Shamanani shodhama - 33 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 33

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 33

          શ્યામ અને ચાર્મિ પઠાનકોટ ઉતર્યા ત્યારે રાતના સાડા આઠ વાગી ગયા હતા. પઠાનકોટ બસ સ્ટેશન માનવ રહિત બસ સ્ટેશન ભાસતું હતું. તેઓ બસ સ્ટેશનમાંથી બહાર આવ્યા. બસ સ્ટેશન બહાર એક પાનનો ગલ્લો ચાલુ હતો.  

          “ભૈયા, મેરા ફોન સ્વીચ ઓફ હો ગયા હે. આપકા ફોન દો ના એક મિસકોલ કરની હે પાપાકો... સામને સે ફોન આયેગા, પ્લીઝ..” ચાર્મિએ પાનના ગલ્લા વાળાને કહ્યું ત્યારે શ્યામ એ નોટંકી છોકરીની ચાલાકી ઉપર મનોમન હસ્યો.

          “કોઈ ગલ નહિ, મેડમ કોલ કર લો..” ગલ્લાવાળાએ ચાર્મિને ફોન આપ્યો.

          છોકરી હોવાનો આ મોટો ફાયદો કે તમે પ્લીઝ કહો એટલે સામેવાળો પાણી પાણી થઇ જતો હોય છે.

          “પાપા, મેં બસ સ્ટેન્ડ ઉતર ગઈ હું.” ચાર્મિ એ ફોન લાગતા જ કહ્યું.

          સામેથી શું પ્રત્યુતર આવ્યો એ સાંભળ્યા વિના જ ચાર્મિએ ફોન કટ કરી ફોન પાછો આપ્યો.

          “થેંક્યું....” ગલ્લાવાળાને લલચાવતી સ્માઈલ આપી એણીએ પગ ઉપાડ્યા.

          થોડેક દૂર રોડ પરથી જ ચાર્મિ એક ઓટોવાળાને સંબોધતા બોલી, “સાલરિયા ચોક.” ઓટોવાળાએ હકારમાં ડોકું ધુણાવ્યું. બંને ઓટોમાં બેઠા.

                                                                                                      *

          થોડા સમય પછી તેઓ સાલરિયા ચોક ઉતર્યા.

          “અક્કી હમે યહા લેને આયેગા..”

          ચંડીગઢમાં રહેવાના કારણે શ્યામને એક વાત સમજાઈ ગઈ હતી કે પંજાબીનું નામ નાનું હોય તો એનું શરીર મોટું જ હોય. થોડીવારમાં એમના જોડે એક કાર આવીને ઉભી રહી.

          “હાય ચાર્મિ, સબ કુછ કીવે હે..?” દરવાજો ખોલતા એક યુવકે કહ્યું.

          “સબ ચંગા, અક્કી..” ચાર્મિએ જવાબ આપ્યો. અક્કીએ કારની બેક સીટનો ડોર ખોલ્યો.

          ચાર્મિ આગળની સીટ પર બેસવા જતી હતી ત્યાજ કારના દરવાજા સાથે ધડામ કરતી બુલેટ ટકરાઈ. શ્યામ કંઈ સમજે એ પહેલા બાઈક પર સવાર બે વ્યક્તિ આવ્યા અને થોડીવાર પહેલા જ ચાર્મિએ શ્યામને પકડવા આપી હતી એ કપડાની બેગ એના હાથમાંથી ઝુંટવી.

          “શ્યામ ઝૂક જા...”

          એ કશું જોયા કે સમજ્યા વિના ત્યાજ બેસી ગયો. ચાર્મિએ બે ફાયર કર્યા હોય એવું એને લાગ્યું. એણે કારની આગળની દિશામાં જોયું તો બે બાઈક ફૂલસ્પીડમાં જઈ રહ્યા હતા. ચાર્મિ નિશાન ચુકી ગઈ હશે કે પછી એ લોકોમાંથી કોઈને ગોળી વાગી હશે પણ એ બાઈક પરથી પડ્યો નહિ હોય.

          “ભાગ નિકલે સાલે...” ચાર્મિ બોલી ત્યારે એ ઉભો થયો.

          હવે એને સમજાયું કે અક્કીની કાર પાછળ જ બે બાઈક આવ્યા. એક બાઈક અક્કી ઉભો રહ્યો એટલે ઓવરટેક કરીને આગળ વધ્યું હતું જે એના ધ્યાનમાં ન આવ્યું. એ આગળના બાઈક પરના પિલિયન રાઈડરે જ ચાર્મિ પર ગોળી ચલાવી હતી પરંતુ અક્કીએ એ જ સમયે દરવાજો ખોલ્યો એટલે ગોળી દરવાજાને અથડાઈ. જે બાઈક પાછળ આવતું હતું એના પર સવાર લોકોએ શ્યામના હાથમાંથી બેગ ઝુંટવી નાખવાનું કામ કર્યું.

          “પીછા કરું હરામજાદોદા....?” શ્યામ અને ચાર્મિ કારમાં ગોઠવાયા એ સાથે જ અક્કીએ પૂછ્યું.

          “કોઈ ફાયદા નહિ. વો અબ તક દો કિમી આગે નિકલ ચુકે હોંગે.” ચાર્મિએ કારનો દરવાજો બંધ કર્યો.

          “સાલે મેરે દા પીછા કર રહે સન. મેં સોચિઆ નહિ સી...” અક્કી બોલ્યો અને કાર વળતી કરી.

          “ડર ગયા હોગા તું તો...?” ચાર્મિએ શ્યામને પૂછ્યું.

          “ડર તો અબ લગ રહા હે. ઉન લોગો કો પતા થા કી હમ યહા  આયેંગે.” શ્યામે કહ્યું.

          “મીન્સ વે લોગ હમારા પીછા નહિ કર પાયે તો મેરી ઓફીસ ઔર ઓફીસ કે બંદો પે નજર રખ રહે થે...”

          “બેગ મે કોઈ સબુત યા ડેટા હોગા યે માનકે વો બેગ છીનકે લે ગયે.” અક્કીએ કહ્યું.

          “ઉનકા ફર્સ્ટ ફાયર ફેલ ગયા ઔર મેં ચોક્કની હો ગઈ ઈસલીયે વે બેગ છીનકે હી ભાગે વરના ઉનકા ઈરાદા હમે ખતમ કરને કા હોગા..”

          “હમેં નહિ સિર્ફ તુજે. મુજે મારના હોતા તો પીછે સે ગોલી ચલાતે. યે લોગ તુજે મારકે મુજે ફિર સે કિડનેપ કરના ચાહતે હોગે. અગર ઉનકા નિશાના ફેલ ના ગયા હોતા તો દુસરી ગોલી અક્કીભાઈ પે ચલતી. પર તુને દો ફાયર કિયે ઈસલીયે વે ડરકે ભાગ ગયે.” શ્યામે અંદાજ લગાવ્યો.

          એમની વાતો ચાલુ હતી ત્યાજ કાર ઉભી રહી. ચાર્મિએ ચારે બાજુ નજર કરીને દરવાજો ખોલ્યો. ચાર્મિ અને શ્યામ ઉતર્યા..

          કાર જ્યાં ઉભી રહી એની સામેં દેખાતી એક મોટી ઈમારત પર ‘અરોરા એન્જીનીયરીંગ કંપની’ નામનું એલ.ઈ.ડી. બોર્ડ ચમકી રહ્યું હતું. અક્કી કારને નીચે પાર્કિંગમાં લઇ ગયો. ચાર્મિ અને શ્યામ લીફ્ટ તરફ ગયા., “કીવે હો મેમ સાબ...?” લીફ્ટમેને દરવાજો ખોલ્યો.

          “ચંગા, ચાચે.” કહી ચાર્મિ લીફ્ટમાં પ્રવેશી. શ્યામ પણ લીફ્ટમાં દાખલ થયો. ચાર્મિએ ફોર્થ ફ્લોરનું બટન દબાવ્યું.

          ફોર્થ ફ્લોર આવતા લીફ્ટ ઉભી રહી લીફ્ટના ઓટોમેટીક શબ્દો સાંભળવા રહ્યા વિના જ  તેઓ લીફ્ટમાંથી બહાર નીકળ્યા.

          ચાર્મિની ઓફીસના દરવાજા પર ચાર સિક્યોરીટી ગાર્ડ ઉભા હતા. બે સીક્યુંરીટી દરવાજાની બહારના ભાગે અને બે ખુલ્લા દરવાજાના અંદરના ભાગે એ પરથી શ્યામ સમજી ગયો કે હવે કોઈ નવી મુસીબત નહિ આવે અહી સલામત રહીશું.

          ચાર્મિ અને શ્યામ સેક્યુરીટી ડોરમાંથી પસાર થયા. ચાર્મિ પાસે ગન હતી અને શ્યામ ખાલી હાથે હતો છતાં પણ શ્યામ બંને વખતે મેટલ ડિટેકટરે કરેલા બીપ અવાજમાં કઈ ફરક સમજી શક્યો નહિ.

          રીસેપશન કાઉન્ટર પર ચાર્મિએ સાઈન કરી અને અંગુઠાની છાપ આપી.

          “ઇસકે પાસ કોઈ આઈડી નહિ હે?”  રીસેપનિસ્ટે પૂછ્યું.

          “જી નહી.” ચાર્મિએ એક હળવા સ્મિત સાથે કહ્યું.

          રીસેપ્નીસ્ટે શ્યામને એક મિરર બોર્ડ સામે ઉભો રાખ્યો. એનો ફોટો લેવાઈ ગયો. એની આંગળાની છાપ લેવાઈ. જોકે એની પાસે કયાય સહી કરાવવામાં આવી નહોતી કે એનું નામ પણ પૂછવામાં આવ્યું નહોતું.

          સિક્યોરીટી ચેક વટાવી એ એક લોબીમાં પ્રવેશ્યા. લોબીમાં બંને બાજુ નેમ પ્લેટ સાથે દરવાજા હતા. બધા દરવાજા બંધ જ હતા. ચાર્મિ જનરલ ગેસ્ટરૂમ આગળ ઉભી રહી.

          ચાર્મિ દરવાજો ખોલી શ્યામ સાથે એ દરવાજામાં દાખલ થઇ. ગેસ્ટરૂમમાં કોઈ હાઈ ફાઈ હોટલના રૂમ કરતા પણ વધુ સુવિધા હતી. ગેસ્ટ રૂમમાં ગયા બાદ શ્યામને સમજાયું કે માત્ર નામ ગેસ્ટ રૂમ હતું બાકી ગેસ્ટ હોલ હતો. એમાં સાત આઠ બેડ, દરેક બેડની નજીક દીવાલમાં કબાટ, એક ટી – કોફી મશીન અને ટેલીફોન લાઈન જેવી સુવિધા હતી.

          “તારે અહી રોકાવું પડશે.” ચાર્મિએ શ્યામને બેડ પર બેસવાનું કહ્યું.

          “ઓકે, તું ક્યારે પાછી આવીશ?”

          “ટુમોરો મોર્નિંગ, તું કેન્ટીન પર ખાઈ લેજે.”

          “કેન્ટીન કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહે છે?”

          “આખી રાત પણ ખાવા પીવાનું બાર વાગ્યા સુધી જ મળે છે.”

          “કદાચ કોઈ જરૂર પડે અને મારે તારો કોન્ટેક્ટ કરવો હોય તો?”

          “બાવીસ ડાયલ કરીશ તો રીસેપ્નીસ્ટ પર ફોન જશે એને કહેજે કે ચેમ્બર ત્રીસમાં ટ્રાન્સફર કરે.”

          “ઓકે.”

          શ્યામના સવાલ જવાબ પુરા થતા જ ચાર્મિ રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી.

          શ્યામે વોશરૂમમાં જઈ હાથ-પગ અને મોં ધોયા. એણે જરાક સ્વસ્થતા અનુભવી. ગેસ્ટરૂમની દીવાલ પરની ડીજીટલ ઘડિયાળના કાંટા રાતના દસ સુચવી રહ્યા હતા. ટેમ્પરેચરનો પારો 7° સેલ્સિયસ બતાવી રહ્યો હતો. એણે વિચાર્યું કદાચ મહિના પછી ડીસેમ્બરના અંત સુધી આ આંકડો હજુ નીચો જશે. એને ગુજરાતમાનું એનું ઘર યાદ આવ્યું. ડીસેમ્બરના અંત સુધીમાં બધું પતિ જશે અને એ ગુજરાતમાં હશે એમ એણે વિચાર્યું. સૌ પ્રથમ પિતાજીની માફી માંગીશ એમ એણે મનોમન નક્કી કરી લીધું. 

          એ ગેસ્ટરૂમમાંથી બહાર નીકળીને ડાબી તરફ વળ્યો. એને કેન્ટીન શોધવામાં મુશ્કેલી ન પડી. એ કેન્ટીનમાં રહેલ મોટાભાગના ખલી ટેબલમાંથી એક પસંદ કરી એના પર જઈ બેઠો. એનાથી ત્રીજા ટેબલ પર એક ઠીંગણો પણ મજબુત બાંધાનો ચાળીસી વટાવેલ માણસ બેઠો હતો.

          શ્યામ ઉભો થઇ મહારાજ પાસે ગયો. મહારાજ એની સામે પ્રશ્નાથ નજરે જોઈ રહ્યો.

          “મેરે ટેબલ પર એક ગુજરાતી ડીશ ભેજ દો.”

          “યહાં ગુજરાતી ડીશ નહી મિલતી.” મહારાજ જરાક હસ્યો.

          “જો ભી મિલતા હે મેરે ટેબલ પે ભેજ દો.”

          “યહાં સેલ્ફ સર્વિસ હે.” મહારાજે એને માહિતી આપી.

          શ્યામના પણ ધ્યાનમાં આવ્યું કે ત્યાં કુક સિવાય અન્ય કોઈ સ્ટાફ દેખાતો ન હતો. એણે પહેલા જ સમજી જવું જોઈતું હતું.

          શ્યામે ડાઈન ટેબલ પરના અલગ અલગ થાળમાંથી વઘારેલા ચોખા અને કોબીજનું વઘારેલું કચુમ્બર એક પ્લેટમાં લીધા અને એના ટેબલ પર આવ્યો.

          પેલો ઠીંગણો માણસ એના પર એક નજર કરીને ચાલતો થયો. જમવાનું પતાવીને એણે સિગારેટ સળગાવી. પેકેટમાં છેલ્લી ચોકડી સિગારેટ બચી હતી. સિગારેટ પતાવી એ ઉભો થયો. ગેસ્ટ રૂમમાં આવીને એણે એની જાતને એક બેડ ઉપર ગરમ ચાદર નીચે સરકાવી.

          ફોનની રીંગ વાગી.

          શ્યામે પથારીમાં પડ્યા પડ્યા જ રીસીવર ઉઠાવ્યું.

          “ખાના ખા લિયા?” સામે છેડે ચાર્મિ હતી.

          “હા, ખા લિયા. યહા તો સેલ્ફ સર્વિસ હે.” એણે કહ્યું.

          “મુજે પતા હે. કિડનેપર પ્લેટ લેકે આયે ઇસસે ખુદ પ્લેટ લેકે ખાયે વો અચ્છા હે..” ચાર્મિએ ગુડનાઈટ સાથે ફોન મુક્યો.

          એણે બોલેલા ‘ગુડ નાઈટ’ શબ્દો સામે છેડે ગયા હશે કે નહિ એ શ્યામ નક્કી કરી શક્યો નહિ, એણે રીસીવર રિપ્લેસ કર્યું.

          જિંદગી કી તલાશ મેં હમ મોત કે કિતને પાસ આ ગયે. ગીત ગણગણતો એ વિચારવા લાગ્યો.  ખરેખર આ ગીત એને સાથી મુવીના પ્રોટોગોનીસ્ટ કરતા પણ વધુ સેટ થતું હતું. એને ખુબ થાક લાગ્યો હતો. પણ એને ઊંઘ નહોતી આવી રહી. ટેમ્પરેચર હવે વારે ઘડીએ સાતના આંકડા સાથે સાત તાળીની રમત રમી રહ્યું હતું અને એના વિચારો અર્ચના અને ગુજરાત વચ્ચે સંતાકૂકડી રમવા લાગ્યા.

                                                                                              *

          શ્યામ ઉઠ્યો ત્યારે હાથમાં ઇન્જેક્શન દુ:ખાવો કરતું હતું. રાતે વિચારોમાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એ એને યાદ નહોતું. એને એટલું જ યાદ હતું કે એ રાતે એને કોઈ સપના નહોતા આવ્યા. કદાચ એના મગજને ખબર પડી ગઈ હશે કે અહી દેશના અગ્રણી મીલીટરી જાસુસોના બિલ્ડીંગમાં પેલા કીડનેપરનો કોઈ ડર રાખવાની જરૂર નથી. એ પોતે જ એના વિચારો પર હસ્યો. અર્ચના, તેરે લિયે જાનભી દે દુંગા કહેવાવાળો એ મોતથી કેમ ડરતો હતો?

          સાચું કહીએ તો એને મોત કરતા કિડનેપ થઈને જીવવા અને ગુમનામ મરવાનો ડર લાગી રહ્યો હતો. એ બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવ્યો પરંતુ એને એ જ કપડા પહેરી રાખવા પડ્યા. એની એક નવી નકોર જોડ પેલા બાઈક સવાર લઇ ગયા હતા.

          ચાર્મિએ એને ફોન પર કેન્ટીનમાં આવવા કહ્યું ત્યારે સવારના નવ વાગી ગયા હશે. એ કેન્ટીનમાં ગયો ત્યારે ચાર્મિએ ઉષ્માભર્યા સ્માઈલથી એનું સ્વાગત કર્યું. એ જઈને એની સામે ટેબલ પર બેઠો.

          “ચાય યા કોફી?” ચાર્મિએ પૂછ્યું.   

          “કોફી.” એને ઠંડી ચડી ગઈ હતી અને ચા એને કોઈ ફાયદો આપશે નહિ તેમ એને લાગ્યું. ચાર્મિ ઉભી થઈને બે મોટા ગ્લાસ કોફીના ભરીને પાછી આવી.

          “થેન્ક્સ.” કોફીનો પ્યાલો હાથમાં લેતા એ બોલ્યો.

          “વેલકમ.” કહીને ચાર્મિએ એને ફરીથી સ્માઈલ આપ્યું એટલે શ્યામે કામની વાત આગળ વધારી.

          “હેડથી વાત થઈ?”

          “હેડ દિલ્હી ગયેલા છે. એ આવે ત્યાં સુધી તારે આર્મીના મહેમાન બનવું પડશે.”

          “મને વાંધો નથી બસ મારા માટે કપડાનો બંદોબસ્ત કરવો પડશે કેમકે મેં આજે પણ ગઈકાલના જ કપડાં પહેર્યા છે.” શ્યામે શરમ અનુભવતા કહ્યું.

          “થોડુક અરજન્ટ ફાઈલ વર્ક પતાવી નાખું પછી આપણે માર્કેટ જઈશું ત્યાં સુધી તું પણ આરામ કર. મને લાગે ત્યાં સુધી હજુ તારે આરામની જરૂર છે.”

          “હું મારા પરિવાર અને અર્ચના સાથે વાત કરવા ઈચ્છું છું.”

          “તું કોઈની સાથે વાત કરે એમાં મને કોઈ વાંધો નથી પણ તે જોયું કે એ લોકોએ આર્મીના માણસોની હાજરીમાં પણ આપણા પર હુમલો કર્યો હતો મને નથી લાગતું તારે કોઇથી વાત કરવી જોઈએ કેમકે તુ જેનાથી વાત કરીશ એના માટે જોખમ ઉભું થઇ શકે છે.”

          “ઓહ! એ મારા ધ્યાનમાં જ ન આવ્યું.”  

          ચાર્મિની વાતમાં દમ હતો એમ એને લાગ્યું.

          ચાર્મિ બે પ્લેટમાં બ્રેકફાસ્ટ લઇ આવી. બ્રેકફાસ્ટ પત્યો ત્યાં સુધી એમનામાંથી કોઈ કશું બોલ્યું નહિ. કેન્ટીન ભરચક ન કહી શકાય પણ કેટલાક ટેબલોને છોડતાં દરેક ટેબલ પર કોઈને કોઈ વ્યક્તિ બ્રેકફાસ્ટ કે ચા-કોફીમાં વ્યસ્ત હતી. ચાર્મિ અને એ ઉભા થયા. ગેસ્ટરૂમના દરવાજે તેઓ છુટા પડ્યા. શ્યામને એની સાથે રહેવાની બાલીશ ઈચ્છા થતી હતી પણ એને ખબર હતી કે એની એવી મૂર્ખાઈભરી બાલીશ ઈચ્છાને એને મનમાં જ દબાવી દેવાની હતી.

          એ ગેસ્ટરૂમના બેડ પર બેઠો. એને બધું યાદ આવતું હતું. હવે શું થશે? ક્યારે એ આ બધામાંથી આઝાદ થશે...? એને સિગારેટની તલપ લાગી હતી. સિગારેટ માટે એને ચાર્મિને ફોન કરવાનું યોગ્ય લાગ્યું નહિ. સાંજે ચાર્મિ સાથે માર્કેટ જઈશ ત્યારે ગોલ્ડફ્લેકના બે પેકેટ ખરીદી લઈશ. ખરીદી લઈશ..? એની જોડે એક રૂપિયો પણ હતો નહિ એ એને ભાન થયું એટલે એ પોતે જ પોતાના પર હસ્યો. એને કંટાળો આવતો હતો.

          ટ્યુશનમાં એને ક્યારેય કંટાળો ન આવતો. આખો દિવસ એનો ટ્યુશનમાં ક્યારે પૂરો થઇ જતો એની એને ખબર જ ન પડતી. ટ્યુશનમાં બાળકો દરરોજ કંઇક નવી વાત લાવે.

          એકનું એક બીજા વર્ષે ભણવવાનું આવે એટલે એને નવું કે અઘરું પણ ન લાગતું અને એક વર્ષના સમયગાળા પછી એ વસ્તુ ફરીથી ભણાવવાનો કંટાળો પણ ન આવે. રીવીજનમાં એનું એ એ જ બાળકને ફરીથી ભણવવાનું આવે પણ એતો ઉપર છલ્લું. અને રીવીજન વખતે એ બાળકને ભણાવતો નહિ પણ બાળકો એને ભણાવતા હોય એવું વાતાવરણ ઉભું કરતો એટલે બાળકો પરીક્ષામાં અવ્વલ નંબરે આવતા.

          એણે લગભગ સાતસો જેટલા બાળકોને ભણાવ્યા હશે પણ એને યાદ નથી કે કોઈ બાળક પરીક્ષામાં ફેલ થયું હોય કે પછી જીવનમાં પણ. એ એ વાતનો ગર્વ પણ અનુભવતો. અત્યારે એને લાગતું હતું કે એના શિક્ષક એના માટે એવો ગર્વ અનુભવી શકે નહિ. ચાર્મિ ન હોત તો એ કીડનેપરની ચુંગલમાંથી બચી નીકળવામાં પણ સફળ થયો હોત એમ એ કહી શકે એમ નહોતો.

          એને ઇન્જેક્શન લીધા તે હાથમાં દુખાવો થતો હતો. એણે એના ડાબા હાથ પર નજર કરી. કુતરાના દાંતના ઊંડા ઘાના નિશાન હતા પણ હવે એને ડ્રેસિંગની જરૂર લાગતી ન હતી છતાં એણે ચાર્મિને ફોન લગાવ્યો.

          “હેલ્લો.” ચાર્મિનો અવાજ સંભળાયો.

          “શ્યામ.”

          “બોલ..”

          “મારે ડ્રેસિંગ કરાવવાની જરૂર જેવું નથી લાગતું છતાં પણ એકવાર.” એણે કહ્યું.

          “ઓહ! સોરી. હું ભૂલી ગઈ. સેકન્ડ ફ્લોર પર સેવન-બીમાં નાનકડી મેડીકલ યુનિટ છે. તું ત્યાં જા હું ફોન કરી દઉં છું.” ચાર્મિએ ફોન મુક્યો.

          શ્યામ પણ ફોન મૂકી કેન્ટીન તરફ ગયો. લીફ્ટ દ્વારા એ સેકન્ડ ફ્લોર પહોચ્યો.

          લીફ્ટમાંથી ઉતરી એ સેવેન બી ગયો. ચાર્મિનો ફોન આવી ગયો હશે એટલે ડોકટર રામાનુજે એને ઉષ્માભર્યો આવકાર આપ્યો.

          ડો. રામાનુજે એના હાથને જોઇને એને ડ્રેસિંગની જરૂર નથી એવું કહ્યું પણ  સાથળ પર એને ડ્રેસિંગની જરૂર લાગી.

          ડો. રામાનુજે ડ્રેસિંગ કર્યું.

          “યહ લાસ્ટ ડ્રેસિંગ હે...” કહી ડોકટરે એને બે ટેબ્લેટ આપી અને બપોરે જમીને અને સાંજે જમીને એક એક લેવાની સુચના આપી.એન્ટી રેબીસ ઇન્જેક્શન તારીખ યાદ રાખીને લેવાની સુચના પણ ડોકટરે યાદ કરીને આપી.

                                                                                                      *   

          એ ફરી ગેસ્ટ રૂમ પહોચ્યો. એણે દીવાલ પરની ઘડિયાળ સામે નજર કરી. બાર વાગવા આવ્યા હતા. ઠંડીના કારણે એને ભૂખ લાગી ગઈ હતી. એણે કેન્ટીન તરફ પગલાં માંડ્યા.

          એણે નફફટ મહેમાનની જેમ કેન્ટીનમાં ધરાઈને પનીર ટીક્કા અને ધ લાસ્ટ લંચ હોય એમ ખાઈ શકાય એટલી રોટલીઓ ખાધી. એના પેટમાં વજન થતું હતું પણ એ ઊંઘવા માંગતો નહોતો.

                                                                                                       *

          “હેલ્લો, કેસે હો જનાબ.” ચાર્મિએ રૂમમાં પ્રવેશતાં કહ્યું.

          “તુમ ફ્રી હો ગઈ.?” એણે પૂછ્યું.

          ચાર્મિને જોઇ કેમ પણ એને ખુબ આનંદ થયો. આવી ખુશી એ અર્ચનાને જોતો ત્યારે જ થતી પણ અત્યારે એને મનમાં કોઈ અપરાધભાવ ન થયો. મોતના મુખમાંથી બચાવનારને જોઇને ખુશી થાય જ. થવી જ જોઈએ. એને એમાં કંઈ અજુગતું ન લાગ્યું.

          “ચાલો માર્કેટ જઈએ.”

          “નેકી ઓર પૂછ પૂછ.” શ્યામ હવે ચાર્મિ સાથે હળીમળી ગયો હતો.

          તેમણે માર્કેટ જવા માટે ફરી ઓટો જ પસંદ કરી. ચાર્મિએ એના કપડાં પાછળ ત્રણેક હજાર ખર્ચી નાખ્યા. એ એને લઈને એક મોબાઈલ સ્ટોરમાં પ્રવેશી. કદાચ એને મોબાઈલ ખરીદવો હશે કેમકે એનો ફોન પણ શ્યામના ફોનની જેમ કિડનેપર વાપરતા હતા. ચાર્મિએ પોતાના માટે એચ.ટી.સી.નો વન એક્સ-9 અને શ્યામ માટે સેમસંગ ગેલેક્સી જે-7 પસંદ કર્યો. શ્યામને પણ એ ફોન પસંદ આવ્યો.

          ચાર્મિએ ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કર્યું.

          એ અરોરા એન્જીનીયરીંગ કંપનીમાં પાછા આવ્યા ત્યારે સાંજના સાતેક વાગી ગયા હતા. ગેસ્ટરૂમના દરવાજે ચાર્મિએ કહ્યું, “તુમ ફ્રેશ હોકે કેન્ટીન મેં આ જાઓ. હમ સાથ ખાના ખાતે હે ઔર બાતે કરતે હે..”

          દસેક મિનીટ પછી એ અને ચાર્મિ કેન્ટીનના ટેબલ પર ભેગા થયા. એના ટેબલ પર પ્લેટમાં છોલે, રોટલી અને રાજમા ચાવલ હતા. જમતા જમતા એમની વાતો ચાલુ હતી.

          “થેન્ક્સ, ફોર ક્લોથીઝ એન્ડ મોબાઈલ.”

          “થેન્ક્સ જેસી કોઈ બાત નહિ હે. કલ યા પરસો હેડ આ જાયેંગે.”

          “ઓકે.”

          ચાર્મિ એની સામે પ્રેમભરી દ્રષ્ટિથી જોઈ રહી. એને પ્રીતુ યાદ આવી. એકવાર એ, અર્ચના અને પ્રીતુ ખુડાના એક ફાસ્ટ ફૂડ સેન્ટરમાં નુડલ્સ ખાતા હતા ત્યારે પ્રીતુ એની સામે આવી જ રીતે પ્રેમથી જોઈ રહી હતી. અર્ચનાના ધ્યાનમાં પણ એ વાત આવી ગઈ હતી. અર્ચનાએ એને ઘરે ગયા પછી કહ્યું હતું કે પ્રીતુ તારા પ્રત્યે આકર્ષાઈ રહી છે પણ એણે વાતને હસીને કાઢી નાખી હતી. એણે કહ્યું હતું કે એ ત્રીસ વર્ષનો છે અને એ બાવીસેક વર્ષની. આકર્ષણ થવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. અર્ચના સાથે કિચનમાં હેલ્પ કરવાના બહાને પ્રીતુ એની પસંદગીનું વધુ મરચાવાળું તીખું શાક બનાવી નાખતી ત્યારે એને આ બધી વાતોનો ખ્યાલ આવ્યો ન હતો.

          બંને છુટા પડ્યા. શ્યામ વિચારો ખંખેરી ગેસ્ટરૂમમાં પહોચ્યો.

ક્રમશ: