DHULO TO HARKHPADUDO (DTH) - 12 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 12

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 12

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૨


આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ વખતે જ કેતલા કીમિયાગારના સાસુમાં અચાનક બીમાર પડતાં એણે અને પિતલી પલટવાર ત્યાં જવાનુ નક્કી કર્યુ. મૂકલા મુસળધારનું બગડી ગયેલુ સ્કૂટર એના સમેત ગગડી પડ્યુ એટલે વિનીયો વિસ્તારી એના ફ્રેક્ચર માટે એને એની જાણીતી હાડ હોસ્પિટલ લઈ ગયો અને ધૂલા હરખપદૂડાની કાર રસ્તામાં અટકી એટલે એ ગેરેજમાં હતો ઈશા સમેત. આમ એ પાર્ટી સાથે સાથે સધકી સંધિવાતના માસીયાઈ ભાઈનું ચોકઠું ગોઠવાય એ પહેલાં જ લટકી ગથું. હવે આગળ...


ભાવલા ભૂસ્કા માટે આ શનિવારીય બેઠક એ એક પ્રતિષ્ઠિત પ્રસંગમાં પરાવર્તિત થઈ ચૂકી હતી. એના પ્રત્યેક પગલાં અને પરિશ્રમનું પરિણામ પણ આ શનિવારીય બેઠકની નિષ્ફળતા રોકી શકી નહીં. એણે શક્ય હોય એ બધા જ પ્રયાસ કરી લીધાં. એણે એક માત્ર હાજર રહી શકે એવા કપલ, ધૂલો હરખપદૂડો અને ઈશા હરણીની હાજરી માટે પોતે કાર ડ્રાઈવ કરી વર્ધમાન ચોક અને એની આસપાસના વિસ્તારમાં ફેરા લગાવી અઢી કલાક અને ઈંધણનો ભોગ ધર્યો હતો પણ પરિણામ શૂન્ય.


એ એના મિત્રોની મુશ્કેલી સમજી શકતો હતો. પણ એની સામે એક વિશાળકાય પ્રશ્ન વનેચર બની વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. એ વાધવરુ કરતાં પણ ખતરનાક સાબિત થઈ જાય એવી તમામ શક્યતો હતી. આમ તો સધકી સંધિવાત ખૂબ જ સમજદાર અને ઠરેલ પત્ની હતી પણ આ નિષ્ક્રિય શનિવારીય બેઠકે એના ભલા ભોળા, ભઞવાનના માણસ એવા માસીયાઈ ભાઈ અમિતનો સંસાર વસવા પહેલાં જ વેરાન કરી દીધો હતો. આ માટે ભાવલા અને સધકીના અંગત જીવનમાં પણ તિરસ્કારની તિરાડ પડી શકે એમ હતી.


સધકીએ એને ખૂબ સમજાવ્યો હતો કે આ મિત્ર વર્તુળ એ આપણાં જ મિત્રો છે, એમને ચોક્ક્સ કહી શકાય, હકથી કહી શકાય કે આ મહિને અમને નહીં ફાવે. જો એમ કર્યુ હોત તો આ શનિવારીય બેઠક બીજા કોઈના ઘરે સહેલાઇથી નિર્ધારીત થઈ ગઈ હોત અને અમિતનું રેખા સાથે ચોકઠું જામી જાત, પણ...


પણ ભાવલાએ સધકીને પટાવીને એ માત્ર લગ્નોત્સ મિટિંગ એમ કહીને પાછી ઠેલવી કે આ શનિવારીય બેઠક માસિક છે. જ્યારે ચોકઠાં ગોઠવો મિટિંગ તો કોઈ પણ શનિવારે યોજી શકાય, વગેરે. જોકે આ ચક્કરમાં શનિવારીય બેઠક તો નિષ્ફળ થઈ પણ એ રેખાબેન રૂપી દહીંથરાંને એક અમેરિકન, બે બાળકોનો પિતા એવો અમેરિકન કાગડો લઈ ગયો. અને અમિત અનામી અંધકારરૂપી એકલતાના આવાસમાં અટવાયો.


હવે ભાવલા ભૂસ્કા માટે 'ડોશી તો ભલે મરી પણ યમરાજ ઘર ભાળી ગયા' જેવી જટિલ પરિસ્થિતિ પ્રસ્થાપિત થઈ ગઈ હતી. હવે એ ઘરે પહોંચીને રડતી સધકીને કેમ છાની રાખશે એવી ચિંતામાં, ઘર તરફ, ભારી હ્રદયે, કારમાં એકલો જઈ રહ્યો હતો. એ મનોમન પોતાના પૂર્વજોને પ્રાર્થના કરી રહ્યો હતો કે એનું લગ્ન જીવન બચી જાય. એ સધકીને સમજાવી શકે કે જે કાંઈ પણ બન્યું એમાં કોઈનો વ્યક્તિગત દોષ નહીં પણ એમની અવળચંડી કિસ્મતના જ કારસ્તાન હતાં.


એક સેકન્ડ એને એ વિચાર પણ આવી ગયો કે ગાડી તો છે સાથે, તો મૂકલા મુસળધારની હોસ્પિટલ તરફ લઈ લેવી જોઈએ. પણ તરત એણે મનને ફરી કાબુમાં લઈ સમજાવ્યુ કે જે કારણસર એણે વર્ધમાન ચોક નજીક હોવા છતાં પણ ધૂલા અને ઈશાને છોડીને નીકળી ગયો એ જ કારણથી પહેલાં ઘરે જવું એ યોગ્ય નિર્ણય હતો. મૂકલા મુસળધારનું ધ્યાન રાખવા એની પાસે વિનીયો વિસ્તારી હતો જ પણ આજે એની પોતાની મદદે કોઈ આવે એ અશક્ય જણાતુ હતુ.


ઉપરાંત અમિત નામનું ઊપકરણ, સધકીના મૂખે, આજ પછી રોજ બરોજ એના મસ્તિષ્ક પર સતત ઢોલ વગાડશે એ ભીતી ડાંડી પિટતી હતી. સધકીના વાક્બાણ એના સમગ્ર શૂરાતનને પુરાતન બનાવી દેશે. આવી બધી વિચારધારાઓ વચ્ચે એ ઘરે પહોંચી ગયો હતો.


એના ધ્યાન આવ્યુ કે એ યંત્રવત કાર પાર્ક કરી, દાદર ચડીને એના ઘરના દરવાજા સુધી પહોંચી ગયો હતો. એણે ફરી એક વાર એના પૂર્વજોને યાદ કરી ડોરબેલની સ્વિચ દબાવી. એને દરવાજાની આંખ છિદ્ર બિંદુમાથી આવતો ઉજાસ અચાનક અંધકારમાં પલટાતો જોયો. એને કમકમાં આવી ગયા કે એની હાલત પણ આજે આવી જ થશે.


આવી રીતે ત્રણ વખત એ દરવાજાની આંખ છિદ્ર બિંદુ પાછળ ઉજાસ અંધકારની રમત રમાઈ. પછી અમૂક ક્ષણો સુધી એ ઉજાસ ટકી રહ્યો. આ સમય ભાવલા માટે પ્રકાશ વર્ષ સમાન પસાર થઈ રહ્યો હતો. એ ગોથે ચડી ગયો કે સધકી એને ડોર આઇમાંથી જોઈને પાછી બેડરૂમમાં ચાલી ગઈ હશે! આજે એના માટે ઘરનો દરવાજો ખુલશે કે નહીં!


'ખટ, ખડખડ' એવા અવાજો સાથે ભાવલાની તંદ્રા તૂટી. એ લોખંડની સેફ્ટી ચેન આંકડી ખુલવા સાથે લાકડાનો મુખ્ય દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને ભાવલાનું હ્રદય ધબકારો ચૂકી ગયુ.


સધકીએ હાવભાવ વગરના શૂન્ય સમાન ચહેરે દરવાજો ખોલ્યો અને ચૂપચાપ કિચન તરફ જતી રહી. આશ્ચર્યચકિત ભાવલાના ધબકારા સામાન્ય થયા. પૂર્વજોની દયા અપરંપાર હતી. એ નક્કી કરી શકતો ન હતો, આવા સંજોગોમાં સોફા પર બેસવુ જોઈએ કે સધકી પાછળ પાછળ રસોડામાં જવુ જોઈએ.


એની અચરજ વચ્ચે સધકી પાણીનો ગ્લાસ ભરીને લાવી અને એની સામે ધર્યો. ભાવલો સુખદ નવાઈનો અનુભવ કરી રહ્યો હતો. એ સધકી પર ઓવારી ગયો. એ હજી સુધી અઢવઢમાં હતો આ પતિ સેવા હતી કે તોફાન પહેલાંની શાંતિ! એ સધકીને નખશીખ ઓળખતો હતો એટલે આ મામલો આટલી નીરવતાથી નીપટી જાય એ લગભગ અશક્ય જ હતું.


આ જો ખરેખર સાચી શાંતિ હોય તો ચમત્કાર જ ગણી શકાય. એ એક મીઠી મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. આ સત્ય હતું કે સ્વપ્ન! સધકી તદ્દન તટસ્થ ભાવે નિષ્પક્ષ સૂરત રાખી એની દરેક ચેષ્ટાની નોંધ લઈ રહી હતી. હવે ભાવલાની હાલત દબંગની સોનાક્ષી સિંહા જેવી થઈ ગઈ હતી, 'થપ્પડ સે ડર નહીં લગતા સાહબ, પ્યાર સે લગતા હૈ.' અહીં ભાવલો અકલ્પ્ય અસમંજસમાં હતો, 'લડાઈ સે ડર નહીં લગતા સધકી, સબૂરી સે લગતા હૈ.'


એની ધીરજનો અંત આવતા એ દબાયેલી ચીસ પાડી ઊઠ્યો, "સંધુ, કાંઈક બોલ."


અચાનક તાળીઓનો ગડગડાટ થયો. અને બેડરૂમમાંથી કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર બહાર આવ્યાં. ભાવલાએ એમને વિચક્ષણ નજરે જોયા. એણે કાંઈ બોલવા પ્રયત્ન કર્યો પણ ફક્ત એના હોઠ ફફડ્યા, કોઈ અવાજ બહાર આવ્યો નહીં.


પિતલીએ પલટવાર કર્યો, "ભાવેશભાઈ, મારી મમ્મીને ઠીક લાગ્યું એટલે અમે આવી ગયાં." આ સાથે ભાવલાના જીવમાં જીવ આવ્યો.


એક વાર ફરી તાળીઓનો ગડગડાટ થયો અને આ વખતે હિરકી હણહણાટ અને સોનકી સણસણાટ બેડરૂમમાંથી બહાર આવ્યાં. ભાવલો હતપ્રભ થઈ ગયો.


સોનકીએ સણસણાટ કર્યો, "ભાવેશભાઈ, અમને એકલાં ઘરે ડર લાગતો હતો એટલે અમે અહીં આવી ગયાં." હવે ભાવલામાં જવાબ આપવાની હિંમત આવી, "સારૂ કર્યુ. આપણે સવારે અહીંથી મૂકલાને જોવા એક સાથે હોસ્પિટલ જઈશું."


ભાવલો નોર્મલ થાય એ પહેલાં અચાનક ફરીથી તાળીઓનો ગડગડાટ થયો. અને બેડરૂમમાંથી ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી બહાર આવ્યાં. ભાવલાને આ ઝટકા માટે તૈયાર નહોતો. એ હેરત પામીને એક સદમો અનુભવી રહ્યો હતો.


ઈશાએ ધડાકો કર્યો, "ભાવેશભાઈ, અમારી કાર રિપેર થઈ ગઈ એટલે અમે અહીં આવી ગયાં." ભાવલાને કાપો તો લોહી ના નીકળે એમ મૂર્તિ બની ખોડાઈ ગયો.


એક વાર ફરી તાળીઓનો ગડગડાટ થયો અને આ વખતે મૂકલો મુસળધાર અને વિનીયો વિસ્તારી બેડરૂમમાંથી બહાર આવ્યાં. ભાવલો ગાંડો થઈ ગયો.


મૂકલાએ મલકાટ કર્યો તો વિનીયો વકર્યો, "બોસ, એ ફ્રેક્ચર નહોતું પણ એકસરે ફિલ્મનો ડેમેજ હતો એટલે અમે અહીં આવી ગયા."


ભાવલાનો ભ્રમ ભાંગ્યો, "હરામખોરો, આ કોની કરતૂત હતી?"


હકીકતમાં આ પ્લાન ધૂલાનો હતો પણ આ પ્લાનમાં સામેલ સૌ, પ્લાન મુજબ એક સાથે બોલી ઊઠ્યા, "મયુરીઓ કળાકાર."


ભાવલો ભૂસ્કો ટૂંકમાં આ રમત સમજી ગયો કે આ કળા કરનાર મોરલો, મયુરીઓ હતો. પણ મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી બહારગામ ગયાં હતાં. એણે તાબડતોબ એ મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપમાંથી એમને ગ્રુપ વિડિયો કોલ લગાવ્યો. હાજર સૌ ફટાફટ એમાં જોડાઈ ગયાં. બૈજુ બાવરીએ એ કોલ રિસીવ બટન અજાણતા દબાઈને રિસીવ કરી લીધો હોય એમ લાગ્યું. એનો મોબાઈલ કદાચ એની પર્સમાં જ હશે એટલે ફક્ત અંધકાર દ્રશ્યમાન હતું પણ આડિયોમાં કોઈ મોટો ઝઘડો ચાલતો હોય એવા શોરબકોર, ગાળાગાળીનો કોલાહલ ઝીલાતો હતો. જોકે એકાએક અચાનક મયુરીઆની એક મોટી ચીસ સાથે એ કોલ કપાઈ ગયો.


શું થયું હશે ત્યાં? આ ઝઘડો કોની વચ્ચે ચાલી રહ્યો હશે? શું મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી કોઈ મુસીબતમાં મૂકાઈ ગયાં હશે? આપના દરેક સવાલનો જવાબ મળશે, ફક્ત જોડે રહેજો. આભાર (ક્રમશ..).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).