Guhilot dynasty and Maharana Pratap in Indian history - 34 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 34

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 34

અમાનત

મોગલોની રણથંભોર પર ચડાઈ -૧

      રાજપૂતાનાનો પ્રથમ કક્ષાનો કિલ્લો ચિત્તોડગઢ હતો. રણથંભોર દ્વિતીય ક્રમે આવતો હતો. શહેનશાહ અકબરના સમય માં સુરજનસિંહ હાડા ત્યાં નો રાજવી હતો. હાડા અણનમ હોય છે. તેથી જ કહેવાતું કે, સો ખસે ખાડા પરંતુ એક ન ખસે હાડા. ઈ. સ. ૧૫૭૧ નો સમય હતો.

     મોગલ શહેનશાહના હાથે ચિત્તોડગઢનું પતન થઈ ચૂક્યું. મહારાણા ઉદયસિંહ અરવલ્લીની પહાડીઓમાં ,ગોગુન્દા પાસે જતા રહ્યા હતા. કૃષ્ણે મથુરા છોડી દ્વારિકા વસાવ્યું હતું તેમ મહારાણા ઉદયસિંહે પણ એક નગર ગોગુન્દાની પાસે આબાદ કર્યું હતું. તે નિર્માણાધીન હતું.

એમ કહેવાતું કે, રાજા મીદાસની સુવર્ણ-લાલસા ક્યારેય સંતોષાઈ ન હતી. હવે અક્બરશાહ એ વાતે બેચેન હતો કે, રાજપૂતાનાનો દ્વિતીય ક્રમનો કિલ્લો રણથંભોર અણનમ હતો.

    “ માનસિંહ હવે રણથંભોર પર આક્રમણ કરવું પડશે. મંત્રણા કરવા છતાંયે સુરજનસિંહ હાડા કોઠું આપે એમ નથી.”

 “ ગરીબપરવર , રણથંભોર ચિત્તોડગઢ કરતાં યે દુર્ગમ છે, અરવલ્લીની દુર્ગમ પહાડીઓથી આ કિલ્લો સંપૂર્ણ સુરક્ષિત છે. અને હાડાઓ અણનમ અને વીર હોય છે.

 “ વિશાળ સેના લઈ જાઓ. તમે અને શાહબાઝખાન,  મને લાગે છે કે, આ કઠિન કામને આસાન બનાવી શકશો.”

   રાજા માનસિંહ અને શાહબાઝખાન બંને મોટા મનસબદાર હતા. બને એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. ચાલક અને ધૂર્તવિધામાં પ્રવીણ શહેનશાહ બંનેને સાથે રાખીને મહત્વના કાર્યો પર પાડતા, બંને એકબીજાના પ્રતિસ્પર્ધી હોવાથી, એકબીજાની હિલચાલ પર બરાબર નજર રાખતા.

   મોગલસેના એ કૂચ કરી પરંતુ પર્વતીય રસ્તાને કારણે મોટી સેનાને લઈ જવાની મુશ્કેલી હતી. આથી તેઓ મોટા વિસ્તારમાં જુદી જુદી છાવણીઓ બાંધી, રણથંભોરના કિલ્લાને ઘેરો ઘાલીને બેસી રહ્યા હતા.

   વચ્ચે વચ્ચે બે વખત યુદ્ધો ખેલાય હતા. પ્રથમ વખતના ઘિંગાણામાં રાજકુમાર વીરગતિ પામ્યો. બીજી વખતના યુધ્ધમાં રાવ સુરજનસિંહ હાડા કામ આવ્યા. રણથંભોરના કિલ્લામાં જૂજ સૈનિકો, હાડી રાણી અને તેની બાર-તેર વર્ષ ની બાળિકા , આટલી જ વ્યક્તિ હતી.

  રાણી ગર્જી ઉઠી, “હું તાબે થઈશ નહિ, હું જૌહર કરીશ નહિ, મેવાડની રાજમાતા જવાહરબાઈએ રાજપુતાણીઓ માટે નવો માર્ગ ચીંધ્યો છે. હું પણ તલવાર પકડીને કેસરિયાં કરીશ. પણ સમય પહેલાં નહિ. તમે હવે અંતિમ યુદ્ધ ખેલી લેવાની રાહ જોતા રહો. મારે મારા પતિનું એક ઋણ ચૂકવવાનું છે.”

ભૂખના તાંડવ કરતાં મોતની મહેફિલ સારી    

    હાડા રાણી બહાદુર હતી. ચિત્તોડગઢમાં જેમ જવાહરબાઈએ ગુજરાતનાં બાદશાહ બહાદુરશાહ વિરુદ્ધ જંગ ખેલ્યો હતો. તેમ મોગલસેના સાથે જંગ ખેલવાની એની અભિલાષા હતી. પોતાની મુરાદને બર લાવવા તે સર્વોચ્ચ બલિદાન આપવા પ્રસ્તુત હતી.

કપરા દિવસો આવી રહ્યા હતા. મોગલોના તંબુઓ કિલ્લાની દિવાલોની પાસે ને પાસે આવી રહ્યા હતા. હવે તો તંબુઓ માટે ઠોકતા ખિલાઓના અવાજ સાંભળીને હાડારાણીની છાતી પર સાંપ ફરી વળ્યાનું દર્દ થતું હતું. વળી મોગલોનો ઘેરો સખત થયો હતો. કિલ્લાની અંદરની ખાધ-સામગ્રી ખૂટી હતી. અને બહારથી ખાધ-સામગ્રી આવવાનો સંભવ ન હતો.

   “ રાણીમાં, ભૂખે મરવા કરતાં શમશેર તાણી દુશ્મનો પર તૂટી પડવું ઉત્તમ છે.” કિલ્લામાં બચેલા સૈનિકો કહેતા હતા. “ મને પણ એ જ માર્ગ ઉત્તમ લાગે છે. આજનો દિવસ થોભી જઈએ. “હાડીરાણીને પ્રાણની તો પરવા જ ન હતી. પરંતુ એક ચિંતા  તેમના કાળજાને કોરી ખાતી હતી.

    “ હાડી રાણી આ ,તલવાર મહારાણા કુંભાજીની અમાનત છે. કોઈ યવનના હાથમાં એ ન જાય. જરૂર પડે તો આ તલવાર મેવાડ મહારાણાને પહોંચાડજો. “

 કેસરિયાં કરવા જતાં પહેલાં પતિએ ખેલ આ શબ્દો, તેને માટે આદેશ હતો. ઓરડામાં હાડી રાણી અને તેની બાર તેર વર્ષની રાજકુમારી બેઠાં હતા.

  “ માં , ચિંતા કરવાથી શું વળશે ? માનો ય ન માનો. કોઈ અગમ્ય વાતની ચિંતા તમને સતાવી રહી છે.”

 “ દીકરી, તારી વાત સાચી છે. મારા હૈયા પર એક મોટો ભાર છે.”

 “માં , ચિંતા ન કરશો. હું પણ હસતાં હસતાં મૃત્યુને ભેટીશ. ભૂખના તાંડવ કરતાં મોતની મહેફિલ માણવામાં મને અનેરો આનંદ આવશે.”

 “ હું જાણું છું. હાડાકુળમાં ટેક માટે મરતા કદી કોઈ ગભરાયું નથી કે નથી કોઈ ક્ષણનો વિચાર કરતું પરંતુ ..”

‘ભગવાન એકલિંગજીની છાયા મારી સાથે છે જ.’ 

હવે અધીર બની રાજકુમારીએ પૂછ્યું,” તો પછી પરંતુ શા માટે ?”

“મારી મૂંઝવણ સમજીશ ? તો સાંભળ મારી વાત દીકરી.”

ભગવાન એકલિંગજીની છાયા મારી સાથે છે જ 

મેવાડમાં તે વખતે મહારાણા કુંભાજી શાસન કરતાં હતા. અને માળવામાં સુલતાન મહમુદશાહનું રાજ્ય હતું. મેવાડ અને માળવા એકબીજાના કટ્ટર હરીફ હતા. માળવાપર કુંભાજીએ ચઢાઈ કરી. ભયાનક યુદ્ધ થયું. આ યુદ્ધમાં એક પળે કુંભાજીએ જોરદાર હલ્લો કરી મહંમદશાહ ખીલજીને ઘાયલ કર્યા અને તેમની તલવાર આંચકી લીધી. એ તલવાર આ યુધ્ધમાં સૌથી વધુ પરાક્રમ દાખવ્યું હતું. એવા મારા સસરાના પરદાદાને કુંભાજીએ ભરદરબારમાં ભેટ આપી. આપણા વીર પૂર્વજ રણથંભોર નરેશે તલવાર ગ્રહણ કરતાં પ્રતિજ્ઞા લીધી કે,” આ ઐતિહાસિક તલવારનું રક્ષણ હું અને મારા ભાવિ સંતાનો પ્રાણના ભોગે કરીશું. આ શમશેર અમે કદાપિ યવનોના હાથે નહિ પડવા દઈએ. “ અને ખરેખર આજ સુધી રણથંભોરના રાજવીઓએ પ્રાણના ભોગે, ગમે તેવી મુસીબતમાં મહારાણા કુંભાએ આપેલી શમશેરની રક્ષા કરી છે. હવે રણથંભોર થોડા કલાકો જ  આપણા હાથમાં છે. મને પણ મુત્યુનો તો જરાયે ભય નથી. પરંતુ એ ઐતિહાસિક તલવારનું શું કરવું એની ચિંતા મને સતાવી રહી છે.”

થોડીવાર માટે ઓરડામાં મૌન છવાઈ ગયું. બંને વિચારવા માંડયા. એકાએક ઉત્સાહમાં આવી રાજકુમારી બોલી, “માં, એ તલવાર મને આપ . હું એને યોગ્ય સ્થળે આપી આવીશ.”

 “કેવી રીતે? કયાં ?” ઉત્સુકતા અને અવિશ્વાસના ભાવ સાથે હાડીરાણી એ પૂછ્યું. એને થયું. શું બાર-તેર વર્ષની રાજકુમારી કોઈ અદભુત સાહસ કરવાનો નિર્ણય કરી રહી છે.”

“મહારાણા ઉદયસિંહ ચિત્તોડગઢ છોડીને અરવલ્લીની ખીણમાં ગોગુન્દા પાસે વસે છે. હું આ તલવાર મહારાણા ઉદયસિંહ પાસે. ગમે તે ભોગે પહોંચાડીશ.”

“પરંતુ, એ શક્ય નથી. તું તો જાણે છે, કે કિલ્લાની બહાર મોગલસેના સખત ઘેરો નાખીને બેઠી છે.”

“માં, મેં આખી યોજના વિચારી લીધી છે. મારે મારા પૂર્વજોના વેણ પાળી બતાવવા છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે, મારા શરીરમાં રક્તનું એકપણ બુંદ હશે ત્યાં સુધી યવનો આ તલવારને સ્પર્શી નહિ શકે.”

     “પણ દીકરી, આ આંધળું સાહસ છે. તારી શી દશા થશે ?” માં અશ્રુભર્યા સાદે બોલી,

“માં, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને હું એકલી નથી મારુ ધ્યેય જ્યાં સુધી પૂરું નહિ થાય ત્યાં સુધી ભગવાન એકલિગજી ની છાયા મારી સાથે છે જ.

દુખદ પ્રસંગે પણ સૌ હસી પડયા.                             

મહારાણા ઉદયસિંહ ફાટી આંખે જોઈ રહ્યા. બાળકના વેશમાં આવેલી એક બાર તેર વર્ષની છોકરી તેઓની સામે બેભાન અવસ્થામાં પડી હતી.

“ જયરાજ, શું બન્યું હતું. ?

“મહારાજ, મારી જગ્યાએ હુ ચોંકી કરતો હતો. મેં જોયું કે , એક આકૃતિ અંધારામાં આ તરફ આવી રહી હતી. તરત જ મેં ધનુષ્યપર તીર ચઢાવીને પડકાર ફેક્યો.”

“ સારું થયું કે, જયરાજે સીધું તીર ન ચલાવ્યું. પહેલાં એક વખતે અંધારામાં ચાલ્યા આવતા ગધેડાને જાસૂસ સમજીને તીર એણેજ ચલાવીને મારી નાખી પાસે ગયા તો ગધેડો તરફડતો હતો.”

આવા દુખદ પ્રસંગે પણ સૌ હસી પડયા.

 “ એટલે જ મેં ધનુષ્ય પર તીર ચઢાવીને , તીર ન છોડતા,પડકાર ફેંક્યો. કોણ છે ? ત્યાં જ ઊભા રહો. આગળ વધશો તો આ તીર તમારા સો એ  વર્ષ પૂરાં કરી આપશે.”

મેં જોયું કે, એ આકૃતિએ હાથ ઊંચો કર્યો અને મહારાણાજી .. મહારાણાજી.. મહારાણાજી એમ ત્રણવાર બોલી. પાસે જઈને જોયું તો એ આકૃતિ બાળક હતી. ખૂબ જ અશક્ત બાળકે આપની પાસે આવવાની હઠ પકડી, મેં અને રતનાએ બાળકને ટેકો આપ્યો. અહીં દોરી લાવ્યા. અહીં આવતાં જ બેભાન થઈ ગયો.

 “સારું, હવે તમે જાઓ. “      

મહારાણાજીએ બાળકને ભાનમાં લાવવા સેવકોને આજ્ઞા કરી. શરીર પરનું કપડું થોડું હટતા તેઓ સમજી ગયા કે, આ બાળક નહિ, બાલિકા છે. આથી સેવકો નવાઈ પામ્યા.

 “મહારાજ, આ તો કોઈ રાજવંશી બાલિકા છે.” થોડે દૂર ઉભેલા પાટવીકુંવર પ્રતાપે કહ્યું.

મહારાણા ચોંકયા, એટલીવારમાં તો બાલિકા હોશમાં આવી.

બોલ દીકરી, હવે તને કોઈ ભય નથી. તું મેવાડના મહારાણા ઉદયસિંહ સામે છે. “

“મહારાજ, મારાં ધનભાગ્ય.” પછી એણે પોતાના શરીર પર કસીને બાંધેલી મ્યાનવાળી તલવાર મહારાણાને આપી. થોડું પાણી પીધું અને વાત શરૂ કરી.

મહારાજ, હું રણથંભોરની રાજકુમારી મીનાક્ષી છું. આ એક ઐતિહાસિક તલવાર છે. મહારાણા કુંભાજી એ અમારા પૂર્વજને આ તલવાર એમની બહાદૂરી બદલ પુરસ્કારમાં આપી હતી. આજે એ તલવાર આપણા હાથમાં ફરી સોંપીને હું ખુશીથી મરીશ.”

મહારાણા ગદગદ થઈ ગયા., “દીકરી , મોત એટલું બધું રસ્તામાં નથી પડ્યું. તું સાજી થઈ જઈશ. શું બન્યું છે એ મને કહે, રણથંભોરના હાલ કેવા છે?”

“ મહારાજ, મોગલસેનાએ રણથંભોર પર આજે કયામત વરસાવી દીધી છે. રણથંભોરનો છેલ્લો સિપાહી, તેની હાડી રાણી આજે બલિદાનની વેદી પર ચઢી ગઈ.  રણથંભોરના કિલ્લામાં મોગલ સેનાપતિ અને શાહબાઝખાન વિજેતા બની પ્રવેશી ચૂક્યા છે.”

                “મહારાણાજી, ગઈ કાલે અમાસની અંધારી રાત હતી. આસમાનમાં માત્ર એક જ  તારો દ્રષ્ટિગોચર થતો હતો. સર્વત્ર નિર્જનતા છવાઈ હતી. મધ્યરાત્રિના સમયે, જ્યારે મોગલસેના પોતાની છાવણીમાં ઠંડી, મીઠી નિંદરમાં મહાલતું હતું ત્યારે હું મારી માતાની આખરી વિદાય લઈને રણથંભોરના કિલ્લાની ચોર બારીએથી દોરડે લટકીને ઉતરી ગઈ. એવી દોડી કે , જાણે અંધકારમાં  ઓગળી ગઈ.

દૂર દૂર રહેતા સાલમસિંહ ને ત્યાં હું પહોંચી. સાલમસિંહ તો પિતા જોડે જ યુધ્ધમાં માર્યા ગયા હતા. તેમની વૃધ્ધ માતા અને એક દીકરો ત્યાં રહેતા હતા. મે ત્યાં જઈને એમના દીકરાના કપડાં માંગીને પહેરી લીધા. કેટલેક ઠેકાણેથી ફાડી નાખ્યા.

નિશાની મળતા એ જાણે હવામાં ઉડ્યો.

ભગવાન ભાસ્કરની પહેલી કિરણ પૃથ્વીને નુતન સંદેશ આપે તે પહેલાં એક ફાટેલા વસ્ત્રોવાળો, આખા શરીરે ધૂળથી રગદોળાયેલો છોકરો, માથા પર લીલાંછમ  ઘાસનો ભારો લઈને, લંગડાતી ચાલે, મોગલ છાવણીમાં પેઠો. છાવણીના ચોકીદારે એ છોકરાના મોંને જોવા પ્રયત્ન કર્યો. પરંતુ ઘાસના લટકતા તણખલાથી અર્ધો ચહેરો ઢંકાયેલો હતો.

“ગધ્ધા, સવારના પહોરમાં ક્યાં ઘૂસી આવ્યો ?                          

છોકરાએ  નીચા નમીને સલામ કરી.

“હજૂર , સરદાર ઈકબલખાંનો નોકર છું. ઘોડા માટે ઘાસ લઈ જાઉં છું. ચોકીદારે રાત્રે પુષ્કળ શરાબ ઢીંચ્યો હતો આવડા મોટા લશ્કરમાં સરદાર ઈકબાલખાં કોઈક તો હશે ને? “જા , સુવ્વર, મર “ કહીને છોકરાને જવા દીધો. બીજે,બે ત્રણ ઠેકાણે આવું જ થયું.

સરદાર વીરભદ્રસિંહ રાજા માનસિંહના જમણા હાથ જેવો હતો. એને પોતાનો ઘોડો ખૂબ વહાલો હતો. દૂરથી ચાલ્યા આવતા મેલાંઘેલા  બાળકના માથાપરનો લીલા ઘાસનો ભરો જોઈને એ પડાવી લેવાનું મન થયું. એને થયું આ લીલું ઘાસ જો મારા ઘોડાને ખાવા મળે તો કેવું સારું ?

   એય બદમાશ છોકરા ? અહિંયા આવ. ક્યાં ચાલ્યો જાય છે ? ઘાસનો  ભારો અંહી જ ફેકી દે?”

છોકરાએ જોયું કે, આ એક હિંદુ સરદાર છે. એણે ઘાસનો ભારો એના ઘોડા આગળ ફેકી દીધો.

કેટલા પૈસા ?” શહેનશાહ ની સખત તાકીદ હતી. મફતમાં ન પડાવો. “મહારાજ, મારી ઘરડી માંનો હું એક માત્ર આધાર છું. આપની મરજીમાં આવે તે આપો.”

સરદારને  દયા આવી. થોડા સિક્કા આપી સરદાર વીરભદ્રસિંહે કહ્યું,

“જો , આ બાજુની છાવણી રાજા માનસિંહ ની છે. મારું નામ સરદાર વીરભદ્રસિંહ છે. આવું સરસ ઘાસ રોજ સવારે લાવજે અને મને આપી જ જે.” 

છોકરાએ નીચા નમીને નમન કર્યા. એનો ચ્હેરો વધારે દયામણો થયો. “કેમ અલ્યા, તારું મોં કેમ ઉતરી ગયું ? કાલે ઘાસનો ભારો લાવીશ ને?

“મહારાજ, આ ઘાસનો ભારો આપે લઈ લીધો. હવે મને છાવણીની બહાર જતાં કોઈ રોકશે તો ? સરદાર ઈકબાલખાં નું નામ હવે નહિ લઈ શકાય.”

“અરે ! કેવી વાત કરે છે? એ ઈકબાલખાં કે શાહબાઝખાન કરતાં અમારો રુઆબ વધારે છે. જો હું તને એક નિશાની આપું છું અને સાથે સાથે મારુ નામ આપજે. તને કોઈ રોકશે નહિ.”

બાળકને આટલું જ જોઈતું હતું. નિશાની મળતા એ જાણે હવામાં ઊડ્યો. બાળક છાવણી માંથી સલામત રીતે નીકળી ગયો. સૌ ને સલામો ગમતી અને બાળકને સલામો ભરવામાં શો વાંધો હોઈ શકે ? સામે પર્વત દેખાયો. બાળકની ખુશીનો પાર ન રહ્યો. ધીરે ધીરે ચાલીને એ પર્વતની ટોચે પહોંચ્યો, ત્યાં આજુબાજુ પડેલા લાકડાં, સૂકાં પાંદડા, જે કાંઈ મળ્યું તે બધુ એક ઢગલાના રૂપમાં ભેગું કર્યું. અને સળગાવ્યું.

સામેના પર્વતપર તાપણું જોયું. એટલે હાડી રાણી સમજી ગઈ કે , દીકરી, સલામત રીતે મોગલસેના ઓળંગીને પેલે પાર ચાલી નીકળી છે.

તુરત જ કિલ્લામાં રહેલા થોડા માણસો, જેમણે કેસરિયાં કરવા તૈયારી કરી રાખી હતી. તેઓ  ‘જય એકલિગજી’ નો સિંહનાદ કરી , કિલ્લાનો દરવાજો ખોલી મોગલ છાવણી પર ટૂટી પડયા. દુશ્મનોનો સંહાર કરતાં કરતાં વીરગતિ પામ્યા. રણથંભોરનો કિલ્લો જિતાયો. એટલે શહબાઝખાનના આનંદનો પાર ન રહ્યો. એ આખાય કિલ્લામાં ફરી વળ્યો. એણે પુષ્કળ તપાસ કરી, ક્યાંયથી પેલી ઐતિહાસિક તલવાર મળે છે. પરંતુ ક્યાંથી મળે એ શમશેર?

રણથંભોરના કિલ્લા આગળ ખૂનખાર યુદ્ધ ચાલતું હતું ત્યારે પેલો બાળક ઊંચાનીચા પર્વતો ઓળંગી ને ખુલ્લા પગે કાંટા-કાંકરા સહન કરતો કરતો , આખો દિવસ ચાલતો રહ્યો. એણે પહોંચવું હતું ગોગુંન્દા.

      સાંજ પડી, રાત વધવા લાગી. હવે તે પોતાના નિશ્ચિત સ્થળે પહોંચી ગયો. ત્યાં જ એક ભીલ (સરદારનો) ચોકીદારનો પડકાર સંભળાયો. એને આછું આછું યાદ આવ્યું કે, આ મહારાણાના ભીલ ચોકીદારનો અવાજ છે. ત્યાં તો આવી  બેહોશી.

તેર વર્ષ ની બાળિકા મૃત્યુ સમીપ હતી. એના પ્રાણ પળવારના હતા. ”મહારાણાજી , આપની અમાનત. કહેતા એનું પ્રાણપંખેરું મહારાણા ઉદયસિંહની ગોદમાં ઉડી ગયું. મહારાણાની આંખોમાં આંસુંની ધાર વહેવા લાગી. આવા કિશોરો જ્યાં સુધી રાજપુતાનાની ધરતી પર હશે ત્યાં સુધી એની કીર્તિ અક્ષય રહેશે.

 બીજે દિવસે, રાજકુમાર પ્રતાપની આગેવાની હેઠળ હાડાકુંવરીના મૃતદેહને વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો,” સ્વાતંત્ર્યની જે જ્યોત જલતી રાખવા રાજકુમારી મીનાક્ષીએ જે બલિદાન આપ્યું છે એ ભાવના અમાનતરૂપે મારા હૈયામાં ઉતરી ગઈ છે.” રાજકુમાર પ્રતાપ ભાવવાહી સ્વરે બોલી ઉઠયા, ” હવે કદી સમાધાન નહિ, સંઘર્ષ જ,”