Guhilot dynasty and Maharana Pratap in Indian history - 8 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 8

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 8

પદ્દ્મીની દેવી

         દિલ્હીનું પતન થયું. શાહબુદ્દીન ઘોરીએ પોતાના પ્રિય કુતુબુદ્દીન ઐબકને દિલ્હીની સૂબાગીરી સોંપી.

         “ચિત્તોડના મહારાણા સમરમાં વીરગતિ પામ્યા પરંતુ એનું ગૌરવ તો અક્ષય છે.”

         ચિત્તોડની ગાદીપર રાવળ કર્ણસિંહ શાસન કરતા હતા. તેઓ નાના હોવાથી તેમની માતા કર્મદેવી રાજકારોબાર સંભાળતી હતી. કુતુબુદ્દીને મેવાડને જીતવાનો સુંદર મોકો જોયો. એણે સેના લઈને આક્રમણ કર્યું. મેવાડીઓ હિંમત હાર્યા નહીં. રાજમાતા કર્મદેવી સ્વયં લોહબખ્તર સજીને, અશ્વારુઢ થઈને મેવાડીસેનાને રાણાંગણ તરફ દોરી ગયા. ફરી એકવાર મેવાડી સેનાએ કુતુબુદ્દીનને ઘાયલ કરી નસાડ્યો અને વિજય મેળવ્યો. થોડા વર્ષો મેવાડે શાંતિનો શ્વાસ લીધો.

 રાણા કરણ બીમાર થઈ મરણ પામ્યા. તે વેળા તેમનો કુંવર મહપ મોસાળમાં હતો. ઝાલોરનો રાજવી, જે રાણાનો જમાઈ થતો હતો. તેણે ચિત્તોડના કેટલાક સરદારોને મારી નાખી ગાદી પડાવી લીધી અને તે પણ પોતાના કુંવરને ગાદીએ બેસાડ્યો. કરણના ભાઈ કલ્યાણનો દીકરો રહપ સિંધમાં રાજ્ય કરતો હતો. તેણે ચિત્તોડ પર ચડાઈ કરી અને ગાદી મેળવી. હવે તે ગાદીપતિ હતો. તેણેજ પોતાની કૂળશાખા ગેહલોત બદલી સિસોદિયા રાખી. રાઓલના બદલે ‘રાણા’ ની પદવી ધારણ કરી. રહપ ઈ.સ.1239 માં મરણ પામ્યા.

 ઈ.સ.1239 થી 1275 સુધીના 36 વર્ષના ગાળામાં દિલ્હીમાં સુલતાનયુગ ચાલતો હતો ત્યારે નવ રાજાઓ ચિત્તોડ ની ગાદીએ બેસી ચૂક્યા.

 હવે દિલ્હીમાં જલાલુદ્દીન ખીલજીનો નાશ કરી તેનો ભત્રીજો અલાઉદ્દીન ખીલજી રાજ્ય કરતો હતો ત્યારે ચિત્તોડની ગાદીએ રાણા રત્નસિંહ બિરાજતા હતા. એ મહાપરાક્રમી હતા. એથી ભીમસિંહના નામે પણ જાણીતા થયા. રાણા રતનસિંહ ના ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું. તેઓ સિંહલદ્વીપથી પદ્માવતીને પરણી આવ્યા. પદ્માવતી પદ્મિની હતી. શાસ્ત્રકારોએ પદ્મિની સ્ત્રીને ભાગ્યશાળી જાણી છે. કામશાસ્ત્રના જાણકારો કહે છે કે, જગતમાં 4 પ્રકારની સ્ત્રીઓ જોવા મળે છે. (1)હસ્તિની, (2) શંખિની, (3)ચિત્રિણી, (4)પદ્મિની. હસ્તિની સ્ત્રી જાડી અને ઠીંગણી તથા વાસનાપ્રિય હોય છે. શંખિની સ્ત્રી સુંદર, ક્રોધી અને માંસાહારી હોય છે. એ શણગાર પ્રિય છે. એ સાંસારિક વિષયોમાં લીન રહે છે.

 ચિત્રિણી સ્ત્રી ચતુર અને સુંદર હોય છે. તે પોતાના સ્વામીને પ્રેમ કરે છે. એ હાસ્યવતી અને નિષ્ક્રોધી હોય છે.

 પદ્મિની સ્ત્રી બધાં પ્રકારની સ્ત્રીઓમાં ઉત્તમ હોય છે. એના બદન માંથી કમળ ની સુગંધ જેવી ખુશ્બૂ આવે છે. એનું રૂપ પૂર્ણિમાના ચંદ્ર જેવું ધવલ અને શીતળ હોય છે. આથી એની ચારે બાજુ સતત ભ્રમરો મંડરાયા કરે છે. એના હાથમાંથી કંકુ ઝરે તો એના પગલાં કુમકુમવરણા હોય. કોઈ ભાગ્યશાળી નર ને જ આવી સ્ત્રી પ્રાપ્ત થાય છે.

પદ્માવતી અને રાણા રતનસિંહની પ્રેમ-કહાણી મેવાડમાં ઘેર-ઘેર જાણીતી હતી. પદ્મિની મેવાડનું ગૌરવ હતી. એની વાતો દંતકથાઓની માફક ચમત્કારોથી ઉમેરાઈને લોકમુખે સંભળાઈ રહી હતી.

 ભારતની દક્ષિણે આવેલા દ્વીપોમાં સૌથી સુંદર દ્વીપ સિંહલદ્વીપ હતો. ત્યાં ગંધર્વસેન નામનો પોતાના નામને સાર્થક કરે તેવો ગુણશીલ રાજા રાજ્ય કરતો હતો. એની ચંપાવતી નામે રૂપરૂપના અંબાર સમી રાણી હતી. એણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો.

 સિંહલદ્વીપ દેશ આખો વાટિકાઓનો ઉદ્યાન હતો. મલયપર્વત પરથી આવતો ઠંડો, સુગંધિત અને મંદ મંદ વહેતો વાયુ સૌના મનને મોહી લેતો. ત્યાંના સ્ત્રી-પુરુષો સુંદર, પ્રેમાળ અને ગુણવાન હતા. સૌ જીવનને ભર્યું ભર્યું માનીને ભાવથી જીવતા હતા. સૌની ગળથૂથીમાં પુરુષાર્થ ઠાંસી ઠાંસીને ભર્યો હતો એટલે વિષાદનો પ્રવેશ અસંભવ હતો.

રાજકન્યાનું નામ પદ્માવતી રાખવામાં આવ્યું. સુંદર, નિર્મળ, જળરાશિવાળા સરોવરમાં ખીલતા કમળની માફક રાજકન્યા મહેલમાં ખીલતું બાળ પુષ્પ હતી. તેની બાળલીલાથી સૌને આનંદની સુગંધ મળતી. પોતાના એકમાત્ર સંતાનને તમામ પ્રકારની વિદ્યા શીખવીને રાજાએ થોડા વર્ષોમાં વિદુષી બનાવી દીધી.

પુષ્પની સુગંધ પ્રસરતા વાર લાગતી નથી અને રૂપને કીર્તિ મળતા વાર લાગતી નથી. સર્વત્ર રાજકુમારીના રૂપની ચર્ચા હતી. હોંશીલા અને જોશીલા રાજકુમારો, જગતભરમાંથી પોતાનું ભાગ્ય અજમાવવા સિંહલદ્વીપમાં આવતા પરંતુ પદ્મિનીના મનને જીતવામાં કોઈ સફળ થયા નહીં.

એમાં વળી એક દિવસ રાજાને રાજપુરોહિત કહી રહ્યો હતો. “મહારાજ, આપ તો ઇન્દ્ર જેવા છો. આ દેશ સ્વર્ગ સમાન છે. પદ્માવતી સ્વર્ગીય સુંદરી છે. એના માટે જગતમાં યોગ્ય મળવો અસંભવ નહીં તો મુશ્કેલ જરૂર છે.”

દ્વાર આગળ છુપાઈને વાર્તાલાભ સાંભળતી પદ્માવતી યૌવનના ઉંબરે ઉભેલી હતી. જોબનનો ભાર અને વળી આ કથનથી ઉપજેલી ચિંતા. એને થયું, શું મારે લાયક પુરુષ આ જગતમાં જન્મ્યો જ નથી? શું મારું યૌવન એળે જશે? શું મારી દશા ચંપાના પુષ્પ જેવી થશે? ચંપાનું ફૂલ કેવું કમનસીબ.

 ચંપા તુઝમે તીન ગુણ, રૂપ, રંગ ઔર સુવાસ,

 એક અવગુણ હૈ, ભ્રમર કોન આવે પાસ.

 એકાએક એને યાદ આવ્યું. એ પણ ચંપાનું પુષ્પ જ હતી ને! એની માતાનું નામ ચંપાવતી હતું ને?

સાત સુંદર ખંડોવાળા સુંદર મહેલમાં એના જેવી જ રૂપવાન, ગુણવાન એક સહસ્ત્ર દાસીઓ સાથે એ રહેતી હતી.

 એકાંત એ સૌને માટે દુઃખદાયક હોય છે. પદ્માવતીને ત્યાં એક સુંદર પોપટ હતો. તે વાચાળ અને વિદ્વાન હતો. સાચે જ રાજકુમારીનો તે સુખદુઃખનો સન્મિત્ર હતો. જેના સમગ્ર અંગમાંથી સુગંધ પ્રસરતી હતી. તેવી પદ્મિનીને ચિંતાતુર જોઈને તે હમદર્દી બતાવતા બોલી ઉઠ્યો, “રાજકુમારી, તારું મુખ કેમ મ્લાન થઇ ગયું છે. અહા! તારી વેણી તો એવી લાગે છે જાણે મલયગિરિ પર્વતપર સર્પિણી બેઠી ન હોય! આટલા વૈભવ વચ્ચે તારે ચિંતા? પદ્માવતીનું યૌવન પૂર્ણમાસીના ચંદ્ર જેવું ખીલ્યું હતું. એનું મસ્તક બીજના ચંદ્ર જેવું હતું તો એની સુંદરતા આગળ ચાંદ પણ લજવાઈ જતો. એની ભ્રમરો ધનુષ્ય સમાન હતી. એની નજર બાણના ફળ જેવી તીક્ષ્ણ હતી. એના નયનો હરણોના ચક્ષુ જેવા હતા. એનું નાક પોપટની ચાંચ જેવું અણીદાર હતું. એનું મુખમંડળ કમળના પુષ્પ જેવું ગુલાબી હતું. એના અધરમણી જેવા અને દાંત હીરા જેવા ચમકતા હતા. એની કટિ સિંહકટિ સમાન હતી. એ ગજગામિની હતી.

 એને પ્રાપ્ત કરવાની લાલસા યોગી, યતિ, સન્યાસી સર્વને થતી.

 વર્ષાઋતુમાં બે કાંઠા વટાવીને વહેતી ગંગાનદીના ધસમસતા પૂર જેવું પદ્માનું રૂપ તરંગિત થઈ રહ્યું હતું. જાણે જોબન હિલોળે ચડયું હોય. આવા સમયે, એના પિતા એનો વિવાહ કરવાને બદલે એના લગ્નને પાછળ ઠેલી રહ્યા હતા. રાજકુમારીના મનની વેદના સાંભળી પોપટે કહ્યું, “પદ્માવતી, જો તું મને આદેશ આપે તો હું તને મદદ કરી શકું એમ છું. હું દુનિયાભરમાં રઝળીને તારા માટે યોગ્ય વરને શોધી લાવીશ. પરંતુ હું જ્યાંસુધી પાછો ન આવું ત્યાંસુધી તારે ધૈર્ય ધારણ કરીને, મારી રાહ જોવી પડશે.”

“કબુલ, મારા સખા, તારી વાત મને કબૂલ છે. હું તારી રાહ જોઈશ.” પરંતુ આ મંત્રણાની ખબર રાજાને થઈ ગઈ. રાજાના ચરો સર્વત્ર ફેલાયેલા હતા, ગુપ્તચરો એ તો રાજાની આંખ છે. પોપટની વાત સાંભળીને રાજા ગુસ્સાથી તપી ગયો. એણે હુકમ કર્યો.

“એ બેવકૂફ પોપટને જાનથી મારી નાખો.”

જલ્લાદો રાજકુમારીના ખંડ સુધી કૂચ કરી ગયા. પરંતુ રાજકુમારી દોડી ગઈ અને રડતાં રડતાં પિતાને પોપટના પ્રાણીદાનની ભિક્ષા માંગી. રાજા પણ છેવટે પિતા હતોને? એણે માફી બક્ષી, પોપટનો પ્રાણ બચી ગયો પરંતુ મન ભાંગી ગયું. મોતીને વીંધીએ અને મનને કુવેણથી વીંધીએ એટલે પછીએ ખંડિત થઈ જાય છે.

થોડા દિવસો પસાર થઇ ગયા. રાજાનો પહેરો હટી ગયો એટલે પોપટે રાજકુમારીને કહ્યું, “હવે મને વનમાં જવા દે, માલિક જ જયારે મારી નાંખવા બેઠો હોય એનો ઉદ્ધાર કેવી રીતે થાય? હું નિમકહરામ નથી પણ નિમકહલાલ છું. મેં અહીં રહીને અનેક સુખ ભોગવ્યા છે તે માટે હું તારો આભારી છું. એટલે જ વેદના થાય છે કે, મારાથી તારી કોઈ સેવા ન થઈ શકી.”

 આ સાંભળી રાજકુમારી ઉદાસ થઈ ગઈ. તે આર્ત સ્વરે બોલી, “હે પ્રિય શુક, તારો અને મારો પ્રેમ અટૂટ છે. આ વિશાળ જગમાં હું ફક્ત તનેજ મારી વ્યથા કહી શકું છું. તારા વગર હું કેવી રીતે જીવીશ? આપણા ધર્મના પ્રેમને ખાતર તું હમણાં એ વિચાર છોડી દે.”

 પોપટ વિયોગની વેદના સમજતો હતો એટલે મૌન રહ્યો. પરંતુ તે વિચારવા લાગ્યો, જે નાવનો નાવિક જ નાવને ડુબાડવા ઈચ્છતો હોય તે નાવ ક્યાં સુધી સલામત રહી શકે? પૂર્ણિમાનું સ્નાન કરવા એક વેળા સખીઓ સાથે પદ્માવતી સરોવર ગઈ. સ્નાનક્રીડાએ સમયને ખાંઇ ગઇ. આનંદસાગરમાં મસ્ત પદ્માવતી હાસ્યની છોળોમાં ઘેરાઈ ગઈ હતી. ત્યારે મહેલમાંથી પોપટ પલાયન થઈ ગયો.

 ઉડતો ઉડતો પોપટ જંગલમાં પહોંચી ગયો. એના બંધુઓએ એનું સ્વાગત કર્યું. રાજાના વૈભવની વાતો સાંભળીને પોપટ પોતાના બંધુઓને મુગ્ધ કરી દેતો. આઝાદ પક્ષી જંગલની આઝાદીમાં મસ્તીથી રહેતું હતું ત્યાં તો એક દિવસે શિકારીની જાળમાં સપડાઈ ગયું. પોપટ શિકારીનો કેદી બન્યો. એના સાહસપર પાણી ફરી વળ્યું. આઝાદી મેળવવી સહેલી છે પરંતુ એને ટકાવી રાખવી મુશ્કેલ છે.

 ચિત્તોડના વેપારીઓ ધનાઢય થવા માટે પર્યટને નીકળ્યા. એમણે ધન લીધું. સોમેશ્વર ત્રિપાઠી ગરીબ હતા. એમને થયું કે, હું પણ ભાગ્ય અજમાવવા આ વેપારી મિત્રો સાથે નીકળી પડું.

“મિત્રો, મને પણ સાથે લઈ લો, તમારી મંડળીમાં એક બ્રાહ્મણ હશે તો શોભી ઉઠશો.” મિત્રો માની ગયા. શહેરના મિત્રો પાસેથી થોડું ધન ઉછીનું લઈને સોમેશ્વર ત્રિપાઠી પણ દેશાટને નીકળ્યા. દક્ષિણ ભારતને વટાવી તેઓ સિંહલદ્વીપ પહોંચ્યા. અહીંનો બજાર સમૃદ્ધ હતો. સોમેશ્વર તો જોઈને જ દંગ થઈ ગયો. વેપારીમિત્રોએ તો ઘણું ખરીદ્યું પરંતુ ગરીબ સોમેશ્વર શું ખરીદે? આવા બજારોમાં તો કરોડપતિઓ વ્યાપાર કરતા. ગરીબો તો મોઢું વકાસીને માત્ર નિહાળ્યા કરતા. આવા વખતેજ નિર્ધનને પોતાની નિર્ધનતાનું દુઃખદ ભાન થતું. સોમેશ્વર પોતાની નાની-શી મૂડીનું શું કરવું તેની દ્વિધામાં હતો. એને થતું હતું કે, મેં નકામું સાહસ ખેડ્યું, દેવ કર્યું. એની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તેવામાં બજારમાં એક શિકારી પ્રવેશ્યો. એની પાસે ના પીંજરામાં એક પોપટ હતો. એને વેચવા માટે શિકારી બૂમો પાડવા લાગ્યો. સોમેશ્વરે આ સુંદર પોપટ જોયો. એણે જોયું કે, પોપટ માનવવાણી પણ ઉચ્ચારી શકે છે. એ તેની સાથે જ્ઞાન ચર્ચામાં ઉતરી પડ્યો એને લાગ્યું કે આ જ્ઞાની પોપટ ખરીદવા જેવો છે. એણે પોતાની પાસેના ધન વડે પોપટને ખરીદી લીધો. અને પછી પોતાના સાથીઓ સાથે એ ચિત્તોડગઢ પાછો ફર્યો. રાજા રતનસિંહ મેવાડનો રાણો. એના કાને વાત આવી કે, પંડિત સોમેશ્વર સિંહલદ્વીપથી એક એવો પોપટ ખરીદી લાવ્યા છે જે જ્ઞાની છે અને મનુષ્યની સાથે વાતો પણ કરી શકે છે. એને રાજપુરોહિતે એકવાર કહેલું કે, કાશીના પંડિત મંડનમિશ્રનો પોપટ સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ પણ કરી શકતો હતો. રાજાએ પંડિતને બોલાવવાનો આદેશ કર્યો.

 દરબારમાં પ્રવેશતાંજ પોપટે રાણાને આશીર્વાદ આપતા કહ્યું, “મહારાજ, આપની શોભા મહાન છે. આપનો પ્રતાપ વિશ્વવ્યાપી છે. હું ચારે વેદોનો જાણકાર છું. હું આપની મહાસેવા કરવા માટે જ આવ્યો છું. મારો સંગ કરશો તો આપને મહાલાભ થશે. આથી રાણાજીએ દશહજાર અશરફીઓ આપીને સોમેશ્વર પાસેથી ખરીદી લીધો. પોપટ હવે રાજમહેલમાં રહેવા લાગ્યો. એની અમૃતતુલ્ય વાણીથી રાજમહેલમાં સર્વેને આનંદ થવા લાગ્યો.

 મેવાડપતિ આખેટક જ હોય. શિકારના જબરા શોખીન. રાણા રતનસિંહ પણ શિકારે ઉપડ્યા.

 સંધ્યાકાળ થવાને હજુ વાર હતી. મહારાણીએ રાણાના આગમનની વેળા જાણી સોળે શણગાર સજ્યા અને આયનામાં પોતાનું પ્રતિબિંબ નિહાળવા લાગી. રાણી તો સુંદરતાની મૂર્તિ હતી. દર્પણમાં પોતાનું રૂપ જોઈને અભિમાન ઉપજયું. એણે પોપટ ને ગર્વ થી પૂછ્યું, “હે શુક, આ જગતમાં ક્યાંય તે મારા જેવી સુંદર સ્ત્રી જોઈ છે ખરી? પોપટ હસ્યો અને બોલ્યો,” જે સરોવરમાં હંસ નથી આવતો એ સરોવરમાં બગલાને જ હંસ માનવો પડે. સિંહલદ્વીપની પદ્મિની સ્ત્રીઓ આગળ આપની શી વિસાત? શું પ્રકાશિત દિવસની તુલના કાજળઘેરી રાત્રિ સાથે થઈ શકે ખરી? અરે જેમ પુષ્પમાંથી સુગંધ પ્રસરે છે તેમ એ સ્ત્રીઓમાંથી, એમના શરીરમાંથી સુગંધ ફેલાય છે. એમાંય રાજા ગંધર્વસેનની પુત્રી પદ્માવતીની વાત તો નિરાળી જ છે. જાણે સુગંધિત સુવર્ણથી ઘડી હોય એવી રૂપવતી છે માટે હે ચિત્તોડની મહારાણી, તમારો ગર્વ મિથ્યાં છે.”

રાણી ડઘાઈ ગઈ. ભ્રમર જેવો રાજા જો આ પદ્માવતીની વાત સાંભળી જશે તો મારું ભાગ્ય ફુટી જશે. એ પદમાવતીને મેળવવા ચાલ્યો જશે. મારી પર વિયોગનો પહાડ ટૂટી પડશે. માટે આ પોપટને તો મારી જ નંખાવું. “શીલા,” એણે પોતાની વફાદાર દાસીને બૂમ પાડી. “તું મારું સુખ ઇચ્છતી હોય તો આ પોપટને લઈજા ને મારી નાખ.” દાસી મહારાણીના આદેશનો નિરાદર કેવી રીતે કરી શકે? એણે પોપટ ને પાંજરા સહિત ઉઠાવી લીધો. રસ્તામાં એણે વિચાર્યું, આવા સદગુણી પોપટને મારી ન નંખાય. એણે પોપટને સંતાડી દીધો.

 રાજા શિકારેથી પાછો ફર્યો. રાણીને સોળે શણગાર સજેલી જોઈ રાજી થયો. બંને પ્રેમાલાપમાં ડૂબી ગયા. અચાનક રાજાને પોપટ યાદ આવ્યો. પોપટ ક્યાં? રાજમહેલમાં શોધખોળ થવા લાગી. રાજા વ્યાકુળ બની ગયો. એક પંખી માટે આટલી કક્ષાએ વાત પહોંચશે એ રાણી ની કલ્પના બહારની વસ્તુ હતી. હવે તેને સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો.

 તેણે રાજાને પોપટની અવિનયપણાની અને પરિણામે પોતે એને કરેલી પ્રાણ દંડની સજાની વાત કરી. આ સાંભળતા જ રાજા તેની પર ઉકળી પડ્યો. “જો, સાંભળ, પોપટને જીવતો કર, અથવા એની સાથે તું સ્વયં સતી થઈ જા. તું એમ ન સમજતી કે, અપરાધ કરીને મહેલમાં તું સુખપૂર્વક રહીશ.” પોતાના પ્રિયતમની આજ્ઞાની ઉપેક્ષા કરવાથી કઈ સુંદરીને સુખ પ્રાપ્ત થાય? પતિના આવા ક્રોધવચનોથી રાણીના હોશ ઉડી ગયા. તે દોડતી શીલા દાસી પાસે પહોંચી. દાસીએ આશ્વાસન આપ્યું. “શાંત થાઓ, પોપટ મર્યો નથી.” પોપટ પ્રાપ્ત થવાથી રાજા ખુશ થયો. એકાંતમાં પોપટને પૂછ્યું, “તું મને સાચી વાત કહે. રાણીએ તને કેમ મારી નાખવાનો હુકમ કર્યો? પોપટે સમગ્ર ઘટના કહી. પછી ઉમેર્યું, “રાજા હું સિંહલદ્વીપની માનીતી રાજકુમારી પદમાવતીનો પ્રિય પોપટ છું. મને લાગે છે કે, વિધાતાએ ચાંદને સુગંધિત કરીને પદ્માવતીના રૂપમાં પૃથ્વી પર મોકલ્યો છે. એને યોગ્ય વર આપ છો.” પછી પદ્મિનીના રૂપનું સાંગોપાંગ વર્ણન કર્યું.

 હે શુક, તેં પદ્માવતીનું જે વર્ણન કર્યું તેથી હું તેનો દીવાનો બની ગયો છું. મારો અને એનો અટૂટ સંબંધ બંધાશે જ. હું સૂર્ય બનીશ અને એ મારી છાયા ચાંદની બનશે.” “જેવી રીતે જળ વગર માછલી જીવી ન શકે, લોહી વગર શરીર જીવી ન શકે તેવી રીતે એના વગર હવે હું જીવી નહીં શકું.” પોપટે રાજાને કહ્યું. “રાજા પ્રેમ પંથ પાવકની જવાળા છે. એ અગ્નિપથ છે પ્રેમ મેળવવા માટે મસ્તક અર્પણ કરવું પડે. જે પ્રેમની જવાળામાં ફસાય છે એ કદી એમાંથી મુક્ત થતો નથી.” હે પ્રિય મિત્ર શુક, તારા મુખે આવા નિરાશાવાદી શબ્દો ના શોભે. પ્રેમ એ તો વિશ્વની સંપત્તિ છે. પ્રેમ છે તો બધું જ છે. પ્રેમ છે તો આકાશમાંથી મેઘ ધરતી પર વરસે છે. પ્રેમના ખેલને જે રમી જાણે છે એનો જન્મ સફળ બની જાય છે. પ્રેમની પીડામાં મધુરતા છે. પ્રેમની પીડા એ તો પ્રેમની અમુલ્ય મૂડી છે. આ માર્ગે હવે હું એટલો બધો આગળ વધી ગયો છું કે, પાછા ફરવાની કલ્પના પણ ન થઈ શકે, તું મારો ગુરુ થા, આ પ્રેમરૂપી અગ્નિપથને તું જ પાર કરાવ. માની લઈએ કે પ્રેમમાં દુઃખ હોય છે. પરંતુ કાયમ માટે નહીં. પ્રેમીપાત્રના મિલનથી એનો અંત આવે છે. ઘોર અંધારી રાતનો મુસાફર શા માટે નિરાશ થાય? સુખનો સૂરજ તો ઊગવાનો છે ને? તેં પદ્માવતીની વાત કરીને મારા ચંચળ મનને વિચલિત કરી મૂક્યું છે. હવે એને પ્રાપ્ત કર્યા વગર મને ચેન નહીં પડે.” “હે રાજા, તું જે ઇચ્છે છે એ હું પણ ઇચ્છું છું. કારણ તમે સૂર્યવંશી સૂર્ય સમાન છો અને પદ્માવતી ચંદ્ર સમાન તમારું મિલન થાય એ તો મારા જીવનનું ધ્યેય છે.” રાજા ખુશ થયો.

 મહારાણીએ પોપટ ને પૂછ્યું, “તું પદ્માવતી ના બહુ વખાણ કરે છે પણ એ તો જણાવ કે તે કેવી છે?”

 પોપટે પદ્માવતીનું વર્ણન કર્યું, “તે માલતીના છોડ જેવી સુકોમળ છે. એના કાળા વાળ ભ્રમર જેવા છે. એની વાંકડિયા વાળની લટો એવી મદ ભરેલી છે કે, એ કોઈ નરકેસરીના જ ગળામાં વિંટાવા જાણે સર્જાઇ હોય. એનું મસ્તક બીજના ચંદ્ર જેવું  શોભે છે. ચંદ્ર તો કલંકિત છે પરંતુ પદ્માવતી તો નિષ્કલંક છે. એના કપાળ પર બિંદીયા એવી રીતે શોભે છે જાણે બીજના ચંદ્ર માંથી ભરેલા આકાશમાં ધ્રુવ શોભતો હોય. એની કાળી ભ્રમરો પણ છ ચડાવેલા ધનુષ્ય જેવી છે. એ જેની તરફ દ્રષ્ટિપાત કરે ઘાયલ થાય જ. એની આંખો ભૂલા પડેલા મૃગ હોય એવી છે. એના સુંદર અધરોના સ્પર્શની લાલચે પોપટે નાકનું અને વાયુએ શ્વાસનું રૂપ ધારણ કર્યું છે.” મહારાણી સ્તબ્ધ બની ગયા. આવી સુંદરીના પ્રેમમાં રાજા પોતે પાગલ થાય એમાં શી નવાઇ?

રાજા પ્રધાનને રાજપાટ સોંપી મિત્ર શુક સાથે યોગી બનીને નીકળી પડ્યો. લાંબી મુસાફરીને અંતે તેઓ દક્ષિણના સમુદ્ર કિનારે આવી પહોંચ્યા. પોપટ બોલ્યો “રાજન, તમે જબરી ઉતાવળ કરી.”

“મેં ઉતાવળ નથી કરી. પ્રેમના પંથે વિચારવા માટે કોઈ ઘડીની રાહ ન જોવાય. સ્ત્રી સતી થવા જાય છે ત્યારે પંડિતોને મુહૂર્ત પૂછવા જતી નથી. ઘરના વાસણ માંજીને પછી સતી થવાનો વિવેક રહેતો નથી.” રાજા ગજપતિ ને ખબર પડી એટલે અનુચરો સહિત આવી પહોંચ્યા. “ચિત્તોડપતિ, આપના પાવન પગલાથી અમો ધન્ય બન્યા. કહો હું આપની .શી સેવા કરું?”

“રાજન, તમારી લાગણીથી મને હર્ષ થયો. જો તમે મને મદદ કરવા ઈચ્છતા હો તો એક મજબૂત નાવ મને આપો.”

 રાજા ગજપતિ એ નવી નાવ આપી. આ નાવમાં બેસીને રાજા મહામુસીબતે શુક સાથે સિંહલદ્વીપ પહોંચ્યા. નાવ માંથી કિનારે પગ મુકતા પોપટે રાજાને કહ્યું. “જુઓ રાજન, સામે ગગનચુંબી સિંહલનો દુર્ગ  છે. તેમાંયે ઉંચે સ્થળે રાજભવન છે એમાં જ રાજકુમારી રહે છે. ત્યાં કોઈનો પ્રવેશ શક્ય નથી. પરંતુ ચિંતા કરશો નહીં. હું એ શક્ય બનાવીશ. જુઓ સામે સુમેરુ પર્વત છે. એ પર્વત પર મહાદેવનું મંદિર છે. હવે તમે ત્યાં જાઓ. વસંતપંચમીના દિવસે મંદિરનો દરવાજો ખુલશે. ત્યારે શિવની પૂજા કરવા પદ્માવતી આવશે. ત્યારે તમે મળજો. હું હવે એની પાસે જાઉં છું.   

સદ્ય:સ્નાતા પદ્માવતી કાંઠે ઉભી ઉભી ખડખડાટ હસતી હતી. ત્યાં એક દાસી આવીને બોલી, “કુંવરી બા, પોપટ ભાગી ગયો.” સાંભળતા જ એનું મુખ મ્લાન થઈ ગયું. જાણે પ્રકાશિત સૂર્યને અચાનક વાદળોએ ઢાંકી દીધો હોય! જાણે ચંદ્રને ગ્રહણ લાગી ગયું હોય. આકાશ નક્ષત્રોથી ભરાઈ જાય તેમ રાજકુમારીના નયનો આંસુથી ભરાઈ ગયા. દાસી કહેવા લાગી, “પક્ષી ઊડી ગયું. મુક્ત થયું. હવે કેદ થવા આવશે તો નહીં જ. તમારું પીંજર ખાલી કરીને જતું રહ્યું. શરીર છોડી ગયેલો જીવ પાછો આવતો નથી તેમ પોપટ પાછો નહીં આવે.”

 પદ્માવતી ઉદાસ રહેવા લાગી. હવે મહેલમાં તેનું કોઈ હમદર્દ રહ્યું નહીં. મહેલના ઝરુખે બેઠેલી પદ્માવતીએ દૂરથી પોપટને જોયો. એનું હૈયું હર્ષથી ભરાઈ આવ્યું. એને પોપટના ગયા પછીની પોતાની દશા યાદ આવી. પદ્માવતી યૌવનના ભારથી દબાઇ ગઇ હતી. પ્રેમ વિરહમાં એ બળી રહી હતી. ક્ષણ એને યુગ સમાન લાગતી હતી. એની ધાયમાં એની આ દશાથી દુઃખી થતી હતી.

“દીકરી, તું શા માટે દુઃખી થાય છે? તારો કમળ જેવો ચહેરો પીળો કેમ પડી ગયો છે?”

યૌવનનો ભાર મારાથી સહન થતો નથી. મદમસ્ત હાથી પણ અંકુશથી કાબુમાં આવી જાય પરંતુ યૌવન તો ગંગાના તોફાની પ્રવાહની માફક કાબુ માં આવતું નથી મારા પ્રેમસાગરની નાવને કિનારે લઈ જાય એવો નાવિક શોધી રહી છું.”

ધાયમાંએ કહ્યું, “બેટી, તારા પ્રેમરુપી મદમસ્ત હાથીને જ્ઞાનરૂપી અંકુશથી કાબુમાં રાખ. જ્યાંસુધી પ્રિયતમ ન મળે ત્યાં સુધી પ્રેમ ના ખેલ પર સંયમ રાખ. વસંતપંચમી હવે નજીક આવી રહી છે. સુલક્ષણા સ્ત્રી કામદેવને વશ થતી નથી. કામદેવને વશમાં રાખે છે. તું શિવપૂજન માટે જજે. ભગવાન તારી અભિલાષા પૂર્ણ કરશે.”

 રાતે ઊંઘ પણ આવતી નહોતી. દિવસે ભૂખ લાગતી ન હતી. “હે પ્રિયતમ, શું મારું યૌવન નષ્ટ થશે પછી તમે આવશો? એ મિલન શા કામનું?”

આવા વિચારોથી રાજકુમારી ઘેરાયેલી રહેતી. આજે પણ આવા જ વિચારો કરતી હતી અને દૂરથી પોતાના માનીતા પોપટ ને જોયો.

“સખા, તું આવ્યો?”

 પોપટે આવતાંજ કહ્યું, “હે રાજકુમારી, તારે યોગ્ય વર હું છેક ગઢ ચિત્તોડથી લઇ આવ્યો છું. વસંતપંચમીના દિવસે શિવમંડપમાં એ તને મળશે.”

પરંતુ વસંતપંચમીના દિવસે જ્યારે પદમાવતીને જોઈ ત્યારે રાજા રતનસિંહ એના રૂપથી આભો બનીને મૂર્છિત થઈ ગયો. ઘોર નિરાશામાં ઘેરાઈ રાજકુમારી ભગવાન શંકરની માનતા માની પાછી ફરી.

“હે શુક, મેં ચિત્તોડના આધિપતિને જોયા છે. એ શીઘ્ર આવીને મને મળે.”  પોપટે રાણાને ગુપ્ત માર્ગ બતાવ્યો. એ મહેલમાં જઈ તો પહોંચ્યો પરંતુ પકડાઈ ગયો. રાજા ગંધર્વસેને બંદીને ફાંસી આપવાનો હુકમ કર્યો. પોપટ, રાજા રતનસેન અને પદ્માવતી સૌ ભગવાન શંકરને પ્રાર્થના કરવા લાગ્યા.

 ભગવાન શંકર છેવટે પોતાના ભક્તોની વહારે આવ્યા. રાત્રે ગંધર્વસેનને સપનામાં આવીને કહ્યું, “રાજા, તું જેને બંદીવાન બનાવીને ફાંસી આપવાનો છે એ મારો પરમભક્ત રાણા રતનસિંહ છે. તારી પુત્રી માટે તે યોગ્ય વર છે. બંને એકબીજાંને ચાહે છે. તું જો એને ફાંસી આપીશ તો તેના વિરહમાં તારી દીકરી પણ મરી જશે.” રાજા ગભરાયો. તેણે પોતાના શાણા પ્રધાનની સલાહ લીધી. ચિત્તોડના રાણા રતનસિંહનું લગ્ન પદ્માવતી જોડે કરવામાં આવ્યું અને ‘લંકાની લાડીને લઈને’ રાણા ચિત્તોડગઢમાં આવ્યા. 

to be continued ......