શીર્ષક : તમને વરસાદના સમ
©લેખક : કમલેશ જોષી
એક દિવસ અમારી ઓફિસમાં રિસેસ દરમિયાન સાવ અચાનક જ ભજીયાની સોડમ આવતા અમે સૌ એકબીજા સામે નેણ ઉંચા-નીચા કરી પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા, ત્યાં અમારા એક વડીલ શિક્ષક મિત્રે હરખ સાથે ફોડ પાડ્યો, "બાબલાની વાત પાક્કી થઈ ગઈ." એમની આંખોમાં સંતોષ અને ગૌરવ છલકતા હતા. સંતોષ જવાબદારી પૂરી થયાનો અને ગૌરવ સંબંધી પરિવાર જ્ઞાતિમાં આગળ પડતું સ્થાન ધરાવતો હોવાનો હતો. બહાર ઝરમર વરસાદ વરસતો હતો અને એમણે કેવી રીતે ગોઠવાયું એનું ટૂંકું વર્ણન કર્યું, "હજુ બે રવિવાર પહેલા એક પરિચિત જ્ઞાતિ બંધુ બાબલાનો બાયોડેટા લઈ ગયા હતા. એમના ધ્યાનમાં દીકરી હતી. એના બે દિવસ પછી દીકરીની બાયોડેટા એ અમને આપી ગયા. પછીના રવિવારે અમે દીકરી જોવા ગયા. પરિવાર તો બંને પરિચિત જ હતા. દીકરી સી.એ. થયેલી છે અને આપણો બાબલો એમ.બી.એ. એટલે વાંધો આવે એમ નહોતો. જોડી પણ મિથુન અને પદ્મિની કોલ્હાપુરી જેવી જામતી હતી. અમે તો બીજા જ દિવસે પેલા મધ્યસ્થ વડીલને અમારા તરફથી હા કહેવડાવી દીધી. એ પછી દીકરી વાળાનો પરિવાર અમારું ઘર જોવા અમારે ત્યાં આવ્યા. ગઈ કાલે એમની હા આવી ગઈ. આ રવિવારે જલની અને સગાઈની વિધિ છે. મેં તો મિષ્ટાનની પાર્ટી નક્કી કરી હતી પણ સાહેબે વરસાદની સીઝનમાં ભજીયા રાખવાનું કહ્યું એટલે પહેલા થોડું ખારું-તીખું મોં કરો પછી આઈસ્ક્રીમથી મોં ગળ્યું કરીશું." અમે સૌએ તાળીઓના ગડગડાટથી એમના હરખને વધાવી લીધો.
ઘરે જતી વખતે અમે જોયું કે નવો મુરતિયો એના પપ્પાને તેડવા હોન્ડા લઈને આવ્યો હતો. એના ચહેરા પરની સાચુકલી ખુશી અને કોન્ફિડન્સ જોઈને લાગ્યું કે ખરેખર ‘સબ રસમો સે બડી હૈ જગમે દિલસે દિલકી સગાઈ’. મારી સાથે ઉભેલા શિક્ષક મિત્રે કહ્યું, "અમારા મેરેજને અઢાર વર્ષ થયા, અમારી સગાઈ થઈ ત્યારથી આજ સુધી મેં મારી વાઇફને અને એણે મને રોજ એક વાર તો 'આઈ લવ યુ' કહ્યું જ છે." હું એની સામે આશ્ચર્ય અને સ્મિત સાથે જોઈ રહ્યો. એના ચહેરા પર પણ પેલા નવા-સવા મુરતિયાના ચહેરા પર હતું એવું જ તેજ મને જોવા મળ્યું.
હવે ડીયર મેરીડ મિત્રો, તમે કહો તમે તમારા જીવન સાથીને છેલ્લે ક્યારે આઈ લવ યુ કે હું તને ચાહું છું કે આમી તુમાકે ભાલો બાસી કહ્યું હતું? જો તમારે બહુ યાદ કરવું પડે તો તમારા ચહેરા પર પેલા નવા-સવા કે પેલા અઢાર વર્ષ લગ્નના વટાવી ચૂકેલા મિત્ર જેવું તેજ તો નહિ જ હોય એની મારી ગેરેંટી.
એક મિત્રે કહ્યું, "વરસાદની મોસમ એટલે પ્રેમની મોસમ. દાંપત્યને, જીવન સાથી પ્રત્યેના આકર્ષણને રીન્યુ-રીચાર્જ અને રીસ્ટાર્ટ કરવાની ઋતુ." ચાલીસ-પચાસની ઉંમર વટાવી ગયેલા ખાસ વાંચે. પ્રોસીઝર સિમ્પલ છે. તમે યાદ કરો એ દિવસ કે જે દિવસે તમારા લગ્નની તારીખ નક્કી થઈ હતી. એ ડીસેમ્બર મહિનો હતો કે મે કે પછી કાયમનું શુભ મનાતું મુહૂર્ત અખાત્રીજ કે કોઈ જુદી જ તારીખ હતી? સગાઈ અને લગ્નના ગાળા દરમિયાનના ઈન્તેજારના એ દિવસોમાં કયું ગીત તમે મનમાં ગણગણતા કે એકબીજાને ફોન પર કે લેટરમાં લખી મોકલતા? 'ઇન્તેહા હો ગઈ ઈન્તેજાર કી' કે પછી 'કાટે નહિ કટતે યે દિન યે રાત' કે પછી 'મેરે રંગમે રંગને વાલી, પરી હો યા હો પરીયો કી રાની' કે પછી 'તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હે કે જહાં મિલ ગયા' કે પછી બીજું જ કોઈ? તમારી જોડી કેવી લાગતી? મિથુન પદ્મિની જેવી, અમિતાભ રેખા જેવી, અનીલ માધુરી જેવી કે ગોવિંદા કરિશ્મા જેવી? એ દિવસોમાં એનો ફોન, એનો અવાજ, એની નજર અને એનો ચહેરો તમારી ભીતરે કેવો વિશ્વાસ, ઉત્સાહ અને ઉત્તેજના ફેલાવી દેતા હતા? મિત્રો, મારું તો તમને નમ્ર સજેશન છે કે તમારા જીવનસાથી સાથે, હાથમાં હાથ પરોવી વરસતા વરસાદની સાક્ષીએ એકલા બેસીને આ એકાદ કલાક એ દિવસોને ફરી તાજાં કરશો તો ઋતુઓના રાજા વરસાદે કેવળ તમારા માટે સજાવેલી વરસાદી મોસમની એની મહેનત સફળ થશે.
એક વડીલે કહ્યું, "દરેક વ્યક્તિ પોતાના જીવનસાથીને ખૂબ પ્રેમ કરતી જ હોય છે પણ મોટી ઉંમરે એ જતાવવાની રીત થોડી બદલાઈ જતી હોય છે. નવા-સવા પરણેલાઓ એક બીજાનો હાથ પડકી બગીચામાં હિમ્મતભેર લાગણી જતાવતાં હોય છે તો સીનિયર કપલ્સ એ બાબતમાં જરા મર્યાદા જાળવીને એકબીજાની તકેદારી રાખીને, માન જાળવીને પ્રેમનો ઈઝહાર કરી લેતા હોય છે." એક વડીલે આખો ઉનાળો કેરી એટલે ન ખાધી કેમ કે એમના વાઇફને ડોકટરે કેરી ખાવાની મનાઈ ફરમાવી હતી, આ પણ એક પ્રકારનું આઈ લવ યુ જ નથી? એક વડીલે વધુ પડતા મહેમાનો ઘરે આવવાના હોવાથી ઓફિસેથી અર્ધી રજા લઈ વહેલા ઘરે પહોંચી શાક સુધારવામાં વાઇફને મદદ કરી એ પણ આઈ લવ યુ નો એક પ્રકાર જ છે ને? એક વાઈફે વહેલા ઉઠી ત્રણ-ચાર કલાકની એક્સ્ટ્રા મહેનત કરી થાળી ભરીને મસ્ત મજાના ચુરમાના લાડુ એટલા માટે બનાવ્યા કે એના હસબંડને છેલ્લા બેક અઠવાડિયાથી ચુરમાના લાડુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ હતી તો શું એ આઈ લવ યુ ન કહેવાય? લગ્ન જીવનના ચાર દાયકા વટાવી ચૂકેલું એક કપલ દર ત્રણ મહીને ટોકીઝમાં ફિલ્મ જોવા જાય છે અને જમવાનું પણ એ દિવસે એ કપલ એકલું જ બહાર પતાવે છે તો શું એ આઈ લવ યુ નથી?
મિત્રો આવા આઈ લવ યુ આખા ફેમિલીને ખૂબ ઉર્જા, ઉમંગ અને ઉત્સાહ આપતા હોય છે. કામના બોજ કે બીજા-ત્રીજા ટેન્શનનો ઉનાળો ગમે એટલી કોશિશ કરે, ધગધગતો તાપ વરસાવે પણ જ્યાં સુધી તમે ચોમાસું બની પરસ્પર પ્રેમનો ધોધ વરસાવતા રહેશો, ભાવથી ભીંજાતા રહેશો ત્યાં સુધી પરિવાર હર્યોભર્યો, લીલોછમ્મ, ખુશનુમા, ઉમંગ, ઉત્સાહ અને ઉર્જાથી છલકતો રહેશે એવું મારું માનવું છે. તમે શું માનો છો? આજનો રવિવાર, જો શક્ય હોય તો, તમારા જીવનસાથી સાથે વરસાદમાં ભીંજાઈને, એને આઈ લવ યુ કહીને, એનો કોન્ફિડેન્સ વધારીને એક વખત ફરીથી નવયુગલની જેમ જીવવાની હિમ્મત કરીએ તો કેવું? જો વરસાદ આખું ગામ ગાજે એવા વીજળીના કડાકા ભડાકા કરી પોતાની પ્રિય લાઇફ પાર્ટનર ધરતી પર બેફામ પ્રેમવૃષ્ટિ કરતો હોય તો આપણે આપણા લાઇફ પાર્ટનરનો હાથ પકડી એ પ્રેમ દૃશ્ય, એ ધરતી અને ગગનના રોમાંસના સાક્ષી બનીએ તો કેવું? બસ ઝાઝું કંઈ નથી કહેવું, તમને વરસાદના સમ..
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)