હસમુખભાઈએ સીમાબેનને પૂછ્યું કે, 'હવે હું આ જીગ્નેશ ભાઈને શું કહું?'
'શું કહેશો એજ વિચારું છું.'
અજયે સામેથી જ કીધું, 'પ્રીતિને ત્યાં હા પાડી હવે બોલેલું નહીં ફરવાનું, હું આવું વિચારું છું. તમારુ શું કહેવું છે?'
હસમુખભાઈ, સાગરભાઈ અને સીમાબેન એક સાથે જ બોલ્યા, 'તારી વાત સાચી છે.'
હસમુખભાઈએ જીગ્નેશભાઈ ને ફોન કર્યો.
'હેલ્લો'
'હેલ્લો હસમુખભાઈ કેમ છો? બધા મજામાંને?'
'હા, જીગ્નેશભાઈ બધા જ મજામાં. તમે કહો ત્યાં બધા કેમ છે?'
'અહીં પણ બધા જ મજામાં છે.'
'વાહ, સરસ. બોલો નવીનમાં શું ચાલે છે?'
'જો સંજનાનું મેડિકલ પૂરું થયું, તો થયું ચાલો હવે યોગ્ય સમય છે અજય અને સંજનાને મળવાની ગોઠવણ કરવાનો! બસ, આજ બાબત કહેવા ફોન કર્યો હતો. અહીં ક્યારે આવો છો?'
'અરે વાહ! સંજનાને અભિનંદન. અને વાત જાણે એમ છે કે, અમે હાલ જ એક છોકરી સાથે અજયનું નક્કી કરીને આવ્યા. હજુ રસ્તામાં જ છીએ. તમારી રાહ જોઈ, બહુ લાંબો સમય વીત્યો તમે થોડા મોડા પડ્યા. હવે અમારે ના ન કહી શકાય. અને આ લેખ તો ઉપરવારના હાથમાં છે. હું માફી માંગુ છું કે, હવે આ બાબત શક્ય નથી.'
'અરે! ના ના માફી માંગી શરમાવશો નહીં, મેં જ તમને જવાબ આપ્યો નહોતો. અજયને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા આપશો. મારા જેવું કઈ કામ પડે તો યાદ કરજો, સગપણ ભલે ન થયું પણ મિત્રતા રહેશે, બરાબર ને?'
'હા, હો. મિત્રતા તો રહેશે.'
'ચાલો તો મળશું ક્યારેક! આવજો.'
'હા, ચોક્કસ મળશું. આવજો.'
હસમુખભાઈની વાત સાંભળી બધાને ખ્યાલ આવી જ ગયો કે ફોન કેમ કર્યો હતો.
ભાવિની ભાઈને ચીડવતા બોલી,
'જો ભાઈ! તારે ના નહોતી પાડવીને! આ છોકરાવાળાનું કેટલું માન રાખે, મસ્ત જમવાનું હતું. હું તો કહું છું કે સંજનાને ત્યાં પણ જવું જોઈતું હતું. સાગરકાકા! હજુ ચાર પાંચ બાયોડેટા મંગાવી લો.'
'સાગરકાકા! એક કામ કરો આ ભાવિની માટે જ મંગાવી લો! બહુ મોટી મોટી વાતો કરે છે!'
'ના ના! કાકા! એમાં મને તકલીફ થાય. મારે આગતાસ્વાગતા કરવી પડે! એ હસતા હસતા બોલી ઉઠી.'
ભાવિનીની વાત સાંભળી બધા જ હસી પડ્યા.
હસમુખભાઈને એ લોકો ગયા એટલે પરેશભાઈ સસ્મિત ચહેરે બોલ્યા, 'કુંદન આ બધું આટલું ઝડપથી નક્કી થશે એ કલ્પના પણ નહોતી!'
'હા, સાચીવાત. પ્રીતિએ હા પાડી એટલે જ મેં તમને કહ્યું, કે ઘર જોવા જવાની હા કહી જ દો. અને આમ પણ ખોટી વાત લાંબી કરવાનો કોઈ મતલબ નહોતો.'
'મને તો અજયનું સ્પષ્ટ વ્યક્તિત્વ અને સાદાઈ જ પસંદ આવી ગઈ. વળી, કોઈ જ ખોટો દેખાડો નહીં. મને પ્રીતિ માટે જેવો યુવક જોઈતો હતો, એવો જ આબેહૂબ અજય લાગ્યો.'
'હા. વળી બધા જ થોડી વાળમાં એવા ભળી ગયા કે, કેટલાય વર્ષો જુના સબંધ હોય! સારું ચાલો! આપણી પ્રીતિ બહુ ભોળી છે આથી એની ખુબ ચિંતા થતી હતી. એ હવે દૂર થઇ, આ સૌમ્યા તો બધાને પહોંચી વળે એવી છે. એટલે એના માટે એવી ચિંતા ન થાય જેવી પ્રીતિ માટે હતી. દીકરી ખુશ રહે એથી વિશેષ સાસરી પાસે પિયર શું અપેક્ષા રાખે! એટલું જો સાસરીવાળા ધ્યાન રાખી લે એટલે ક્યારેય કોઈ ઘરમાં કંકાસ થાય જ નહીં!'
'હા, પણ આટલી અમથી વાત ક્યાં વડીલો સમજે જ છે? બસ, નવી આવેલ વહુના કોડ પુરા કરવાને બદલે એને કેમ તાબા હેઠળ રાખવી એજ પ્રયત્ન કરતા રહે છે!' એક ઊંડા નિઃસાસા સાથે પરેશભાઈ વાત કહી.
'ના હો! હવે એવું નથી ચાલતું, મને જ જોવને હું પણ સાસરામાં જ છું ને! જો હું મારી જિંદગીમાં બીજા કોઈનું ખોટું વર્ચસ્વ ન ભોગવી હોવ તો મારી દીકરીને પણ ન જ ભોગવવા દવ! હા, સંસ્કાર એને નહીં ચુકવાના પણ ખોટું શોષણ પણ નહીં જ ચલાવવાનું!'
'હા, તું ચિંતા નહીં કર બધું સારું જ થશે, પ્રીતિ આપણી એ ઘરમાં રાજ કરશે. ચાલ કુંદન આ સમાચાર આપણે મારા બાપુજીને અને ભાઈને પણ આપી દઈએ.'
'હા, કરો ફોન!'
પરેશભાઈ પોતાના ભાઈને ફોન કરે છે. રિંગ જઈ રહી છે. ફોન ઉપડ્યો,
'હેલ્લો. કેમ છે ભાઈ?'
'બસ, મજા હો. એક ખુશી સમાચાર આપવાના હતા. આપણી પ્રીતિનું નક્કી કરીએ છીએ. હમણાં જ છોકરાવાળા આવ્યા હતા. એમને પ્રીતિ પસંદ છે, ઘરે જવાનું આમંત્રણ આપીને ગયા. આવતા રવિવારે એમના ઘરે જવાનું છે. અત્યારે બધું ઉચિત લાગે છે. પ્રીતિને પણ એ પસંદ આવ્યો છે. બાયોડેટા તને મોકલું બાપુજીને તું વાત કરજે, અને ઘરે પણ બધાને જાણ કરજે. બાપુજીની તબિયત કેવી છે?'
'અરે વાહ! ખુબ સરસ સમાચાર આપ્યા. બધું જ સારું હોય એટલે સૌથી ઉત્તમ. આપણી પ્રીતિ છે જ એવી કે ગમી જ જાય! સારું ચાલો ખુબ ખુબ વધામણાં.. ઘરે પણ બધાને મારી યાદી પાઠવજો. અને હા, બાપુજીની તબિયત બહુ જ નરમગરમ રહે છે. હવે ખોરાક પણ ઘટી ગયો છે.'
'અરે રે! શું થયું એમને? રિપોર્ટ્સ કઢાવ્યા?'
'હા ભાઈ! રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. ડોક્ટર્સ કહે છે ઉંમરના લીધે છે. બાકી ચિંતા જેવું કઈ જ નથી.'
'ઓકે, સારું કઈ પણ કામ હોય તો કહેજે, હું એક બે દિવસમાં ત્યાં રૂબરૂ જ આવી જઈશ. આવજે.'
'આવજો ભાઇ!'
પરેશભાઈએ ફોન મૂકીને કુંદનને બધી જ વાત જણાવી. અને એક બે દિવસમાં ત્યાં જવાનુ પણ કહ્યું હતું.
પ્રીતિ તો સીધી એના રૂમમાં જ જતી રહી હતી. એ પોતાના વિચારમાં જ હતી. અજયનું માપસર શરીર, દેખાવને વધુ આકર્ષક કરતા એના ડ્રેસિંગ સેન્સને વિચારતા પ્રીતિને થયું, પસંદગી તો સરખી છે, વળી અમે બંને ચશ્માવાળા! મનમાં સેજ અમથુ હસતા ફરી મનમાં વિચારવા લાગી હતી. મજન્ટા કલરનો શર્ટ, બ્લેક જીન્સ અને ચહેરાને અનુકૂળ ચશ્માં.. બસ, એ ચહેરામાં જ પ્રીતિ ખોવાઈ ગઈ હતી.
ચુપચાપ દિલના ખૂણામાં સ્થાન મેળવી લીધું,
કંઈક આમજ સર્વથી વિશેષ સ્થાન મેળવી લીધું,
આપ્યું નથી કઈ જ એને છતાં...
દોસ્ત! પૂરેપૂરું સમર્પણ મેળવી લીધું!
પ્રીતિ તો વિચારોમાં જ ખુશ હતી. ત્યાં સૌમ્યા આવી ને થોડું પાણી પ્રીતિ પર છાંટીને બોલી,'તું તો જાગતા જાગતા સપના જોવા લાગી.' ખડખડાટ હસતા બોલી.
પ્રીતિ કેટલી મસ્ત અનુભતી મેળવી રહી હતી એમાં પાણીની છાંટક આંખ પર પડતા એની વિચારધારા તૂટી, એ મોં સાફ કરતા ગુસ્સામાં બોલી,'તું મજા લે. હું જતી રહીશને ત્યારે તને ખબર પડશે. જો તને તો હું ફોન પણ નહીં કરું. મોં મચકોડતા બોલી.'
'ન કરજે હો.. હું જીજુ સાથે વાત કરીશ!' ફરી ખડખડાટ હસતા ચીડવતા સ્વરે બોલી.
'બસ, આમ જ બંને ઝગડજો. ખબર નહી ક્યારે બંને મોટી થશો!' કુંદનબેન પ્રીતિના રૂમમાં આવતા બોલ્યા.
'જો બેટા! હમણાં તારા કાકાને ફોન કરી અજયની વાત કરી અને બાપુજીના સમાચાર પૂછ્યા. બાપુજીની તબિયત હમણાં ઠીક નથી રહેતી. હું અને તારા પપ્પા ત્યાં એમને જોવા એક બે દિવસમાં જાશું. તારા કાકા સમાચાર સાંભળીને ખુબ ખુશ થયા છે. અજયની બાયોડેટા એને મોકલી આપી છે. તેમ છતાં પ્રીતિ હું ફરી તને એ જ પૂછવા આવી છું કે તું ખુશ તો છે ને!'
'અરે મમ્મી! એ ધોળે દિવસે સપના જોતી થઈ ગઈ છે, ને તું એને વારે વારે પૂછ પૂછ કરે છે કે ખુશ તો છે ને! એની ખુશી જો એના ચહેરે ફુદકફૂદક કરતી ઠેકડા મારે છે. એમ કહી વળી પાણીની બોટલમાંથી પાણી લઇ ફરી એના મોં પર છાંટ્યું અને કહ્યું, જાગ બેન જાગ દિવસે સપના ન જોવાય!'
હવે પ્રીતિ સૌમ્યાને મારવા દોડી, ઉભી રહે, હવે તો તું મેથીપાક ચાખી જ લે.'
બંને ઘરમાં દોડાદોડી કરતા આખું ઘર માથે લઈ લે છે.
'ના આ મેથીપાક સાચવી રાખ જીજુને ખવડાવજે, કામ લાગશે તને.' આમ બોલી સૌમ્યા હસ્તી જતી હોય છે.
હંમેશની જેમ પ્રીતિ જ નમતું છોડી દે છે.
'જા ને! તને તો વતાવા જેવી જ નથી. હા સાચવી રાખીશ હો. બસ તું ખુશ ને!'
'હા!' સૌમ્યા ઠેકડા મારતી જીતને વધાવતા બોલી.
શું રવિવારે પ્રીતિ અજયનું ઘર જોવા જઈ શકશે?
શું દાદાના હશે પ્રીતિના સમાચાર સાંભળીને પ્રતિભાવ. જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻