જુઓ જુઓ.... મોટા મોટા મીરર બોલ્સ, સ્મોક મશીન્સ, હાઇવોલ્ટેજ મ્યુઝિક અને ટેકનિકલર ફલેશિંગ ફલોર સાથે હાજર છે આજની રેટ્રો ની મેટ્રો.
હં...મારા ચતુર મિત્રો retro ની મેટ્રોની સજાવટ જોઈને તમે સમજી ગયા ને કે આજે આપણી સફર છે ડિસ્કો ધમાલ સાથે...
D સે હોતા હૈ ડાન્સ, I સે હોતા હૈ આઈટમ, S સે હોતા હૈ સીંગર, C સે હોતા હૈ કોરસ,O સે ઓરકેસ્ટ્રા. DISCO ....ડિસ્કો ની કેવી સરસ ડેફીનેશન.ડિસ્કો એટલે ડાન્સ કરવાનું મન થાય તેવું ગીત જેમાં ગાયક,કોરસ અને ઓરકેસ્ટ્રા નું ધમાલ કોમ્બીનેશન હોય.
ડિસ્કો નૃત્ય સંગીતની એક શૈલી છે. ૧૯૭૦ના દાયકામાં અમેરિકાનાં શહેરોની night clubs માં ડિસ્કો નો ઉદ્-ભવ થયો એમ મનાય છે. ડિસ્કો મ્યુઝિક ને મજેદાર બનાવે છે , ફોર ઓન ધ ફ્લોર બીટ્સ, સિંક્રોનાઇઝેડ બેઝલાઈન, સ્ટ્રિંગ સેક્શન, ઈલેક્ટ્રીક પિયાનો, સિંથેસાઇઝર અને ઇલેક્ટ્રિક રીધમ ગિટાર.સામાન્ય રીતે ચકાચોંધ કરી દેનાર રંગીન રોશની અને હાઇવોલ્ટેજ ફાસ્ટ રીધમ મ્યુઝિક ડિસ્કો સોંગ્સ ની ઓળખ ગણાય છે ,જો કે બોલિવૂડના disco દૌર પર એક નજર કરીએ તો જણાય છે કે સંગીતકારોએ પોતાની મૌલિકતા અકબંધ રાખીને ડિસ્કો મ્યુઝિક અપનાવ્યું છે અને તેથી જ બોલિવૂડમાં ડિસ્કો નું એક દિલચસ્પ સ્વરૂપ જોવા મળે છે. આર ડી બર્મને આ જ રીતે મધ્યમ માર્ગ અપનાવીને એક અલગ શૈલી માં ડિસ્કો મ્યુઝિક ની રચના કરી.ફિલ્મ શાન નું ગીત "પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈ શાન સે જીતે હે શાન મરતે હૈ શાન સે...."
રેટ્રોના ચાહકોને માત્ર મ્યુઝિકને કારણે જ નહીં પણ ફિલ્મના હીરો અમિતાભ બચ્ચને પહેરેલા ઇલેક્ટ્રિક બલ્બની સિરીઝ વાળા ડ્રેસને કારણે પણ યાદ રહી ગયેલું એક ડિસ્કો સોંગ ...ફ્રેન્ડ્સ,આટલું વાંચતા જ યારાના ફિલ્મનું ગીત યાદ આવી ગયું ને? જેમાં ગીતના bits પ્રમાણે ડ્રેસ પર લાગેલા બલ્બની સીરીઝ પણ ડાન્સ કરે છે. શૂટિંગ વખતે ડાન્સ કરતા કરતા અમિતાભ બચ્ચન વસ્ત્રોની નીચે લગાડેલ સ્વીચ દ્વારા તેને ઓપરેટ કરતા હતા.ઓહો...શૂટિંગ વખતે કેટલુ મુશ્કેલ બન્યું હશે તેની તો આપણે કલ્પના જ કરવી રહી. અને યારાના ફિલ્મમાં "સારા જમાના હસીનો કા દિવાના..." ગાતા અને ડિસ્કો કરતા મિલેનિયમ સ્ટાર બિગ બી માટે એમ કહેવાનું મન થાય ને કે "સારા જમાના બચ્ચન સાહબ કા દીવાના..."
લક્ષ્મીકાંત-પ્યારેલાલ ની જોડી એ ફિલ્મ કર્ઝ માટે જ્યારે ડિસ્કો મ્યુઝિક તૈયાર કરવાનું હતું ત્યારે તેમણે હિન્દુ અને સૂફી પરંપરાગત સંગીત નો આધાર લીધો. ઓમ શાંતિ ઓમ મંત્ર નું વારંવાર થતું ઉચ્ચારણ સાથે ૭૦ ,૮૦ ના દાયકામાં પ્રચલિત ઇન્ડિયન પોપ મ્યુઝિક ભેળવીને, ગીટાર તથા ડ્રમ ના વિશિષ્ટ ઉપયોગ સાથે બનાવ્યું એવું સુંદર ગીત જે આજે પણ લોકોને dance કરવા મજબૂર કરી દે છે.
તો ગાઓ ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ ઓમ...
બોલિવૂડ મ્યુઝિકને, મેલોડી થી બીટ્સ તરફ વાળનાર ,બપ્પી લહેરીએ બોલિવૂડમાં ડિસ્કો કિંગ તરીકે થોડા વર્ષો રાજ કર્યું. એક પછી એક હીટ disco songs આપનાર બપ્પી દા એ ડિસ્કો ડાન્સર માટે બનાવેલ ડિસ્કો ગીત, ડિસ્કો ટ્રેન્ડને કીક સ્ટાર્ટ આપનાર ગીત બની ગયું. તબલા, હેવી કોરસ અને સેક્સોફોન નો ઉપયોગ ગીતને ચાર ચાંદ લગાવી દે છે , રેટ્રો ભક્તોને યાદ હશે કે એ ગીત ગાતા ગાતા કેટલીય વાર આપણે પણ ડિસ્કો ડાન્સર બન્યા છીએ
અને કહ્યું છે કે "આઈ એમ અ ડિસ્કો ડાન્સર..."
તો રીના રોયનું ડિસ્કો સ્ટેશન કેમ ભુલાય? કહેવાય છે કે બપ્પી દાને ફિલ્મ "હથકડી" માટે રીના રોય પર ફિલ્માવી શકાય તેવું એક ડિસ્કો સોંગ બનાવવાનું પહલાજ નિહલાનીએ કહ્યું અને ઉમેર્યું કે આ ગીત તેઓ રેલ્વે સ્ટેશન ના બેકગ્રાઉન્ડ સાથે ફિલ્માવવા ઈચ્છે છે. એટલું સાંભળતા જ બપ્પી દાએ કહ્યું 'Let's do a Disco Station'. પહલાજ નિહલાની ને ડિસ્કો સ્ટેશન શબ્દ ગમી ગયો એટલે તરત જ તેમણે ફિલ્મના ગીતકાર મજુરૂહ સુલતાનપુરીને ફિલ્મ માટે આવું ડિસ્કો ગીત લખવા જણાવ્યું. પણ મજુરૂહ સાહેબે તો સ્પષ્ટ કહી દીધું કે આવા પ્રકારના ગીત લખવા એ એમની શૈલી નથી. નિહલાની અત્યંત વિનમ્રતા સાથે પણ પોતાની વાત પર અડગ રહ્યાં અને અંતે કહ્યું કે" ઠીક છે ડિસ્કો સ્ટેશન માટે હવે આગળ શું કરવું તે મને ખબર નથી."કહીને તેઓ છૂટા પડ્યા.પહલાજ નિહલાની એ આપેલી એક મુલાકાતમાં પોતાની વાત આગળ ચલાવતા કહ્યું કે"બીજા દિવસે સવારે 4 વાગ્યે મારી લેન્ડલાઈન રણકી.આટલી વહેલી સવારે કોનો ફોન હશે? તેમ વિચારતા મેં ફોન ઉપાડ્યો અને સામે છેડે મારા આશ્ચર્ય વચ્ચે મજરૂહ સાહેબ હતા.તેઓ ઈચ્છતા હતા કે હું તેમની સાથે બપ્પી દાના ઘરે જાઉં. વધુમાં તેમણે કહ્યું કે તે 'ડિસ્કો સ્ટેશન'ના સંપૂર્ણ ગીત સાથે તૈયાર છે.મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. પછી ઝડપભેર હું તૈયાર થવા લાગ્યો અને એક કલાકમાં તો મજરૂહ સાહેબ તેમની કારમાં મને લેવા મારા ઘરે આવી પહોંચ્યા."મજરૂહ સાહેબ અને નિહલાની સવારે 5.30 વાગ્યે બપ્પી દાના ઘરે પહોંચ્યા અને તેમને સરપ્રાઈઝ આપ્યું.30 મિનિટ પછી ફ્રેશ થઈને બપ્પી દા આવ્યા અને કહ્યું, "શું હું કંપોઝ કરવાનું શરૂ કરું?" નિહલાનીએ કહ્યું કે તે ફિલ્મ સર્જનનો એવો યુગ હતો જ્યાં ઘણા પ્રતિભાશાળી કલાકારો હતા.માત્ર 90 મિનિટમાં બપ્પી દાએ આખું ગીત તૈયાર કરી દીધું.
"डिस्को स्टेशन डिस्को डिस्को स्टेशन डिस्को
छोड़ो छोड़ो मेरी राहें मेरी बाहें...
यह है प्यार की हथकड़ी
डिस्को स्टेशन डिस्को...."
આપણે જાણીએ છીએ કે આ ગીત ખૂબ જ લોકપ્રિય હતું અને લોકો હજુ પણ જ્યારે પણ તેને સાંભળે છે ત્યારે તેના પર નાચવાનું મન થાય છે."
અને લ્યો ડિસ્કો સ્ટેશનની વાત કરતા કરતા રેટ્રોની મેટ્રો પણ પરત આવી ગઈ માતૃભારતીના પ્લેટફોર્મ પર. ચાલો ત્યારે બોલીવુડ ના સરસ મજાના ડિસ્કો ગીતોને યાદ કરતા કરતા અત્યારે રેટ્રોની મેટ્રો સફર અહીં અટકાવીએ. ફરી મળીશું આવી જ કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત સાથે હવે પછીની રેટ્રોની મેટ્રો સફરમાં.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.