Jivanma Guruni Jarur Khari? in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | જીવનમાં ગુરૂની જરૂર ખરી?

Featured Books
Categories
Share

જીવનમાં ગુરૂની જરૂર ખરી?

ગુરુ એટલે જાણકાર. જ્યાં સુધી રસ્તો ના જાણતો હોય ત્યાં સુધી રસ્તામાં કોઈને પૂછવાની જરૂર પડે, કોઈ નાના છોકરાને પણ પૂછવું પડે. જેને જેને પૂછવું પડે એ ગુરૂ કહેવાય. ગુરૂ એ બીજી આંખ છે! ગુરૂ એટલે આપણને આગળની સૂઝ પાડે. ગુરૂ એટલે ભોમિયો, ભોમિયો ઉપરી ખરો, પણ ક્યાં સુધી? આપણને મૂળ સ્થાને લઈ જાય ત્યાં સુધી. એટલે માથે ઉપરી જોઈએ જ, દેખાડનારો જોઈએ. ભોમિયો જોઈએ, ગાઈડ જોઈએ જ હંમેશા. માર્ગદર્શન આપે એ ગુરૂ કહેવાય.

રસ્તામાં ઠેઠ સુધી ગુરૂની જરૂર પડશે. ગુરૂને એમના ગુરૂની જરૂર પડે અને આપણને આ સ્કુલના માસ્તરોની ક્યારે જરૂર હોય? આપણે ભણવું હોય તો ને? અને ભણવું ના હોય તો? રસ્તો બતાડનાર એમ નથી કહેતા, કે તમે અમને રસ્તો પૂછો! આપણી ગરજે પૂછીએ છીએ ને? કોની ગરજે પૂછીએ છીએ? પૂછ્યા વગર ચાલીને અનુભવ કરી જોજો. એ અનુભવ શીખવાડશે તમને, કે ગુરૂ કરવાની જરૂર છે. એટલે કોઈ પણ જ્ઞાન ગુરૂ વગર પ્રાપ્ત થાય એવું છે જ નહીં. સંસારીક જ્ઞાન પણ ગુરૂ વગર નહીં થાય અને આધ્યાત્મિક જ્ઞાન પણ ગુરૂ વગર થાય એવું નથી. ગુરૂ વગર જ્ઞાનની આશા રાખીએ એ બધી ખોટી વાત છે. તો પછી સ્કૂલોની જરૂર જ નથી ને? કોલેજોની જરૂર જ નથીને? એટલે સ્વયં કશું પ્રાપ્ત ના થાય.

હા, તીર્થંકરો બધા સ્વયંબુધ્ધ હોય. પણ આગલા અવતારોમાં ગુરૂના થકી એમને તીર્થંકરગોત્ર બંધાયેલું હોય છે. ઋષભદેવ ભગવાન કે મહાવીર ભગવાને એમની મેળે જાતે જ બંધન તોડ્યા. પણ પહેલાના ભવોમાં પૂછી પૂછીને આવેલા. છેલ્લા તીર્થંકરના અવતારમાં એમને ગુરૂની જરૂર નહીં. બાકી ગુરૂ વગર જ્ઞાન નથી. જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી ગુરૂ જોઈશે. ગુરૂ વગર તો ચાલે જ નહીં.

પુસ્તક વાંચો છો? ત્યારે પુસ્તક એ તમારા ગુરુ નહીં?! કંઈક શીખવાડતું હોય, કંઈ લાભ કરતુ હોય ત્યારે જ પુસ્તક વાંચે ને? જે પુસ્તક આપણને માર્ગદર્શન આપ્યું તો એ ગુરુ કહેવાય. એટલે પુસ્તકેય તમારો ગુરુ છે.
એટલે પહેલી, મધર ગુરૂ થાય, કે ‘બાબા, આ ચડ્ડી પહેરી લે, તેમ છે.’ બા ચાલતા શીખવાડે, ખાતા શીખવાડે. માએ જે સંસ્કાર આપ્યા તે ગુરૂ ખરી ને? ‘આમ કરજે બાબા હં, જોજે, આમ જોજે.’ એ ગુરૂ નહીં! ત્યારે બીજું કોણ? અનંત અવતાર બાબો થયો. કયા અવતારમાં નથી ચાલ્યો? પણ ફરી આ એનું એજ શીખવાનું.
ઘરમાં વાઈફ ના હોય ને એકલા હોઈએ તો કઢી બનાવવી હોય તોય કો’કને તો પૂછવું પડે, કે મહીં શું શું નાખવાનું! ઘરમાં દરેક વસ્તુ ખોળવા માટે ‘વાઈફ’ને પૂછવું પડે, એટલે વાઈફ એ આપણી ગુરૂ. એટલે ગુરૂની તો જ્યાં ને ત્યાં, ડગલે ને પગલે જરૂર જ હોય. અત્યારે કોર્ટમાં કામ પડે તો આ વકીલને ગુરૂ કરવા પડે.

આ ઠોકર પણ ગુરૂ કહેવાય. આપણને રસ્તે ચાલતા ઠોકર વાગે તો ઠોકરનેય એમ થાય, કે ‘તું નીચે જોઈને ચાલતો હોય તો શું ખોટું?’ આપણે એને ગુરૂ માનીએ તો આપણને મહીં પરિણામ પામે. એટલે મેં તો આવી રીતે લાભ પ્રાપ્ત કરેલા છે. બધા મારેય હજુ ગુરૂ છે ને! હું આખા જગતનો શિષ્ય થઈને બેઠેલો છું. તો મારો ગુરૂ કોણ? લોકો. એટલે દરેક વ્યક્તિ, દરેક વસ્તુ ઉપદેશ આપે છે. હંમેશા દરેક અનુભવ ઉપદેશ આપીને જ જાય. આંબાનું વૃક્ષ પણ આપણને શીખવાડે છે. પોતાના ફળ બીજાને ખવડાવી દયો.
તેથી જ કૃપાળુદેવે કહ્યું ને,
‘સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હદય છે.’

માટે માથે જ્ઞાની ના મળે તો, સજીવન ગુરૂયે જોઈએ. નહીં તો માણસ સ્વ્છંદે વિહાર કર્યા કરે. આ પતંગનો દોર છોડી દઈએ પછી પતંગની શી દશા થાય?

ગુરુને મનથી માની લઈએ તો ના ચાલે. સામો કહેનાર જોઈએ, કે તે આ ભૂલ કરી છે. જો મનથી માની લો, તો એવું છે ને, આ બૈરીને મનથી માની લો ને! એક છોકરીને જોઈને પછી મનથી માની લો ને, કે હું પૈણી ગયો છું! ને પછી ના પૈણે તો ચાલે?
ફોટાવાળા ગુરૂ ના ચાલે. પ્રત્યક્ષ ગુરૂ જોઈએ. આપણે માંદા થઈએ તો ડૉકટરનો ફોટો મુકીએ અને એનું ધ્યાન કરીએ તો રોગ મટી જાય? નહીં, ચિત્રપટ તો આ બધાના છે જ ને? કૃષ્ણ ભગવાન જીવતા મળે તો કામના, મહાવીર ભગવાન જીવતા મળે તો કામના. ગુરૂ તો એક કલાક મળ્યા હોય ને, એક શબ્દ સાંભળ્યો હોય ને, તો બહુ થઈ ગયું.

ખરા ગુરૂ કોને કહેવાય? જીવતા-પ્રત્યક્ષ હોય તે. પ્રત્યક્ષથી જ કામ થાય એવું છે. બાકી મૂર્તિ કે ફોટા આપણી ભૂલ બતાવી શકે નહીં. ભૂલ ભાંગી શકે નહીં.

અમારે કૃપાળુદેવ ઉપર ભાવ હતો. પણ એ પ્રત્યક્ષ નહોતા. એટલે ગુરૂ તરીકે સ્વીકાર ના કરૂં. હું ગુરૂ તરીકે સ્વીકાર કોને કહું કે, પ્રત્યક્ષ આદેશ-ઉપદેશ આપે. કૃપાળુદેવ જો પાંચ મિનિટ મળ્યાં હોત મને તો એમને મેં મારા ગુરૂપદે સ્થાપન કરી દીધા હોત. ગુરૂ પાસે આપણું દીલ ઠરવું જોઈએ. સદેહ, પ્રત્યક્ષ ગુરૂ જ કામનાં, પરોક્ષ તો કામનાં નહીં.