વરદાન કે અભિશાપ (ભાગ-૯)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. અચાનક જ દાદાનું અવસાન થાય છે તે વાતથી નરેશ આઘાતમાં હોય છે. ધનરાજના સૌથી નાના પુત્ર એટલે કે, ભાનુપ્રસાદે પ્રેમ લગ્ન કરી દીધા હોય છે અને ભાનુપ્રસાદ-જયા બંને પ્રેમી-પંખીડાઓ ભાગી ગયા હોય છે. જયાના પિતાએ પોલીસને ભાનુપ્રસાદનો ફોટો આપ્યો હતો આથી તે જોઇને તેઓ નરેશની ધરપકડ કરી લે છે. જયાના બયાનથી પોલીસ નરેશને કસ્ટડીમાંથી મુકત કરી દે છે. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે કરવામાં આવે તેમ હતું. આથી નરેશ અને સુશીલાની સગાઇ ઘરના વાસ્તાની દિવસે જ કરવામાં આવી. શિવરાત્રીના દિવસે નરેશ અને સુશીલાના લગ્ન સંપન્ન થયા. તેમના લગ્નમાં પૂરા કુટુંબના સભ્યોની હાજરી હતી. નરેશના દાદા હયાત નહોતા તા પણ તેના દાદી હાજર હતા. તેઓએ મન માણીને નરેશના લગ્નમાં હાજરી આપી. નરેશના લગ્ન પછી તેના સીતારા બદલાવાના હતા. હવે આગળ.................)
વર્ષ-૧૯૯૧ મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. લગ્ન વખતે ધમાચકડી ના થાય તો લગ્ન જ ન કહેવાય. એ અરસામાં વીડીયોગ્રાફીનો બધાને ઘણો શોખ. આથી નરેશે તેના લગ્ન માટે ખાસ કરીને બનેવીની મદદથી વીડીયોગ્રાફી અને ફોટાવાળાને બોલાવેલ. પણ તેમાં તેના બનેવીએ એક કાંડ કરી દીધો. વીડીયોગ્રાફીની સગવડ નરેશના બનેવીએ કરવાની હોય છે, પરંતુ આખરી મીનીટે તેમણે પૈસા આપવાની ના પાડી દીધી. આથી નરેશને તે ખર્ચ પણ જાતે જ કરવો પડ્યો. એ પછી નરેશની જાન નીકળવાનો સમય થયો ત્યારે પણ તેની કાકીની દીકરી ટીની રીસાઇ ગઇ. કેમ કે, તેને નરેશની જાનમાં જવું હતું અને નરેશને ફકત એક જ બહેન હતી. નરેશની ઇચ્છા તો બધાને લઇ જવાની હતી પણ એ વખતે જાનમાં બહેનો ભાગ્યે જ કોઇ લઇ જતું. પણ છેલ્લે તો ઘરના વડીલોએ મામલો શાંત પાડી દીધો. એ બાદ નરેશના લગ્નધામધૂમથી સંપન્ન થયા.
નરેશના લગ્ન થતા જ ઘરમાં ખુશીઓનો માહોલ થઇ ગયો. નરેશ પહેલાની જેમ જ ઘરમાં પૈસાની મદદ કરતો અને જે રીક્ષા તેના ભાઇ ભરત માટે લાવ્યા હતા તે રીક્ષા તેણે લઇ લીધી હતી અને પૈસા તેની મમ્મી મણિબેને આપ્યા હોવાથી તેનો રૂ.૨૪૦૦ દર મહિને હપ્તો ભરતો. અધૂરામાં પૂરતું ઘર ખર્ચના ૧૨૦૦ રૂા. તો ઘરમાં આપવાના અને બીજી કોઇ વસ્તુ પણ તેને જ લાવવાની. કેમ કે, પિતાનો પગાર ફકત ૮૦૦ રૂપિયા હતો જે તે પણ ઘરના લોનમાં જ જતો. નરેશના મોટા ભાઇ સુરેશ સરકારી નોકરી હોવાથી બહાર રહેતા અને તેના બે નાના ભાઇ જોડે રહેતા, પરંતુ તેમાંથી ભાનુપ્રસાદે જયા સાથે પરનાતમાં લવમેરેજ કર્યા હોવાથી તેઓ સાથે રહેતા નહોતા. ભાડેથી બહાર રહેતા હતા. આમને આમ સમય પસાર થતો રહ્યો અને નરેશની ઘર પ્રત્યેની લાગણીથી ઘરના બધા બહુ જ ખુશ હતા.
આમ તો નરેશના લગ્ન બે તરફી સગામાં જ કરવામાં આવેલ. કેમ કે, નરેશના જે મામા હતા તે સુશીલાના માસા હતા. તો પણ જેમ લોકોના ઘરે વાસણ ખખડતા એમ અહી પણ વાસણ ખખડતા. એ વખતમાં નરેશના બનેવીને બહારગામ નોકરી હોવાથી તેમની બેન અને બે છોકરાઓ અહી તેમની સાથે જ રહેતા. બેન ને બનેવીના ઘર સંસારમાં કાયમથી મગજમારી ચાલી આવતી હતી. જે વાતથી સૌ કોઇ અજાણ ન હતા. તો પણ ઘર સંસાર ચાલ્યો જતો હતો અને સમય પણ કયાં અટકતો હતો.
સુશીલાના લગ્ન થયા ત્યારે તેને ધોરણ-૧૨ ની પરીક્ષા આપવાની બાકી હતી. લગ્ન પછી તેની પરીક્ષા આપવાની ઇચ્છા હતી અને તેને નોકરી પણ કરવી હતી. પણ ઘર સંસારમાં તે એટલી વ્યસ્ત થઇ ગઇ અભ્યાસ બાજુ પર રહી ગયું. અચાનક સુશીલાની તબીયત થોડી નાજુક થઇ. સુશીલાના સાસુ મંદમંદ હસવા લાગ્યા.
શું નરેશ અને સુશીલાના જીવનમાં કોઇ મહેમાન આવવાનું હતું. જો આવશે તો નરેશની જીંદગીમાં શું પરિવર્તન આવશે ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૦ માં)
- પાયલ ચાવડા પાલોદરા