અજયનું મન નિરાશ થઈ ગયું હતું. દાદાને ઠીક નહોતું એ એક કારણ તો હતું જ પણ આજ પ્રીતિ નહીં આવી શકે એ દુઃખ પણ થયું હતું. સામાન્ય લાગતી પરિસ્થિતિએ અજયને વ્યાકુળ કરી દીધો હતો. પણ હવે આ સમયને પસાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો.
અજયની જેમ પ્રીતિને પણ આ સમયને પસાર કરવો ખુબ અઘરું લાગતું હતું. હરખ અને દર્દની બેવડી લાગણી પ્રીતિ અનુભવી રહી હતી.
જોને સમયે ઝકડી રાખી લાગણી,
મનમાં વલોપાત મચાવે લાગણી,
એક એક ક્ષણ દિલને વ્યાકુળ કરે છે,
દોસ્ત! પ્રેમના ઉંબરે રાખી તડપાવે લાગણી!
અજય અને પ્રીતિ બંને એકબીજાને ફરી પાછા ક્યારે મળી શકશે એ રાહમાં બંનેના સમય થંભી ગયા હતા. રાત, શિયાળાની રાત કરતા પણ વધુ લાંબી બની ગઈ હતી. આ વિલંબના લીધે બંને એકબીજાની મનોમન નજીક આવી ગયા હતા. કહેવાય છે ને, કે સરળતાથી મળે એની કિંમત નથી હોતી પણ જે બહુ રાહ જોવડાવી મળે એ વધુ મનને વહાલું લાગે છે.
દિવસો ધીરે ધીરે પસાર થવા લાગ્યા હતા. બાપુજીને ICU માંથી બહાર લઈ લીધા હતા. તબિયતમાં થોડો સુધારો હતો પણ હજુ એમને લીકવીડ ખોરાક જ આપવામાં આવતો હતો. હવે બાપુજી બધાને જોઈને ઓળખી શકતા હતા, ઈશારામાં પોતાની વાત પણ જણાવતા હતા. અશક્તી વધુ હોવાથી હજુ બોલી શકતા નહોતા. પણ હવે તેઓ ક્રિટિકલ કંડિશન માંથી બહાર આવી ગયા હતા. જેમ જેમ સમય જતો રહેતો હતો તેમ તેમ બાપુજીની તબિયતમાં ઘણો સુધારો થતો ગયો હતો. હોસ્પિટલ ખુબ સ્વચ્છ અને આધુનિક સગવડતા ધરાવતી હોવાથી બાપુજીને તુરંત સારવાર મળતી રહેતી હતી. અવારનવાર પરિવારના લોકો એમને મળતાં રહેતા હતા. સરેરાશ ૧૫ દિવસ બાદ બાપુજીને હોસ્પિટલમાંથી રજા મળી હતી.
પ્રીતિના ખુબ આગ્રહના લીધે બાપુજી અહીં એમના ઘરે રોકાણા હતા. બાપુજીએ ઘરે આવવાની હા પાડી એની જાણ સૌમ્યાને થતા સૌમ્યાએ બાપુજીના સ્વાગતમાં આખા ઘરને શણગાર્યું હતું. સુંદર ફૂલના બુકે, રંગબેરંગી કાર્ડ દ્વારા ઘરમાં ઉષ્માભર્યું બાપુજીનું સ્વાગત કર્યું હતું. બાપુજી પણ ખુબ ખુશ થઈ ગયા હતા. હરખથી પરેશભાઈને બોલ્યા, 'તારી દીકરીઓ દીકરાને પણ પાછળ મૂકે એવી લાગણીશીલ અને સંસ્કારી છે.'
'હા, બાપુજી સંસ્કારી અને લાગણીશીલ તો હોય જ ને પૌત્રીઓ કોની છે?'
'હા, એ તો મારી જ છે ને! કાશ આજ તારી બા હયાત હોત તો એ પણ ખુબ ખુશ થઈ જાત.'
'આ બા ના જ આશીર્વાદ છે કે, અમે આજ તમારા બંનેની ઈચ્છાને પુરી કરી શકીએ છીએ. બા ભલે આજ આપણી સાથે ન હોય પણ એમની આત્મા આજ પણ આપણી સાથે જ છે.'
'હા, સાચી વાત છે. કુંદન થોડી મસાલાવાળી ચા બનાવને! ઘણા દિવસો થયા ઘરની ચા નથી પીધી!'
'હા, બાપુજી! હમણાં લાવી અને સાથે ગરમાં ગરમ તમારા પસંદના થેપલા પણ લાવું છું.'
'અરે વાહ! સારું લઇ આવ પણ જમવામાં સાદી મગની...'
બાપુજીની વાતને અધવચ્ચેથી જ અટકાવતા કુંદનબેન બોલ્યા,
'મગની ફોતરાવાળી ખીચડીને મોળું દહીં. બરાબર ને બાપુજી!'
'હા, બરાબર હો.' કહીને બાપુજી હસવા લાગ્યા હતા.
બાપુજી ફ્રેશ થવા ગયા. કુંદન કિચનમાં ગઈ, બંને દીકરીઓ બાપુજીનો સામાન ઘરમાં ગોઠવવામાં વ્યસ્ત હતી. પરેશભાઈ આ જોઈને વિચારવા લાગ્યા, બાપુજીએ કેટલી ખરાબ પરિસ્થિતિમાં અમારો ઉછેર કર્યો હતો. મને એક સારા મુકામ પર જોવા માટે એમણે દિવસરાત ખુબ મહેનત કરી હતી. અમારા ચારેય ભાઈબહેનને ખુબ સરસરીતે ઉછેર્યા હતા. આજ જે પણ છું એ એમના વિશ્વાસનું જ પરિણામ છે. એક જ મિનિટમાં કેટકેટલો ભુતકાળ વાગોળીને પરેશભાઈ કુંદનની બાપુજી માટેની લાગણી જોઈને ખુશ થઈ ગયા હતા. દીકરાઓ તો પપ્પા માટે લાગણી રાખે જ પણ પુત્રવધુ પણ એવી જ લાગણી રાખે એ ખુબ જ ખુશીની વાત છે. કુંદન બાપુજીનો પડ્યો બોલ જીલી લેતી હતી. આ જોઈને પરેશભાઈનું હૈયું ખુબ ખુશ થઈ જતું હતું.
ઘરનું માહોલ ખુબ ખુશ હતું. કહેવાય છે ને કે, ખુશીના દિવસો જલ્દી વીતવા લાગે છે. બાપુજી આવ્યા એને એક મહિનો થવા આવ્યો હતો. હવે નવરાત્રી પણ શરૂ થવાની હતી, આથી બાપુજીએ એમના ઘરે જવાની વાત પોતાના પુત્ર પરેશને કરી હતી.
'પરેશ હવે નવરાત્રી પણ શરૂ થશે, હવે મારે ઘરે જવું છે. મને મારુ ઘર યાદ આવ્યું છે.'
'બાપુજી આ પણ તમારું જ ઘર છે. અચાનક કેમ એમ કહો છો? તમને કોઈનું ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું.'
'ના દીકરા! ખોટું શું લાગે? બધા જ આટલા પ્રેમથી રાખો છો! પણ ત્યાં ગુજારેલ તારી બા સાથેના દિવસો અને એની સાથે વિતાવેલ બધી ક્ષણ ત્યાં ઘરની દીવાલોમાં સમાયેલી છે. એ હું તને કેમ સમજાવી શકું? એ શબ્દો મારી પાસે નથી. બસ, હવે ઘરે જવું છે. આટલું બોલતા બાપુજીની આંખ ભીની થઈ ગઈ હતી.'
'બાપુજી હું સમજી શકું છું. પણ આ તો તમે અહીં હોવ તો તુરંત કોઈ સારવારની જરૂર પડે તો એ તમને તરત મળી શકે ને! આથી કહું છું. તમે દુઃખી ન થશો. તમને હું કાલે જ ઘરે મૂકી જઈશ.'
'હા, અને મારી સેવા માંથી હવે મુક્ત થઈશ તો તું અજયના ઘરે પણ જલ્દી જતો આવજે. મેં તને કીધું હતું ને કે, મારે પ્રીતિની સગાઈમાં આવવું છે.'
'હા બાપુજી જે પણ નક્કી કરશું એ તમને જરૂર કહીશું.'
પરેશભાઈ બીજે જ દિવસે બાપુજીને એમના ઘરે ગામડે મૂકી આવે છે. પણ પરેશભાઈને એક બીક મનમાં પેસી જ ગઈ હતી, કેમ કે બાપુજીને હૃદયની ત્રણેય નળીઓમાં બ્લોકેજ હતું. અને બાપુજીની ઉમર ખુબ હોવાથી ઓપરેશન હવે કરવું શક્ય જ નહોતું. અને ગામડે ધૂળ, ધુમાડાનું પ્રમાણ શહેર કરતા વધુ રહે આથી એમને બાપુજીની ચિંતા થતી હતી. પણ બાપુજીની મરજીને માન આપી એમને જ્યાં ગમે ત્યાં જવા દીધા હતા.
બાપુજીને રાજીખુશીથી ઘરે મુક્યા બાદ ત્યાં જમીને, કુંદનબેન અને પરેશભાઈ ફરી પોતાના ઘરે ફરી રહ્યા હતા ત્યારે જ હસમુખભાઈનો ફોન આવ્યો હતો. પરેશભાઈએ ફોન ઉપાડ્યો અને બોલ્યા,
'હેલ્લો હસમુખભાઈ! કેમ છો?'
'હેલ્લો પરેશભાઈ! તમે કેમ છો? બાપુજીને કેમ છે?'
'બાપુજીને પહેલા કરતા ઘણું સારું છે, હું અને કુંદન એને ગામડે જવું હતું તો ત્યાં મૂકીને જ પરત ફરી રહ્યા છીએ.'
'અરે વાહ! સરસ. આ તો સારા સમાચાર કહ્યા તમે. ઘરે બધા મજામાંને!'
'હા બધા જ મજામાં છે. ત્યાં બધા કેમ છે?'
'હા, હો. અહીં પણ બધા મજામાં. અને નવરાત્રીની તૈયારીમાં છે. તમે કહો હવે ક્યારે આવો છો?'
'ઘરે જઈને બધાની સાથે વાત કરીને કહું. જે પણ નક્કી કરીયે એ નક્કી થાય એટલે ફોન કરું.'
'હા,પરેશભાઈ તમારા ફોન ની રાહ જોઇશ જય શ્રી કૃષ્ણ!'
'જય શ્રી કૃષ્ણ!'
પરેશભાઈએ કુંદનબેનને કહ્યું, હું વિચારતો જ હતો કે, ઘરે જઈને પ્રીતિ સાથે વાત કરીને હસમુખભાઈને ફોન કરશું. જો એમનો જ ફોન આવી ગયો. હવે પ્રીતિને જો પરીક્ષા કોઈ ન હોય તો ત્યાં જતા આવીએ.
કુંદનબેને પણ પરેશભાઈની વાતમાં સુર પુરાવતા કહ્યું. હા સાચી વાત છે. પ્રીતિની તો પરીક્ષા હશે તો પણ એ મેનેજ કરી જ લેશે, એ પણ ઉતાવળી જ થઈ છે ત્યાં જવા માટે! બોલતી તો નથી પણ એના હાવભાવ એની મનઃસ્થિતિ કહી જ દે છે. મા છું ને! દીકરીની લાગણી હું સમજી શકું છું.
કેવું હશે વિલંબ પછી પ્રીતિ અને અજયનું મિલન?
પ્રીતિને ભાવનગર પોતાના થનાર ઘરને જોઈને કેવી ઉદ્દભવશે લાગણી? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻