Guhilot dynasty and Maharana Pratap in Indian history - 29 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 29

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 29

શ્રધ્ધા ફળી

જનની જણે તો ભક્ત ,કાં દાતા , કા શૂર

નહિં તો રહેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર

  માં એટલે જનની, એ પોતાના દીકરાને ધારે તેવો બનાવી શકે, ઉપેક્ષિત મુરાદેવીએ પોતાના પુત્ર ચંદ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્યના મહાન સિંહાસન હસ્તગત કરવા માટે એવી રીતે તૈયાર કર્યો કે, આગળ જતાં તેને મૌર્યસમ્રાટ તરીકે ઈતિહાસમાં ઉજજ્વળ સ્થાન મેળવ્યું. માં પોતાના પુત્રને વીર, દાની કે સંત બને એવી ઝંખના સેવે,

  રાજપૂતાનામાં અને તેયે બુંદી રાજ્યને મહારાણી પોતાના પુત્ર માટે શી અભિલાષા સેવતી હોય ? પોતાનો પુત્ર મહાવીર બને, યુધ્ધમાં ન પીઠ દેખાડે ન કાયર બને એવી ઝંખના તો સામાન્ય રાજપૂતાણી પણ સેવતી હોય છે. કારણકે રણમાંથી ભાગી આવવું , મોતની બીકે પૂંઠ બતાવવી એ રાજપૂત માટે લજ્જસ્પદ વાત હતી. સમાજ માં એવા કાયરની માં ,બહેન કે પત્ની લજ્જાની મારી મોં પણ બતાવી ન શક્તી.

  પંદરમી સદીનો ત્રીજો દશકો ચાલી રહ્યો હતો. હિંદમાં દિલ્લી. આગ્રા સુધી અફઘાનો અને મોગલો સત્તાધીશ બની ગયા હતા. તેઓ એવા તબક્કે પહોંચી ગયા હતા. કે હવે એ બને વચ્ચે આ પ્રદેશોમાં સત્તાની સાઠમારી ચાલતી હતી.

   પરંતુ રાજપૂતાનામાં અફઘાનો કે મોગલો નો પગપેસારો પણ થયો ન હતો. સર્વ રાજ્યો જોધપુર, અંબર, બુંદી, રણથંભોર, મેડતા, અલવર બધે જ રાજપૂત નરેશો ની હાક વાગતી હતી.

    તે વખતે, મેવાડમાં મહારાણા સંગ્રામસિંહના દ્વિતીય પુત્ર રતનસિંહ ગાદીપતિ બન્યા હતા. બૂંદીમાં સૂર્યમલ્લ હાડા રાજ્ય કરતાં હતા.

બંને યુવાન હતા. બંને મહાવીર હતા. રાવ સૂર્યમલ્લ ના પિતા પણ મહારાણા સંગ્રામસિંહ ની માફક વીરગાથાઓ માં વણાઈ ગયા હતા.

રાવ સૂર્યમલ્લ આજાનબાહુ હતા.

 મહારાણા રતનસિંહ જોધપુરી રાઠોડ નો દીકરો હતો. એની એક બહેન હતી. આ બહેનના હાથ પીળા કરવાની ચિંતા એને સતાવતી હતી.

  એવામાં એક દિવસ બારોઠ કરણીદાન ફરતા ફરતા ચિતોડગઢના રાજદરબારમાં આવી પહોંચ્યા.

સંપૂર્ણ આગતા સ્વાગતા કર્યા બાદ . એકાંતમાં મહારાણાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં કહ્યું. ”કરણીદાનજી. આપ તો રજવાડાઓમાં ફરો છો. મારી બહેન માટે યોગ્ય વર ક્યાં હોઈ શકે એ જો આપ મને કહો તો હું એ દિશામાં વિચાર કરી શકું. “

 “મહારાણાજી બુંદી નરેશ સૂર્યમલ્લ એ માટે સંપૂર્ણ યોગ્ય છે. આપ જો ઈચ્છો તો આ સંબંધ સોનામાં સુગંધ જેવો દિપી ઉઠે.

મહારાણાએ માં ધનબાઈની સલાહ માગી.માંનું હૈયું શીતળ થયું. આમ, સૂર્યમલ્લ ના લગ્ન મેવાડની રાજકુમારી સાથે થયા.

“ ભાભી, ઘુંઘટ તો ખોલો, ચાંદ જેવુ મુખડું તો દેખાડો.

” મેવાડી રાજકુમારી ઘુંઘટ ઊચો કર્યો તો એ સામે ઊભી રહેલી પોતાની નટખટ નણંદ સુજાબાઈને જોતી જ રહી ગઈ.         

“ ચાંદ તો મારી સામે જ છે. “ હસતાં હસતાં ભાભીએ નણંદને પોરસાવી સાથે મનમાં ગાંઠ વળી કે . આને હું મારી ભાભી બનાવીશ. મેવાડની મહારાણી તો આ પરમસુંદરી જ બની શકે. સઘળે આનંદ આનંદ ફેલાઈ ગયો હતો.

એ વખતે કરણીદાન બારોટ રાજમાતાને વંદન કરી કહી રહ્યા હતા.”રાજમાતા. આપની , સુજાદેવી  માટે મેવાડી મહારાણાથી બીજો કયો ગુણવાન પતિ મળી શકે?”

  રાજમાતા એ હસતાં હસતાં જવાબ વાળ્યો. “ બારોટજી ,તમે મારા હૈયાની વાત હોઠે આણી.”રાવ સૂર્યમલ્લ તો આ સાંભળી રાજી રાજી થઈ ગયા. આમ, સુર્યમલ્લ હાડાએ પણ પોતાની બહેન સુજાદેવીને મેવાડ નરેશ રતનસિંહ ને પરણાવી. મેવાડના રાજમહેલમાં સંધ્યા ટાણે દુલ્હન પાસે એક સુંદરી આવી. “ભાભી, ઘુંઘટ તો ખોલો, ચાંદ જેવુ મુખડું તો દેખાડો.”

“ આ ચાંદ જો ગગનમાં આવશે તો સામેનો ચાંદ નિસાસો નાંખશે.” કહી તેણે સામે ઊભેલી યુવતીને બાહુપાશમાં કશી લીધી.

એ હતું બે યુવતીઓના નિર્મળ પ્રેમ નું મિલન.   

આમ બુંદી અને મેવાડ લગ્ન સંબંધે પરસ્પર એક થયા.

હવે બંને રાજવીઓ પણ ગાઢ સંબંધની સ્નેહની ગાંઠે બંધાયા હતા. અવારનવાર એકબીજાના રાજ્યમાં જતાં  આવતા. થોડા વર્ષો વીતી ગયા. આનંદ અને ખુશી નો દીર્ઘ કાળ પણ અલ્પ લાગે બુંદીની રાજમાતા આ બને સારસ બેલડી ને જોઈને આનંદસાગરમાં ડૂબી જતાં. પરંતુ કોકવાર એકાંત માં એમની આગળ ભૂતકાળની એકવાત યાદ આવતી ત્યારે નિરાશા ઉપજતી.

 તે વખતે સૂર્યમલ્લ માત્ર ત્રણ માસનો બાળક હતો. સવારનો સમય હતો. મહારાણા નારાયણદાસ પોતાના રસાલા સાથે. વહેલી સવારથી બહાર નીકળી પડયા હતા. દિનકરના આગમને અંધકાર ઊભી પૂછડિયે ભાગ્યો અને પ્રકાશ પૃથ્વીનો કબજો જમાવી  બેઠો ત્યારે બાળક સુર્ય પારણામાં મીઠી મઝાની નિંદર લેતો હતો.  “ચંપા, રાજકુમારની સંભાળ રાખજે , હું સ્નાન કરવા જાઉ છું.”

જી . મહારાણીબા “ચંપા દાસીએ જવાબ આપ્યો.

થોડો સમય થયો હશે ત્યાં તો પારણામાંથી અચાનક રાજકુમારનો રડવાનો અવાજ આવ્યો. ચંપા દોડી,એણે રાજકુમારને ઉપાડી લીધો. રમાડવા લાગી પરંતુ રાજકુમારના રુદનનો પ્રવાહ સતત ચાલુ જ રહ્યો. રમકડાં આપ્યા, આયના માં એનું મોઢું બતાવ્યું પોતે નાચી, કૂદી, નાચ-નખરાં કર્યા પરંતુ રાજકુમાર ન રીઝયો, વધુ ને વધુ જોરથી રડવા લાગ્યો. અનુભવી દાસી સમજી ગઈ કે , રાજકુમાર ભૂખ્યો થયો છે. એ સ્નાનગૃહ તરફ ગઈ. મહારાણીબા, કુમાર રડ્યા જ કરે છે. મહારાણી ગુસ્સે થયા. ” ચંપા. થોડીવાર કુમારને રમાડ જોતી નથી હું ક્યાં છું ?

ચંપાની હાલત કફોડી,રોતા કુમારને જોઈને એનું હૈયું હાથ ન રહ્યું. એ પણ માં હતી. એનો દીકરો પણ ઘેર હતો. એણે ખોળામાં કુમારને સુવાડયો અને દુગ્ધ પાન કરાવવા લાગી. એને થયું કે, કોણ જોવાનું છે ? ઘડીભર ની તો વાત છે.

પરંતુ કુદરત નો કાનૂન છે. જેનાથી તમે બચીને ચાલવાના હો તેજ સામે આવે છે. મહારાણી સામેથી આવતા હતા. ત્યારે કુમારને ચંપા દાસી.. જોતાં જ મહારાણીના ગુસ્સાનો પાર ન રહ્યો. સાતમા આસમાને પહોંચ્યો. “ચંપા, તારી આ હિંમત? આવો  વિચાર તને ક્યાંથી સૂઝ્યો ?

“મહારાણી બા, મારા મનમાં જરાયે પાપ નથી,કુમારનું રુદન મારાથી ન જોવાયું.”ચંપા રડી પડી. એને લાગ્યું કે હવે મોત નજીક છે. પરંતુ મહારાણીએ તો બાળકને તત્ક્ષણ ઝુંટવી લીધો. તેને જમીનપર સૂવાડી. એક હાથે તેનું પેટ દબાવ્યું. બીજા હાથની આંગળી તેના મોઢામાં ખોસી દઈ , ઊંડે સુધી ફેરવવા માંડી. કુમારને ઊલટી કરવી દીધી. દાસીના ધાવણ નું બુંદે બુંદ કુમારના કોઠામાંથી કાઢી નાખ્યું ત્યારે મહારાણી ને સંતોષ થયો.

ચંપા તો સ્તબ્ધ થઈ ગઈ. મહારાણી નો ગુસ્સો તેને પ્રથમવાર જોયો.   

પરંતુ બીજી જ પળે ,બાલ સૂર્યને દુગ્ધપાન કરાવતા મહારાણી બોલી. ચંપા , તારી નાદાની તને મોત આપત. તને હજુ રાજરીતની ખબર નથી. પરંપરાઓને સાચવવા અમે રાણીઓ, રાજાઓ કાલકૂટ સદાયે સાથે લઈને ફરીએ છીએ. મારે આ સૂર્યને મહાવીર બનાવવો છે. એ સિંહણ ના ધાવણ ધાવે તો જ રણમાં પાછો ન પડે. જો તને હું માફ કરું છું પરંતુ આજની વાત હૈયામાં ભંડારી દેજે. કોઈને યે કહેતી નહિ. “

“મહારાણી બા મારુ હૈયું તો હજુ યે ધડકે છે. આ જભે હવે એ વાત કદી યે બહાર નહિ નીકળે. ”

છતાં યે આટલા વર્ષ પછી યે રાજમાતા ને ડર રહેતો કે, જો રાવ સૂર્યમલ્લના અંગમાં તે વખતે દાસીના ધાવણનું એક બુંદ પણ રહ્યું હશે તો એનો ભાગ ભજવ્યા વગર નહિ રહે. જેમ ખરા સમયે કર્ણ એની વિદ્યા વિસરી ગયો. તેમ સૂર્યમલ્લ યુદ્ધ ના મેદાનમાં અણીના સમયે પાછા પગલાં ભરીને પોતાનું નામ ન લજવે.

વળી જ્યારે તેઓ પ્રત્યક્ષ ચાલક, આજાનબાહુ સૂર્યમલ્લ ને જોતાં ત્યારે મનનાં સંશયને હસતાં હસતાં ખંખેરી નાખતા.

  બુંદી નરેશ રાવ સૂર્યમલ્લ ચિતોડગઢ પધાર્યા. એમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. મેવાડપતિ એ આગ્રહ કરી આયડના જંગલોમાં શિકારનો કાર્યક્રમ ગોઠવ્યો.  બને રાજવીઓ આખો દિવસ શિકારનો આનંદ મેળવી પાછા ફર્યા. “રતનસિંહજી, આપ પણ બુંદી પધારો તો શિકારનો કાર્યક્રમ ગોઠવીશું. સમય કાઢીને અવશ્ય પધારશો.”

“આવતા વસંતોત્સવ માં અમે અવશ્ય પધારીશું.”

“વચન ચોક્કસ આવશો.”

“હા , વચન ,અવશ્ય આવીશું, સૂર્યવંશીઓ વચન તોડતા નથી. હસતાં હસતાં મહારાણા બોલ્યા,”

-------2------------

   કિસનદેવ ચિતોડનો એક સામાન્ય સામંત હતો. તે વ્યસનોનો  ગુલામ હતો. શરાબ,અફીણ તેના નિત્યના સંગાથી હતા. જબરો શિકારી હતો. આથી મહારાણાજી હંમેશા તેને પોતાની સાથે લઈ જતાં.

એક વખતે, બૂંદીમાં તે મહારાણા સાથે ગયો હતો. ઈશ્કી મિજાજના કિસનદેવને રાજમહેલની દાસી ચંપા સાથે ગાઢ પરિચય બંધાયો.

એક પળે ,જ્યારે તેઓ પ્રણય માં મસ્ત હતા ત્યારે ચંપા ભવાવેશમાં આવીને બોલી ગઈ,”તમ જાણો છો. એક વખતે હું મોતના મુખમાંથી બચી ગઈ.”

“કેવી રીતે ?

ચંપા એ ભૂતકાળ પરથી પડદો ખોલી દીધો.

   થોડા વર્ષો બાદ આ પડદો કિસનદેવે પોતાની પત્ની સમક્ષ ખોલી દીધો. ધીરે ધીરે વાત પ્રસરી કે .રાવ સૂર્યમલ્લ દાસીનું ધાવણ ધાવેલ છે. શુધ્ધ રાજબીજ નથી,  વિધ્નસંતોષી માનવોને પરપીડન વૃત્તિમાં વિશેષ રસ હોય છે.

 કિસનદેવ રાવ સૂર્યમલ્લ ના ગર્વનું ખંડન થાય , તેમની ઊભરતી પ્રતિભા નષ્ટ થાય એવા સપના સેવવા લાગ્યા. આમાં ચંપાદાસી ની વાતને એણે હથિયાર બનાવ્યું.

     થોડા વર્ષ વીતી ગયા. આ વાત બુંદી અને ચિતોડમાં જનમાનસ માં પ્રસરી ગઈ હતી.       જાલીમસિંહ કિસનદેવનો એના જેવો જ દુષ્ટ દીકરો હતો. બુંદી નરેશ રાવ સૂર્યમલ્લ અફીણના બંધાણી હતા. અફીણ લેવું એતો રાજરીત હતી. તેઓના પિતા ભારતવિખ્યાત વીર હતા છતાં અફીણના બંધાણી હતા.

રાજસભા ભરાઈ અને કામકાજ પતાવી,નિયત સમયે વિખેરાઈ. પરંતુ અફીણના ઘેનમાં રાવ સૂર્યમલ્લ પોતાના આસનપર ઘોરતા હતા. કિસનદેવ એ દીવાન ખંડમાં આવ્યો.

રાવ સૂર્યમલ્લ ને જોઈને એને હસવું આવ્યું. આ રાવ સૂર્યમલ્લ, મહાવીર, આજાનબાહુ ! દાસીનું .. એ હસ્યો. એક નિર્દોષ વાતમાંથી રાક્ષસી આનદ લેતા લેતા એ ભાન ભૂલ્યો. એણે વિચાર્યું કે. લાવને જરા આના કાનમાં આંગળી ખોસી લઉ.

    એ પાસે ગયો એણે અટકચાળું કર્યું. વાસ્તવમાં રાવ સૂર્યમલ્લ ઊંધતા ન હતા. અર્ધતંદ્રામાં હતા. કિસનદેવ અટકચાળું કરી ને ચાલવા માંડયો. રાવે આંખ ખોલી ને જોયું તો એક સામાન્ય સામંતે પોતાને અટકચાળું કરવાની હિંમત કરી હતી.

તેઓના ગુસ્સાનો પારો ઊચો ચઢી ગયો. એમણે મ્યાનમાંથી તલવાર કાઢી. લાંબી છલાંગ મારી. કિસનદેવની સામે પહોંચી ગયા. તે તો સ્તબ્ધ બની ગયો. કશું બોલે તે પહેલાં જ. તલવાર ના એક ઝાટકે રાવ સૂર્યમલ્લે તેના શરીરના બે કટકા કરી નાખ્યા. લોહીની ધારા વછૂટી, તલવાર મ્યાન કરતાં રાવે કહ્યું બદતમીઝ, પોતાની ઓકાત ભૂલી ગયો.” એજ પળે બહાર ઉભેલા તેના પુત્ર જલમસિંહે  બારણમાંથી ડોકિયું કર્યું. તેણે તમામ પરિસ્થિતિ ક્ષણમાં જ સમજી લીધી.

  જો પોતે રોકશે તો પોતાની વલે પણ આવી જ થશે. તે જીવ બચાવીને નાઠો ઘરમાં જઈને , બારણું બંધ કરીને હાંફવા લાગ્યો. “ જાલમ , કેમ હાંફએ છે. તારા પિતા કયા?”

“માં,ભૂંડો ખેલ ભજવાયો.”કહી તમામ વાત કરી. “દીકરા,એ તો હોય. ધીરજ રાખ. આજે તારા બાપની લાશ પર આપણે રડીએ છે. એક દહાડો એ મોટાઓ હૈયાફાટ ન રડે તો મારુ નામ નહિ. “

રાજપૂતાણીએ વેરની ગાંઠ વાળી. રોતી રોતી એ દરબારગઢ પહોંચી.

મહારાજ, દયા કરો. મારા પતિ ના શબને લઈ જવા દો. “

ચિતોડપતિએ તમામ વ્યવસ્થા કરી આપી. થોડા દિવસ વીતી ગયા. એટલે બનાવની કરુણાની ધાર ભુસાઈ ગઈ. સામંત જાલમસિંહ પોતાના પિતાની હત્યા નો બદલો લેવા માગતો હતો. રાજમહેલમાં કથા ચાલતી હતી.

ભગવાન શ્રીકૃષ્ણની ગેરહાજરીમાં, એક દિવસે દુર્યોધન ના આમંત્રણ થી ધર્મરાજ જૂગટું રમવા કોરવ સભામાં ગયા. ભોળા દિલ ના યુધિષ્ઠિર ની સામે દુર્યોધન અને શઠ મામા શકુનિ હતા. ધર્મરાજ જુગટામાં સર્વસ્વ હારી ગયા. છેવટે દ્રોપદી ને પણ હારી ગયા. જગતમાં જ્યારે જ્યારે ધર્મ નિર્બળ બને છે, ત્યારે માણસની આબરૂ રૂપી દ્રોપદીના ચીર હરણ થાય છે. માટે જ કહ્યું છે કે બીજાના દરમાં જતાં પહેલાં લાખવાર વિચાર કરો. “

“મહારાણાજી , કથાકારનો આ બોધ લાખ રૂપિયાનો છે.”

થોડા દિવસ પછી જલમસિંહે મહારાણા ને કહ્યું.

બુંદી નરેશ વિષે ઘસાતું બોલાય છે.”

શું બોલે છે એ મને કહે.”

જો હું કહીશ તો આપ મને ખોટો સમજશો. મારા પિતા પોતાની મુર્ખાઈથી મર્યા. મને મહારાજ સાથે કાંઈ  દુશ્મની નથી. પરંતુ જ્યારે આપની ભલાઈ માટે મારે કહેવું પડે તો કડવું પણ કહેવું જોઈએ એ મારી ફરજ છે.”

જાલિમ સીધો મુદા પર આવ ગોળ ગોળ વાત ચગવવાનો શો અર્થ ?

“મહારાણાજી ,બુંદીના રાવ સૂર્યમલ્લ વિશ્વાસ કરવા લાયક માણસ નથી”

“કેમ?”

પછી એણે વાતમાં મોણ નાખીને ચંપાદાસી ની વાત કરી. મહારાણાજી , આપના દરબારમાં આપના સામંતના બે ટુકડા કરી નાખનાર માણસના દિમાગમાં શું રમતું હશે, વળી આવતા વસંતોત્સવમાં તેઓ આપણે બુંદીના આંગણે પધારવાનું આમંત્રણ આપી ગયા છે     

   “એ તો અમારો વહેવાર છે. એમ તને અજુગતું શું લાગે છે.?”

“આપનું હિત મારે હૈયે વસેલું છે. રાવ સૂર્યમલ્લ આપનું કાસળ કાઢવા માંગે છે. શિકારના બહાને તમને બોલાવીને ખતમ કરવા માંગે છે.”

“કારણ?”

“ મેવાડ બુંદી કરતાં વધારે કીર્તિવંત છે. આપના થકી, આપની કીર્તિ તેઓ સહી ન શકતા નથી. “જાલમ ,એમ શું ગભરાવાનું , આવા તર્કો કરવાથી મગજ ખરાબ થાય.” મહારાણા બોલ્યા તો ખરા પણ શંકાનો કીડો તેમના મનમાં સળવળ્યો. “હું આપની સાથે જ રહીશ. આપની રક્ષા કરતાં મારો પ્રાણ જાય તો મારુ જીવન ધન્ય બનશે. હવે હું જ્યાં આપ જશો, હાજર રહીશ.” મહારાણા ને જાલમસિંહ જરા ઘેલો લાગ્યો.

“સારું, તારી ઈચ્છા.”

અને સાથે જ, મહારાણા ને લાગ્યું કે, જાલમસિંહ મારો હિતેચ્છું  છે. મેવાડની ગાદી પર પહેલાં રાઠોડોની નજર હતી. મહારાણા મોકલજીના સમયની ઘટનાઓ યાદ કરીને, બુંદીના રાવ પ્રત્યે તે વધુ શંકાશીલ બન્યા. સૂર્યમલ્લ મોટી શેખી મારતો ફરેછે પરંતુ ખાટલે જ મોટી ખોડ છે. પહેલાં વાત મળી હોત તો સૂજ જેવી પદ્મિની બૂંદીમાં મોકલત નહિ. હવે એ મિથ્યા થઈ શકે એમ હતું  જ નહિ.

માનવીને પોતાનો પ્રાણ પ્રિય હોય છે. પોતાના પ્રાણ લેવાનું ષડયંત્ર સૂર્યમલ્લ કરી રહ્યો છે. એ જાણી મહારાણા રતનસિંહ વિચાર શક્તિ ગુમાવી બેઠા. એ ઘા કરે તે પહેલાં મારે જ ઘા કરવો.

બુંદીની મહારાણી મનમાં મલકાતી હતી. વસંતઋતુના સોહામણા વાતાવરણમાં મહારાણા રતનસિંહ બુંદી પધાર્યા હતા.

   મૃગયા એમનો પ્રિય શોખ હતો. સામંત જાલીમસિંહ  તો સાથે જ હતો. તેના હૈયામાં વૈરાગ્નિ ભડકી રહ્યો હતો. રાવ સૂર્યમલ્લ તેના પિતાનો ઘાતક હતો. એના મૃત્યુથી જ એને શાંતિ મળે એમ હતુ.

   રાજપૂત હંમેશા પોતાના કાંડાના બળે જ બદલો લે છે. સમી છાતીએ, બહાદુરીથી, પડકાર કરીને દુશ્મની વસુલ કરે છે. પરંતુ જલમસિંહે પોતાના પિતાની હત્યા નો બદલો લેવા કપટ આદર્યું.

    મહારાણા રતનસિંહ સાવધાન હતા. રાજનીતિ વહેમની સહોદરા હોય છે. શંકાશીલ મહારાણા રાવ સૂર્યમલ્લ નો કાંટો કાઢવા જ શિકારે આવ્યા હતા જ્યારે રાવ સૂર્યમલ્લ આ બાબતથી સાવ અજાણ હતા.

   શિકાર માટે , ચંબલ નદીના પશ્ચિમ તટ પર નંદતા નામના સ્થળે, ગાઢ જંગલ હતું. તેને પસંદ કરવામાં આવ્યું. “મહારાણાજી , આ જંગલ માં  સિંહ, વાઘ ,ચિત્તા ,હરણાં,સસલાં  વગેરે પશુઓ વસતા હતા.”

   હકોટા અને બૂમબરાડાથી આખું જંગલ ધમધમી ઉઠ્યું  પશુઓ ગભરાઈ ને નાસભાગ કરતા હતા. તેમની પાછળ સૈનિકો અને સિપાહીઓ દોડધામ કરતાં હતા.

પોતાના ખાસ અંગરક્ષક સાથે મહારાણા એક વૃક્ષ  નીચે ઊભા હતા. દૂર દૂર બીજા વૃક્ષ આગળ રાવ સૂર્યમલ્લ પોતાના અંગરક્ષક સાથે ઊભા હતા. અચાનક કાંઈક યાદ આવતા પોતાના અંગરક્ષક શાર્દુલ ને  રાજમહેલ તરફ રવાના કર્યો.

પહેલાં તો શાર્દૂલ અચકાયો., “મહારાજ ,આપને છોડી ને ?”

શાર્દુલ , આ સ્થળે એવી ભીતિ રાખવાની જરૂર નથી બધા જ આપણા છે. કમને શાર્દુલસિંહ  હટયો.

હવે જાલીમસિંહે જોયું કે , દુશ્મન બરાબર લાગમાં છે. “મહારાણા જી, આપની પર વાર થાય તે પહેલાં                

 રાવ સૂર્યમલ્લ પર વાર કરી દો. “

મહારાણા એ તે વખતે દૂર દૂર શિકાર જોયો એટલે તીર ચલાવ્યું. જાલીમસિંહે એજ દિશા માં પરંતુ રાવ સૂર્યમલ્લ ને નિશાન માં લઈ તીર છોડયું તીર છૂટ્યું પરંતુ રાવના કાન સરવા હતા. તેમણે પાછળ નજર નાખીને સામેથી પોતા પર આવતા તીર ને જોઈ લીધું. તે ક્ષણે જ તેમણે તીર છોડીને પેલા તીર સાથે અથડાવ્યું. પોતાનું તીર ખાલી ગયું અને પોતે રાવ ની તીક્ષ્ણ નજરમાં આવી ગયો. મહારાજ સૂર્યમલ્લે એક તીર છોડયું જે સીધું જાલીમસિંહની છાતીમાં ઘૂસી ગયું. ત્યાં જ એના રામ રમી ગયા, હવે મહારાણા રતન સિંહે ઘોડો દોડાવી સૂર્યમલ્લ પર તલવારનો પ્રહાર કર્યો. આ અપ્રત્યાશિત આક્રમણ અને પ્રહારથી અસાવધ સૂર્યમલ્લ ઘોડા પરથી નીચે ગબડી પડ્યા. “

મહારાણા આવું કપટ? મેવાડનો શતમુખી વિનિપાત નિકટ જણાય છે. નહીં તો એના મહારાણા ને આવું કપટ  ક્યાંથી સુઝે ?”

“રાવ સૂર્યમલ્લ તને સત્તાનો કેફ ચડયો છે. મને અહી બોલાવી મારી હત્યાનું ષડયંત્ર ગોઠવતાં તને ધર્મ ન નડયો ? જેવા સાથે તેવા થવા માં કશું પાપ નથી. અને દાસીનું ધાવણ ધાવેલાને યુદ્ધ કરતાં પણ શું આવડે?”

“મહારાણા, ધાવણની વાત યાદ ન કરવો. તમે જેમ તમારી માતાના સિંહ છો તેમ હું પણ મારી માતા નો સિંહ છું. “હા , એ તો સારી દુનિયા જાણે છે.,”

હવે સૂર્યમલલને પોતાનો ઉપાલંભ થતો લાગ્યો. “મહારાણા તમે યુદ્ધ માંગો છો તો હું યુદ્ધ આપીશ. ક્ષત્રિયો તો માથે કફન બાંધીને જ  ફરતા હોય છે. હાડા ની મિત્રતા તો માણી હવે દુશ્મની પણ માણી લો.”

તમે મારા માણસોને વાઢ્યા જ કરો એ ક્યાં સુધી જોઈ રહું.”

“મહારાણાજી તમારો અંગરક્ષક મારી પર તીર ફેકે એ જોઈ રહેવાય.?

કહેતાંક અજાનબાહુ મહારાણા રતનસિંહ પર કૂદી પડયા.

બંને કુશ્તી કરવા લાગ્યા. સ્ફૂર્તિથી એક પળે સૂર્યમલ્લે રતનસિંહ ને પછાડી પોતાની શમશેર કાઢી તેની અણી રતનસિંહ ના પેટમાં ખોસી દીધી. આજ પળે મહારાણા એ ભેટમાંથી કટાર કાઢી રાવ સૂર્યમલ્લ ની છાતીમાં ઘા કર્યો. બંને રાજવીઓ ઢળી પડયા. આ બધુ. થોડીવારમાં જ બની ગયું. એક સેવક રાજમહાલમાં દોડતો આવ્યો. ગભરાટમાં  થોથવતી જીભે બોલ્યો,”ગજબ થઈ .. ગયો, મહારાજ ખપી ગયા. મહારાણા સાથે યુદ્ધ કરતાં.”

રાજમાતા ચિંતામાં પડયા. શું મારો દીકરો કાયરની માફક મર્યો ?

બેબાકળા બની બોલી ઉઠયા.”રાવ એમ ન મરે. શું રાવ મરે અને રાણો જીવતો બચી જાય. એ અસંભવ છે. સુજા ,હમણાં જ ખબર આવશે કે મેવાડી રાણા ના પણ રામ રમી ગયા છે.”

બંને રાજવીઓ ની પત્નીઓ શું બોલે?

અને ત્યાં તો બીજો સેવક સમાચાર લાવ્યો.”મેવાડી મહારાણા પણ યુદ્ધમાં અવસાન પામ્યા છે.”

“ ના એમ નહિ આ યુધ્ધમાં પહેલાં કોણ મર્યું ? “ રાજમાતા બોલી.

“માં , આ યુદ્ધમાં બને સમબળિયા હતા. જે ક્ષણે રાવે રાણાજી ને તલવાર ઘોંચી એજ ક્ષણે રાણાજી એ રાવને કટાર મારી. “ “ધન્ય બહાદુરો હવે અમે સતી થઈશું.”

રાજમાતા શોક ભૂલી હર્ષોન્માદમાં બોલી ઉઠયા.” ખરે જ દિકરા તે માના ધાવણની લાજ રાખી. આજે મારી શ્રધ્ધા ફળી.

-----------------------x ---------x -------------------------------