(13)
૬૨. શ્રદ્ધાની કસોટી
(‘તે પવિત્ર જગ્યાએથી’ માંના થોડા અંશો)
આશ્રમનો વાવટો જે અગાશીએથી ઊડે છે તે અગાશીએથી જેલની દિવાલો અને સ્મશાનમાં બળતી ચિંતાઓના ભડકા બંને દેખાય છે. આ બંને વસ્તુઓનું નિત્ય દર્શન થતાં છતાં રખેને કોઈ ભૂલી જાય, ખાસ કરીને જ્યારે થોડા જ દિવસમાં મોટી લડત ઉપાડવાની છે ત્યારે મૃત્યુની આપણે કેટલા સમીપ રહીએ છીએ તેનું પૂરું ભાન રહે એટલા ખાતર જાણે શીતળામાતાએ વિકરાળ દર્શન દીધાં. એમ તો માણસ સ્મશાન ઘણી વાર જુએ છે. આશ્રમના માણસો રોજ જુએ છે. અનેક વ્યાધિઓથી પીડાઈને લાખો માણસો દેશમાં મરે છે એ આપણે જાણીએ છીએ, છતાં માણસ સ્વભાવે એટલો ટૂંકી દૃષ્ટિનો છે કે જ્યાં સુધી પોતાને અમુક વસ્તુનો અંગત અનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચિંત રહે છે; એ નિશ્ચિંતતા ઉડાડવાને માટે જાણે શીતળામાતા આશ્રમમાં આવ્યાં, અને અપાર માવજત છતાં ત્રણ કુમળાં બાળકોના ભાગ લીધા. એક બાળક તો માવજત લેવા જેટલો પણ જીવ્યો નહીં. આ ઘટનામાં અનેક જણની અનેક પ્રકારની કસોટી હતી. દરરોજ ગીતાનો પાઠ કરતા, અને જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે એમ કાને સાંભળતા અને જીભે બોલતા આશ્રમવાસીઓને મૃત્યુએ થોડા જ દિવસમાં ત્રણ વાર પ્રત્યક્ષ દર્શન દીધું; વહાલામાં વહાલાં તેજસ્વી બાળકોને ઝડપીને દર્શન દીધું. એ એમના ગીતાપાઠની કસોટી હતી. ત્રણે બાળકોનાં માબાપ એ કસોટીમાંથી સંપૂર્ણપણે પાર ઊતર્યા એમ યમરાજા પણ તેમનું પ્રમાણપત્ર મળી શકતું હોય તો આપે. કશી રોકકળાટ નહોતી એમ કહેવાની તો જરૂર જ ન હોય, પણ એ બાળકોને વળાવનારા વળાવી આવ્યા, બાકીના પોતપોતાનાં કામે રહ્યા, બાળકોનાં માબાપોનાં નિત્યકર્મમાંયે કશો જ ફેર ન પડ્યો.
પણ આતો ગીતાપાઠ કરનારા આશ્રમવાસીઓની કસોટીની વાત થઈ. એમને ગીતાપાઠની લગની લગાડનાર ગાંધીજીની એથીયે વધારે આકરી કસોટી રહી હતી. બળિયા ન ટંકાવવાનો સિદ્ધાંત ગાંધીજીનો અનેક વર્ષોનો છે, અનેક વાર એને વિશે લખી ચૂકેલા છે, અનેક બાળકોને શીતળા આવેલા તેનો દૃઢતાથી ઉપચાર કરી તેમને સાજાં પણ એમણે કરેલાં. પણ જ્યાં ટપાટપ ત્રણ કુમળાં બાળક ઊડી જાય ત્યાં કોનું મન ન ડગે ? આશ્રમનાં બાળકોને ગાંધીજીએ તો તેમનાં જન્મદાતા માતાપિતા કરતાં વધારે વહાલાં કરેલાં છે એમ કહું તો ચાલે, છતાં જગતની દૃષ્ટિએ તેમને સહેજે મનમાં એમ થઈ શકે
‘આ બાળકોને બળિયા ન ટંકાવવામાં, એના ચેપથી સુરક્ષિત રહેવાને માટે આશ્રમવાસીઓને રસી મૂકવાની સલાહ ન આપવામાં, હું વધારે પડતી ધૃષ્ટતા તો નથી કરી રહ્યો ?’ મુંબઈ-અમદાવાદમાં હજારો લોકોએ રસી મુકાવી, અને ટીકાકારો નહીં પણ મિત્રો રોજ વાત કરતા હતા : ‘જેને રસી મુકાવવી હોય તેને આપ ના પાડતા નથી એ હું જાણું છું, છતાં હવે તો રસી મુકાવવાનો આપ સૌને આગ્રહ કરો એમ ઈચ્છું છું.’ આ વજનની કિંમત ગાંધીજીની પાસે કંઈ નાનીસૂની નહોતી, સિદ્ધાંતનો બાધ ન આવતો હોય તો અનિચ્છાએ પણ એ સ્વજનની સલાહનો અમલ કરે, પણ આ વેળા ? સ્વજનનો કાગળ ઘણાને વંચાવ્યો, પ્રાર્થનામાં વાંચી સંભળાવ્યો, પણ સાથે જ પોતાનાં અતરાત્માનાં વચન સૌને સંભળાવ્યાં : ‘એ રસી લેવી એ ગંદી ક્રિયા છે, એમાં અતિશય નુકસાન રહેલું છે, અને એને તો હું ગોમાંસ ખાવા બરાબર માનું છું. પણ મારાં જ બાળકો જ્યારે ટપોટપ ઊડી જવા માંડ્યા છે એટલે મારે મારો સિદ્ધાંત ફેરવવો અને જાહેર કરવું કે ના, રસી લેવામાં વાંધો નથી, તો મારા સત્યની શી કિંમત, મારી ઈશ્વરશ્રદ્ધાનો શો અર્થ ? આખો આશ્રમ સાફ થઈ જાય તોફણ એ શ્રદ્ધામાં તાત્ત્વિક ભૂલ ન લાગે ત્યાં સુધી એને વળગી રહેવું એ મારો ધર્મ રહ્યો. પોતાનાં બાળકો ગુમાવવાં કોને ગમે ? એટલે જે માબાપોને રસીમાં સુરક્ષિતતા લાગતી હોય તે હજી મુકાવે, જેની ઈચ્છા હોય તેની સામે વાંધો તો ન જ લઉં પણ સગવડ કરી આપું, પણ મારી શ્રદ્ધા હું શી રીતે ફેરવી શકું ? મારાથી રસી લેવાનું ઉત્તેજન આપવાનું તો શી રીતે બની શકે ?
‘આ એક કસોટી. બીજી હૃદયબળની કસોટી હતી. આજ સુધી પાણીના અને માટીના ઉપચારો કરતાં અનેક સાથીઓના વ્યાધિ શાંત કરી શક્યો છું; પોતાના પુત્ર ઉપર પણ એ પ્રયોગ કર્યા છે, અને એકે પ્રસંગે એ ઉપચારોની નિષ્ફળતા વિશે શંકા સરખી નથી થઈ. આ વેળા આ ત્રણ બાળકોના પ્રસંગમાં મારા ઉપાય કામ ન આવ્યા. એમાં પણ ઈશ્વર મારી કસોટી ન કરતો હોય ? અમોઘ લાગતા ઉપાય પણ નિષ્ફળ થવાના છે એમ તો ન હોય ? પણ એમ મારાથી કેમ ડરી જવાય ? આખી જિંદગી પોતાના ઉપર, પોતાનાંના ઉપર અને બીજાઓ ઉપર પ્રયોગ કરવામાં ગઈ છે. જે વસ્તુને સત્ય માની છે તેનાથી પ્રયોગમાં ઘડીક વાર હાનિ દેખાતી હોય તોપણ કેમ ડરવું ? જગતના જે જે શાસ્ત્રીઓએ સત્યની શોધો કરી છે તેમણે તેમ કરતાં પોતાના પ્રાણ આપ્યા છે. આટલા મૃત્યુથી હું ડરી જાઉં તો હું પ્રાણ શી રીતે આપવાનો હતો ?’
એ જ મનોમંથનના ગર્ભમાં બીજું મંથન રહેલું હતું : ‘મૃત્યુ જન્મથી જરાય જુદું નથી, જીવન અને મૃત્યુ એ એક જસિક્કાની બે બાજુ છે એમ માનનારો હું રહ્યો, તે આમ ત્રણ મૃત્યુથી હું ડરું તો મારી માન્યતા શા કામની ? મારી ઈશ્વરશ્રદ્ધા શા કામની ? જે લડત માથા ઉપર ઝઝૂમી રહી છે તે લડતમાં તો ત્રણ નહીં, હજારો અને લાખોની આહુતિ કદાચ આપવી પડે, તેથી ડગીને હું લડત બંધ કરું તો મારી ઈશ્વરશ્રદ્ધાનો કશો અર્થ ન રહે. એમ કે ન માનું કે મૃત્યુનાં આમ થોડા જ દિવસોમાં અનેકવાર દર્શન કરાવીને ભગવાન મારું હૃદય વધારે કઠણ અને મજબૂત કરવા ઈચ્છતો હોય, લડતને માટે વધારે તૈયાર કરતો હોય ?’
આમ મનની સાથે નિશ્ચય કરી જીવન અને મૃત્યુમાં કશો ભેદ નથી એ પોતાની શ્રદ્ધા બીજાઓમાં પૂરવાનાં તેમનાં મંથન તેમની સાથે ચોવીસ કલાક ગાળનારા જાણે છે, પ્રભુતામાં તેમનાં પ્રવચનોનો લાભ જે બહેનોને મળે છે તે બહેનો જાણે છે. રાત્રે ૧૨ વાગ્ જાગી જઈ એ જ ચિંતનમાં તેમણે આખી રાત જાગતાં ગાળી છે. એમાં બાળકોની હાનિનો શોક નહોતો,
માબાપના દિલમાં ઊંડે ઊંડે રહેલા દુઃખથી થતી વિહ્વળતા નહોતી, પણ દરેકને મૃત્યુનું સૌમ્ય સ્વરૂપ સમજાવવાની અધીરાઈ હતી. દુઃખને - મૃત્યુને -
આપણે મિત્ર કેમ ન માનીએ ? ‘મૃત્યુમાં શી ભડક રહી છે ? અનેક રોગ અને વ્યાધિમાંથી સાસ્વત જીવન આપનાર મૃત્યુ નથી ? સુખ જગતમાં કેટલું અલ્પ અને ક્ષણિક છે ? જગતનો ઈતિહાસ સુખમાંથી નથી ઉત્પન્ન થયો. દુઃખમાંથી ઉત્પન્ન થયો છે; બલ્કે ઈતિહાસમાત્ર દુઃખનો, મંથનનો, મનુષ્યના મોક્ષને
માટેના અથાગ મંથનનો છે. રામચંદ્રજી સીતાજીને લાવ્યા પછી હજારો વર્ષ સુખે રાજ કર્યું એ વસ્તુ એક વાક્યમાં કહેવાઈ જાય છે. કવિ પણ બેપાંચ
શ્લોકમાં એ વસ્તુ કહી દે છે, પણ રામચંદ્રજીનો વનવાસ, તેમની તપશ્ચર્યા, તેમનાં દુઃખો અને હૃદયમંથનોનું આખું રામાયણ બનેલું છે. એમ દુઃખ અને મૃત્યુની અમૂલ્યતા આપણે ક્યારે સમજતા થઈશું ?’
આ ગાંધીજીના ઉદ્ગારો નથી, પણ તેમના ઉદ્ગારોના મારા મન ઉપર રહેલા ભણકારા છે, તેમના મનમાં ચાલી રહેલી ભરતી-ઓટની મારા મનના કિનારા ઉપર રહી રહાલી આછાપાતળી નિશાની છે. સમજુ વાચક એમાંથી ઘણઉં કલ્પી લેશે, સમજી લેશે.
પણ કસોટી હજી બાકી રહી હચી. આજે એક બાળકને સ્વસ્થાને વળાવીને માત્ર કામમાં લાગી જવાનું જ નહોતું, પણ બીજા બાળકને પરણાવીને સાસરે વળાવવાનું હતું. ‘પરમાત્માએ એ બે ઘટનાઓમાં બે દિવસ આડા આણ્યા, પણ અહીં વિવાહની ક્રિયા ચાલી રહી હોય અને પણે કોઈનું મરણ થતું હોયે તોયે શું ? બંને ક્રિયા તટસ્થ ભાવે, નિષ્કામ ભાવે તે તે માણસો આટોપશે, એમાં કોઈ શંકા છે ?’ એમ તેમણે પોતાના મન સાથે દૃઢતાથી કહ્યું. મરણ બાદ મૃત્યુનો ગંભીર મર્મ સમજાવીને અને વિવાહ બાદ વિવાહમાં રહેલો ગંભીર સંયમ સમજાવીને, તેમણે બંને ક્રિયા નિષ્કામ ભાવે આટોપી. જે પિતાએ પોતાના બાળકને બે દિવસ ઉપર જ ગુમાવ્યો હતો તેમણે ગાંધીજીના જ જેટલી તટસ્થતાથી આ વિવાદની ક્રિયામાં પુરોહિતનું કામ કર્યું. આથી વધારે ઉદાત્ત દૃશ્ય કયું હોય ?
૬૩. સાચી શ્રદ્ધા
(મછલીપટ્ટમ્માં ગાંધીજીએ આપેલા ભાષણના સંક્ષિપ્તમાંથી. - ‘આંધ્ર દેશમાં’ માંથી)
અણીને વખતે તમારી શ્રદ્ધા ઊણી ન ઊતરે તે જોજો. અનુકૂળ વાતાવરણમાં જ પાંગરે એ શ્રદ્ધાની કશી કિંમત નથી. કપરામાં કપરી કસોટીમાંથી પાર ઊતરે તે શ્રદ્ધાની જ કિંમત છે. આખી દુનિયાની નિંદા સામે તમારી શ્રદ્ધા ટકી ન શકે તો તમારી શ્રદ્ધા માત્ર દંભ છે.
૬૪. પાપનો પ્રશ્ન
(‘સ્વામી યોગાનંદે ગાંધીજીને પૂછ્યું, “આ દુનિ.યામાં પાપ શા માટે છે ?” ગાંધીજીનો જવાબ અને તેમનો વાર્તાલાપ. - ‘સાપ્તાહિક પત્ર’ માંથી નીચે આપ્યો છે.)
ગાંધીજીએ કહ્યું, ‘જગતમાં પાપ કેમ છે એ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે. હું તો ગામડિયાનો જવાબ આપી શકું. જગતમાં જેમ પ્રકાશ છે ત્યાં અંધકાર પણ છે, તેમ જ્યાં પુણ્ય છે, સત્ છે ત્યાં પાપ-અસત્ હોવું જ જોઇએ. પણ સત્-અસત્, પાપ-પુણ્ય એ તો આપણી મનુષ્યની દૃષ્ટીએ છે. ઇશ્વરની આગળ તો પાપ ને પુણ્ય કશું નથી; ઇશ્વર એ બંનેથી પર છે. આપણે ગરીબ ગ્રામવાસીઓ એની લીલાનું માનતી વાણીમાં વર્ણન કરીએ છીએ, પણ આપણી ભાષા તે ઇશ્વરની ભાષા નથી.’ ‘વેદાંત કહે છે કે જગત માયારૂપ છે. એ ખુલાસો પણ અપૂર્ણ મનુષ્યની તોતડી વાણીનો છે. તેથી હું કહું છું કે હું એ પંચાયતમાં પડવાનો જ નથી. ઇશ્વરના ધામના છેક અંદરના ભાગમાં દૃષ્ટિપાત કરવાની મને તક મળે તોયે હું એમાં ડોકિયું કરવાની પરવાન કરું. કેમ કે ત્યાં શું કરવું એની ખબર મને ન પડે. ઇશ્વર જે માણસ સત્કર્મ કરે છે તેનો નિરંતરનો સાથી છે એટલુંભાન આપણા આત્મવિકાસ માટે પૂરતું છે. એ પણ ગામડિયાનો ખુલાસો થયો.’
‘ઇશ્વર સર્વશક્તિમાન તો છે જ, તો એ આપણને પાપમાંથી મુકત કેમ કરી દેતો નથી ?’ સ્વામીએ પૂછ્યું.
‘હું આ પ્રશ્નની ચર્ચામાં પણ ન ઊતરું. ઇશ્વર અને આપણે સમોવડિયા નથી. સમોવડિયા એકબીજાને આવા પ્રશ્ન પૂછે, નાનામોટા ન પૂછે. ગ્રામવાસીઓ એમ નથી પૂછતા કે શહેરવાસીઓ અમુક વસ્તુઓ શા માટે કરું ? કેમ કે તેઓ જાણે છે કે જો એ વસ્તુઓ તેઓ કરવા બેસે તો એમના તો બાર જ વાગી જાય.’
સ્વામી : ‘આપના કહેવાનો અર્થ હું બરાબર સમજી શકું છું.
આપે બહુ સબળ દલીલ કરી છે. પણ ઇશ્વરને સમજનાર કોણ ?’
‘ઇશ્વર જો સર્વશક્તિમાન હોય તો તેનો સમજનાર તે પોતે જ હોવો જોઇએ.’
‘ઇશ્વર આપખુદ છે કે લોકશાહીમાં માનનાર છે ? આપનો શો ખ્યાલ છે ?’
‘હું આ વસ્તુઓનો બિલકુલ વિચાર જ કરતો નથી. મારે ઇશ્વરની સત્તામાં ભાગ પડાવવો નથી, એટલે આ પ્રશ્નો મારે વિચારવાના રહેતા નથી. હું તો મારી આગળ જે કર્તવ્ય હોય તે કરીને સંતોષ માનું છું.
જગત કેમ ને શા માટે ઉત્પન્ન થયું છે એની ચિંતા હું કરતો નથી.’
‘પણ ઇશ્વરે આપણને બુદ્ધિ નથી આપી ?’
‘આપી જ છે તો. પણ એ બુદ્ધિ આપણને એમ સમજવામાં
મદદ કરે છે કે જે વસ્તુનો તાગ આપણે ન કાઢી શકીએ તેમાં આપણે
માથું મારવું નહીં. મારી તો દૃઢ માન્યતા છે કે ખરા ગ્રામવાસીમાં અજબ વહેવારુ અક્કલ હોય છે ને તેથી તે આ વસ્તુઓની પંચાયતમાં કદી પડતો નથી.’
‘હવે હું એક જુદો સવાલ પૂછું. આપ એમ માનો છો કે માણસને સત્કર્મી થવાં કરતાં પાપી થવું સહેલું છે, અથવા કહો કે આરોહણ કરતાં પતન સહેલું છે ?’
‘આભાસે તો એવો થાય છે. પણ ખરી વાત એ છે કે પાપી થવા કરતાં સત્કર્મી થવું સહેલું છે. કવિઓએ કહ્યું છે ખરું કે નરકનો રસ્તો સહેલો છે, પણ હું એમ માનતો નથી. હું એમ પણ નથી માનતો કે દુનિયામાં સારા લોકો કરતાં પાપી લોકો વધારે છે. જો એમ હોયતો ઇશ્વર અહિંસા અને પ્રેમમય છે તેવો ન રહેતા પાપમૂર્તિ બની જાય.’
‘અહિંસાની આપ શી વ્યાખ્યા કરો છો ?’
‘જગતમાં કોઇ પણ જીવને મન વચન કર્મથી હાનિ ન કરવી એનું નામ અહિંસા.’
આ જવાબમાંથી અહિંસાની જે લાંબી ચર્ચા ચાલી તેમાં હું ઊતરતો નથી. અહિંસાના પ્રશ્નની ચર્ચા હરિજનબંધુ અને નવજીવનમાં અનેક વાર થઇ ચૂકેલી છે.
૬૫. પાપની નિંદા
(સરકારની બગદોઈ કરનાર અસહકારીઓ વિરુદ્ધ એક પત્રકારે ફરિયાદ કરીતેના જવાબમાં ગાંધીજીએ ‘બગદોઈ શું છે’ નામનો લેખ લખ્યો હતો. નીચેના ઉતારા તેમાંથી લીધા છે.)
જેઓ પોતાને અસહકારી કહેવડાવેછે તેઓ જેટલે અંશે ગાળો બોલવામાં રોકાય છે તેટલે દરજ્જે તેઓ અલબત્ત હિંસા કરે છે અને પોતાના અહિંસાવ્રતનો ભંગ કરે છે. પણ ગાળ એટલે શું એ પણ જરા તપાસી જોવું ઘટે છે. કોશમાં ગાળનો અર્થ અપશબ્દ, ગેરશુકન એવો આવે છે. અપશબ્દ એટલે ખોટો શબ્દ, શબ્દનો અવળો અગર ખોટો ઉપયોગ. એટલે કે જો ચોરને હું ચોર કહું અગર તો લફંગાને લફંગો કહું તો હુંએને અપશબ્દ કે ગાળ બોલું છું એમ ન જ કહેવાય. કોઢિયાને કોઇ
કોઢિયો કહે તેમાં તે પોતાનું અપમાન નથી સમજતો. એટલું જ કે માણસ જે વિશેષણ વાપરે તે તેણે ઇરાદાપૂર્વક વાપરેલું હોવું જોઇએ અને તે સાબિત કરી આપવાની તેની તૈયારી હોવી જોઇએ. આ દૃષ્ટીએ જોતાં દરેક દાખલામાં અને દરેક પ્રસંગે વપરાયેલાં વિશેષણો એ હમેશાં જ વાપરનારની હિંસાવૃત્તિ સૂચવનારાં હોય છે એવો નિયમ નથી. હું જાણુંછું કે એવાં વિશેષણો તદ્દન યોગ્ય અને સંપૂર્ણપણે લાગુ પડનારાં હોય તોપણ જેની સામે તે વપરાયાં હોય તેની સામે મારફાડ કરાવવા ખાતર જો તે વાપરવામાં આવ્યાં હોય તો તે હરકોઇ સ્થળે અગર પ્રસંગે હિંસાની નિશાની છે; પણ એ જ યથાર્થ વિશેષણો જ્યારે સામાને એવી નિર્ભર્ત્સના કરીને તેની ટેવમાંથી છોડવવાને ખાતર અગર તો શ્રોતાજનોને એવા
માણસની અંંગત તજવાનું કહેવા ખાતર વાપરવામાં આવ્યાં હોય ત્યારે તેમાં કશુંયે અજુગતું નથી. હિંદુ ધર્મગ્રંથો દુષ્ટોની એવી નિર્ભર્ત્સનાથી ભરપૂર છે. એવાઓની ઉપર તેમાં નિંદાના શબ્દોના વરસાદ વરસાવેલ
છે. તુલસીદાસજી દયાધર્મના મૂર્તિમંત અવતાર હતા. પણ તેમણે સુધ્ધાં રામના શત્રુઓને લગતાં જે વિશેષણોથી રામાયણ ભર્યું છે તે વિશેષણોની ભાગ્યે જ કોઇ વિશેષણ સરસાઇ કરી શકશે. એમણે ઘણાંખરાં નામ જ એવાં આપ્યાં છે કે જે પોતે જ એ દુષ્ટોના કોઇ ને કોઇ દુષ્ટ ગુણ સૂચવતાં હોય. અને ઇશું ખ્રિસ્તે પણ જેમને તેણે ‘કાળોતરા સાપ, પાંખડી અને ધોળી કબરોની ઓલાદ’ કહ્યા તેમની ઉપર ઇશ્વરી કોપ ઊતરવાનું શાપવચન ઉચ્ચારતાં આંચકો ખાધો શું ? બુદ્ધ ભગવાને પણ ધર્મને નામે નિર્દોષ બકરાંઓના ભોગ આપવા નીકળેલાઓને માટે વાપરેલાં વિશેષણો
મુલાયમ હતાં શું ? કુરાન શું, ઝંદ અવસ્તા શું, કોઇ ધર્મગ્રંથ એવાં વિશેષણોના ઉપયોગ વિનાનો નથી. એટલું જ કે આમાંના એકે સત્પુરુષનો એ વિશેષણો વાપરવામાં દુષ્ટ હેતું નહોતો. તેમને તો માત્ર તેમનીસામેની વ્યક્તિઓ અગર વસ્તુઓને યથાર્થરૂપે વર્ણવવી હતી અને તેને માટે તેમણે ભાષા પણ એટલી જ સચોટ પસંદ કરવી પડી કે આપણને સારા અને નરસા વચ્ચેનો ભેદ તત્કાળ સમજાય.
આટલું કહ્યા પછી લેખકના બાકીના અભિપ્રાય જોડે હું અલબત્ત
મળતો છું કે સરકાર અગર તેના અમલદારોને વર્ણવવામાં અત્યારે આપણે જેટલો સંયમ બતાવશું તેટલું આપણા લાભનું છે. અત્યારે આપણામાં જ એટલો વિકાર અને એટલી બદગોઇ ભરેલાં છે કે આપણે હરઘડી કડવી ભાષામાં ન જ ઊતરીએ. અને આ સરકારનો સૌથી સારામાં સારો ઉપયોગ તો આપણે એ કરીએ કે તેની હસ્તી જ સમૂળગી ભૂલી જઇએ અને એનો લેશ પણ સંબંધ આપણને પાડનારો છે એમ ગણી એની આભડછેટ માની આપણા જીવનમાંથી એને જેટલી બની શકે તેટલી ખસેડી મેલીએ.
૬૬. કુરીતિઓને તિરસ્કારો, માણસોને નહીં
(‘એક અંગ્રેજી સન્નારીના આશીર્વાદ’ (નોંધમાંથી)ના ફકરાઓમાંથી) એક અંગ્રેજ સન્નારીએ ગાંધીજીને અસહકારની લડતને પોતાના આશીર્વાદ આપતો પત્ર લખ્યો છે. તે વિશે ગાંધીજી લખે છે કે, “હું વાચકને આ પત્રમાં ભાગીદાર બનાવું છું એમાં સંકોચ નથી એમ નથી.
તટસ્થ રીતે લખાયો હોવા છતાં તે ખૂબ જ અંગત છે. મારામાં અહંકાર નથી એવી મને આશા છે. મારી નિર્બળતા હું પૂરેપૂરી સમજુંછું એવું મને
લાગે છે. પરંતુ ઇશ્વરમાં અને તેની શક્તિ તથા પ્રેમમાં મારી શ્રદ્ધા અવિચળ છે. હું તો કુંભારના હાથમાં માટી જેવો છું. એટલે ગાતીની ભાષામાં કહું તો આ બધી પ્રશંસા મેં તેને ચરણે ધરી છે. હું એટલું સ્વીકારું છું કે આ બધી પ્રશંસા મેં તેને ચરણે ધરી છે. હું એટલું સ્વીકારું છું કે આ જાતના આશીર્વાદ શક્તિદાયક નીવડે છે. પરંતુ આ પત્ર પ્રગટ કરવાનો મારો હેતું તો દરેક સાચા અસહકારીને, જે અહિંસાને માર્ગે તે
પ્રયાણ કરી રહ્યો છે તેમાં પ્રોત્સાહન આપવાનો અને ખોટા અસહકારીઓને તેમની ભૂલોમાંથી રોકવાનો છે. આ એક તદ્દન સાચી
લડત છે. તિરસ્કાર કરનારા માણસો એમાં હોવા છતાં એ તિરસ્કારની
લડત નથી. એ શુદ્ધ અને નિર્ભેળ પ્રેમ પર મંડાયેલી લડત છે. અંગ્રેજો
પ્રત્યે કે આ દષ્ટિહીન વહીવટદારો સાથે પોતાની દષ્ટિહીનતાને લીધે જોડાયેલા લોકો પ્રત્યે જો મને સહેજ પણ તિરસ્કાર થયો તો આ લડતમાંથી છૂટા થવાની મારામાં હિંમત છે. ઇશ્વરમાં અને તેની કરુણામાં એટલે કે તેના ન્યાયમાં જેને સહેજ પણ શ્રદ્ધા હોય તે મનુષ્યોનો તિરસ્કાર કરી શકતો નથી. છતાં સાથે તેણે મનુષ્યોની કુરીતિઓનો તિરસ્કાર તો કરવો જ જોઇએ. પરંતુ પોતાનામાં પાર વગરના દોષો રહેલા હોવાથી અને પોતે હમેશાં દયાનો ભૂખ્યો હોવાથી પોતાને દોષ દેખાય તેવાઓને તેણે ધિક્કારવા ન જોઇએ. એટલે આ લડતનો હેતુ અંગ્રેજો અને આખી દુનિયા સાથે મૈત્રી બાંધવાનો છે. ખોટી ખુશામત કરીને એ ન થઇ શકે, પણ હિન્દુસ્તાનમાંના અંગ્રેજોને સ્પષ્ટ રીતે એટલું કહીને જ થઇ શકે કે તેમના
માર્ગો હાનિકારક છે અને તેઓ તેને વળગી રહેશે ત્યાં સુધી તેમની સાથે અમે સહકાર કરવાના નથી. આ રીતના વિચારમાં આપણી ભૂલ થતી હશે તોપણ આપણે તેમનું કંઇ પણખરાબ ઇચ્છતા નથી અને તેમને હાથે સહન કરવા તૈયાર છીએ એટલે ઇશ્વર આપણને માફ કરશે. પરંતુ હું આ લખી રહ્યો છું એટલી જ ખાતરીથી જો આપણે સાચા હોઇશું તો આપણી યાતનાએ જેમ ‘એક અંગ્રેજ સન્નારી’ની આંખો ઉઘાડી નાખી તેમ તે તેમની આખો પણ ઉઘાડી નાખશે.”