Ishq Impossible - 10 in Gujarati Love Stories by Jwalant books and stories PDF | ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 10

The Author
Featured Books
Categories
Share

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 10

મેં એક ખોંખારો ખાધો અને મનની વાત સ્વપ્નસુંદરીને કહેવા માટે શબ્દો ગોઠવવા માંડ્યો.
"આ.. એ વાત સાચી છે કે હું ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલ ગયો હતો.પણ તેની પાછળ કારણ હતું."
"એમ..શું કારણ હતું?"
હવે હું સહેજ ખચકાયો,"હું..તને શોધવા ઈચ્છતો હતો."
સ્વપ્નસુંદરીના ચહેરા પર કોઈ ભાવ નહોતા."આગળ?"તેણે એકાક્ષરી પ્રશ્ન કર્યો.
"અને..અને ગેટ પર આજે તું મને બચાવવા માટે બોલી એ ખરેખર તો સાચું જ હતું.હું તારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો."
સ્વપ્નસુંદરી સપાટ ચહેરે મારી સામે જોઈ રહી અને પછી ધીરેથી પૂછ્યું," શા માટે?"
મેં મન મક્કમ કર્યું અને અંતે કહી જ નાખ્યું," કારણકે હું તને પ્રેમ કરું છું."
અંતે સ્વપ્નસુંદરીના ચહેરા પર એક ક્ષીણ સ્મિત આવ્યું અને તેણે કહ્યું,"એવું તને લાગે છે."
"એવું નથી.હું...."
"પહેલાં મારી વાત સાંભળી લે.તને જે અનુભવ થઈ રહ્યો છે તે આકર્ષણ છે.પહેલી નજરનો પ્રેમ તો ફિલ્મો અને વાર્તાઓમાં થાય.તું કહે છે કે તું મારા પ્રેમમાં છે.તું શું જાણે છે મારા વિશે? હું કોણ છું,ક્યાંથી આવું છું,મારું બેકગ્રાઉન્ડ શું છે? તું તો મારું નામ પણ નહી જાણતો હોય!"
"આ બધી વાતોનું મારા માટે કોઈ મહત્વ નથી."
"ઠીક છે.પણ માટે સ્વભાવનું પણ તારા માટે કોઈ મહત્વ નથી?કદાચ હું ઉદ્ધત,અભિમાની હોઉં અને વાત વાતમાં ઝગડા કરતી હોઉં તો પણ શું તારી પ્રેમ કાયમ રહેશે? ચહેરો જોઈને પ્રેમ ન થઈ શકે."
"મને ખાતરી છે કે તું એવી નથી." થોડો સમય મૌન રહ્યા પછી હું બોલ્યો.
"અને આ ખાતરી તને કેમ છે? કારણકે હું સુંદર છું?"
મારો ઉત્સાહ ધીમે ધીમે ઘટવા માંડ્યો હતો.સ્વપ્નસુંદરીનો પ્રતિભાવ જોઈને એવું લાગતું નહોતું કે આ કેસમાં મારું કંઈ ભલું થવાનું હોય.
"આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી.અમુક બાબત એવી હોય છે જેને સમજાવવું મુશ્કેલ હોય છે. એ ફક્ત અનુભવી શકાય છે." મેં ઢીલા અવાજે કહ્યું.
સ્વપ્નસુંદરી હવે ખડખડાટ હસી પડી."આમ નિરાશ ન થઈશ.તારા માટે મારી પાસે એક પ્રસ્તાવ છે."
"પ્રસ્તાવ? કેવો પ્રસ્તાવ?"
"આપણા વચ્ચે પ્રેમ તો શક્ય નથી.પણ પ્રેમનો દેખાવ જરૂર શક્ય છે."
"પ્રેમનો દેખાવ? હું સમજ્યો નહિ."
"સમજાવું.જો અત્યારે આપણે અહીથી ઊભા થઈને જઈએ એટલે આપણે એવું જાહેર કરવાનું છે કે તે મને પ્રોપોઝ કર્યું છે અને મેં તારો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે."
"એટલે તું..."
"વધારે પડતો ખુશ ન થઈશ.આ ફક્ત દેખાવ હશે.અંદરખાનેથી આપણે ફક્ત મિત્રો હોઈશું."
હું જાણે આભ પરથી જમીન પર ભટકાયો.આ તો કઈ જાતનો પ્રસ્તાવ હતો?
"પણ... આવો પ્રપંચ શા માટે?"
સ્વપ્નસુંદરીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું ચાલુ કર્યું,"શીલાના લીધે.શીલા મારી બેસ્ટ ફ્રેન્ડ છે.તેનો ભાઈ ઈશાન મને પસંદ કરે છે.શીલા ક્યારની ઈશાનનું ચોકઠું મારી સાથે બેસાડવા પ્રયત્ન કરી રહી છે.હવે ઈશાન એક સારો છોકરો છે તેની ના નહીં,પણ તેને જોઈને મને કોઈ પ્રેમની અનુભૂતિ નથી નથી તો હું શું કરું? પણ શું શીલાને દુભાવવા પણ નથી માંગતી. એટલે મેં આ રસ્તો વિચાર્યો છે.જો શીલાને ખબર પડે કે મારો કોઈ બોયફ્રેન્ડ છે તો તે ઈશાન માટે પ્રયત્ન કરવો છોડી દે."
"એટલે આપણે દુનિયા સમક્ષ નાટક કરવાનું?"
"હા.હવે તું સમજ્યો."
"પણ તારા પરિવારને જાણ થઈ તો?"મેં ભય દેખાડ્યો.
"તો ઘરે મોટો ડ્રામા થશે.મને તારો સાથ છોડવા કહેવામાં આવશે અને હું થોડી રડારોળ પછી તેમની વાત સ્વીકારી લઈશ."
"પણ .. ધારો કે તારા પરિવારને હું પસંદ આવી ગયો તો?"
સ્વપ્નસુંદરી આશ્ચર્યથી મારી સામે જોઈ રહી.થોડી વાર તો તે બોલી જ ન શકી.પછી તેણે મલકીને કહ્યુ," તારો કોન્ફિડેન્સ મને ગમ્યો,પણ વિશ્વાસ રાખજે કે તું મારા પરિવારને ગમી જાય તેવી કોઈ શક્યતા નથી."
હું આહત નજરે સ્વપ્નસુંદરી સામે જોઈ રહ્યો એટલે એને પણ લાગ્યું કે તે કદાચ વધુ બોલી ગઈ હતી.એટલે પછી તેણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ધીરેથી કહ્યું,
"ખોટું ન લગાડીશ.મને જે લાગ્યું તે મેં કહ્યું.તું બહુ સ્વીટ છે પણ મારા પિતા તેના જમાઈમાં જે ગુણ શોધી રહ્યા છે તે તારામાં નથી.એનો મતલબ એ નથી કે તારામાં કોઈ ખામી છે.દરેક માણસની પસંદ અને અપેક્ષા અલગ હોય છે."
હું માથું પકડીને બેસી રહ્યો. સ્વપ્નસુંદરીનો પ્રસ્તાવ મારી કલ્પના બહારનો હતો.હવે મને સમજાતું નહોતું આ આ પ્રસ્તાવનો શું જવાબ આપું!

ક્રમશ: