Runanubandh - 20 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 20

Featured Books
Categories
Share

ઋણાનુબંધ - 20

પરેશભાઈએ ઘરે પહોંચ્યા બાદ થોડીવાર આરામ કર્યો, મુસાફરી કરીને થાક્યા હતા. સાંજે એમણે પ્રીતિ અને સૌમ્યાને પોતાના રૂમમાં બોલાવી અને અજયના ઘરે ભાવનગર જવાની વાત કરી હતી. પ્રીતિ તો સંકોચનાં લીધે કઈ બોલી જ ન શકી, પણ એના ચહેરાની હાસ્યથી ઉદ્દભવેલી આછી ગુલાબી ભાત ઘણું રજુ કરી રહી હતી.

કુંદનબેન બોલ્યા, 'કાલથી નવરાત્રી ચાલુ થાય છે, તો નવરાત્રી પછી જયારે રજાની અનુકૂળતા હોય ત્યારે જઈએ તો કેવું રહેશે?'

'હા, કુંદન વાત તો તારી સાચી જ છે. પ્રીતિ તારું શું કહેવું છે?'

'પપ્પા તમે જેમ નક્કી કરો એ બરાબર જ હશે.'

પ્રીતિના જવાબ પરથી પરેશભાઈએ હસમુખભાઈને દશેરાના દિવસે ભાવનગર આવવાનું કહ્યું હતું. હસમુખભાઈએ પણ એ દિવસ યોગ્ય જ રહેશે એવી સહમતી આપી એમને આવવા આમંત્રિત કર્યા હતા.

અજય તો એમનો જવાબ આવ્યો એ જાણીને જ ખુબ ખુશ થઈ ગયો હતો. ભાવિની એ ભાઈને ચીડવતા કહ્યું, 'ભાઈ આવતી નવરાત્રી સાથે રમી શકશો, હજુ એક વર્ષ રાહ જોવી પડશે!'

'તું તો રિવાજ દે હો.. મને ક્યાં આમ પણ રમવાનો શોખ છે? હા, તારે રમવું હોય તો સાગરકાકાને ફોન કરું?' તીરછી નજર ભાવિની તરફ કરતા અજય બોલ્યો હતો.

'અરે ભાઈ! મારી આઝાદી તને અત્યારથી ખટકવા લાગી?' કહી ભાવિની ખડખડાટ હસવા લાગી હતી.

અજય અને હસમુખભાઈ પણ ભાવિનીની વાત સાંભળીને હસી પડ્યા હતા. હસમુખભાઈએ સીમાબહેનને પણ ફોન દ્વારા સમાચાર આપી દીધા હતા. ફરી બધા દશેરાના દિવસની રાહ જોવા લાગ્યા હતા.

પ્રીતિ નવરાત્રીમાં ગરબા જોવા જતી ત્યારે પણ યુગલોમાં પોતાની અને અજયની જોડીને જોઈ લેતી હતી. કલ્પનામાં જ ખુશ રહેતી હતી. ધીરે ધીરે પ્રીતિના ગ્રૂપમાં પણ વાત ફેલાય ગઈ કે, પ્રીતિની ટૂંક સમયમાં સગાઇ થવાની છે, આથી બધી સખીયો પણ એને ચીડવતી હતી. પ્રીતિની દુનિયા બદલાઈ જવાની હતી, એ જાણ થી અજાણ પ્રીતિ આવનાર ભવિષ્યની કલ્પનામાં ખુબ ખુબ ખુશ હતી.

અંતે એ ઘડી બંનેને પ્રત્યક્ષ કરી લાવી,

સાથોસાથ અનેક આશાઓને પણ લાવી,

એકદમ અજાણ છતાં પોતીકું જ લાગે..

દોસ્ત! લાગણી હરખ સાથે ઋણાનુબંધ સબંધ લાવી.

પરેશભાઈનો આખો પરિવાર અને સાગરભાઈ દશેરાના દિવસે ભાવનગર અજયના ઘરે પહોંચી ગયા હતા.

હસમુખભાઈએ અને સીમાબહેને આખા પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અજય ની નજર તો પ્રીતિ ક્યારે એના તરફ નજર કરે એ જ જોઈ રહી હતી. સામાન્ય પહેરવેશ અને સાદગીમાં પણ પ્રીતિ ખુબ આકર્ષક લાગતી હતી. પ્રીતિએ એકદમ સુઘડ સ્વચ્છ ટાઈલ્સમાં અજયના ચહેરાનું પ્રતિબીંબ નીરખી લીધું હતું. બ્લેક શર્ટ અને ડાર્કબલ્યુ જીન્સ અને પ્રીતિ તરફ નજર કરેલો અજયનો ચહેરો પ્રીતિએ જોઈ જ લીધો હતો. અચાનક અજયને થયું કે પ્રીતિ કેમ એકીટસે નીચે નજર કરીને બેઠી છે, પ્રીતિની નજર જે સ્થળે હતી ત્યાં અજયે પણ નજર કરી, બંન્નેની નજર એ પ્રતીબીંબમાં જ એક થઈ અને પ્રીતિની ચોરી પકડાઈ ગઈ હોય એમ એને તરત નજર ઉપર તરફ કરી હવે બંનેની નજર એક બની હતી. પ્રીતિ અને અજય આસપાસનું બધું જ ભૂલીને એકબીજાની આંખમાં ખોવાઇ ગયા હતા.

ભાવિની પાણીની પ્લેટ લઈને એ બંનેની વચ્ચે આવી ત્યારે બંનેને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હતો. ગજબનું આકર્ષણ અજય અનુભવી રહ્યો હતો. અને પ્રીતિની પ્રીત તો અજય પર નજરોથી અનાધાર વર્ષી જ પડી હતી ને! બંનેના મન એકબીજાને જોઈને શાંત થઈ ગયા હતા. બંને થોડી થોડી વારે એકબીજાને જોઈ લેતા હતા. આખો પરિવાર નતનવીન વાતોમાં હતો અને આ બંનેની દુનિયા એકબીજાની આંખોમાં સમેટાઈ ગઈ હતી.

પ્રીતિને ઘર દેખાડવા માટે ભાવિની અંદર લઈ ગઈ હતી. બે રૂમ, હોલ અને રસોડું. ઘર નાનું હતું. ઘર એકદમ સામાન્ય જ હતું પણ એટલું બધું સ્વચ્છ હતું કે જૂનું બાંધકામ પણ ઘરને આકર્ષિત કરી રહ્યું હતું. ભાવિની અને સૌમ્યા શું વાતો કરી રહ્યા હતા, એ વાતમાં પ્રીતિનું ધ્યાન જ નહોતું. પ્રીતિ તો ઘરને અને ઘરમાંથી મળતી ઉર્જાને જ માણી રહી હતી. પ્રીતિ અજયના રૂમમાં પ્રવેશી, એક અલગ જ લાગણી એના મનમાં થનગનવા લાગી, અજયની મહેક એના શ્વાસમાં ઊંડે સુધી ભરી એ તૃપ્ત બની ફરી બધાની સાથે હોલમાં આવીને બેઠી હતી.

સીમાબહેને કહ્યું,
'પ્રીતિ ઘર ગમ્યું કે નહીં? હવે આ તારું જ ઘર છે.'

'હા, ખુબ સરસ છે.' ટૂંકા જવાબ સાથે પ્રીતિ હળવું હસતા બોલી હતી.

'આપણો એક નવો બંગલો બની રહ્યો છે. દિવાળી પછી પઝેશન આપશે.' હસમુખભાઈએ ચોખવટ કરતા કહ્યું.

"ઘર તો નાનું હોય કે મોટું પણ એમાં રહેનારના મન મોટા હોવા જોઈએ. અમારી પ્રીતિ તો એકદમ સરળ સ્વભાવની છે. એને બધે જ ફાવે.' દીકરીના વખાણ કરતા કુંદનબેન બોલ્યા.

સીમાબહેને બધાને ખુબ પ્રેમથી જમાડ્યા હતા. એમની ધારણા પ્રમાણે બધા સીમાબહેનની રસોઈના ખુબ વખાણ કરી રહ્યા હતા. કુંદનબેને સીમાબહેનને કહ્યું કે, પ્રીતિને તમારી ઢબે વાળવી પડશે. મારી પ્રીતિ બધું જ બનાવે છે પણ દરેક પરિવારના સ્વાદ અને રીત અલગ હોય ને! કુંદનબેને હળવેકથી વહેવારીક વાત બધા સમક્ષ જ સીમાબેનને રજુ કરી હતી. કુંદનબેન ખુબ હોશિયાર હતા. સીમાબહેનની ચોખ્ખાઈ અને રીત તથા એમના વ્યક્તિત્વને કુંદનબેને થોડું તો જાણી જ લીધું હતું. દીકરીને ભવિષ્યમાં ક્યારેય નળે એવી કોઈ ખોટી વાત કે ખોટી વાહ વાહ કરવાની એમને બિલકુલ આદત નહોતી. કુંદનબેન એવું માનતા કે ખોટી વાતોથી થયેલ સગપણ દુઃખને નોતરે છે.

હસમુખભાઈએ બધાએ જમી લીધા બાદ એમના બંગલા પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરેશભાઈએ તરત જ ત્યા જવાની ઈચ્છા રજુ કરી હતી. પરેશભાઈનો અને હસમુખભાઈનો પરિવાર અને સાગરભાઈ કારમાં તથા પ્રીતિ અને અજયને થોડું એકાંત મળે એ હેતુથી એ લોકો બાઇકમાં આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું.

બધા જ કારમાં ગોઠવાઈ ગયા હતા. પ્રીતિ પણ અજયની પાછળ બાઇકમાં હળવેકથી ગોઠવાઈ ગઈ હતી. એકબાજુ જ બેઠી હતી, આથી થડકો આવતા પડવાની બીકે અજયના ખંભા પર પ્રીતિએ હાથ મુક્યો હતો. અજયના રુહમાં વીજળી સમાન કરંટ જેવો પ્રીતિનો સ્પર્શ અજયને અતિ રોમાંચિત કરી ગયો હતો. હા, અજયના જીવનમાં પણ આ પ્રથમ સ્ત્રીનો જ સ્પર્શ હતો. અજય તો બાઇકના અરીસામાંથી પણ પ્રીતિને જોઈ લેતો હતો.

હસમુખભાઈનો બની રહેલ નવો બંગલો એકદમ લક્ઝ્યુરિયશ અને બધી જ સુવિધાથી સંપૂર્ણ હતો ચારબેડરૂમ, હોલ, ડાયનિંગહોલ, કિંચન અને આગળ પાછળ મોટું ફરિયું, ખુબ જ મોટો અને આકર્ષિત બાંધકામ વાળો બંગલો બધાને પહેલી નજરે ગમી જાય એવો હતો. ખરેખર મનમાં વસી જાય એવું આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર હતું. સોસાયટીમાં મધ્યમાં બનાવેલ ગાર્ડન એટલું સોહામણું હતું કે આખી સોસાયટીનું હૃદય બની ધબકી રહ્યું હતું.

હસમુખભાઈએ પરેશભાઈને કહ્યું, 'કુદરતની કદાચ એવી જ મરજી હશે કે આપણી પ્રીતિ પરણીને સીધા અહીં જ પગલાં પાડે! પ્રીતિ ખુબ નસીબદાર છે. કુદરતની આ આગોતરી તૈયારી જ કહેવાયને!' કુંદનબેન અને પરેશભાઈ હસમુખભાઈનાના મુખેથી આવું સાંબળીને ખુબ ખુશ થઈ ગયા હતા.

પરેશભાઈ બોલ્યા, હવે એ તમારી જ છે ને!

સીમાબહેને પહેલીવખત આવેલ પ્રીતિના કપાળ પર કુંકુચોખાનો ચાંડલો કર્યો હતો, તથા શુકનના કપડાં ભાવિનીના હસ્તકે પ્રીતિને આપવા કહ્યું હતું. સૌમ્યાએ આ યાદને કેમેરામાં કેચ કરી લીધી હતી. બાકી અન્ય ફોટા પણ પાડ્યા હતા. આજ પહેલીવાર પ્રીતિ અને અજયના ફોટા એકસાથે પડી રહ્યા હતા, આ વાતનો આનંદ પ્રીતિ અને અજયને ખુબ થઈ રહ્યો હતો.

પરેશભાઈ પર આજ સમયે એમના ભાઈનો ફોન આવ્યો હતો. ભાઈએ કહ્યું, કે બાપુજી રજા લઈ પ્રભુચરણે જતા રહ્યા છે. તમે જલ્દી પાછા આવી જજો. અફસોસ અને એક ઊંડા દર્દ સાથે પરેશભાઈએ ફોન મુક્યો.

શું હશે પ્રીતિ અને સૌમ્યાના દાદાના સમાચાર સાંભળીને હાલ?
શું આ પહેલી મુલાકાત પર માઠા સમાચારની થશે કોઈ અસર? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻