Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 32 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 32

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 32

રાઠોડ વીર ક્લ્યાણસિંહ   અમરપ્રેમ

                                                           

       ૧૫મી સદી ભારતના ઈતિહાસમાં ભયંકર ઉથલપાથલ સર્જી ગઈ. પૃથ્વીરાજ ચૌહાણે ગુમાવેલા સામ્રાજ્યને ફરીથી પ્રાપ્ત કરવા મેવાડપતિ મહારાણા સંગ્રામસિંહની આગેવાની હેઠળ એક મહાપુરુષાર્થનો યજ્ઞ આરંભાયો.

     દિલ્હીની લોદી સત્તા ભીતરથી ખોખરી બની ગઈ હતી. ઉધઈ લાગેલા વટવૃક્ષને જેમ પવનના એક જોરદાર ઝાપટાંની જરૂર હોય, તેમ આ લોદી વંશને એક જોરદાર આક્રમણ ની જ જરૂર હતી. આ આક્રમણ ની વેળાએ જ એક સમાચાર આવ્યા. પંજાબનો સૂબો દોલતખાન દિલ્હી થી નારાજ હતો. એની નજર દિલ્લીના સિહાસન પર છે. એણે કંદહારના બાદશાહ બાબરને દિલ્લી પર ચઢાઈ કરવા માટે આમંત્રણ આપ્યું છે. દિલ્હીનો સુલતાન ઈબ્રાહીમ લોદી વીર પણ ઘમંડી તુંડમિજાજી અને અવિચારી હતો.

 ” તૈમૂર અને ચંગેઝખાંની માફક આ એનો વંશ જ આંધિ ની માફક આવશે અને ધન લૂટી ને ચાલ્યો જશે પછી દોલતખાન લોદી દિલ્લીનો બાદશાહ બનશે. યુક્તિ તો ખૂબ સચોટ છે. મંત્રણામાં મેદિનીરાય બોલ્યા,

    “ તો પછી આપણે પણ ઈબ્રાહિમખાં અને દોલતખાંને આપસમાં લડીને ખોખરા થવા દો. પછી એક જોરદાર હલ્લો અને દિલ્લી પર ફતેહ. મહારાણા સંગ્રામસિંહ બોલ્યા. પરંતુ હોનહાર ને કોણ ટાળી શકે છે.? ન ધારેલું બની ગયું. ચઢિયાતાં શસ્ત્ર બળ અને અદભુત ખમીરને કારણે કંદહાર ને બાદશાહ બાબર ઈ. સ ૧૫૨૬ માં પાણીપતનું યુદ્ધ જીતી ગયો. હિંદ ગમી ગયું. એટલે એણે હિંદ ને માદરે વતન બનાવ્યું. આ નિર્ણય થી પંજાબના સુબા દોલતખાનની ગણતરી ઊધી પડી તો મહારાણા સાંગાની ધારણા ખોટી પડી.

   ફરી એક વાર ભયંકર યુદ્ધ ખેલાયું. આ યુદ્ધ બાબર અને મહારાણા સંગ્રામસિંહ બને માટે  અસ્તિત્વનું યુદ્ધ હતું.

  એકબીજાના કટ્ટર શત્રુ હોવા છતાં બાબર ને આ દેશમાંથી હાંકી કાઢવા મહંમદ લોદી ની મદદે મહારાણા સંગ્રામસિંહ ભેગા થયા. મેવાતના બાદશાહ મહંમદખાં પણ આ યુદ્ધમાં જોડાયા. પરંતુ હાય રે બદકિસ્મત ! બાબરને આ દેશમાંથી એક મોટો ગદાર મળી ગયો. ખરી અણી ની પળે તોમર રાજા શીલદિત્ય , સંગ્રામસિંહ ને દગો આપી ને બાબર સાથે મળી ગયો. એક ક્ષણે બાબરની સેનાના પગ ઊખડી પડયા. પરંતુ બાબરની જેહાદે એના સૈન્યમાં નવો સંચાર પૂર્યો.  નસીબે એને યારી આપી. મુસીબતના સમયે આ જહાદે રંગ પલટાવી દીધો. યુધ્ધમાં સંગ્રામસિંહ ના જમણા હાથ સમા મેદિનીરાય  વીરગતિ પામ્યા. મહારાણા આથી ભાગી પડયા.

 

આ બધુ બન્યું તેના પત્યક્ષ સાક્ષી હતા   શ્યામગઢ ના જાગીરદાર ઠાકોર જોરવરસિંહ.

 રાજપુતાનમાં આવેલા શ્યામગઢમાં તેઓની વિશાળ જાગીર હતી. ચિત્તોડના મહારાણાઓની પડખે રહેતા તેઓની અનેક પેઢીઓ યુધ્ધના મેદાનમાં ખપી ગઈ હતી.

સ્વયં જોરવેરસિંહ એક જમાનાના પ્રસિદ્ધ યોધ્ધા હતા. મેવાડના પટાવતોમાં એમનું ભારે માન હતું. કાનવાના યુધ્ધમાં મહારાણા સંગ્રામસિંહની પડખે રહીને તેઓએ જે શૌર્ય બતાવ્યું હતું. તેની કદર રૂપે સ્વયં મહારાણા એ તેમને સાફો બાંધ્યો હતો અને કમરે તલવાર બાંધી હતી. “ મેવાડ તમારા જેવા વીરોથી જ ઉન્નત છે. સમસ્ત   ક્ષત્રિયકુળ તમારા થકી ગોરવ અનુભવે છે. પાઘડીની લાજ રાખવા મારા સરદારો પ્રાણોની હોળી ખેલે છે.      એ હું સારી પેઠે જાણું છું. મેવાડના સરદારો મારી ભુજાઓ જેવા સાથીઓની અવગણના કરે છે. એનું શાસન ક્ષણજીવી નીવડે છે. હું જાણું છું કે પૃથ્વીરાજ પાસે જ્યાં સુધી ચંદબારોટ, કૈમાસ ,ચામુંડરાય, હાહુલીરાય અને મહારાણા સમરસિંહ જેવા સાથીઓ હતા. ત્યાં સુધી જ તેઓ અજેય રહ્યા. જ્યાં એમની અવગણના થવા માંડી ત્યારથી જ પતનની શરૂઆત થવા માંડી. આવા મહાન સાંગા રાણાનું અવસાન ઈ. સ ૧૫૨૮ માં થયું.

વીરો વિખેરાઈ ગયા. સૌ પોતપોતાની જાગીરમાં જતા રહ્યા.

જેની ભવાની ઈરાન સુધી પહોંચી હતી એના વંશ જ મેવાડી રાણાના નામથી બાબરની સેનામાં સન્નાટો છવાતો હતો એના પુત્ર વિક્રમાજીતની વિલાસિતા સાંભળી ઠાકોર જોરવરસિંહને ભારે દુખ થતું.

  ૧૫૩૩માં ગુજરાતને ખંડણી આપી મેવાડે સંધિ કરી ત્યારે ભારે વિષાદથી તેઓ બોલ્યા હતા. “હવે મેવાડનું પુણ્ય પરવારી ગયું લાગે છે.“  ઈ. સ ૧૫૩૫માં ફરી ગુજરાત નો બહાદુરશાહ ચઢી આવ્યો ત્યારે ઠકોર સાહેબ પોતાના ભાઈઓ સાથે ચિત્તોડગઢ પહોંચી ગયા.યુધ્ધ ને અંતે ચિત્તોડગઢ રાખનો ઢગલો થઈ ગયો. ઠાકોર સાહેબ પોતાના ભાઈઓ ગુમાવીને પાછા ફર્યાં. હૈયાના હર જેવો મોટો પુત્ર ગુમાવ્યો. સમસ્ત રાજસ્થાનમાં દરેક ઘર ની આવી જ દશા હતી. બલિદાનો ની પરંપરા એવી તો સર્જાઈ હતી કે ભાગ્યે જ કોઈ રાજપૂતના ઘરમાં યુવાન પુરુષ જીવતો રહ્યો હોય.

      આમેય ક્ષત્રિયો માનતા “ બરસ છત્તીસ કે આગે જીના ધિક્કાર હૈ, એ વીર યુગ હતો. મોત કરતાં આન ની વધારે કિમત હતી. ભાંડુરો પ્રતિક્ષણ કફન બાંધી ને ફરતા.

---------x --------------

કલ્યાણ મારો એક માત્ર સહોદર તો આ યજ્ઞમાં બચ્યો છે. અને કિસન મારો દીકરો મારી ભાવિ આશા . બીજાની માફક ઠાકોર સાહેબ પણ બલિદાનો આપી આપી ને થાકી ગયા હતા. નિરાશાની ઘોર ગર્તામાં ડૂબી ગયા હતા. અપારસંહારની હોળીઓ ખેલ્યા પછી એમનું હૈયું વ્યથા અનુભવવા લાગ્યું હતું.

જુવાનીના જોમથી થનગનતા જુવાનજોધ ભાઈ કલ્યાણ ને જોઈ ને એમનું હૈયું ભરાઈ આવતું. વૃધ્ધત્વની પંગુતા એમને સ્પર્શી ગઈ હતી. રખે ને કલ્યાણ કે કિસન ને વીરતાની ધૂન સવાર થઈ જાય અને યુદ્ધ નો રાહ પકડે તો .. .. તો .. તો પછી શ્યામગઢ સ્મૃતિઓનું ખંડિયેર બની જાય. કોઈ પણ ભોગે ઠાકોર જોરવેરસિંહ એ થવા દેવા માંગતા ન હતા.

 યુવાન  કુંવર ક્લ્યાણસિંહ વરણાગી હતો. લાડ અને વૈભવમાં ઉછર્યો હતો. તે સમગ્ર જાગીર ની દેખરેખ રાખતો. મસ્તી માં એના દિવસો પસાર થતા. શ્યામગઢ  નદીકાંઠે આવેલું ગામ હતું. પાંચ માઈલ દૂર , સામે કાંઠે અજયપુર ગામ હતું. આ બને ગામો ની મધ્યમાં એક ભવ્ય દેવાલય હતું. એમાં મહાદેવ બિરાજ્યા હતા. અજયપુરના સરદારની પુત્રી કનકકુંવર એ પંથકમાં રૂપસુંદરી તરીકે જાણીતી હતી.

   રોજ સંધ્યા ટાણે એ મહાદેવના મંદિરમાં દર્શન કરવા આવતી. એક દિવસે પાછા ફરતા મોડું થઈ ગયું. રસ્તામાં ગાઢ ઝાડી વચ્ચે થી અચાનક એક વાઘ નીકળ્યો. વાઘે જ્યાં તરાપ મારી ત્યાં તો કનકે ભેટમાંથી કતાર કાઢી વાઘ સામે પેંતરો ભર્યો પણ એનો પગ લથડયો પળની વાર હતી. એ સમજી પ્રાણ ગયા જ . એવામાં વિધુત્વેગી ત્વરાથી એક યુવાન આવ્યો એ કનક ને વાઘ તથા કુંવરીની વચ્ચે પડ્યો. તલવાર ના એક જ ઘાથી વાઘના ટુકડા કરી નાખ્યા.

  યુવકના આ પરાક્રમે , કનકનું હૈયું એના હૈયા સાથે જોડાઈ ગયું. તે જમાનાની સ્ત્રીઓ વીરતાની પૂજક હતી. યુધ્ધમાં વીરતા બતાવી આવેલા યુવકોને વરવા રૂપાળી યુવતીઓની હોડ લાગતી. કનક અને કલ્યાણ રોજ સમી સાંજે મળતા જો સહેજ પણ મોડું થઈ જતું તો કનક પોતાના પતળિયા ઘોડેસવારની કપાતે જીવે રાહ જોતી. પશ્ચિમમાં જ્યારે સવિતાનારાયણ અસ્ત થતા અને પૂર્વમાં ચંદ્ર ઊગતો ત્યારે આ પ્રણય યુગલ મસ્ત બની વિહરતા. કુદરત પણ  જાણે  એમને આવકારતી ન હોય તેમ એ ટાણે , લાલ સિંદૂર જેવુ આકાશ થઈ જતું. જાણે સંધ્યાદેવી પોતાની આ પુત્રી ના પ્રેમને સિંદૂર લુટાવી વધાવતી ન હોય.

આમ પ્રેમનો છોડ મિલનના સિચનથી પાંગરતો હતો. કુંવર કલ્યાણ મહાદેવન ગણ વીરભદ્રશો વીર હતો.તો કનક પદ્મિની જેવી સુંદરી હતી. પ્રથમ નયન નો પ્રેમ વજ્ર લેપ જેવો બની ગયો હતો. પાંગરતા પ્રેમના પ્રણયમસ્ત દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. ભાવિ જીવન ની કલ્પનાઓ નીંદર હરવા લાગી. એકબીજા માટે પ્રાણ પાથરવા સુધી ના કોલ અપાઈ ગયા.

“કનક , મિલનનું આ સુખ મને ડર છે વિધાતાની નજર લગી જશે.”

“પ્રિયતમ ઉત્સાહ નો ધોધ વહે એનુ નામ યુવાની તમે નિરાશાનો સાદ કેમ કાઢ્યો?”

“કનક , માળવાના બાઝ બહાદુર અને રૂપમતી ની વાત સાંભળી, મને એક વિચાર આવ્યો               

 “ કનક, આજકાલ અદ્વિતીય સુંદરી રાની રૂપમતીના વિષપાન ની સર્વત્ર  ચર્ચા થાય છે. દેવોને યે ઈર્ષા  આવે એવા આ યુગલ ને જુદું પાડવા અકબરે માંડું પર ચઢાઈ કરી. મોગલ સેનાપતિ ને માડું કરતાં રૂપમતીમાં વિશેષ રસ હતો. વિશાળ મોગલસેના સામે બાઝબહાદુર હાર્યો અને નાઠો. આ બાજુ મોગલ સેનાપતિ આદમખાને રૂપમતી ને પોતાની થવા દબાણ કર્યું. રૂપમતીએ ઝેર ગટગટાવી પ્રાણ અર્પણ કર્યા. વિજેતા સુંદરી ને બદલે શબ મેળવી સંગ્રામની વ્યર્થતા સમજી ગયો.”

“ આમાં નવું શું છે? દુનિયા હંમેશા સાચા પ્રેમીઓની અગ્નિપરીક્ષા કરતી જ  આવી છે. પ્રેમનો આત્માનો છે. દેહનો નાશ થયા છતાં એ મરતો જ નથી.”

“ કનક ચિત્તોડમાં પાછું યુદ્ધ આવે એવી સંભાવના છે. બાઝ બહાદુરને મહારાણા ને મહારાણા ઉદયસિંહે આશરો આપ્યો છે. અકબરશાહ તો બહાનું  જ ખોળી રહ્યો હતો. હવે જંગ જામશે. “

ક્ષત્રિયોને યુધ્ધની  નવાઈ શી? રણઘેલા રાજપૂતો માટે તો યુદ્ધ એ વસંત વિહાર છે. “

“હા, પણ એવા પ્રસંગે મોટાભાઇ મને જવા નહીં દે “

“પ્રસંગ આવે કોઈ કોઈને રોકી શકતું નથી. “

ખૂબ વાતો થઈ. વિચારોને સાગર ઉલેચાયો.

બપોરનો સમય છે. જાગીરના કામેથી કલ્યાણ પાછો ફર્યો છે. ખૂબ ભૂખ્યો છે. : ભાભી, જમવાનું આપો.”

ભાભી ભાભી ન હતી માં હતી. “જલદી કરજો. “કેમ કલ્યાણ , આટલી બધી ઉતાવળ” ચિતોડ જીતવાની હોશ છે કે શું ? વેળા વીતી નહિ જાય.” હસતાં હસતાં ભાભી કહ્યું,

હસવા માંથી ખસવું થઈ ગયું, ભાભી ના વેણ માંથી કલ્યાણને કર્તવ્યનો માર્ગ કંડારી લીધો. બદનોરના સ્વામી જયમલ રાઠોડ ચિત્તોડ પહોંચી ગયા હતા. તે જમાનામાં મહાવીર જયમલ ને યુવકો નો આદર્શ સમજવામાં આવતા. બાર હાથી જેવડું તો તે બળ ધરાવતા હતા.

રાજસ્થાનમાં રાઠોડ ,કછવાહા , અને મેવાડીઓ જોરમાં હતા. પોતાના વતન ની અસ્મિતા માટે તેઓ પ્રતિ ક્ષણ પ્રાણ પાથરવા તૈયાર રહેતા. કમનસીબે ઈ ,સ  ૧૫૬૨ માં એ માંથી કછવાહા દિલ્હી સલ્તનતમાં ભળી ગયા. એટલે પલ્લું મોગલો તરફ ઢળ્યું.

“ભાભી . ચિત્તોડગઢ તરફ હું જઈશ.”

કલ્યાણના વાક્યે સહુ ને આચકો આપ્યો. ઠાકોર જોરવરસિંહ ને જ્યારે આ વાત ની ખબર પડી ત્યારે તેમના હૈયા માં જબરી ઉથલપાથલ થવા માંડી.

યુદ્ધ ની ભયંકર વિભીષિકા શું કલ્યાણ ને પણ ભરખી જશે?કેટલા બલિદાનો આપ્યા મેવાડની ધરતી ને? જેનો ડર હતો છેવટે એજ બન્યું. પણ છેવટે તો પોતે રાજપૂત હતા ને? “ભાઈ કલ્યાણ રાજપૂતી શાન માટે જ્યારે તું જઈ રહ્યો છે ત્યારે હું શી રીતે મનાઈ ફરમાવું ? આપણા રાઠોડ કૂળ ની શાન વધારજે”  બદનોર ના જયમલ રાઠોડને મળજે એમની આજ્ઞા શિરોધાર્ય માનજે.”  ગળગળા સાદે સૌ એ વિદાય આપી.

------------x -----------x-------------------

“કનક, યુદ્ધ ની નોબતો વાગી ચૂકી છે.”

“હા ,કાલે રાત્રે જ પિતાજી કહેતા હતા કે અક્બરશાહ ચિત્તોડ પર ચઢાઈ કરવા વિશાળ મોગળસેના સાથે રવાના થઈ ચૂક્યો છે.”

“ચિત્તોડગઢમાં પણ સમગ્ર રાજસ્થાનમાંથી યોધ્ધાઓ જમા થઈ રહ્યા છે. ફરી કેસરિયા અને જૌહર . યુદ્ધ નું રથચક્ર એક વધુ આરો ફરશે.

“કનક , આ એક સનાતન પ્રશ્ન છે. ભગવાને આટલો સુંદર માનવ દેહ ઘડીને તેમાં સ્વાર્થ નો ગુણ મૂક્યો એટલે સોનાની થાળીમાં લોઢાની મેખ વાગી ગઈ ? હું પણ આ  યુદ્ધ માં જવાનો છું. “

પ્રિય, કનક રજપૂતાણી છે, રાજપૂતને યુદ્ધ માં જતાં રોકવાનું કહેવાય જ કેમ ? આપણા પ્રેમની કસોટી ભગવાને ઊભી  કરી જ દીધી ને ?

“કનક નિરાશ ન થા. કલ્યાણ તારો જ છે. યુદ્ધ પૂરું થતાં જ ફરી આપણે મળીશું.” હસતાં હસતાં કલ્યાને કહ્યું “ફરી મળશો આ મુલાકાત અંતિમ તો નહિ બની રહે ને? કનક ના મુખ ચંદ્ર પર કાલિમા છવાઈ “ ના કનક તને ફરી હું મળીશ. આ મારુ તને વચન છે. “અને ઘોડા ને દોડાવતો કલ્યાણ પાછો ફર્યો.

“કલ્યાણ તારી ભાવના મહાન છે રાજસ્થાનની અસ્મિતા માટે તે જે નિર્ણય કર્યો છે. એ મહાન છે.તારા જેવા યુવાનો હોવાથી જ , મેવાડ ની શાન હમેશાં ઊચી રહી છે. “ મોટાભાઇ , આપ તો અમારાં પ્રેરણમૂર્તિ છો મેવાડ માટે આપ જે કાઈ કરી રહ્યા છે. એથી સમગ્ર રાજસ્થાન ગર્વ અનુભવે છે. કલ્યાને કહ્યું.

જયમલ ઘણા યુધ્ધો માં જોરવેરસિંહ નો સાથી હતો. તે એમને વડીલ માણતો હતો. કલ્યાણ ની સાથે જે સંદેશો મળ્યો હતો. એનાથી તેની આત્મીયતા વધી હતી.

   વખત જતાં ચિત્તોડગઢમાં યુદ્ધનું વાતાવરણ જામ્યું.મંત્રણાઓમાં વ્યસ્ત જયમલની પ્રતિભા ઓર ખીલી ઉઠતી . યુદ્ધ ચાલી રહ્યું હતું. મેવાડની રાજસભા અને મહાજન સભાના નિર્ણયને વશ થઈ સઘળી જવાબદારી જયમલ રાઠોડ ને સોંપી મહારાણા ઉદયસિંહ સપરિવાર અરવલ્લીની પહાડીઓમાં પ્રસ્થાન કરી ગયા હતા. કિલ્લામાં પડેલા ગાબડામાં સમારકામ કરાવતા સેનાપતિ જયમલને દૂરથી અક્બરશાહે જોયા.

  “ રાજા ભગવાનદાસ , આ જયમલ રાઠોડ આપણી જીત વચ્ચેની આડી દીવાલ છે. એ જ્યાં સુધી હશે ત્યાં સુધી મોગલ સેનામાં કૌવત  નહીં આવે.”

 “ જહાંપનાહ , વીર જયમલ રાઠોડ રાજસ્થાનનો અટંકી વીર છે. રાજપૂત એના પરાક્રમો તો આપ નજરે નિહાળી રહ્યા છો.” દાવ સાધતા અક્બરશાહે , એક કમનસીબ પળે બંદૂક ની ગોળીથી જયમલ ને ઘાયલ કરી દીધો. ઘાયલ જયમલ ને બિછાને આરામ કરવાની  તાકીદ અપાઈ પરંતુ ચિત્તોડમાં ભયંકેર યુદ્ધ ચાલતું હોય ત્યારે આરામ નો વિચાર ક્યાંથી? 

   મારા વિશ્વાસે મહારાણા ઉદયસિંહ ગઢ ચિત્તોડ છોડીને ગયા છે. મને કેટલી મોટી સેવા કરવાની તક મળી છે. હું ચિત્તોડની રક્ષા માટે પ્રાણ આપીશ મને અંતિમ યુદ્ધ કરી લેવા દો. મારે દુશ્મનો ના દાંત ખાટા કરી નાખવા છે. ભલે મારા પગ નકામા થઈ ગયા. મારા બાહુઓ તો સબળ છે ને ! મારો સાથી કોણ બનશે? અચાનક એને કલ્યાણ યાદ આવ્યો. “કલ્યાણ પ્રાણ નો મોહ તો નથી ને ? કીર્તિ ની પ્યાસ લઈ ને આવ્યો હોય તો ચાલ અપને આજે મેવાડ તરફથી બાદશાહને ભીષણ સંગ્રામ આપીએ .”

  ‘મોટાભાઇ રાજપૂતો રણ ઘેલા જ હોય છે. આવો મોકો ક્યાંથી? આપનો આદેશ મારે મન અમૃતમહોત્સવ છે.     

   ક્લ્યાણસિંહના ખભે બેસી જયમલ રાઠોડ મેદાનમાં કૂદી પડયો.  એક સામટી ચાર અસિ વીજળીના કડાકા ની  માફક ચમક્વા લાગી.  શિયાળના ટોળામાં શાર્દૂલ ધસી આવે અમે જેમ દોડધામ થાય તેમ મોગલસેના ભાગવા માંડી. ભયંકર નરસંહાર કરતાં કરતાં પ્રથમ જયમલ રણમાં પડયા. અને પછી તો ભગવાન શંકરના દૂત વીરભદ્ર શો કલ્યાણ હાથમાં અસિ ફેરવતો ઘુમવા લાગ્યો.

     રુધિરથી લાલઘૂમ થયેલા કલ્યાણની રુદ્રમુર્તિ જોતાં જ દુશ્મનોના હાંજા ગગડી જતાં. એ વિચારે એ પહેલાં જ એની ગરદન ધડથી અલગ થઈ જતી. ક્લ્યાણને થઈ ગયું હવે પ્રાણ પ્રયાણ ની વેળા આવી ગઈ છે. ભગવાન શિવનું સ્મરણ કર્યું સામે કનકની મૂર્તિ ખડી થઈ.

એ વેળા કનક પોતાના નિવાસે પોતાના ઓરડામાં ગમગીન બેઠી હતી.  “ કનક વખત થોડો છે. હવે મારી ઘડી આવી પહોંચી છે. મને વિદાય આપ” કનક ને કલ્યાણ દેખાયો.

   “ પ્રિય , વિદાય નહિ, સહગમન,ચાલો હું પણ આવું છું”

યુધ્ધના મેદાનમાં કલ્યાણની ગરદન પર દુશ્મન ની તલવાર પડી અને મસ્તક દૂર જઈ પડયું. છતાં ધડ લડતું હતું. સૌ આ રંગ જોઈ રહ્યા. ,આ  દૈવત જોઈને સૌ દંગ રહી ગયા.

પરંતુ જ્યાં કનકે “ચલો વિદાય નહીં સહગમન” કહ્યું ત્યાં ધડ લડતું બંધ થઈ ગયું.” કનકનો દેહ નિશ્ચેત થઈ ને પડી ગયો. કનક અને કલ્યાણ ના પવિત્ર પ્રેમની જ્યારે જગત ને જાણ થઈ ત્યારે એ બે આત્માઓ અનંત લોકની યાત્રા એ ઉપડી ચૂક્યા હતા. પવિત્ર પ્રેમમાં જોડાયેલા નવયુગલો આજે પણ કનક જે મહાદેવ ની પૂજા કરતી હતી એ મહાદેવના મંદિરમાં એના જેવો પવિત્ર પ્રેમ પોતાના જીવન પથમાં ઉતરે એવી માનતા માનવા આવે છે.

  આજે પણ જે દિવસે કનક અને કલ્યાણને સહગમન કર્યું એ દિવસની યાદમાં અજયપૂર ભાગોળે, નદી તટે મહાદેવના મંદિર આગળ આખો દિવસ મોટો મેળો ભરાય છે.