમાં ભોકી દીધી. રક્તનો ઝરનો વહેવા લાગ્યો. આ રીતે બન્ને ભાઈ બહેનના તૃણની ચુકવણી રાજા આદિત્યએ આ રીતે કરી.


રાજા આદિત્યની ઈચ્છા પ્રમાણે તેમના અગ્નિસંસ્કાર વખતે નટરાજ અને નારાયણી પાસે રહેલા ચંદનના જ લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.


શરીરમાંથી નીકળીને આત્મા યમલોકે પહોંચી. તેમના જન્મમાં કરેલા કર્મોને આધારે ધર્મરાજે તેમને ન્યાય આપ્યો અને તેમને નર્કમાં મોકલ્યા !" ચિત્રગુપ્તે આશ્ચયની વાત જણાવી.


"પણ કેમ ?" આત્માએ તરત જ પ્રશ્ન પૂછ્યો. "રાજા આદિત્યને પોતાના કર્મો પ્રમાણે સ્વર્ગ મળવું જોઈતું હતું."


"મને પણ એમ જ લાગે છે કે, તેઓને ખરેખર સ્વર્ગ જ મળવું જોઈએ. પણ ધર્મરાજે એવું કર્યું નહિ." ચિતરપુતે નિસાસો નાખ્યો.


"પણ ધર્મરાજે આવું શા માટે કર્યું ?" આત્મા એ પૂછ્યું.


"રાજા આદિત્યના અગ્નિસંસ્કારમાં ઉપયોગમાં લેવાયેલા ચંદનના લાકડાના નાણાં નટરાજ કે નારાયણીને આપવામાં આવ્યા ન હતા. જ્યારે બન્ને ભાઈ બહેને આ વાત પર વિરોધ દર્શાવ્યો તો તે બન્નેને મારી નાખવામાં આવ્યા. આ બધું થયું કારણ કે, રાજા આદિત્યએ એવા લોકોને નિયુક્ત કર્યા હતા જેમની વૃત્તિ ખોટી હતી. જેનું ફળ નટરાજે અને નારાયણીએ ભોગવ્યું હતું. રાજા આદિત્યની આ ભૂલ માટે ન્યાયમૂર્તિ ધર્મરાજે તેમને નર્કમાં મોકલ્યા…પણ મારા પ્રમાણે એ અન્યાય હતો." ચિત્રગુપ્તે પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું.


આત્મા એક શબ્દ પણ બોલી શકી નહીં. શું રાજા આદિત્ય સાથે થયું એ ન્યાય છે કે અન્યાય ? શું સાચું છે ને શું ખોટું ? તે પોતાના જ વિચારોમાં તે અટવાઈ રહ્યો. એટલામાં ત્યાં એક યમદૂત આવી પહોંચ્યો અને તે આત્માને પોતાની સાથે લઈ ગયો.


■■■