પરેશભાઈના ચહેરા પરથી સાફ જણાઈ રહ્યું હતું કે, જરૂર કોઈ પરેશાની એમને થઈ રહી છે. કુંદનબેન બોલ્યા, શું થયું પરેશ? કોનો ફોન હતો?
'ભાઈ નો ફોન હતો. બાપુજી રજા લઈને પ્રભુચરણ પામી ચુક્યા છે.' આટલું તો પરેશભાઈ માંડ બોલી શક્યા હતા.
ઉપસ્થિત દરેક સદ્દશ્ય દુઃખી થઈ ગયું હતું. થોડી વાર પહેલા હરખે ઝૂલતી પ્રીતિ એકદમ હતપ્રભ થઈ ગઈ હતી. એને દાદાના શબ્દો યાદ આવ્યા, 'મારે પ્રીતિની સગાઈમાં આવવાની ઈચ્છા છે હું ત્યારે જરૂર આવીશ!' આ વાત યાદ આવતા અચાનક જ એક આંસુનું ટીપું પ્રીતિની આંખમાંથી સરકી ગયું હતું. એ આ ઘા મૌન રહીને જ પચાવી ગઈ. પણ દિલ ખુબ વલોપાત અનુભવતું હતું. સૌમ્યા બેનની હાલત જોઈને હિંમત રાખી એટલું બોલી, પ્રીતિ તું રોઈશ નહીં. આજ તારા હરખના દિવસે તારી આંખના આંસુથી એમની આત્માને દુઃખ થશે.
કુંદનબેન પણ ખુબ દુઃખી થઈ ગયા હતા. બાપુજી ના આખરી શબ્દો એમને પણ યાદ આવી જ ગયા.
પરેશભાઈએ ગમગીન ચહેરે ત્યાંથી વિદાઈ લીધી. હવે દરેકનું મન આઘાત પામ્યું હતું. કોઈ કઈ બોલી શકે એવી સ્થિતિમાં નહોતું. પરેશભાઈનો આખો પરિવાર કારમાં ગોઠવાઈ ગયો હતો. અને બધા આ દુઃખદ પ્રસંગે દુઃખી મનથી જુદા થયા હતા.
પરેશભાઈનો આખો પરિવાર ગામડે પહોંચી ગયો હતો. ત્યાં બાપુજીનું મૃત શરીર કાચની પેટીમાં રાખી રાખ્યું હતું. જેવા પરેશભાઈ ત્યાં પહોંચ્યા કે એમના ભાઈએ હોસ્પિટલમાં જાણ કરી દીધી કે અમે થોડી જ વારમાં બાપુજીનો દેહ તમને સોંપી જાશું. બાપુજીને એવી ઈચ્છા હતી કે, એમના શરીરને હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવે, અને એમની પાછળ કોઈ વિધિ નહીં, પરંતુ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદને જમાડે. બાપુજીની ઈચ્છાને જ માન આપી બંને ભાઈઓ અનુસરી રહ્યા હતા. પરેશભાઈની બંને બેન પણ આવી ગઈ હતી. બધાએ એક પછી એક બાપુજીના અંતિમ દર્શન અને નમન કર્યા હતા. પરેશભાઈ જયારે બાપુજીને નમન કરવા ગયા ત્યારે અમને એ દુઃખ અત્યંત થયું કે, બાપુજીના અંતિમ શ્વાસ વખતે હું એમની પાસે નહોતો. હું એમને મળી ન શક્યો કે, એમને પાણી પણ ન પીવડાવી શક્યો. અફસોસની વ્યથામાં આંસુ સરકી પડ્યા અને મન દર્દથી દ્રવી ઉઠ્યું હતું. એક આશ્વાશન માટેનો હાથ હંમેશ માટે છીનવાય ગયો હતો. બાપુજીના ચરણસ્પર્શ કરી એમને નમન કરી પરેશભાઈ પ્રીતિ પાસે આવ્યા અને પ્રીતિને કહ્યું કે, 'બાપુજીની ઈચ્છા હું પુરી ન કરી શક્યો એ અફસોસ મને કાયમ રહેશે!'
પ્રીતિ કઈ જ બોલી શકે એટલી કઠણ ક્યાં હતી? એ પરેશભાઈને ભેટીને રડી પડી હતી. અત્યાર સુધી સાચવી રાખેલ રુદન એકદમ છલકી ઉઠ્યું હતું. પિતા અને પુત્રીનું આ દ્રશ્ય દરેકની આંખને વરસાવી રહ્યું હતું. કુંદનબેને પ્રીતિને સાચવતા કહ્યું, દીકરા! આપણી મરજીથી ક્યાં કઈ થાય જ છે? કુદરતની ઇચ્છાને સ્વીકારવી જ પડે. હિમ્મત રાખ બેટા તું રડે તો બાપુજીની આત્મા ને પણ ક્યાંથી શાંતિ મળે?
પ્રીતિએ મમ્મીની વાત સાંભળીને તરત જ પોતાના આંસુ લૂછી નાખ્યા હતા. પ્રીતિને એના દાદા ખુબ પ્રિય હતા. એમને દુઃખ ન પહોંચે એ માટે પ્રીતિ મન મક્કમ કરી ને રહેવા પ્રયત્ન કરી રહી હતી.
પરેશભાઈ અને એમના ભાઈ તથા અન્ય પરિવારના અંગત પુરુષો બાપુજીના મૃતદેહને ડોનેટ કરવા માટે હોસ્પિટલ ગયા હતા. જરૂરી ડોકયુમેન્ટ સાઈન કરીને હોસ્પિટલને બાપુજીનો દેહ સોંપીને ભારે હૃદયે એ લોકો ત્યાંથી નીકળ્યા હતા. પરેશભાઈને બાપુજીના ચહેરા પર એવું તેજ દેખાય રહ્યું હતું કે, બાપુજી એકદમ સંતુષ્ટ મને આ સંસારને છોડીને ગયા હોય એવી અનુભૂતિ પરેશભાઈને અનુભવાઈ હતી.
ઘરે બધાજ પરિવારના લોકોને શોક રાખવાની મનાઈ કરી હતી આથી કોઈએ શોક પાડવાનો નહોતો. બાપુજીની ઈચ્છા મુજબ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં એક મહિના સુધીનું બધું જ ભોજન પરેશભાઈ પોતાના તરફથી નોંધાવ્યું હતું. આ કર્મ કરી પરેશભાઈના મનમાં બાપુજી માટે ખુબ માન જનમ્યું હતું. બાપુજી હતા ત્યારે પણ બધાને મદદરૂપ થવા તત્પર રહેતા અને ગુજરી ગયા બાદ પણ એમની ઈચ્છા બીજાને મદદરૂપ થવાની જ રહી હતી.
પરિવારના દરેક લોકો બાપુજીની દેહ ડોનેટ કરવાની વાત પર ખુબ પ્રભાવિત થતા હતા. બાપુજી કહેતા કે શરીર મૃત થઈ ને પણ જો કોઈને કામ લાગે તો અવશ્ય ડોનેટ કરવું જ જોઈએ. આ દેહ મેડીકેલના સ્ટુડન્ટને અભ્યાસ માટે ઉપયોગી થાય છે. એ સ્ટુડન્ટ એક સારો ડોક્ટર બની એક લોકોના જીવ બચાવે છે. બાપુજીના વિચારો ખુબ જ ઉચ્ચ હતા. સમયની સાથોસાથ બાપુજી અનુરૂપ થઈ જતા એ એમના આ નિર્ણય પરથી સાબિત થતું હતું.
પરેશભાઈ અને બધા જ ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યા હતા. સમયે બાપુજી વીના રહેતા શીખડાવી દીધું હતું.
એકાદ મહિના જેટલો સમય વીતી ગયો હશે એ વખતે પરેશભાઈ અને એમના ભાઈ હસમુખભાઈને ત્યાં ભાવનગર ગયા હતા. કારણકે, બાપુજીના અશુભ સમાચાર મળ્યા ત્યારબાદ અજયને શુકનનું આપવાનું બાકી રહ્યું હતું એ અધૂરું કામ પૂરું કરવા બંને ભાઈ ભાવનગર આવ્યા હતા. હસમુખભાઈએ અને પરેશભાઈએ પ્રીતિ અને અજયની સગાઈની તારીખ પણ ગોરમહારાજને બોલાવીને કઢાવી લીધી હતી. સગાઈની અમુક તારીખોમાં ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઇનની તારીખ સગાઇ માટે નક્કી કરવામાં આવી હતી. હસમુખભાઈ અને પરેશભાઈ સામસામે એકબીજાને સગાઈની તારીખ નક્કી કર્યાના વધામણાં આપી બંનેએ પોતપોતાના પરિવારને તારીખની જાણ કરી હતી. સીમાબહેને તરત તાજા માવાના પેંડા પોતાના હાથે બનાવીને પરેશભાઈનું મોઢું મીઠું કરાવ્યું હતું. પરેશભાઈએ આટલા સ્વાદિષ્ટ પેંડા ક્યારેય ખાધા જ નહોતા. અને આમ પણ દીકરીના સગપણના હરખની પણ મીઠાસ પેંડાના સ્વાદમાં ભળતી જ હશે ને!
ભાવિનીએ પણ દરેકને પેંડા ખવડાવી હરખ જતાવ્યો હતો. ભાવિનીએ પરેશભાઈ પાસેથી પ્રીતિનો નંબર માંગીને પ્રીતિને ફોન કરીને સગાઈની તારીખ જણાવી હતી. પ્રીતિએ આ પહેલી વખત ભાવિની જોડે ફોનમાં વાત કરી હતી. ભાવિનીએ ત્યારબાદ ફોન અજયને આપ્યો હતો. અજય બોલ્યો,
'હેલો'
'હેલો'
'જો તમને અનુકૂળ લાગે તો હું તમારો નંબર ભાવિની પાસેથી લઈ શકું?'
'હા, એમાં તમારે પૂછવાની જરૂર નથી. તમે ઈચ્છો ત્યારે ફોન પણ કરી જ શકો છો.' શરમાતા સ્વરે પ્રીતિએ પોતાની ઈચ્છા પણ રજુ કરી હતી.
'હા સારું.. અભિનંદન... વેલેન્ટાઈન ના આપણી સગાઇ નક્કી કરી છે.'
'આપને પણ અભિનંદન.'
પહેલીવાર બંને ફોન પર વાત કરી રહ્યા હતા. આથી બંનેને એ તકલીફ હતી કે વાત કેમ કરે! પહેલી વખતના આટલા સંવાદ બાદ અજયે ફોન ભાવિનીને આપ્યો હતો. ભાવિનીએ સૌમ્યા જોડે પણ હરખ વ્યક્ત કર્યો હતો. કુંદનબેન અને સીમાબહેને પણ એકબીજાને વધામણાં આપ્યા હતા.
સમુખભાઈ અને પરેશભાઈ બંને સગાઈની તૈયારીમાં અને સગાઈના પ્રસંગને કેમ ઉજવવો એ ચર્ચામાં જોડાઈ ગયા હતા. અમુક અંગત લોકોની હાજરીમાં હોટેલમાં આ સગાઈનું સેલિબ્રેશન એકદમ ધામધૂમથી કરવાનું નક્કી કરી પરેશભાઈએ હસમુખભાઈ પાસેથી વિદાઈ લીધી હતી.
પ્રીતિ અજયનો અવાજ સાંભળીને ખુબ ખુશ થઈ ગઈ હતી. હા, સામેથી કોઈ વાત નહોતી કરી કારણકે, એ અજયના અવાજ થકી જ એને અનુભવી રહી હતી. પ્રીતિના પ્રેમને અજય પણ જાણી જ ચુક્યો હતો. આ પહેલી વખત બાદ અનેકવાર વાતો ફોન પર બંને કરવા લાગ્યા હતા. હવે અજય અને પ્રીતિની સવાર અને રાત બંનેના અવાજ સાંભળીને જ પડતી હતી. પરેશભાઈ અને કુંદનબેન આ બંનેની ખુશીઓ જોઈને ખુબ ખુશ થતા હતા. પણ સીમાબહેનને અજયનું આ વલણ થોડું ઓછું ગમતું હતું. હા એ અજયને ટોકતા તો નહોતા જ પણ એક અસલામતીનો ડર એને ડંખતો હતો જે સાવ કોઈ જ કારણ વગરનો એમના જ વિચારથી ઉદ્દભવેલો હતો.
કેવું હશે પ્રીતિ અને અજયનું સગપણ?
સીમાબહેનના નેગેટિવ વિચારો શું બંનેને તકલીફ પહોંચાડશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધન' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻