Hindu Dharmnu Hard - 22 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 22

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 22

(22)

(૨)

(‘શબ્દોના અત્યાચાર’માંથી)

ના ૩૬મી સપ્ટેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થયેલા ‘પ્રાર્થનામાં શ્રદ્ધા નથી’ નામના લેખ વિશે એક ભાઈ નીચે પ્રમાણે લખે છે :

“પ્રાર્થનાવાળા આપના લેખમાં આપે પેલા વિદ્યાર્થીને અથવા મોટા વિચારક તરીકે આપને પોતાને આપે ન્યાય નથી કીધો. સાચું છે કે તે લેખ આપે જે પત્રને ઉદ્દેશીને લખ્યો છે તે પત્રના કેટલાક ઉદ્‌ગાર ઔચિત્યયુક્ત ન હતા, પણ તે લખનારનો વિચાર તો સ્પષ્ટ જ હતો એમાં શંકા નથી. વળી આપે તેને વિદ્યાર્થી અથવા છોકરા તરીકે વર્ણવ્યો છે, પણ તે છોકરો તો ન જ હોય. એની ઉંમર વીસથી ઓછી હોય તો મને આશ્ચર્ય થાય. તે નાદાન ઉંમરનો હોય તો પણ તેની બુદ્ધિ એટલી તો ખીલેલી દેખાય છે કે તેને ‘વિદ્યાર્થીની દલીલ ન કરાય’ એમ કહીને કાઢી નહીં નાખી શકાય. ખરી વાત તો એ છે કે એ પત્ર લખનાર એક બુદ્ધિવાદી છે, જ્યારે આપ શ્રદ્ધાવાદી છો.

બંને જુગજુગ જૂના ભેદો છે, અને બંને વચ્ચેનો ઝઘડો પણ જુગજુગ જૂનો છે.

એક કહે છે, ‘એક વાર મારો નિશ્ચય થાય તો હું પછી માનીશ,’ જ્યારે બીજો કહે છે, ‘શ્રદ્ધા રાખો અને પછી નિશ્ચય થશે.’ એક બુદ્ધિને પ્રમાણ માને છે, બીજો આપ્તવાક્યને પ્રમાણ માને છે. આપ એમ માનતા લાગો છો કે સંશયવાદ તો જુવાનોમાં હોય પણ તે ક્ષણિક છે, અને વહેલીમોડી શ્રદ્ધા તેમને ઉત્પન્ન થાય છે જ. અને આપના મતના અનુમોદનમાં સ્વામી વિવેકાનંદનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત તો છે જ. એટલે આપ પેલા ‘છોકરાને’ તેના હિતની ખાતર

પ્રાર્થનાની દવા જબરદસ્તીથી પાવા માગો છો. આને માટે આપના કારણ બે છે : એક તો એ કે પ્રાર્થના એ કર્તવ્ય છે. માણસ અલ્પ પ્રાણી છે અને પોતાનાથી અતિ મહાન કૃપાળુ એક પરમાત્મા છે, માટે તેની પ્રાર્થના એ કર્તવ્ય છે; બીજું એ કે પ્રાર્થના ઉપયોગી છે, જેને શાંતિની જરૂર હોય તેને તેમાંથી શાંતિ મળે છે.

“બીજા કારણનો નિકાલ હું પહેલો કરીશ. એક નબળાની લાકડી તરીકે આપ એની ભલામણ કરો છો. જીવનમાં એવાં તો કષ્ટો આવે ઠે અને

માણસની બુદ્ધિને એવી તો કચરી નાખે છે કે ઘણા માણસોને કોઈવાર

પ્રાર્થનાઅને શ્રદ્ધાની જરૂર જણાય. એનો તેમને હક છે, અને એ તેમને

મુબારક છે. પણ હંમેશાં થોડા સાચા બુદ્ધિવાદીઓ તો હોતા જ આવ્યા છે, કે જેમને પ્રાર્થના કે શ્રદ્ધાની કશી જ જરૂર નથી લાગી. વળા એવો પણ એક વર્ગ છે કે જે સંશયવાદની સળી જ્યાં ત્યાં નથી કરતો છતાં જે ધર્મને વિશે ઉદાસીન છે.

“હવે આપનું બીજું કારણ જોઈએ. બધા જ લોકોને પ્રાર્થનાની

મદદની જરૂર પડતી નથી, અને જેને પડે છે તેને તે કરવાની છૂટ છે એટલે ઉપયુક્તતાની દૃષ્ટિએ પ્રાર્થના કરવાનો બળાત્કાર કરવો એ વ્યાજબી નથી.

માણસનું શરીર અને મન ખીલવવાને માટે બળાત્કારે તેને કસરત કરાવવી અને કેળવણી આપવી વાજબી હોય, પણ તેની નીતિને માટે તેને મારી બાંધીને આસ્તિક બનાવવાની અને પ્રાર્થના કરાવવાની જરૂર નથી. દુનિયાના

મોટા મોટા સંશયવાદીઓમાંના કેટલાક અતિ નીતિમાન માણસો હતા. તેમને તો કદાચ આપ પ્રાર્થના કર્તવ્ય તરીકે કરવાનું કહો, તેમને નમ્રતાની ખાતર

પ્રાર્થર્ન કરવાનું કહો - એટલે આપની પહેલી દલીલ જ કહોને. જ્ઞાન એટલું વિશાળ છે કે મોટા મોટા વિજ્ઞાનશાસ્ત્રીઓને પોતાની અલ્પતા કેટલીક વાર

લાગી છે, પણ સામાન્ય રીતે તો તેમણે કદી હાર્યા વિના પોતાની સત્યશોેધ

ચલાવ્યા કીધી છે. કુદરતની ઉપર મેળવોલી જીત જેવી બળવાન છે તેટલી જ બળવાન તેમને તેમની શક્તિ વિશે શ્રદ્ધા છે. જો એમ ન હોત તો આજે પણ આપણે મૂળિયાં શોધવા માટે પૃથ્વી ખોતરતા હોત, અરે કદાચ પૃથ્વીનાં તળ ઉપરથી સાફ થઈ ગયાં હોત.

“બરફયુગમાં જ્યારે માનવપ્રાણીઓ ઠંડીથી ઠૂંઠવાઈ મરતાં હતાં અને અગ્નિની શોધ કરવામાં આવી ત્યારે તે યુગમાં આપના જેવા શ્રદ્ધાવાદીએ પેલા શોધકની મજાક કરી હશે અને કહ્યું હશે ‘તમારી બધી યોજના શા કામની છે ? ઈશ્વરની શક્તિ અને ઈશ્વરના કોપ આગળ બધું ધૂળ મળવાનું છે.’

“જે નમ્ર બનશે તે મોક્ષ પામશે એવો કોલ આપવામાં આવ્યો છે, તે મોક્ષ તેઓ મેળવશે કે કેમ તે તો કોણ જાણે, પણ અહીં તો તેમને કર્મે ગુલામી લખેલી છે. પણ મૂળ મુદ્દા ઉપર પાછા આવીએ. ‘આજે માની લો,

શ્રદ્ધા તો એની મેળે આવશે.’ એ આપનું કહેવું ભારે સાચું તો ખરું !

“દુનિયયાની આજની ઘણીખરી ધર્માંધતા તમારા આ જાતના ઉપદેશમાંથી જ સીધી ઉત્પનેન થયેલી છે. બાળક અવસ્થામાં જ તમે સૌને કેદ કરો અને વખતોવખત અને લાંબો વખત સુધી તેમને ઠોકઠોક કરર્યા કરો તો તેમાંના મોટા ભાગને તમે ગમે તે માનતા કરી શકશો. તમારો પાકો હિંદુ અને પાકો મુસલમાન એવા સંઘાડામાં ઉતારવામાં આવેલો હોય છે. દરેક કોમમાં ખોબા જેટલા માણસો એવા અવશ્ય હોય છે કે જેઓ તેમના ઉપર ઠરાવવામાં આવેલી માન્યતાઓનો ત્યાગ કરી દે છે. આપ જાણો છો ખરા કે હિંદુમુસલમાનો પુખ્ત વયે પહોંચે ત્યાં સુધી પોતાનાં શાસ્ત્ર વાંચતા અટકે તો તેમના માની લીધેલા સિદ્ધાંતો વિશે તેઓ ઓછા અંધ આગ્રહી રહેશે અને તેને

માટે ઝઘડા કરતા અટકશે ? આમ હિંદુમુસલમાન ઝઘડા માટે ઉપાય ધર્મેતર વિષયોનું શિક્ષણ છે. પણ આપને મારો આ ઉપાય નથી રુચવાનો. આપની પ્રવૃત્તિ જ જુદી છે.

“આ ડરકણ લોકોના દેશમાં નિર્ભયતા, કર્મવીરતા અને ત્યાગવીરતાનું અપૂર્વ દૃષ્ટાંત બેસાડનારા તરીકે આપના અમે ભારે ઋણી છીએ, પણ જ્યારે આપની કારકિર્દીનો અકંદર સરવાળો કરવામાં આવશે ત્યારે કહેવાશે કે આ દેશમાં આપને વિશે બુદ્ધિવિકાસની ગતિ બહુ અટકી.”

જો વીસ વર્ષના કુમારને ‘છોકરો’ ન કહેવાય તો સામાન્ય રીતે

‘છોકરો’ કોને કહેવાય તે હું જાણતો નથી. હું તો શાળા જતા વિદ્યાર્થીઓને તેની ગમે તેટલી ઉંમર હોય તોયે છોકરા-છોકરી જ કહં. પણ પ્રાર્થના વિશે સંશયગ્રસ્ત વિદ્યાર્થી છોકરો હોય કે પુખ્ત ઉંમરનો પુરુષ હોય તોપણ મારી દલીલ તો છે તેની તે જ છે. વિદ્યાર્થી તો સિપાઈ છે. (અને સિપાઈ તો

ચાળીસ વર્ષનો પણ હોય), એકવાર આજ્ઞાપાલન કરવાનું તેણે સ્વીકાર્યું પછી તેનાથી તેની સામે દલીલ થાય જ નહીં. સિપાઈ અમુક હુકમ પાળવા કે ન પાળવાની મુખત્યારી પોતાની પાસે રાખે તો તે પોતાની ટુકડીમાં ન જ રહી શકે. તે જ રીતે વિદ્યાર્થી સૂઝે તેટલો ડાહ્યો અથવા ઘરડો કેમ ન હોય તોપણ શાળા અથવા મહાવિદ્યાલયમાં ગયો કે તેના નિયમોનો ભંગ કરવાનો હક ગુમાવે છે. આમાં આપણે વિદ્યાર્થીની બુદ્ધિની કિંમત ઓછી નથી આંકતા કે તેનો અનાદર નથી કરતા. આજ્ઞાપાલન સ્વેચ્છાથી સ્વીકારવામાં તેની બુદ્ધિને

લાભ છે. પણ ઉપરના કાગળ લખનારે તો શબ્દોના ત્રાસનું ભારે ઝૂંસરું ખુશીથી ઉપાડી લીધુૅ છે. જે જે કાર્ય કરતાં કરનારને અણગમો થાય તે બધામાં પત્રલેખકને બળાત્કારની ગંધ આવે છે. પણ બળાત્કાર કાંઈ એક જ જાતનો નથી. તેના અનેક પ્રકારો છે. દાખલા તરીકે પોતે જ સ્વીકારી લીધેલો બળાત્કાર આત્મનિગ્રહ છે. તે બળાત્કારને આપણે છાતીસરસો ચાંપીને તેમાંથી હૂંફ મેળવીએ છીએ. પણ આપણી ઈચ્છા વિરુદ્ધ, અને ઘણી વાર આપણને નામોશી ઉપજાવવાને માટે અને મનુષ્ય તરીકે - કે તમારે છોકરા તરીકે કહાવવું હોય તો છોકરા તરીકે, આપણું સ્વમાન લૂંટવાના હેતુથી, નાખવામાં આવેલો નિગ્રહ એવો બળાત્કાર છે કે જેનો પ્રાણને ભોગે પણ ત્યાગ કરવો જોઈએ. સામાજિક અંકુશો સામાન્ય રીતે અનામત હોય છે, અને તેનો ત્યાગ કરીને આપણે પોતાને નુકસાન પહોંચાડીએ છીએ. પેટ પર

ચાલવાના હુકમ માનવામાં નામર્દાઈ અને બાયલાપણું છે. એથી વધારે ખરાબ તો આપણને ડગલે અને પગલે ગુલામ બનાવવાને દોડાદોડ કરતા અનેકાનેક વિકારોને વશ થવું એ છે.

પણ પત્રલેખક તો બીજા એક શબ્દની માયાજાળમાં ફસાયેલા છે. એ

મહાશબ્દ છે બુદ્ધિવાદ. હું કહું ? મેં ધરાઈ ધરાઈને એનો સ્વાદ ચાખ્યો અને હવે અનુભવે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી વસ્તુ મળ બને છે તેમ અસ્થાને વપરાતી બુદ્ધિ

ગાંડપણ બને છે. જો આપણે બુદ્ધિરાજને જેટલો ઘટે તેટલો જ કર આપીએ તો સૌ સારાં વાનાં થાય.

બુદ્ધિવાદીઓ ખાસ માણસો છે, પણ બુદ્ધિવાદ જ્યારે પોતાને વિશે સર્વશક્તિમત્તા આરોપે છે ત્યારે તે ભયાનક રાક્ષસ બને છે. બુદ્ધિને સર્વશક્તિમાન માનવી એ પથ્થરને દેવ માનીને પૂજા કરવા જેવી ખરાબ

મૂર્તિપૂજા છે.

પ્રાર્થનાના ગુણોની કોણે ગણતરી કરી જોઈ ? એનો ગુણ તો અનુભવે જણાય. દુનિયાની સાખ પણ એવી જ છે. કાર્ડિનલ ન્યૂમૅને કદી બુદ્ધિનો ત્યાગ નહોતો કર્યો, પણ ‘મારે એક પગલું બસ થાય’ એમ જ્યારે તેણે ગાયું ત્યારે બુદ્ધિથીયે પર પ્રાર્થના છે એમ તેણે સ્વીકારેલું. શંકરના જેવો તર્કેશ્વર કોણ હતો ? શંકરાચાર્યના તર્કપ્રયોગને ટપી જાય એવું દુનિયાના સાહિત્યમાં કશું નથી. પણ તેણે પ્રાર્થના અને શ્રદ્ધાને પ્રથમ સ્થાન આપ્યું.

આજે દેશમાં જે ક્ષણિક અને ક્ષોભક ઘટનાઓ બની રહી છે તેમાંથી પત્રલેખકે ઉતાવળું અનુમાન ખેંચ્યું છે. દુનિયામાં કઈ વસ્તુનો દુરુપયોગ નથી થઈ શકતો ? મનુષ્યના હાથમાં જે જે વસ્તુ આવે છે તે વસ્તુના એવા હાલ

થાય જ છે. ઈતિહાસમાં ઘણા ઘોરમાં ઘોર અત્યાચાર ધર્મને નામે થાય છે ખરા. પણ તેમાં વાંક ધર્મનો નથી પણ મનુષ્યની અંદર રહેલા દુર્દમ અસુરનો છે.

હું એવો એકે બુદ્ધિવાદી જાણતો નથી જેણે કદી જ કશું શ્રદ્ધાથી ન કર્યું હોય અને હંમેશ જ પોતાનું પ્રત્યેક કૃત્ય બુદ્ધિને આધારે જ કર્યું હોય. પણ આપણે સૌ એવા કરોડો મનુષ્યો જાણીએ કે જેઓ જગકર્તા વિશેના સરળ વિશ્વાસને વીધે પોતાના ઠીક ઠીક વ્યવસ્થિત જીવન ગાળ્યે જાય છે. એ વિશ્વાસ એ પ્રારથના છે. મેં મારો લેખ જે વિદ્યાર્થીના પત્ર વિશે લખ્યો હતો તે પેલા વિશાળ મનુષ્યસમૂહમાંનો એક છે, અને એ લેખ સત્યશોધમાં તેને તથા તેના ભેરુઓને ઠેકાણે રાખવાને માટે લખાયેલો હતો, પત્રલેખકના જેવા બુદ્ધિવાદીનો આરામ કે શાંતિ લૂંટી લેવા માટે નહોતો લખાયો.

પણ પત્રલેખકને તો વડીલો અને શિક્ષકો યુવાનોને જે રીતે ઘડે છે તેની સામે પણ વાંધો છે. પણ કુમળી વયમાં એ વિધ્ન તો નડવાનું જ - જો એને વિધ્ન કહેવાતું હોય તો ધર્મેતર વિષયની જ કેળવણીપ્રયત્ન નથી કે ?

શરીર અને મનની તાલીમ આપી શકાય અને નિયમને આધીન રાખી શકાય

એટલું કબૂલ કરવાની પત્રલેખક મહેરબાની કરે છે. પણ જેના વિના શરીર અને મન અર્થ વિનાનાં છે તે આત્માની તેને કદી દરકાર નથી, કદાચ એવો આત્મા છે કે કેમ તે વિશે પણ એને શંકા છે. પણ આત્મામાં ન માનતા હોય

તેથી તેને લાભ થાય એમ નથી. તેમણે એક વાત કબૂલ કરી એટલે બીજી

કબૂલ કર્યે જ છૂટકો છે. કોઈ આસ્તિક માણસ શા સારુ પત્રલેખકની જ દલીલ

કરીને ન કહે કે બીજા જેમ બાળક-બાળાઓનાં શરીર અને બુદ્ધિ ખીલવવાનો

પ્રયત્ન કરે છે તેમ હું તેમના આત્માનો વિકાસ કરવા માગું છું ? ધાર્મિક શિક્ષણનાં અનિષ્ટો તો સાચી ધર્મવૃત્તિ જાગ્રત થશે એટલે દૂર થવાનાં છે.

ધાર્મિક શિક્ષણ છોડી દેવું એ તો ખેડવાયાને ખેતીના યોગ્ય ઉપયોગ નથી આવડતો માટે ખેતરને પડત રાખી તેમાં ઘાસકાંટા ઊગવા દેવા જેવું છે.

પ્રાચીન વડવાઓની મોટી શોધમાં પત્રલેખક ઊતર્યા છે તેનો પ્રસ્તુત વિષય સાથે કશો જ સંબંધ નથી. એ શોધોના ઉપયોગ અથવા તેજસ્વિતાની કોણ ના પાડે છે ? હું તો નથી જ પાડતો. એ શોધક્ષેત્રો સાામાન્ય રીતે બુદ્ધિના ઉપયોગ અને પ્રયોગના યોગ્ય ક્ષેત્ર હતાં. પણ એ પ્રાચીનોએ પોતાના જીવનમાં શ્રદ્ધા અને પ્રાર્થનાનું અગ્રગણ્ય સ્થાન રદ નહોતું કર્યું. શ્રદ્ધા અને

પ્રાર્થના વિનાનું કર્મ સુવાસ વિનાના કૃત્રિમ પુષ્પ જેવું છે. બુદ્ધિને હું દબાવવાની દલીલ નથી કરતો, પણ જે વસ્તુ આપણામાં રહી રહી બુદ્ધિને પણ પાવન કરે છે તેનો પણ યોગ્ય સ્વીકાર થવો જોઈએ એમ મારું કહેવું છે.

૧૦૧. આત્મસમર્પણ માટે પ્રાર્થના એ પહેલો અને છેલ્લો પાઠ છે

(‘આપણે પ્રાર્થના કરીએ’માંથી)

હિંદુસ્તાન થોડા સમયમાં રાજકી સ્વાતંત્ર્ય પામશે એમાં સંદેહ નથી જણાતો. સ્વાતંત્ર્યમાં આપણો પ્રવેશ પ્રાર્થનાભર્યો હોય. પ્રાર્થના એ કંઈ

ડોસીમાનો ફુરસદના વખતનો વિનોદ નથી. જો તેનું રહસ્ય બરોબર સમજાય

ને તેનો ઉપયોગ બરોબર થાય, તો તે આપણને કાર્ય કરવાની અદ્‌ભૂત શક્તિ આપે છે.

ત્યારે હવે આપણે પ્રાર્થના કરીએ અને અહિંસાનું રહસ્ય શું છે ને તેથી મેળવેલી આઝાદી કેમ ટકાવવી એ જાણી લઈએ. જો આપણી અહિંસા નબળાની હોય તો એ સમજી લેવાનું કે, આવી અહિંસાથી આઝાદી ટકાવી નહીં શકીએ. તેમાંથી વળી આ પણ સિદ્ધ થાય છે કે, દીર્ઘ કાળ લગી આપણે હથિયારો વડે આપણું રક્ષણ કરવાની શક્તિ પામવાના નથી. આપણી પાસે નથી હથિયારો કે નથી તેનું જ્ઞાન. આપણી પાસે જરૂરી શિસ્ત પણ નથી.

પરિણામ એ આવે કે, બીજા રાષ્ટ્રની મદદ પર આપણે નિર્ભર રહેવું પડશે, સમોવડિયા તરીકે નહીં પણ શિષ્ય-ગુરુ તરીકે. ‘ઊતરતો’ શબ્દ કાનને કઠોર

લાગે તેથી તે નથી વાપર્યો.

તેથી એ સ્પષ્ટ લાગવું જોઈએ કે, સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેમ તે ટકાવવા સારુ પણ અહિંસાનો આશરો લીધે જ છૂટકો છે. એનો અર્થ એ કે, જેઓ પોતાને આપણા દુશ્મન માને તે બધાની સામે આપણે અહિંસાનો જ

પ્રયોગ કરવાનો. ત્રણ દસકા સુધી જેણે અહિંસાની તાલીમ લીધી છે, તેને માટે આ વસ્તુ ભારે ન હોવી જોઈએ. “પોતાની પ્રતિષ્ઠા અને સ્વાતંત્ર્ય માટે મરો”

એ અહિંસાનો મંત્ર છે, નહીં કે “જરૂર પડ્યે મારજો અને એમ કરતાં મરજો.”

શૂર સૈનિક શું કરે છે ? એ પ્રસંગ પડે ત્યારે જ મારે છે. અને એમ કરતાં પોતાનો જાન જોખમમાં નાખે છે. અહિંસા આથી ચડિયાતાં હિંમત અને ત્યાગ

માગે છે. કોકનો જીવ લેતાં પોતાના જીવને જોખમમાં નાખવો એ શા સારુ

પ્રમાણમાં સહેલું લાગે છે ? અને માર્યા વિના મરવું શા સારુ દૈવી ગણાવું જોઈએ ? મારવાનો ધંધો હાથ કર્યા વિના મરી ન શકાય એમ માનવું ભ્રમણામાત્ર છે. એ ભ્રમણામાં આપણે ન ફસાઈએ. ભ્રમણાને વારે વારે જપ્યા કરીએ એટલે આપણે તેમાં ફસાઈ ઝઈને તેને જ સત્ય માનતા થઈ ગયા છીએ.

પણ ટીકાકાર કે નિંદક પૂછશે કે, આ વસ્તુ આટલી સરળ છે તો

પ્રાર્થનાને વચ્ચે શા સારુ લાવો છો ? એનો જવાબ એટલો જ કે, જીવનની જુદી જુદી સ્થિતિમાં અને છેવટે ઝઈને રાષ્ટ્રની આઝાદી ને આબરૂના રક્ષણ

માટે આત્મસમર્પણની જે ભવ્ય અને વીરતાભરી કળા શીખવાની છે તેને સારુ

પ્રાર્થના એ પહેલો અને છેલ્લો પાઠ છે.

પ્રાર્થના સારુ ઈશ્વરમાં જીવંત શ્રદ્ધાની જરૂર છે. આવી શ્રદ્ધા વિના સત્યાગ્રહ યશસ્વી થાય એ કલ્પી ન શકાય. ભગવાનને ગમે તે નામે ઓળખીએ. તેનું રહસ્ય આ છે કે તે અને તેનો કાયદો એક જ છે.

૧૦૨. પ્રાર્થનાનો અંગત અનુભવ

(‘એસ.એસ રાજપૂતાના-૨’માં લંડનની સફરે જતાં ગાંધીજીનો પ્રાર્થના અંગેનો વાર્તાલાપ મ.દે.ના પત્રમાંથી)

પણ રેંટિયો કરતાં પ્રાર્થના એ વધારે મોટું આકર્ષણ થઈ પડી છે, એમ કહી શકાય, કારણ એમાં તો વહાણ ઉપરના લગભગ ચાળીસ હિંદીઓ

- હિંદુ, મુસલમાન, પારસી, શીખો - ભાગ લે છે એટલું જ નહીં પણ થોડા અંગ્રેજો પણ આવે છે અને હમણાં ત્રણચાર દિવસ થયા એક નવી પ્રથા શરૂ

થઈ છે જેથી ઘણા અંગ્રેજો ખેંચાવાનો સંભવ છે.એ પ્રથા એ કે પ્રાર્થના પછી એક સવાલ સૂચવવામાં આવે અને તેનો જવાબ ગાંધીજી બીજે દિવસે આપે.

પ્રથમ દિવસે લખનૌના એક મુસલમાન વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રાર્થનાનો તમારો અંગત અનુભવ શો છે - પ્રાર્થનાની તત્ત્વચર્ચા મારે નથી જોઈતી પણ જાતિઅનુભવ કહો તો અમને લાભ થશે. ગાંધીજીને આ બહુ ગમ્યું અને બે દિવસ સુધી આ જ પ્રશ્નની ચર્ચા ચાલી તે નીચે ઉતારું છું :

“પ્રાર્થનાએ તો મારી જિંદગી બચાવી છે. પ્રાર્થના વિના હું કે દિવસનો ગાંડો જ થઈ ગયો હોત. મારી આત્મકથામાંથી તમે જોશો કે મને કડવામાં કડવા જાહેર અનુભવ તેમ જ અંગત અનુભવો ઠીક ઠીક પ્રમાણમાં થયા છે. એ અનુભવો થોડી વાર તો મને નિરાશામાં નાખી દેતા, તેમાથી હું તર્યો તો તે એકમાત્ર પ્રાર્થનાને લીધે જ.” હવે હું તમને જણાવું કે સત્ય જે અર્થમાં મારા હાડમાંસનું તત્ત્વ છે તે જ અર્થમાં પ્રાર્થના નથી. એ તો આત્યંતિક આવશ્યકતામાંથી મને લાધી છે. હું એવી હાલતમાં આવી પડતો કે પ્રાર્થના વિના મને સુખ જ ન વળે. અને ઈશ્વરમાં મારી શ્રદ્ધા વધતી ગઈ

તેમ તેમ પ્રાર્થનાની મારી ભૂખ પણ વધતી ગઈ. તેના વિનાનું જીવતર શુષ્ક અને શૂન્ય લાગવા માંડ્યું. મેં દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તીઓની પ્રાર્થનામાં ભાગ

લીધો છે, પણ તે મને પકડમાં લઈ શકી નથી. તેઓની સાથે હું પ્રાર્થના ભળી ન શક્યો. તેઓ ઈશ્વર પાસે યાચના કરતા હતા, મારાથી યાચના થઈ શકતી નહોતી. હું તદ્દન નિષ્ફળ ગયો. મારા જીવનનો આરંભ ઈશ્વર અને પ્રાર્થના વિશે નાસ્તિકતાથી થયો. મારી ઉમ્મરના ઘણાં વર્ષ પસાર થઈ ગયાં ત્યાં સુધી

મને પ્રાર્થના વિના જિંદગીમાં સૂનાપણું લાગ્યું નહીં. પણ પછી મોટી ઉંમર મને ભાન આવ્યું કે શરીર માટે અન્ન અનિવાર્ય છે તેટલી જ આત્માને માટે પ્રાર્થના અનિવાર્ય છે. શરીરના આરોગ્ય ખાતર કોઈ પણ વખતે અન્નની લાંઘણ જરૂરની થઈ પડે છે, પણ પ્રાર્થના લાંઘણ જેવી તો વસ્તુ જ નથી. પ્રાર્થનાનો કદી ભરાવો થતો નથી. મહાન જગદ્‌ગુરુઓમાંથી ત્રણ - બુદ્ધ, જિસસ અને

મહમદ અદૂષણીય એવી સાક્ષી મૂકતા ગયા છે કે તેઓને પ્રાર્થના દ્વારા આત્મદર્શન થયું, પ્રાર્થના વિના તેઓ જીવી જ શક્યા ન હોત. પણ આપણે આપણી કોટિની જ વાત લઈએ. કરોડો હિંદુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ આજે જિંદગીની અંદર કેવળ પ્રાર્થનાથી જ સમાધાન મેળવે છે. તમે તેમને અસ્તયવાદી કહીને અગર તો આત્મવંચક કહીને ઉડાવી શકો છો. ભલે,તો પછી હું કહીશ જો એ અસત્ય મારી જિંદગીનો મેરુદંડ બની મને ચકાવે છે, જો એના વિના મને ક્ષણ માટે પણ જીવનનો ભાર અસહ્ય છે, તો મને સત્યશોધકને આ અસત્ય પ્રિય છે. રાજદ્વારી ક્ષિતિજમાં આજે મારી સામે નિરાશાનો ઘનઘોર અંધકાર હોવા છતાં, હું કદી શાન્તિ ખોઈ બેઠો નથી.

ઘણા લોકોને તો મારી શાન્તિની ઈર્ષા આવે છે. એ શાન્તિ પ્રાર્થનામાંથી જન્મી છે એ તમે જાણી લેજો. હું વિદ્વાન નથી પણ ભક્ત હોવાનો દાવો નમ્રપણે કરું છું. પ્રાર્થનાનું રૂપ કેવું હોય એ સંબંધમાં હું ઉદાસીન છું. એ સંબંધમાં તો જેને જે રુચે તે તેનો કાયદો. પરંતુ કેટલાક સ્પષ્ટ ચીલાઓ છે, અને પ્રાચીન ઢષિઓએ પાડેલા ચીવા પર જવું એ સલામત છે.

બસ, મેં મારો સ્વાનુભવનો પુરાવો આપ્યો છે. દરેક જણ પ્રયોગ કરીને જુએ કે પ્રાર્થનાના નિત્ય નિયમથી તેના જીવનમાં કંઈક નવીન અને જેને બીજી કોઈ વસ્તુ સાથે સરખાવવું શક્ય નથી”

પણ ગાંધીજી, બીજી સાંજની પ્રાર્થનામાં બીજા એક જુવાને પ્રશ્ન કર્યો

ઃ “આપ ઈશ્વર વિશે મૂળથી જ આસ્તિકતાથી શરૂ કરો છો, જ્યારે અમે નાસ્તિકતાથી શરૂ કરીએ છીએ. ત્યારે અમારાથી પ્રાર્થના કેમ થાય ?”

ગાંધીજીએ કહ્યું :

“ઈશ્વરને વિશે તમારામાં આસ્તિકતા પેદા કરવી એ મારી શક્તિ બહારની વાત છે. કેટલીક વસ્તુઓ સ્વયંસિદ્ધ હોય છે અને કેટલીક એવી હોય

છે જે સાબિત થઈ જ ન શકે. ઈશ્વરનું અસ્તિત્વ એ ભૂમિતિના સ્વયંસિદ્ધ

સત્ય જેવું છે. આપણા હૃદયથી તે ગ્રહણ ન થઈ શકે એમ પણ બને.

બુદ્ધિગ્રાહ્યતાની તો હું વાત જ નહીં કરીશ. બુદ્ધિના પ્રયત્નો ઓછેવત્તે અંશે નિષ્ફળ ગયેલા છે. બુદ્ધિગમ્ય દલીલથી ઈશ્વરને વિશે શ્રદ્ધા ઊપજી શકતી નથી. કારણ એ બુદ્ધિથી ગ્રહણ ન થઈ શકે એવી વસ્તુ છે. બુદ્ધિથી પર એ વિષય છે. એવી સંખ્યાંબંધ ઘટનાઓ છે જે ઉપરથી ઈશ્વરના અસ્તિત્વની દલીલો આપી શકાય પણ એ જાતની બુદ્ધિગમ્ય દલીલોમાં ઊતરીને હું તમારી બુદ્ધિનું અપમાન નહીં કરું. હું તો તમને એવી સલાહ આપું છું કે એ બધી દલીલો વેગળી મૂકો અને ઈશ્વરને વિશે સાદી સીધી બાલોચિત શ્રદ્ધા રાખો.

જો હું છું તો ઈશ્વર છે, કરોડો લોકોની માફક તે મારા જીવનની જરૂરિયાત છે. કરોટો એને વિશે વ્યાખ્યાન નહીં આપી શકે, પણ તેમના જીવનમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર વિશેની આસ્તિકતા તેમના જીવનનું અંગ છે. એ આસ્તિકતા મોળી પડી ગઈ છે તેને સજીવન કરવાનું હું તમને કહું છું. તેમ કરવા માટે આપણી બુદ્ધિને આંજી નાખનારું અને આપણને ચંચળ

બનાવી દેનારું ઘણું સાહિત્ય ભણેલું આપણે ભૂલી જવું પડશે. એવી શ્રદ્ધાથી શરૂ કરો - તેમાં નમ્રતા રહેલી છે અને આપણે અણુથીયે નાના છીએ. એમ

હું એટલા માટે કહું છું કે અણુ તો કુદરતના કાનૂનને આધીન છે, જ્યારે આપણે આપણા અજ્ઞાનના મદમાં કુદરતના કાનૂનનો ઈન્કાર કરીએ છીએ.

પણ જેનામાં શ્રદ્ધા નથી તેને સમજાવી શકે એવી દલીલ મારી પાસે છે જ નહીં.

એક વાર ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારો એટલે પ્રાર્થનાની આવશ્યકતા સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. અમારું તો આખું જીવન પ્રાર્થનામય છે એવો

મોટો દાવો કરીને અમુક સમયે પ્રાર્થના કરવા બેસવાની અમારે જરૂર નથી એવી દલીલ આપણે ન કરીએ. જે માણસોનો સઘળો સમય અનંતતા સાથે એકતારમાં ગયો છે તેઓએ પણ આવો દાવો નથી કર્યો. તેમનાં જીવન સતત

પ્રાર્થનામય હતાં, છતાં આપણા જેવાની ખાતર તેઓ અમુક નક્કી કરેલે સમયે

પ્રાર્થના કરતા અને દરરોજ ઈશ્વર પ્રત્યેની પોતાની વફાદારીની પ્રતિજ્ઞા લેતા.

ઈશ્વરને આવી કશી પ્રતિજ્ઞા નથી જોઈતી પણ આપણે તો રોજ પ્રતિજ્ઞા લેવી જોઈએ અને હું તમને ખાતરી આપું છું કે એ માણસ જીવનમાં બધાં દુઃખોથી મુક્ત થશે.