Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - નેચર

Featured Books
Categories
Share

ડાયરી - સીઝન ૨ - નેચર

શીર્ષક:- નેચર
©લેખક:- કમલેશ જોષી

"તમે ભગવાનમાં માનો છો?" એક દિવસ અમારા ગૃપમાં ડીબેટ શરૂ થઈ. એકે કહ્યું, "હું માતા-પિતાને જ ભગવાન માનું છું." તો એકે પોતાના ગુરુને, સંતને ભગવાન કહ્યાં. એકે કુળના દેવી-દેવતાઓમાં ભગવાન હોવાનો મત આપ્યો તો એકે દીન-દુઃખીયામાં ઈશ્વર છે એમ કહ્યું. એકે ખુદની અંદર જ ભગવાન હોવાનો દાવો કર્યો તો એકે ભગવાન છે જ નહીં એવો મત આપ્યો. આ બધાં વચ્ચે એક પ્રેક્ટિકલ મિત્રએ કહ્યું, "ભગવાનની સર્વ સામાન્ય ડેફિનેશન શી? જે સર્વવ્યાપી હોય, સર્વ શક્તિમાન હોય અને સૌને માટે સમાન હોય એવું તત્ત્વ એટલે ભગવાન, ઈશ્વર, ગોડ. મારી દૃષ્ટિએ આવું કોઈ તત્ત્વ હોય તો એ છે કુદરત. કુદરત સર્વવ્યાપી છે, અમદાવાદમાં પણ છે અને અમેરિકામાં પણ છે, આપણી અંદર પણ છે અને બહાર પણ છે. કુદરત સર્વશક્તિમાન છે, એ જ વરસાદ બની વરસે છે અને એ જ એક દાણામાંથી હજાર દાણા ઉગાડે છે, એ જ વિરાટ સાગર બની ઘૂઘવે છે અને એ જ ઊંચામા ઊંચા પર્વત બની આકાશને આંબે છે. કુદરત સૌને માટે સમાન છે, હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ જ નહીં, તમામ પ્રાણીઓ માટે પણ કુદરત એકસરખી ઠંડી, ગરમી અને વરસાદ વરસાવે છે." આટલું કહીને એ અટક્યો ત્યારે અમે સૌએ એક નજર આકાશ તરફ ફેરવી અને લગભગ બધાના ડોકા હકારમાં ધૂણ્યા.

પણ સીધી સાદી વાતને સીધી રીતે ગળે ઉતારે તો અમારો પેલો ટીખળી દોસ્ત મસ્તીખોર કહેવાય ખરો? મસ્તીખોરે સહેજ હસીને કહ્યું, "અને તારી એ જ કુદરત જ્યારે બિપોરજોય કે તાઉતેની ગિફ્ટ મોકલી હાહાકાર મચાવે છે ત્યારે? શું ભગવાન કરુણાસાગર છે, ભોળાનો નાથ છે એ વ્યાખ્યા કુદરતને ભૂલાઈ જાય છે?" ઓહ, મસ્તીખોરે પ્રશ્ન તો એકદમ સાચો દાગ્યો. અમે પેલા પ્રેક્ટિકલ સામે જોયું. એ બે ઘડી વિચારીને બોલ્યો, "જે પોતાના માતા-પિતાને ભગવાન માને છે શું એણે મમ્મી પપ્પાના હાથે ગાલ લાલચોળ નથી કરાવ્યાં? જે પોતાના ગુરુને ભગવાન માને છે શું એણે શિક્ષકના હાથની ફુટપટ્ટી નથી ખાધી? શું ધર્મગુરુએ એમને ઉપવાસ એકટાણાંનું મહત્વ સમજાવી એક કે બે ટક ભૂખ્યા નથી રાખ્યા? અને ભોળાનો નાથ શિવજી તો વિસર્જન માટે પ્રખ્યાત નથી?" આટલું કહીને એણે પેલા મસ્તીખોરની આંખમાં આંખ પરોવી કહ્યું, "આમેય તારા જેવા મસ્તીખોર લોકો તો ફુટપટ્ટી સિવાય ક્યાં કોઈના બાપુજીનું માને છે?" કહી એક ઊંડો શ્વાસ લઈ એણે ઉમેર્યું, "કડવી દવા બાળકને પાતી વખતે મા હરખાતી નથી હોતી પરંતુ એની ભીતરે કરુણાનો સાગર જ છલકાતો હોય છે એમ જ આ તાઉતે અને બિપરજોયના રૌદ્ર સ્વરૂપે સાક્ષાત્ શિવત્વએ આપણને થર્ડ ડિગ્રીનો કડવો ઘૂંટડો પાયો છે. બાળક જેમ પોતાને બિમાર માનતું નથી એમ જ આપણે પણ આપણી ભીતરે વ્યાપી રહેલા બગાડને કબૂલવા તૈયાર નહીં થઈએ. પણ કર્તુમ્ અકર્તુમ્ અન્યથા કર્તુમ્ સમર્થ એવો ડોક્ટર કાનુડો આપણને કડવામાં કડવો ડોઝ આપી આ જન્મે જ સાજા-તાજા-માજા કરી દેવામાં માસ્ટર છે. એણે ગેરન્ટી આપી છે કે તમે જે કર્મ કરશો, પછી એ દુનિયાના દેખતાં હોય કે છાનામાના, તમે એનું જ ફળ પામશો. જો તમે સંપૂર્ણ શુદ્ધ હશો તો પૃથ્વીનો પ્રલય પણ તમને, તમારા શુદ્ધ આત્માને, ટચ નહીં કરે અને ટાંચણી જેટલીએ ભેળસેળ કરી હશે તો સો જન્મે પણ એનું ફળ ભોગવ્યા વિના છૂટકારો નહીં થાય. કુદરત અને કાનુડાથી છૂપું કાંઈ નથી. એના સીસીટીવી કેમેરા મારી-તમારી ભીતરે 'ચોવીસ બાય સાત બાય લાઈફ ટાઈમ' મોનીટરીંગ કરી રહ્યા છે. ચોવીસે કલાક આપણા માટે ટીમ કૃષ્ણ ફુડ પેકેટ પણ બનાવી રહી છે અને રેસ્કયુ ઓપરેશન પણ ચલાવી રહી છે, એના સ્ટોરમાં બુંદી-ગાંઠીયા મેવા-મેસુબ પણ છે અને તાઉતે, બિપરજોય, અર્થકવેકની મશીનરી પણ તૈયાર છે. જેવું કર્મ એવી ગિફ્ટ." એકધારું આટલું બોલીને એ એટક્યો ત્યારે અમે સૌ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયેલા.

એક સંતે મસ્ત વાત કરી છે. આપણે બ્રહ્મા અને વિષ્ણુના મંદિરો કેમ ઓછા બનાવ્યા? શિવજીના મંદિર વિનાનું તો એકેય ગામ કે સોસાયટી જોવા નહીં મળે. તોફાની બાળક જેમ કડક અને ગરમ મિજાજના શિક્ષક સામે હાથ જોડીને ચૂપચાપ બેસે એમ જ આપણે વિસર્જન અને મૃત્યુંજય મહાદેવની સામે નતમસ્તક થઈ જઈએ છીએ. પ્રેમથી થાળી પીરસી આપણું ભરણ કરતી મા કે ઈમાનદારીથી મહેનત કરી આપણી ઓફિસને વધુ નફો અપાવતો કર્મચારી કે આપણા ખેતરમાં વધુ પાક લણી આપણું પોષણ કરતો ખેડૂત આપણને પૂજ્ય નથી લાગતાં. આપણે તો ઈન્સ્પેક્શનમાં આવતા રુઆબદાર અધિકારીની સામે પંજાબી વાનગીઓનો થાળ અને નોટોથી ભરેલું કવર ધરવામાં તીર્થસ્નાનનો અનુભવ કરીએ છીએ. તોફાને ચઢેલા વર્ગખંડમાં જેમ શિક્ષક બૂમો પાડે એમ જ અવળા-સવળા, કાળા-ધોળા ધંધાકીય તોફાનોમાં આખી જિંદગી વેસ્ટ કર્યા પછી ભગવાન પાસે કવર કે થાળી ધરી છટકી જવાનો મનસૂબો સેવનાર આપણા જેવા તોફાનીઓને ભગવાન કથાકારોના મુખે બૂમો પડાવી પડાવી ગવડાવે છે કે : હું કાંઈ ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે, એમ છેતર્યો છેતરાઉ એવો સસ્તો નથી રે હું કાઈ ગાંડો નથી રે.

મિત્રો, આપણે કુદરતનું સર્જન છીએ, ઓફ ધી નેચર, બાય ધી નેચર અને ફોર ધી નેચર. આજકાલ નેચર લવર્સની સંખ્યા વધતી જાય છે. વહેલી સવારે ઉગતા સૂર્યને જોવાનો કે દરિયા કિનારે લટાર મારવાનો કે બર્ડઝ વોચિંગનો ક્રેઝ વધતો જાય છે. આવા એક નેચર લવર મિત્રે એનો અનુભવ શૅર કરતા કહ્યું કે કાયમ નવ વાગ્યે ઉઠવા છતાં આખો દિવસ આળસ અને કંટાળા સાથે વિતાવવાની આદતવાળો હું જે દિવસથી વહેલી સવારે સૂર્યોદય, પક્ષીઓનો કલરવ અને દરિયાના ઉછળતાં મોજાં જોતો થયો છું તે દિવસથી ફુલ ડે એનર્જી અને એન્જોયમેન્ટ ફીલ કરું છું. ફિઝીકલ બિમારી તો નથી જ રહી, વિચારોમાંથી પણ નેગેટીવીટી ગાયબ થઈ ગઈ છે. આપણી સંસ્કૃતિમાં તો નદીઓ, વૃક્ષો અને સૂર્યની પૂજા સમ્રાટોએ જ નહીં ખુદ રામ અને કૃષ્ણ જેવા અવતારોએ પણ કરી છે. કુદરતની થપ્પડ જેવા બિપોરજોય બાદ હજુ આપણા ગાલ લાલ જ છે ત્યારે ઘરમાં, ઓફિસમાં કે સમાજમાં આપણાથી જાણે અજાણે થયેલા ગરબડ-ગોટા બદલ આંખમાં આંસુ સાથે આજનો રવિવાર મધર નેચર એટલે કે કુદરતના ખોળામાં બેસીને વિતાવીએ તો કેવું? તોફાની બાળકને ગાલ પર ચોપડી દીધાં પછી માતાનું હૃદય પણ કલાકો સુધી તરફડતું હોય છે અને બાળક પર ચુંબનનો વરસાદ વરસાવે ત્યારે જ એને હાશકારો, ટાઢકારો થતો હોય છે એમ જ કુદરત અત્યારે આપણને ચુંબન કરવા આતુર છે ત્યારે આકાશ સામે નાના બાળકની જેમ બે હાથ લંબાવી થોડી ક્ષણો, માતૃપ્રેમ કે ઈશ્વર કૃપાથી ભીંજાઈ જઈએ તો કેવું?

હેપ્પી ફાધર્સ ડે, હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)