શીર્ષક : ક્વૉલિટી
©લેખક : કમલેશ જોષી
એક મિત્રે બળાપો કાઢતા કહ્યું, "ભગવાનનો કર્મ ફળનો સિદ્ધાંત પણ થોડો કરપ્ટ થઈ ગયો લાગે છે. ભૂલ નેતાઓ કરે, રાજકારણીઓ કરે અને હેરાન પ્રજા થાય એ ક્યાંનો ન્યાય?" એની આંખોમાં થોડી નિરાશા અને થોડો રોષ હતો. અમે હજુ કંઈ વિચારીએ એ પહેલા બીજો સમજુ મિત્ર બોલ્યો, "કર્મ ફળના કાયદામાં કદી ચૂક થતી નથી."
ગમગીન તરત જ બોલી ઉઠ્યો, "તો પછી નેતાઓના કુકર્મોની સજા પ્રજાને કેમ થાય છે?"
સમજુ બોલ્યો, "પ્રજાને પ્રજાના જ કુકર્મની સજા થાય છે."
ગમગીન : "કેવી રીતે?"
સમજુ : "આપણે ત્યાં એવરેજ પચાસ ટકા જેટલું મતદાન થાય છે. મતલબ કે પચાસ ટકા પ્રજા ચૂંટણીના દિવસે, હાઈ ક્વૉલિટીનો ઉમેદવાર ચૂંટી કાઢવાને દિવસે, ઉંઘ અને આળસમાં સુતી રહે છે, જે લોકો મતદાન કરે છે એમાંથી પણ ઘણાં ખરાં પૈસા, જ્ઞાતિ, સંબંધને આધારે કાચા-પાકા, ભળતા-સળતા ઉમેદવારને મત આપી આવે છે. એટલે ભગવાન એ એક દિવસનું મૂલ્યવાન કર્મ ચૂકવા બદલ પ્રજાને પાંચ વર્ષ હેરાનગતિ થાય એવું ફળ મોકલી આપે છે. જે વિસ્તાર કે પ્રદેશના લોકો સાચા અને સારા ઉમેદવારને ચૂંટે છે એ લોકોના પ્રશ્નો કે સમસ્યાઓ વખતે એમનો નેતા એમની સેવામાં મેવા, મદદ અને માર્ગદર્શન લઈને ખડે પગે હાજર રહે છે." અમે સૌ વિચારમાં પડી ગયા.
ચૂંટણી એટલે ચૂંટી કાઢવાની પ્રક્રિયા, વીણવાની પ્રક્રિયા. બહેનો રોજ સવારે કે સાંજે શાકવાળાની રેકડીમાં પડેલા રીંગણ, બટાટા, વાલોર, ગુવાર, ભીંડો જોઈ, તપાસીને ચૂંટી કાઢતી હોય છે. રોજ સવારે પૂજા સામગ્રી માટે ફૂલ આપણે બગીચામાંથી ચૂંટી લાવતા હોઈએ છીએ. જુના સમયમાં સ્વયંવર યોજાતો એમાં કન્યા સામે ઉભેલા અનેક ઉમેદવારોમાંથી યોગ્ય વર ચૂંટી કાઢતી. શાક વાળાની રેકડીમાં મોડી સાંજે જુઓ તો બગડેલા, કાચા, સડેલા, ગુણવત્તા વગરના શાક બાકી રહ્યા હોય. જયારે બેસ્ટ ક્વૉલિટીના, સદગુણી, સંસ્કારી, તાજા-માજા શાક, ફૂલડાં કે વ્યક્તિ ચપોચપ ચૂંટાઈ જતા હોય છે. બે શબ્દો છે: ક્વૉલિટી અને ક્વૉન્ટિટી. આજકાલ લોકો ક્વૉન્ટિટી કરતા ક્વૉલિટીને વધુ પ્રાયોરીટી આપતા થયા છે. સસ્તું હોય પણ સારું ન હોય એનાં કરતાં મોંઘું ભલે હોય પણ એ વન ક્વૉલિટીનું હોવું જોઈએ એવું આજકાલ ડિમાન્ડમાં છે.
ક્વૉલિટી એટલે હન્ડ્રેડ પર્સેન્ટ. અમે ભણતા ત્યારે અમારા સાહેબ ઠોઠ નિશાળિયાઓને સમજાવતી વખતે એક મસ્ત ઉદાહરણ આપતા. એ ઠોઠને પૂછતાં, "જમીને આવ્યો?"
ઠોઠ : "હા."
સાહેબ : "શું જમ્યો?"
ઠોઠ : "રોટલી અને શાક."
સાહેબ : "મમ્મીએ રોટલી કાચી બનાવી હતી કે પાકી?"
ઠોઠ : "પાકી."
સાહેબ : "શાક પચાસ ટકા કાચું હતું?"
ઠોઠ : "ના."
એ પછી સાહેબ ઠોઠને અને આખા ક્લાસને સંબોધીને કહેતા, "મમ્મી જો આપણને કાચી રોટલી અને કાચું શાક જમવા આપે તો આપણે જમીએ?" અમે એકસાથે ‘ના’ બોલતા. ત્યારે સાહેબ કહેતા, "તો પછી ભણવામાં તમે ચાલીસ ટકા કે પચાસ ટકા માર્ક લઈ આવો એ મમ્મી-પપ્પાએ શા માટે ચલાવી લેવું જોઈએ? જો મમ્મી પાસે સો ટકા ક્વૉલિટી તમે માંગતા હો તો તમારે પણ સો ટકા ક્વૉલીટી આપવી પડે કે નહિ?" અમે વિચારમાં પડી જતા. ક્વૉલિટી શબ્દ ખાવા-પીવાની વસ્તુઓને જ નહિં પણ મનુષ્યને, એના વાણી, વર્તન અને વિચારોને પણ લાગુ પડતો હતો એ ધીરે-ધીરે અમને સમજાવા લાગ્યું. ક્વૉલિટી ટાઈમ એટલે જે સમયે તમે શારીરિક તેમ જ માનસિક રીતે હન્ડ્રેડ પર્સેન્ટ ઉપસ્થિત હો એવો સમય. ક્વૉલિટી ટૉક એટલે તન-મનને ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસથી ભરી મૂકતી ચર્ચા.
બરાડો પાડતો, તોછડાઈથી વાત કરતો માણસ ગમે તેટલી ઊંચી પોસ્ટ ઉપર હોય કે ગમે તેવા મોટા બંગલામાં રહેતો હોય, એ સડેલા બટાકાં જેવો છે. પરાયા ધન અને પરાયી નાર પર નજર બગાડવા વાળો માણસ ગમે તે જ્ઞાતિનો હોય કે ગમે તે દેશનો હોય એ બળી ગયેલી રોટલી જેવો છે. સતત બીજાને છેતરવાના અને વેતરવાના વિચારો કરતો માણસ ભલેને રંગે રૂડો અને રૂપે પૂરો હોય પણ એ ઉતરી ગયેલી કઢી જેવો ગંધાતો છે. જયારે વિનમ્ર અને તેજસ્વી વાણી બોલતો વ્યક્તિ ભલે ગરીબ હોય કે કદરૂપો હોય એ વાસ્તવમાં ખીલેલા ગુલાબના ગોટા જેવો છે, સામેવાળાની ચેતના જાગે, એનામાં પોઝીટીવીટી આવે અને મોટીવેશન મળે એવા વિચારો પીરસતો સંત ભલેને માત્ર ફાટેલી પોતડી પહેરેલો કે મુઠ્ઠીભર તાંદુલની પોટલી લઈ ફરતો હોય અને ગાતો હોય કે ‘અરે દ્વાર પાલો, કનૈયા સે કહે દો કે દર પે સુદામા ગરીબ આ ગયા હે, ન જાને કહાં સે ભટકતે ભટકતે, તુમ્હારે મહલ કે કરીબ આ ગયા હૈ.' પણ કાનુડા માટે એ દોડીને મળવા જેવો, ભેટી પડવા જેવો, પોતે જ નહિ પણ પોતાની પટરાણીઓએ પણ પગે લાગીને એના આશીર્વાદ લેવા જેવો હાઈ ક્વૉલિટીના આત્મા જેવો છે.
મિત્રો, આપણે સૌ આખી જિંદગી કર્મોની વિવિધ વાનગીઓ બનાવીએ છીએ. અમારા એક સાહેબ વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય. વર્ગખંડમાં ભણાવતી વખતે વિદ્યાર્થીને જ્યાં સુધી દાખલો કે પ્રશ્ન અને જવાબ સમજાઈ ન જાય ત્યાં સુધી એ સાહેબ વિવિધ ઉદાહરણો દ્વારા બે-ત્રણ વાર નહીં, જરૂર પડે તો સો વાર પણ બોર્ડ ફરી ફરી ચીતરવામાં કદી આળસ ન કરતા. એમની પાસે કોઈ અજાણ્યો વિદ્યાર્થી પણ પ્રશ્ન લઈને આવે તો એક શિક્ષક તરીકે એમનો આત્મા જાગી ઉઠતો. એમને મળવા આવનાર દરેક વિદ્યાર્થી સંતોષ અને પૂરેપૂરી સમજણ લઈ હસતો-ખીલતો પરત ફરતો. ઈંગ્લીશ મિડીયમ વાળા એક શિક્ષિકા બહેન સ્કૂલ સમય પછી બે કલાક માટે એક આશ્રમના બાળકોને મફતમાં ઈંગ્લીશ અને કમ્પ્યૂટર શીખવવા જતા. એક કોલેજીયન છોકરા-છોકરીઓનું ગ્રુપ સરકારી સ્કૂલના બાળકોની રિસેસના સમયમાં વિવિધ ગેમ્સ રમાડવા માટે નિયમિત જતું. એક વકીલ સાહેબ અઠવાડિયાનો એક દિવસ બિલકુલ ફ્રીમાં લીગલ એડવાઇઝ આપતા અને સાતમા પડદે પણ સલાહ લેવા આવનારનો કેસ હાથમાં લેવાની લાલચ ન રાખતા. એક પોલીસ મિત્રે ફ્રી સમયમાં નવી ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોને ટ્રેનીંગ આપવાનું સેવા કાર્ય વર્ષો સુધી કર્યું. એક જ્યોતિષના જાણકાર અને રેકી માસ્ટર રોજના એક દોઢ કલાક જેટલો સમય ફ્રીમાં લોકોની મદદ કરી વિશેષ એનર્જી અનુભવે છે. આ તમામ મિત્રોએ પોતાના આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સમયને પોતાની જિંદગીનો ગોલ્ડન પિરિયડ, યાદગાર સમય ગણાવ્યો છે. શું આવો, આપણને શુદ્ધ સોના જેવો લાગતો જિંદગીનો પવિત્ર હિસ્સો જ કાનુડાને રિયલ હાઈ ક્વૉલિટીનો પ્રસાદ લાગશે? તમે શું માનો છો?
મિત્રો, અંતિમ સમયમાં કાનુડો આપણા કર્મોના થાળમાંથી સુંદર, સ્વાદિષ્ટ અને હાઈ ક્વૉલિટીના કર્મો જમવા આવશે ત્યારે તમને શું લાગે છે આપણે આજ સુધીમાં પકવેલી કઈ વાનગી, કયું કર્મ કાનુડાને ખૂબ ભાવશે અને કયું કર્મ કાનુડો ચાખવાની પણ ઘસીને ના પાડી દેશે? મિત્રો, આજનો રવિવાર આખે આખો કાનુડાને ભાવે એવો સ્વાદિષ્ટ અને હાઈ ક્વૉલિટી વાળા પ્રસાદ જેવો બનાવી કાનુડાના ચરણે ધરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં..)