DHULO TO HARKHPADUDO (DTH) - 8 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 8

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 8

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૮


આપણે જોયું કે સોનકી ઈશાનું ઉપરાણું લઈને ધૂલા સાથે ફોન પર લડવા બેઠી. એમાં વાતવાતમાં ધૂલાએ સોનકીના મનમાં વિનીયાના રંગીન મિજાજ વિશે શંકાનું બીજ રોપી દીધુ તો વિનીયા પર જાસૂસી કરવા સોનકીએ ધૂલાને જ વચ્ચે રાખ્યો. હવે આગળ...


ધૂલાએ સમજી વિચારીને સોનકીને એક પ્લાન સમજાવ્યો, "જો સોનલ, આ જોખમી કામ માટે પહેલાં એના ફોન પર કબ્જો લેવો પડશે. એ ઘરે આવીને ફ્રેશ થવા જાય ત્યારે કે યોગ્ય મોકો જોઈને એના ફોનમાં કોલ લિસ્ટ અને વોટ્સએપ મેસેજના ફોટા લઈ લેવાના."


સોનકી તૈયાર થઈ ગઈ, "હા પાર્ટનર, આ વાત એકદમ બરાબર. હવે તમારો દોસ્ત ફસાયો. ગયો એ બારના ભાવમાં."


ધૂલો મજા લેવા લાગ્યો, "તો પાર્ટનર, આ કામ પતે એટલે મને ફોન કર."


સોનકી તરત સહમત થઈ ગઈ, "સારું પાર્ટનર."


સોનકી આમ ભલે સણસણાટ પણ હમણાં એના મનમાં હતો ફડફડાટ, 'હે માતાજી, જો આ વાત ખોટી નીકળે તો એક જોડ નારિયેળ ચઢાવીશ. અને જો સાચી નીકળીને તો વિનીયાનું ટકલું કરાવી એના વાળ ચડાવીશ. આમ જોઈએ તો વિનીયો એવો છે જ નહિ, પણ આ દુનિયાનો ભરોસો કોનો! ફિલ્મની હિરોઈનોના આવા ધંધા હોય તો આજકાલની સુધરેલ એટલે કે વંઠેલ છોકરીઓનો ભરોસો થોડો કરાય! આમાં તો ખુબ સાવચેત રહેવુ પડે. અહીં તો નજર હટી ને દુર્ઘટના ઘટી.' આવા બધા વિચારોમાં ને વિચારોમાં જ એનો આખો દિવસ પસાર થઈ ગયો.


હવે સોનકી બેચેનીથી સાંજે વિનીયાના ઘરે પાછા આવવાની રાહ જોવા લાગી, 'આજે તો ભલે દૂધનું દૂધ ને પાણીનું પાણી ભલે થઈ જાય.' એ પોતાની જાતને સતત પ્રોત્સાહિત કરી રહી હતી.


એ સાંજે વિનીયો ઘરે આવ્યો એટલે એણે સરસ હસીને પાણી આપ્યું. પછી દોડીને ટોવેલ લઈ આવી એના ખભે મૂકીને બોલી, "ચાલ ફટાફટ નાહી લે એટલે ગરમાગરમ ચા નાસ્તો આપું." એની વિરુદ્ધ રચાયેલ કાવતરાથી અજાણ વિનીયો ખુશ થઈ ગયો. એને લાગ્યુ આજે એની મેડમ મૂડમાં છે.


આ ખોફનાક મિશન અંતર્ગત સોનકીએ સમય બચાવવા પહેલાંથી જ ચા બનાવીને થર્મોસમાં ભરી રાખી હતી ને એનો મનગમતો નાસ્તો, ચકરી અને સક્કરપારા, પણ ડીશમાં કાઢીને તૈયાર જ રાખ્યા હતા. હવે જેવો એ નાહવા ગયો ખુફિયાપંતિ શરૂ. એણે ફટાફટ વિનીયાનો ફોન, નંબર લોક સિસ્ટમ પાસવર્ડ નાખી (જે એની જન્મ તારીખ હતી) અને ખોલી, ચેક કર્યો. ફોન લિસ્ટમાં કોઈ પણ અજાણ્યો નંબર નહોતો. વોટ્સએપમાં પણ કોઈ શંકાસ્પદ મેસેજ નહોતા. આ બધું પંદર મિનિટમાં કરી લેવાનું હતું. એણે એક જ શ્વાસે આ ભગીરથ કાર્ય ફક્ત અગિયાર મિનિટમાં પતાવી લીધું. હાશ વાંધાજનક કાંઈ નહોતું. એને વિનીયાને પ્રેમથી ગરમ ગરમ ચા સાથે નાસ્તો આપ્યો અને નક્કી કર્યુ, 'આ શુભ સમાચાર ધૂલાભાઈને ફોન કરીને જણાવી દઉં.' એણે લાગ જોઈને ધૂલાને ફોન ઉપર ક્લિન ચિટ રિપોર્ટ આપ્યો.


પણ સામે ધૂલો બાજી સહેલાઈથી છોડી દેવા તૈયાર નહોતો. એ કહે, "સોનકી, આપણો પનારો આ વિનીયા વિસ્તારી સાથે પડ્યો છે. એ એટલો ચાલાક તો છે જ કે આવુ બખડજંતર બધું ડીલીટ કરીને પછી જ ઘરે આવે. માટે આગામી પગલાં તરીકે આ કોલ લિસ્ટ બેકઅપ જોવું પડશે."


સોનકી ફરી પછી ટેન્શનમાં આવી ગઈ કે આ તો ભારે ચાલાક છે. સામે ધૂલો મોજમાં કે હવે વાત જામે છે.


હવે શું?


સોનકી ઉવાચ, 'હવે શું?'


એણે પાછો ધૂલાભાઈને ફોન કર્યો, "હવે શું કરવું જોઈએ?"


ધુલોએ સૂચન આપ્યુ, "કાલે સવારે એ ઘરેથી નીકળે તેની પહેલાં જ એના કોલ્સને તારા ફોન પર ફોરવર્ડ કરી લેજે. એના બધા કોલ તારા ફોન પર આવશે. સાવધાની એટલી રાખવી કે એક પણ કોલ ઉપાડવો નહિ. જાણીતા નંબર હોય તો ઠીક, બાકી બીજા બધા અજાણ્યા નંબર લખી લેવા. સાંજે એ આવે એટલે આજની જેમ એનો ફોન પાછો લઈને કોલ ફોરવર્ડ કેન્સલ કરી નાખવું. ઓકે?"


આ વાતથી સોનકીના જીવમાં જીવ આવ્યો, “ઓકે, બોસ.” વિનીયાની સ્ટાઇલમાં બોલીને એણે ફોન મૂકી દીધો.


બીજા દિવસે એણે સણસણાટી બોલાવી એ પ્લાન અમલમાં મૂકી દીધો. એક વાર એના મનમાં વિચાર પણ આવ્યો કે આ યોગ્ય નથી, એણે પોતાને જ સવાલ કર્યો, 'જો વિનીયાના કોઈ કામના ફોન આવે અને એને ના મળે તો એને તકલીફ તો નહીં થાયને?' પણ એણે તરત પોતે જ પોતાને જવાબ આપ્યો, 'સંસાર બચાવવા કરતાં મહત્વનું બીજું કંઈ નથી. એટલે કરવું તો પડશે જ. વળી આમાં ક્યાં મારો કોઈ સ્વાર્થ છે! આ બધું તો એ વિનીયાની ભલાઈ માટે જ કરવાનું છે ને!' આમ શંકા પાર્ટ ટુ, સમાધાન અમલ આરંભ.


બીજા દિવસે સોનકીએ વિનીયાના ફોન પર સર્જીકલ સ્ટ્રાઇક કરી જ નાંખી. હવે એ ફસાયો બરાબરનો. સોનકી એના ગયા બાદ ફોન અને એક ડાયરી લઈને બેસી ગઈ. જાણીતા ફોન ના ઉપાડવાના, ના લખવાના. પણ અજાણ્યા બધા જ નમ્બર નોંધીને પોતાના ફોનમાંથી સામે કરવાનો અને ફક્ત અવાજ સાંભળીને મૂકી દેવાનો.


સાંજ સુધી સોનકી થાકી જાય એટલા ફોન આવ્યા. જોકે ભયાનક ઘટના એ ઘટી કે એ અજાણ્યા, મોટા ભાગના કોલ અલગ અલગ અને એ પણ છોકરીઓના જ હતા.


આ અકલ્પ્ય પરિણામથી સોનકી હેરાન થઈ ગઈ, 'સાલું એકાદ હોય તો સમજ્યા પણ અગિયાર છોકરીઓના ફોન હતા.' બાકી પુરુષ અવાજવાળા કોલને એણે બેનીફીટ ઓફ ડાઉટ આપી, શંકા વગર તરફેણના ધોરણે બાદ કરી નાખ્યાં.


એ મૂંઝવણમાં તો મૂકાઈ જ ગઈ, 'એક સાથે અગિયાર! એકાદ હોય તો સમજ્યા. ના ના ના, એક હોય તો પણ ના ચાલે. હવે આ ફજેતી થાય એવી વાતમાં ધૂલાભાઈને વચમાં રખાય કે નહીં એ પણ એક સવાલ છે. પણ મારી પડખે બીજું છે પણ કોણ!' થોડી લમણાંજીક બાદ છેવટે એણે લગાડ્યો ધૂલાને ફોન અને રડતાં રડતાં બધી વાત કરી.


ધૂલો પણ ઉવાચ. એણે પણ એજ પ્રતિભાવ આપ્યો, "એક હોય તો સમજ્યા, પણ અગિયાર!"


સોનકી પાસે રડવા સિવાય બીજો કોઈ જવાબ નહોતો. જોકે ધૂલો પણ એકવાર વિચારમાં પડી ગયો, 'આ વિનીયો તો સાચે જ વિસ્તારી નીકળ્યો.'


ધૂલાએ પાછું પૂછી નક્કી કરી લીધુ, "સોનકી, પાક્કા પૂરા અગિયાર ફોન હતા?"


સોનકીએ ડૂસકું મૂક્યું, "ના ધનેશભાઈ, ફોન તો ઘણાં આવ્યા હતા, પણ આ અગિયાર તો ફોન દર અડધા કલાકે આવતા હતા, હું અવાજ સાંભળીને મૂકી દઉં, તો પણ થોડી થોડી વારે કર્યા જ કરે. તમારો દોસ્ત સાવ નાલાયક છે." એક મોટા ધ્રૂસકાનો અવાજ સંભળાયો.


ધૂલો અઢવઢમાં અટવાઈ ગયો, "સોનલ, રડવાનું બંધ કર અને તું જરાય ચિંતા ના કરીશ. એ ફોન નંબર લખ્યા છે ને એ ડાયરીના પાનાનો ફોટો મને વોટ્સએપ પર મોકલાવ. હું એમને દરેકને ફોન કરું છું ને તને આગળની તપાસ જણાવુ છું. ઓકે? વિનીયો સાવ એવો તો નથી. તું તારે બિન્દાસ થઈ જા, બાકી હું જોઉં છું કે શું વાત છે!"


ઘડીના છઠ્ઠા ભાગમાં વોટ્સએપ પર ફોટો આવી ગયો.


હવે ધૂલાનો ચહેરા મરક મરક થઈ ગયો, 'ધત તેરી કી! આ તો કોઈ ઇન્દોર અને નોઈડા વગેરેના કોલ સેન્ટરના નંબર છે. 0911xxxxxxxxxx. સાલું હવે સમજાયુ.

તો પણ એક વાર સામે ફોન કરી ખાત્રી કરી લેવા દે.'


તારણ એ આવ્યુ કે ચાર ફોન નવું ક્રેડિટ કાર્ડ વેચવાવાળાના હતા, બીજા ત્રણ કોઈ શેરબજારના ફ્રી એકાઉન્ટ ખોલવાવાળાના હતા અને ત્રણેક ફાઇનાન્સ કંપનીના ફોન હતા - સર આપકો લોન કા રિક્વાયરમેન્ટ હૈ! હાશ. હવે એક જ બાકી છે, એને પણ ફોન લગાડવા દે. જોકે એ ફોન કોઈ ઉપાડતું જ નહોતું. હવે સવાલ એ છે કે સાચ્ચે લફડાવાળી વસ્તુ હોય તો!


અત્યાર સુધી મરક મરક હસીને મજા લેતો ધૂલો હવે ચિંતિત થઈ ગયો, 'ભગવાન કરે આ ખોટું હોય. નંબર પણ લોકલ જ હતો. એણે બહાર જઈ મને અલગ અલગ પબ્લિક ફોન પરથી આ નંબર લગાડ્યો પણ કોઈ પણ જાતનો પ્રતિભાવ ના મળ્યો.


'હવે!' એ પોતાના ગુરુને યાદ કરવા લાગ્યો. અને ગુરુએ અપત્યક્ષ રીતે તરત માર્ગ પણ બતાવી દીધો. એને યાદ આવ્યુ કે ગુરુજી ઘણી વાર કહેતા કે 'પ્રભુની લીલા તો પ્રભુ જ જાણે'. યસ, ચમત્કાર થઈ ગયો. ઘૂલાની બેટરી ચાર્જ થઈ ગઈ, 'યસ, વિનીયાને જ પૂછવા દે. સદગુરૂનો જયજયકાર.' એણે વિનીયાને ફોન લગાડ્યો. પણ કોલ સોનકીના ફોન પર ફોરવર્ડ થઈ ગયો. એણે સાંજ સુધી રાહ જોવાનુ નક્કી કર્યુ.


કોનો ફોન નંબર હશે આ અગિયારમો? શું વિનીયાએ કોઈ ખાનગી વ્યવસ્થા કરી લીધી હશે? ધૂલો વાતની ખરાખરી સુધી પહોંચી શકશે? આપના દરેક પ્રશ્નનો ઉત્તર મળશે, મજેદાર મળશે. બસ આ સફરમાં જોડે રહેજો, આભાર (ક્રમશ).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).