લોકોની માન્યતાઓનો પ્રવાહ અવળી દિશામાં ખેંચી જનારું પ્રબળ પરિબળ આ કાળમાં ઠેરઠેર છાઈ રહ્યું છે, અને તે છે ચમત્કાર વિશેની જાતજાતની અંધશ્રદ્ધાઓ જન્માવતી જાહેરાતો ! જે દેશની પ્રજા ચમત્કારોની માનતી, રાચતી ને પૂજતી થાય, તે દેશનું અધ્યાત્મ પતન ક્યાં જઈ અટકશે, તેની કલ્પના થાય જ તેમ નથી. ચમત્કાર કહેવો કોને ? બુદ્ધિથી ના સમજાય તેની બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હશે. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાનામાં સમાય. બુદ્ધિની સીમાય દરેકની ભિન્ન ભિન્ન જ ને !
આ કાળમાં ચમત્કારની ભ્રાંત માન્યતાઓને જડમૂળથી ઉખેડી નાખતા પરમ કૃપાળુ દાદાશ્રી સદા કહેતા કે ચમત્કારની યથાર્થ ડેફિનેશન તો સમજવી જોઈએ ને ? પણ ચમત્કાર કોને કહેવાય, એ ડેફિનેશન આ દુનિયામાં થઈ નથી. માટે એની ડેફિનેશન નથી એવું નથી. એની ડેફિનેશન હું આપવા તૈયાર છું. ‘ચમત્કાર એનું નામ કહેવાય, કે બીજો કોઈ કરી શકે જ નહીં. અને સિદ્ધિ એનું નામ કહેવાય કે બીજો એની પાછળનો કરી શકે.’
જાતજાતની કૌટુંબિક, સામાજિક કે વ્યક્તિગત ઉપાધિઓમાં ચોરમગદથી ઘેરાયેલાં છતાં શાંતિથી જીવવા ઝઝૂમતા મનુષ્યોને જરૂર છે, બળતરામાંથી ઠંડક ભણી દોરવાની, અંધકારમાંથી પ્રકાશ ભણી દોરવાની, નહીં, કે આછા-પાતળા અજવાળાનેય અંધારુઘોર કરવાની !
અત્યાધુનિક સમયમાં જ્યાં બુદ્ધિ વિજ્ઞાન ક્ષેત્રે અવનવા આશ્ચર્યોની પરંપરા સર્જવામાં વિકસી છે, ત્યાં ભારતના લોકો બુદ્ધિના બારણાં બંધ કરીને ભ્રાંત શ્રદ્ધામાં રાચતા થાય તે ના પોષાય. કેટલીક વિજ્ઞાનની સિદ્ધિ હોય છે, તે જ્યાં સુધી જાહેર નથી થઈ ત્યાં સુધી ચમત્કારમાં ખપે, પણ પબ્લિકમાં પ્રગટ થાય પછી એ ચમત્કાર ના કહેવાય. આજથી સો વર્ષ પર ચંદ્રમાં પર ચમત્કારનો દાવો કરીને પદાર્પણ કરનારને ચમત્કારી પુરુષ કે સાક્ષાત્ પરમાત્મા કહીને લોકો નવાજતા ! અને આજે ?!!!
આજથી સાંઈઠ વરસ ઉપર પૂજ્ય દાદાશ્રીએ એમના મિત્રમંડળમાં કાગળની કઢાઈ બનાવી તેમાં તેલ પૂરી, સ્ટવ મૂકી, ભજીયાં કરીને ખવડાવ્યા હતા ! તેને બધાએ ચમત્કાર ઠેરવ્યો, ત્યારે તેમણે સાફ કહી દીધું, ‘આ વર્લ્ડમાં કોઈ એવો જન્મ્યો નથી, કે જેને સંડાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય ! તો આ શક્તિ નથી તો બીજી કઈ શકિત હોઈ શકે ? ચમત્કાર જેવી કોઈ વસ્તુ વર્લ્ડમાં નથી. આ તો વિજ્ઞાન છે અને જગત આખું વિજ્ઞાનથી જ ચાલે છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી જ જગતનું, દરેકનું ચાલે છે. એમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં, ભગવાન પણ નહીં !’
પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનમાં દિવસમાં સેંકડો પ્રસંગો આવતા, કે જ્યાં લોકોએ તેઓશ્રીને ચમત્કારો સર્જ્યા કરીને નવાજ્યા ના હોય. ત્યારે દરેક પ્રસંગે તેઓશ્રી સ્પષ્ટ કહેતા, કે ‘આમાં મારો કોઈ ચમત્કાર નથી, આ તો અમારું યશનામ કર્મ ઉદયમાં આવ્યું તેથી આમ બન્યું.’ જ્ઞાનમાં ચમત્કાર હોતા નથી. હું તો જ્ઞાનીપુરુષ છું. પણ મહીં ખુદ ખુદા પ્રગટ થઈ ગયા છે ! છતાં ખુદાઈ આશ્ચર્યો સર્જાય પણ ચમત્કાર તો કોઈથી થાય નહીં. આવા બધાથી તમે આફરિન થઈ ચમત્કારો કહેશો, તો બીજા બધાના ચમત્કારોય ચાલુ રહેશે. એટલે હું એ ચમત્કારોને તોડવા માટે આવ્યો છું. વાસ્તવિકમાં ચમત્કાર કશું છે જ નહીં.’
પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનો પ્રસંગ યાદ આવે છે. તેમના પગે ફ્રેક્ચર થયેલું તે જોવા એક મોટા ઓફિસર આવેલા. તેમણે પૂ. દાદાશ્રીને કહ્યું, કે તમે કોનું દુઃખ વહોર્યું ?! ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, આ તમે ભણેલા થઈને આવું બોલશો તો અભણોને ગજું જ શું? આ દુનિયામાં કોઈનું દર્દ કિંચિતમાત્ર કોઈ કશું લઈ શકે નહીં. હા, એને સુખ આપી શકે. જે સુખે છે તેને એ હેલ્પ કરે, પણ દર્દ લઈ શકે નહીં. મારે મારું કર્મ ભોગવવાનું, સહુને સહુનું ભોગવવાનું. કોઈ કહે, કે દાદા તમે મારું દર્દ મટાડી નાખ્યું ને ભયંકર કેન્સર મટાડ્યું. તમે મહાન ચમત્કારો સર્જો છો. ત્યારે તેઓશ્રી હસતા હસતા કહેતા, ભઈ, મારે જ ફાકી ફાકવી પડે છે ત્યારે ઝાડો ઉતરે છે ને ! જ્યાં ઠેર ઠેર બિન્દાસ યશ ખવાતા હોય ત્યાં આખી જિંદગી પૂજ્યશ્રીને યશના અનશનમાં જોવાથી હૃદય ઝૂકી જાય !
કેટલાક સંતોનો પ્રચાર હોય છે, કે તેમણે જાતજાતના ચમત્કારો સર્જ્યા. કેટલાયના દર્દ પોતે લઈને આખી જિંદગી ભોગવ્યા ! કોઈ કોઈનું દર્દ લઈ જ ના શકે ! જો કોઈ કોઈનું ખાઈ લે કે સંડાસ પતાવી શકે તેમ ચાલે તો આ દર્દનું ચાલે. વિજ્ઞાનની બહાર કશું જ કોઈ કહે તો તે બુદ્ધિને ભ્રમિત કરનારા વિધાનો સિવાય કશું જ નથી.
કેટલાક કહે કે મરણને ઠેલ્યું કે ઈચ્છિત સમયે પોતે મૃત્યુ સ્વીકાર્યું. જો આટલો ચમત્કાર કરવા જવાય તો મરણ જ ના આવે, આવો ચમત્કાર કેમ ના થાય ? એવો થઈ શક્યો છે કોઈથી ?! અરે ખુદ ભગવાન મહાવીરને કહેવામાં આવ્યું, કે આપ આપનો નિર્વાણ સમય થોડીક ક્ષણો માટે આઘોપાછો કરો, જેથી એ સમયે બેસતા ભસ્મકગ્રહની મહાવીર શાસન પર પડતી અવળી અસરોને ટાળી શકાય ! ત્યારે ખુદ ભગવાને કહ્યું, ‘રાઈ માત્ર પણ વધઘટ નહીં દીઠા કેવળ જ્ઞાન જો. ખુદ મહાવીર એક ક્ષણ આયુષ્ય લંબાવી કે ઘટાડી ના શકાય તો અન્યનું શું કહેવું ?’
મહાવીરના શિષ્ય ગોશાળાએ તેજોશ્યેલા છોડીને મહાવીરના ચાર શિષ્યોની ઊભા ઊભા જ રાખ કરી નાખી નહતી ને તે જ તેજોલેશ્યાનો પ્રયોગ મહાવીર પર કર્યો. જો કે, પોતે ચરમશરીરી હોવાના કારણે બચી ગયેલા, પણ છ મહિના સુધી ઝાડામાં રક્ત ગયેલું !!! છતાં એમને કોઈ સિદ્ધિ વટાવી નહીં. એ ધારત તો એક સિદ્ધિ વટાવત ને આખા વર્લ્ડને ધ્રુજાવી શકત ! પણ તો એ મહાવીર ના કહેવાત ! તીર્થંકર ના ગણાત !
કોઈ કહે કે મેં સૂર્યને હથેળીમાં ઉતાર્યો ને ચમત્કાર કર્યો ! તો આપણે તેને ચોખ્ખેચોખ્ખું કહી શકીએ, કે તને એવી તે શી લાલચ પડી કે સૂર્યનારાયણને એમની જગ્યાએથી હલાવવા પડ્યા ! અને એમ કરવાથી અમને શું ફાયદો ? જો ચમત્કાર જ કરવો હોય તો ઢગલેબંધ અનાજની ગુણો ઉતારોને ! કે જે આજના દુષ્કાળમાં કામ લાગે ! આ રાખોડી કે કંકુ કાઢવાથી લોકોને શું પેટ ભરાવાનું છે ? કાઢવું હોય તો સ્પેનનું કેસર કાઢને ! કેટલીક જગ્યાએ અમી ઝરે, કંકુ કે ચોખા પડે. કેસર ના પડે. કેસર મોંઘુ એટલે ? બહુ ત્યારે કેસરના છાંટણા થાય, આમ ઢગલેબંધ ના પડે. ઢગલેબંધ પડે તો લોકો ઘેર લાવીને જાતજાતની વાનગીઓ બનાવે ને ! કંકુ પડે કે ચોખા પડે તેના કરતા રૂપિયા કે ગીનીઓ કેમ ના પડે ?
આ બધું જેના થકી થાય તેમને કહીએ, અમને તમારા નમસ્કાર છે. પણ અમારે આ બધાની જરૂર નથી. તમારે કંકુ, ચોખા કે રાખોડી નાખવી હોય તો નાખો ને ના નાખવી હોય તો ના નાખશો. મને એનાથી કશો ફાયદો નથી. હા, મારા ક્રોધ-માન-માયા-લોભ ઘટ્યા કે નહીં. ઘેર આવ્યા ને મતભેદ તો એના એ જ રહ્યા, મહીં શાંતિ થઈ કે નહીં, એટલું જ જોવાની મારે જરૂર છે !
ચમત્કાર કોણ ખોળે ? ખોળવાની જરૂર કોને ? જેને આ સંસારી ભૌતિક સુખોની ઝંખના છે, પછી તે સ્થૂળ સ્વરૂપ કે સુક્ષ્મ સ્વરૂપની હોઈ શકે. અને જેને ભૌતિક સુખથી પર એવા આત્માસુખ પામવાની ઝંખના માત્ર છે એને અત્માસુખથી પર કરનારા ચમત્કારોની શી જરૂર ? અધ્યાત્મ જગતમાંય જ્યાં અંતિમ લક્ષને આંબવાનું છે અને તે છે ‘હું કોણ છું’ની પીછાણ કરવાની, આત્મા તત્ત્વની પીછાણ કરી નિરંતર આત્મસુખ રાચવાનું છે, ત્યાં આ અનાત્મા વિભાગના લોભાવનારા ચમત્કારોમાં અટવાવાને ક્યાં સ્થાન છે ?