મુકુલ ને પોતાને જોઈને ગભરાયેલી હાલતમાં જોઈ જલપરી તેનાથી થોડી દૂર ખસી ગઈ. મુકુલ ના મોઢા ઉપર ગભરાહટ જોઈ જલપરી વ્યથિત થઈ ગઈ.
જરા સંભાળીને માનવ, જખમ હજુ બરાબર રૂઝાયા નથી. તમારે અમારાથી ડરવાની જરૂર નથી. અમે તમારું કંઈ અહિત નહિ કરીએ. જલપરી થોડે દૂર થી મુકુલ ને પોતાના ઉપર ભરોસો રાખવા માટે કહી રહી હતી. મુકુલ ને તો કંઈ સમજાઈ જ નથી રહ્યું કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે.
જલપરી ની સહચારીકાઓ આ બધું જોઇને મૂંઝાઈ ગઈ છે. થોડી વાર પછી મુકુલ થોડો સ્વસ્થ થયો. આખરે એના મન અને શરીરે હકીકત નો સ્વીકાર કરી લીધો કે એની સાથે કંઇક અજુક્તી ઘટના ઘટી રહી છે.
જલપરી ના મુખના હાવ ભાવ થી એટલું તો સ્પષ્ટ હતું કે એ મુકુલને કોઈ જ પણ પ્રકારની હાની નહીં પહોંચાડે. મુકુલે હિંમત કરી ને જલપરી ને સવાલ કર્યો, હું ક્યાં છું અને અહીં કેવી રીતે પહોંચ્યો?
આ અમારો મત્સ્ય લોક છે. જલપરી એ મુકુલ ના પ્રશ્ન નો જવાબ આપી તેના મન નું સમાધાન કરવાની એક કોશિશ કરી. એક રાત્રિએ હું અને મારી સખીઓ જળક્રીડા કરી રહી હતી ત્યાં અમારી નજર આપની ઉપર પડી. તમે બહું ઘવાયેલા હતા. અમે લોકો એક માનવ ને અમારી દુનિયામાં જોઈને ડરી ગયા અને તમને એજ હાલત માં ત્યાંજ છોડી ને પાછા ફર્યા.
તમને ત્યાં ઘાયલ હાલત માં છોડી ને આવ્યા પછી મારું મન માનતું નોતું. વારંવાર વિચાર આવતો કે અમારે તમારી મદદ કરવી જોઈએ અને અમે એમજ કર્યું. ડર એ વાતનો હતો કે જો અહીં કોઈને તમારા વિશે ખબર પડત તો ખબર નહિ શું થાત એટલે હું તમને અહીં મારા નિવાસ સ્થાનમાં લઈ આવી છું.
હું અહીં ક્યારથી છું જલપરી? મુકુલ ના મોઢાથી પોતાના માટે જલપરી સંબોધન સાંભળી ને જલપરી ને હસુ આવ્યું તે પોતાની સહચારિકા સામે જોઇને જોર જોરથી હસવા લાગી. સહચારીકા પણ હસી.
મુકુલ ને થોડો ક્ષોભ થયો. આ લોકો આવું કેમ હસે છે, મેં કોઈ જોક તો કીધો નથી. થોડી વાર પછી મુકુલ ના ઝાંખા ચહેરા ને જોઈ જલપરી એ હસવાનું બંધ કર્યું. માફ કરજો પણ આપના મોઢા થી આવું અજુક્તું નામ સાંભળી ને હું પોતાની જાતને રોકી ના શકી.
અજુકતું શું છે એમાં? તમે જલપરી તો છો. મેં નાનપણ માં ઘણી વાર્તાઓ સાંભળી હતી જેમાં તમારા જેવી જ જલપરી આવતી હતી. હું જલપરી નથી, હું મીન કન્યા છું, અને મત્સ્ય લોકના રાજાની દીકરી છું એટલે રાજકુમારી પણ છું. મારું નામ રાજકુમારી મીનાક્ષી છે.
જલપરી એ પોતનું નામ કહેતા પરિચય આપ્યો. અમે પૃથ્વી લોકમાં તો તમારી પ્રજાતિ ને ફક્ત કલ્પના જ સમજીએ છીએ. મને નતી ખબર કે સાચે જ કોઈ મત્સ્ય લોક હશે અને હું ત્યાં પહોંચી જઈશ.
તમારા માનવો ની આજ તો અજીબ વાત છે, તમે લોકો માત્ર ને માત્ર પોતાના અસ્તિત્વ નેજ સત્ય મનો છો બાકી બધું તમારા માટે કાલ્પનિક છે. માનવ પોતાના અસ્તિત્વ ને ટકાવી રાખવા કંઈ કેટલાય જીવોનું પતન કરી નાખે છે. મીનાક્ષી એ બહું વિષાદ સાથે કહ્યું.
મુકુલ પાસે મીનાક્ષી ની વાત નો જવાબ આપવા માટે કંઇજ નોતું. એ સાચું કહી રહી હતી. માનવ પોતાની સુખસગવડ અને ભૂખ મટાડવા કેટ કેટલા પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ નો ભોગ લઈ રહ્યો છે. મનુષ્ય કુદરતના તમામ તત્વો નો ફક્ત પોતાના સ્વાર્થ માટે વિનાશ કરી રહ્યો છે.
મુકુલે એક લાંબો શ્વાસ છોડ્યો, હું આપની વાત સાથે સહમત છું. ધીરે ધીરે મુકુલ અને મીનાક્ષી એક બીજાથી પરિચિત થવા લાગ્યા અને બંને ના મનમાં રહેલો એકબીજા પ્રત્યે નો ડર પણ હવે લગભગ નીકળી ગયો છે.
મુકુલ ના મનમાં હજી ઘણાં પ્રશ્ન છે જેના જવાબ મેળવવા હજી બાકી છે. તમારું નામ શું છે? મીનાક્ષી એ બહું મૃદુતા થી પૂછ્યું. મારું નામ મુકુલ છે. મીનાક્ષી મુકુલ ની થોડી નજીક આવી, તેનું નીચેનું શરીર આમતેમ પાણીમાં ફંગોળાઈ રહ્યું હતું. એવું લાગતું હતું જાણે કે કોઈ પતંગ હવામાં આમતેમ ઉડી રહી છે.
કંઇક વાત તો હતી મીનાક્ષીમાં. એ બીજી દુનિયાની હતી, માણસ થી સાવ અલગ હતી છતાં મુકુલ ને તે એની તરફ આકર્ષી રહી હતી. મીનાક્ષી નો અવાજ, એનું હાસ્ય,એનો દેખાવ બધું જ મુકુલ ની ઉપર જાણે કોઈ જાદુ કરી રહ્યું હતુ.
ક્રમશઃ...................