(12)
૫૩. સત્યાગ્રહની શક્તિ
(‘હિંદુ-મુસલમાન સવાલ’માંથી ગાંધીજીના સંદેશાનો ઉતારો) સત્યાગ્રહીમાં પોતાની મેળે ચાલવાની શક્તિ હોતી જ નથી.
સત્યાગ્રહી જગતની લાગણી ઉશ્કેરીને જ ચાલી શકે છે. ઈશ્વરાન આશિર્વાદ હોય તો જ તે ચાલી શકે, ન હોય તો સત્યાગ્રહી લૂલો, પાંગળો અને આંધળો છે.
૧૯૨૧થી હું બે શબ્દો કહેતો આવ્યો છું : પાકીઝગી અને કુરબાની, આતેમશુદ્ધિ અને બલિદાન એ વગર સત્યાગ્રહનો જય ન થાય. કેમ કે તે વિના ઈશ્વર સાથે હોય જ નહીં.
જ્યાં જગત કુરબાની જુએ છે ત્યાં ઢળી જાય છે. કુરબાની જગતને વહાલી લાગે છે.
જગત કુરબાની સારા માટે છે કે નઠારા માટે એ જોતું નથી. પણ ઈશ્વર કંઈ આંધળો નથી. એ તો કુરબાનીની પણ પરીક્ષા કરે છે. કુરબાનીમાં મેલ કે સ્વાર્થ છે કે નહીં તેનો હિસાબ તેના ચોપડામાં રહે છે.
૫૪. તેના કાયદાનું પાલન કરીએ
(‘સાપ્તાહિક પત્ર’ માંથી)
મૌનવારને દિવસે ગાંધીજીનો હિંદુસ્તાનીમાં લખેલો સંદેશો વાંચવામાં આવ્યો, તેમાં આ વાત તેમણે વધારે ખુલાસાવાર કહી.
“આજે હું તમને કશું કહી શકું તેમ નથી. ગઈ કાલે મેં કહ્યું હતું તેમ, ગમે તે થાય, તોપણ આપણે માનતા હોઈએ કે, જે થાય છે તે ઈશ્વર જ કરે છે, તો આપણે ગભરાવાનું કશું કારણ ન હોય. શરત એઅચલી કે, આપમે જે કંઈ કરીએ, તે ઈશ્વરને સાક્ષી રાખીને કરીએ. જગતને ચલાવનારો તે જ છે. તેથી આપણી ફરજ છે કે, તેના કાયદાનું પાલન કરીએ ને પરિણામ વિશે બેફિકર રહીએ.”
૫૫. બધું ઈશ્વર પર છોડી દઈએ
૧
(‘આત્મનિરીક્ષણ’ માંથી)
(તા.૨-૫-’૪૬ને દિવસે સિમલા પહોંચ્યા તે જ દિવસે પ્રાર્થના બાદ ગાંધીજીએ કરેલું પ્રવચન નીચે આપ્યું છે.)
મને ખબર નહોતી કે, મારે સિમલા આવવું પડશે. પણ ઈશ્વર પર ભરોસો હોય તો તે જ્યાં મોકલે ત્યાં ચાલ્યા જવાની આપણી તૈયારી હોવી જોઈએ. કાલે શું થશે, એ કોણ કહી શકે ? મનની મનમાં જ રહી જાય એચલે બધુંઈશ્વર પર જ છોડી દઈએ તો જે થવાનું હશે તે થશે.
૨
(‘સાપ્તાહિક પત્ર’ માંથી -પ્યારેલાલ)
ભાગવતના શણગારરૂપ ગજેન્દ્ર અને ગ્રાહના રૂપકનું રહસ્ય તે સમજાવતા હાત. ગાંધીજીએ કહ્યું, ‘એ વાતનો બોધ એ છે કે, ઈશ્વર કસોટીના વેળાએ પોતાના ભક્તોને છેહ દેતો નથી. શરત એચલી કે, ઈશ્વર પર જીવંત શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોવાં જોઈએ, શ્રદ્ધાની કસોટી એ છે કે, આપણું કર્તવ્ય બજાવ્યા પછી ઈશ્વર જે કંઈ મોકલે, તે વધાવી લેવાને આપણે તત્પર હોવું જોઈએ. પછી તે હર્ષ હોય કે શોક, સુભાગ્ય હોય કે દુર્ભાગ્ય.
“દયામય વિધાતા ઘણું ખરું ભક્તને આપત્તિમાંથી ઉગારશે જ, પરંતુ આપત્તિ આવી જ પડે, તો પોતાના દુર્ભાગ્યનાં રોદણાં ન રડતાં સ્વસ્થ ચિર્રે અને જેવી હરિઈચ્છા, એમ કહીને આનંદથી તે રહેશે.”
૫૬. ઈશ્વરનું શરણ લઈએ
(તડીખેતના પ્રેમા વિદ્યાલયમાં ગાંધીજીએ આપેલા ભાષણના ઉતારાનું સંક્ષિપ્ત લખાણ. આ લખાણ પ્યારેલાલના લેખ ‘અલ્મોડાની મુસાફરી’માંથી લીધું છે.)
ગાંધીજી નો આ અઠવાડિયાનો પ્રવાસ તડીથેતના પ્રેમા વિદ્યાલયથી શરૂ થયો. તેઓ ત્યાં થોડા દિવસ રોકાયા. પ્રેમા વિદ્યાલય ૧૯૨૧માં એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે શરૂ થયું હતું અને એ તો હજી અસહકાર ચળવળનું નાનું બાળ છે... આ સંસ્થા પોતાના મકાનમાં જ ચાલે છે. હમણાં થોડા વખતથી તેણે બહુ બૂરા દિવસો જોયા છે છતાં પોતાને આ વાવાઝોડાંથી દૂર રાખ્યું છે. તા ૧૬મીએ સંસ્થાનો વાર્ષિક ઉત્સવ હતો અને ગાંધીજી તેના પ્રમુખ હતો. આ ઉત્સવે આજુબાજુનાં ગામડાંમાંથી પણ લોકોને આકર્ષ્યા હતા અને બહુ જ સુંદર રીતે પાર પાડ્યો હતો. આથી ગાંધીજીનું ભાષણ સામાન્ય હતું અને આ પ્રદેશ માટે તેમાં ટૂંકમાં સંદેશો હતો.
તમારા લોકોનાં દુઃખ અને દર્દનો કિસ્સો હું અહીં આવ્યો તે પહેલાં પણ સાંભળી ચૂક્યો છું. એનો મારી પાસે એક જ અકસીર ઉપાય છે, અને તે આત્મશુદ્ધિ ને કર્તવ્યપરાયણતી. આપણા બધા વ્યાધિનું મૂળ કારણ મનની સંકુચિતતા છે. આપણે કુટુંબને સારું મરવાનો ધર્મ સમજ્યા છીએ, પણ હવે એક ડગલું આગળ વધવાની જરૂર છે. આપણા કુટુંબના પ્રેમમાં આખું ગામ સમાઈ જવું જોઈએ; ગામમાં તાલુકો,તાલુકામાં જિલ્લો અને જિલ્લામાં પ્રાંત, તે એટલે સુધી કે છેવટે આખો દેશ આપણને કુટુંબવત્ થઈ જાય. તે આત્મવિશ્વાસ આપણે પાછો મેળવવો રહ્યો છે. આપણે કોઈથી ન ડરીએ. ઈશ્વરનું શરણ લઈએ.
ઈશ્વરથી મહાવ બીજી કોઈ શક્તિ નથી. જેને હૃદયમાં ઈશ્વરનો ડર હોય તેને બીજા કોઈનો ડર હોય જ નહીં.
૫૭. ઈશ્વર વિશ્ શ્રદ્ધા કદી ન ખોશો
(ત્રિચૂરની શાળા ના વિદ્યાર્થીઓને આપેલા ંધાર્મિક પ્રવચનોનો ઉતારો
‘સાપ્તાહિક પત્ર’ માંથી)
ધાર્મિક કેળવણી શાળામાં જોઈએ કે ન જોઈએ એ વિશે બે મત છે. હું તો માનું છું કે, જોઈએ. ધર્મ અને નીતિની કેળવણી એટલે બીજું કશું નહીં, પણચારિત્રસંગઠન ઈશ્વરશ્રદ્ધા વિના અશક્ય છે. એટલે બાળક-બાળાઓને હું કહું છું કે તમે કદી ઈશ્વર વિશે શ્રદ્ધા ન ખોશો એટલે આત્મશ્રદ્ધા ન ખોશો. અને યાદ રાખજો કે તમારામાં કોઈ પાપી વિચાર ઘર કરે તો પેલી શ્રદ્ધાનો તમારામાંથી
લોપ થયો છે. અસત્ય, અપ્રેમ, અહિંસા, વિષયીપણું - એ બધું આસક્તિના અભાવમાંથી ઉત્પન્ન થાય છે. જગતમાં આત્માનો આત્મા જેવો બીજો કોઈ શત્રુ નથી. ભગવદ્ગીતાના શ્લોકેશ્લોકમાં એ વાત લખેલી છે, બીજાં શાસ્ત્રો પણ એ જ વાત કહે છે. એટલે આ પાપી ટોળીની સાથે હંમેશાં હિંમતપૂર્વક આથડવાનું અને એને હૃદયમાં તસુમાત્ર સ્થાન ન દેવાનું તમારું કામ છે. જગતમાં કોઈ પણ કુકૃત્ય કુવિચાર વિના થવું અશક્ય છે, એટલે કુકૃત્યના મૂળ ઉપર કુહાડી મૂકો.
ઘણા વિદ્યાર્થીઓ મને કહે છે કે, ‘આ બધું સમજીએછીએ પણ અમારા હૃદયનું કેમ કરીએ ? કુવિચાર તો આવ્યે જ જાય છે.’ આમ કહીને તેઓ કુવિચારની સાથેનો સંગ્રામ જ છોડી દે છે, ભલા થાય તો કોઈ ગંદી ચોપડી મળે તેની ઓથે એવા વિચારને આશ્રય દેતા થાય છે......... ત્યારે મારે જણાવવું જોઈએ કે આમાં બે વાત તો છે : એક તો એ કે કુવિચાર તો આવ્યા જ કરવાના. અપૂર્ણ
મનુષ્ય આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી કુવિચાર આવ્યા વિના નહીં રહેવાના.
એટલે ઈશ્વરનું નામ લઈને એમની સાથે સંગ્રામ કર્યા કર્યે જ છૂટકો છે. પણ બીી વાત એ વિચારોને જાણ્યે અજાણ્યે ઉત્તેજન અને આશ્રય આપવાની છે. તમે આઠે પહેર ચોકી ન રાખશે તો એ વિચારો આખરે તમારી ઉપર સવારી કરશે, અને પછી તેની સામે લડવાની શક્તિ જ નહીં પણ વૃત્તિ પણ ચાલી જશે. એ શત્રુઓને આવતા કદાચ આપણે અટકાવી ન શકીએ, પણ એ આવ્યા પછી તેની સામે બાથ ભીડવી અને તેને વશ થવાને બદલે મરણને બેટવું એ શૂરાનું કામ છે.
૫૮. વીજળી કરતાંયે સૂક્ષ્મતર શક્તિ
(‘ભયાનક યોજના’ માંથી)
હિંદુસ્તાનના જુદા જુદા ધર્મોના આગેવાનો હરિજનોને લલચાવી ફોસલાવીને પોતામના ધર્મમાં લેવાની હરીફાઈ છોડી દે તો આ અબાગી દેશ સુખી થાય. મારી પાકી ખાતરી છે કે જેઓ આ હરીફાઈમાં પડ્યા છે તેઓ ધર્મની સેવા નથી કરતા. આ પ્રશ્નને રાજકારણ કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીને તેઓ ધર્મને હલકો પાડે છે; જ્યારે યોગ્ય વસ્તુ તો એ છે કે રાજકારણ કે બીજી દરેક વસ્તુની ધર્મની દૃષ્ટિએ આંકણી કરવી જોઈએ. ધર્મ એ આત્માનું વિજ્ઞાન છે, અધ્યાત્મશાસ્ત્ર છે. જગતની બીજી શક્તિઓ મોટી છે ખરી, પણ જો ઈશ્વર જેવી કંઈક વસ્તુ હોય તો આત્મશક્તિ એ સૌથી
પ્રબળ શક્તિ છે. શક્તિ જેટલી મોટી તેટલી તે વધારે સૂક્ષ્મ હોય છે એ હકીકત તો આપણે જાણીએ છીએ. અત્યાર સુધી સૂક્ષ્મ ભૌતિક શક્તિઓમાં
પ્રથમ પદ વીજળીનું છે અને છતાં વીજળીનાં અદ્ભૂત પરિણામો સિવાય
બીજી રીતે વિજળીને કોઈ જોઈ શક્યું નથી. વીજળી કરતાંયે સૂક્ષ્મતર એવી શક્તિ હોવાનો સંભવ છે એમ કહેવાની હામ વિજ્ઞાન કરે છે. પણ મનુષ્યે યોજેલું કોઈ પણ યંત્ર આત્માને વિશે કંઈ પણ ચોક્કસ જ્ઞાન મેળવી શક્યું નથી. એ આત્મશક્તિ પર સાચા ધર્મસુધારકોએ આજ સુધી આધાર રાખ્યો છે ને એમની આશા કદી એળે ગઈ નથી. હરિજનોના તેમ જ સૌના કલ્યાણમાં પણ આખરે એ જ શક્તિ કામ આવશે, અને ગમે તેવા બુદ્ધિશાળી માણસોની ગણતરીઓને ઊંધી વાળશે. હિંદુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનો રોગ નાબૂદ
કરવાનુંકર્તવ્ય જ સુધારકોએ માથે લીધું છે તેમણે પોતાના પ્રત્યેક કાર્યમાં બીજા કશા પર નહીં પણ એ આત્મશક્તિ પર જ બધો આધાર રાખવાનો છે.
૫૯. ઈશ્વરનું વચન
(ગાંધીજીએ સવારની પ્રાર્થનામાં આશ્રમવાસીઓને ગીતા ઉપર આપેલાં
પ્રવચનોનું સંક્ષિપ્ત. ‘ધ વીક’ નામના લેખમાંથી) સાયં પ્રાર્થનામાં જ્યારે સમય હોય ત્યારે ગાંધીજી દિવસની કોઈ
ઘટના ઉપર વિવેચન કરે છે. અને પ્રાતઃ પ્રાર્થનામાં સામાન્ય રીતે ગીતાનો જે અધ્યાય તે પ્રાતઃકાળે બોલાય તેના ઉપર કંઈક કહે છે. આ કોઈ લાંબી ટીકા કે વિવેચન નથી હોતું. માત્ર તોડાંક સૂચન વચનો કે વાક્યો જેથી તે તે અધ્યાયના અભ્યાસ ઉપર પ્રકાશ પડે. દાખલા તરીકે : “૯મો અધ્યાય - આ અધ્યાય આપણા જેવા દરદીઓને માટે - અંતર્વ્યથાથી પીજાતા દરદીઓ માટે
- મલમપટ્ટીરૂપ છે. આપણે સૌ વિકારોથી ભરેલા છીએ, અને વિકાર
મટાડવાના કોલ - વચન ભગવાને પોતાને શરણ જનારને આપ્યો છે. આ અધ્યાયમાંથી એમ પણ ખબર પડે છે કે ગીતા લખાઈ ત્યારે વર્ણાશ્રમ ધર્મમાં ઊંચનીચના ભેદ પેસી ચૂક્યા હતા, અને એકબીજાને એકબીજાથી નીચા ગણવા
લાગ્યા હતા. બાકી, કોણ ઊંચો અને કોણ નીચો ? “સુદુરાચાર” કહ્યા તે કોઈ
બીજા નથી. આપણે જ છીએ. હૃદયનાં અનેક પાપો કરનારા - બહારથી ઊજળા થઈ ફરનારા - આપણે સૌ પાપી છીએ. અને તેમને માટે ભગવાને વચન આપેલું છે. જે સંપૂર્ણ નિર્વિકારી હોય તે બીજાને આંગળી કરીને બતાવે કે ફલાણો વિકારી છે. સૌ સરખા વિકારી છીએ, અને તે વિકારો મટાડવા
માટે આમાં ભગવદ્શરણની રામબાણ દવા બતાવી છે. એથી એમ ન સમજવું કે પ્રયત્ન વિના બધા વિકારો શરણથી ધોવાઈ જશે. જેને ઈન્દ્રિયો, ઈચ્છાવિરુદ્ધ વિષયો તરફ ખેંચી જાય છે તે, પ્રયત્ન કરતો અને આંસુ સારતો જ્યારે ભગવાન તરફ વળશે ત્યારે ભગવાન જરૂર ેને વિકારમુક્ત કરશે.
અગિયારમો અને બારમો અધ્યાય :
અગિયારમા માં ભગવાનનાં અનેકાનેક દર્શન કરાવીને એ ભક્તિને
માટે માણસને તૈયાર કર્યો છે; અને પછી બારમામાં ભક્તિનું રહસ્ય કહ્યું છે, સાચા ભક્તને વર્ણવ્યો છે. એ અધ્યાય તો એટલો નાનો છે કે કોઈ પણ જણ એને કંઠે કરી શકે.
ચૌદમો અને પંદરમો અધ્યાય :
ચૌદમામાં ત્રણ ગુણોનું વર્ણન છે. અને પંદરમામાં પુરુષોત્તમનું વર્ણન છે. ત્રીસ વર્ષ ઉપર હેન્રી ડ્રૂમંડનું પુસ્તક વાંચ્યું હતું. તેમાં જડ જગતના કાયદા અધ્યાત્મ જગતને પણ લાગુ પડે છે એ એણે અનેક દૃષ્ટાંતો આપીને સિદ્ધ કર્યું છે. એ આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાં સિદ્ધ થતું જણાય છે. ચૌદમામાં માણસનું નિયમન કરનારા ત્રણ નિયમો કહ્યા છે. નિયમો તો અનેક છે પણ એના સત્ત્વ, રજસ અને તમસના ત્રણ વિભાગો પાડ્યા છે. આમાંથી એક જ ગુણવાળા કોઈ જ માણસ ન નજરે પડે; સૌ થોડેઘણે અંશે ત્રણે ગુણોથી ભરેલા છે. ધીમે ધીમે ચડતાં ચડતાં આપણે સાત્ત્વિક થઈએ અને આખરે સત્ત્વને પણ તરીને પુરુષોત્તમને પામીએ.
પોતાના અવગુણને પહાડ જેવા ગણી વરાળ જેવા પાતળા થઈએ ત્યારે ખરી સાત્ત્વિકતા કેળવાય છે. પાણી અને વરાળનો દાખલો મને આ સ્થિતિ સમજાવવા માટે બંધબેસતો લાગે છે. પાણી જ્યારે બરફની દશામાં હોય છે ત્યારે એની ગતિ જમીન તરફ હોય છે, એ ધરતી ઉપર જ પડ્યું રહે છે; પણ વરાળ થવા માંડી કે એ ઉપર ચડવા માંડે છે. બરફ તરફી ઊંચેચડવાની જે શક્તિ એ ખોઈ બેસે છે તે શક્તિ એનામાં વરાળ થયે આવે છે, અને અંતે એ વાદળું બની વર્ષાના રૂપમાં જગતનું કલ્યાણ કરે છે. આમાં પ્રભુના વિરાટ સ્વરૂપનું આપણને દર્શન થાય છે. બરફનો પણ ઉપયોગ છે એ જુદી વાત છે; પાણી, સૂર્ય વિના વરાળ બની શકતું નથી એ વાત પણ આપણે હમણાં કોરે રાખીએ; તાત્પર્ય એ છે કે વાદળાં એ મોક્ષની દશી સૂચવે છે. વરાળ એ સાત્ત્વિક દશા સૂચવે છે, અને પાણી એ આપણી સ્થિતિ બતાવે છે.
૬૦. ઈશ્વરનો કરાર
(કૉંગ્રેસ હાઉસ, મુંબઈમાં આપેલા ભાષણનું તારતમ્ય. ‘સાપ્તાહિક પત્ર’
માંથી)
“તમને આશ્ચર્ય થશે કે જ્યારે ઈશ્વર છે કે નહીં એને વિશે જ ઘણા લોકો દુવિધામાં પડેલા છે ત્યારે મેં મુંબઈમાં જાહેર પ્રાર્થના કરવાનું શા સારુ કબૂલ કર્યું હશે ? બીજા કેટલાક કહા છે કે ‘ઈશ્વર જો અંતર્યામી હોય તો પ્રાર્થના શી ? તો કોણ કોની પ્રાર્થના કરે ? કોને બોલાવે ? આ બૌદ્ધિક પ્રશ્નોના ઉત્તર આપવાને હું અહીં આવ્યો નથી. હું તો એટલું જ કહી શકું કે હું બચપણથી પ્રાર્થના કરતો આવ્યો છું ને એ પ્રાર્થના જ મારે માટે આધારરૂપ થઈ પડેલી છે.
...છતાં શંકા અને નિરાશાથી દિગ્મૂઢ થઈ ગયેલા લોકો પણ છે.
એમને માટે પ્રભુનું નામનું સ્મરણ છે. ભગવાને કહ્યું જ છે કે નિર્બળ બની જાઓ ત્રે એનું નામ લેશો તો એ બળ બની જશે. સુરદાસે ગાયું છે કે ‘નિર્બલ કે બલ રામ.’ એ બળ ગાળ દેવાથી કે લાકડી ઉગામવાથી થોડું આવી શકે છે ? રામજીનું નામ એટલે ભગવાનનું નામ. એનાં હજારો નામ છે; રામજી, અલ્લાહ જે નામ તમને પ્રિય હોય તે નામથી રટણ કરો. જે ક્ષમે તમે બીજાં બધાં બળનો આધાર લેશો તે ક્ષણે તમને બળ મળશે, તમારી નિરાશા નીકળી જશે. એ ભજનમાં ગજરાજની વાત આપેલી છે. ગજરાજને મગરે ખેંચ્યો ને પાણી એટલે સુધી આવ્યું કે તે લગભગ ડૂબ્યો. એકલી સૂંઢની અણી જ પાણી બહાર રહી. તે વખતે તેણે રામજીનું નામ લીધું ને તે ઊગરી ગયો. એ રૂપક જ છે, છતાં એમાં જે રહસ્ય રહેલું છે તે સાચું છે. જીવનમાં અનેક વાર મેં એનો અનુભવ કરેલો છે. ઉપર આકાશ ને નીચે ધરતી લાગે તેવે વખથે મેં રામજીનું નામ લીધું છે. એનું નામ આપણામાં નિરાશા આવી ગઈ હોય તો તેને દૂર કરે છે ને નિરાશાને ભગાડે છે. આજે હિંદુસ્તાનમાં કાળું વાદળ આવેલું દેખાતું હોય તે પ્રાર્થના એને દૂર કરશે. જે પ્ર્થના કરશે તેને માટે નિરાશા આશા બની જશે.
આપણે પ્રાર્થના કરીએ કે આપણા હૃદયમાંથી કૂડકપટ છળ નીકળી જાય, તો હૃદયમાં નિરાશા કદી નહીં રહે. એ ભગવાનની પ્રતિજ્ઞા છે.
૬૧. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા, સત્યાગ્રહી માટે અનિવાર્ય ૧
(ગાંધી સેવા સંઘ, વૃંદાવન (ચેપારણ), બિહારના ૫મા સંમેલનમાં ગાંધીજીએ આપેલા ભાષણનું સંક્ષિપ્ત. ‘નવા પ્રયોગ’ માંથી) એટલે હું દરેક સત્યાગ્રહી પાસેથી એ આશા રાખું છું કે તેને ઈશ્વરમાં જીવેત શ્રદ્ધા હોવી જોઈએ. સત્યાગ્રહીની પાસે બીજું કંઈ બળ નથી. ઈશ્વરનું બળ ત્યારે જ આવે છે જ્યારે એનામાં અનંત શ્રદ્ધા હોય. ઈશ્વરમાં એવી શ્રદ્ધા ન હોય તો એ સત્યાગ્રહ કેવી રીતે કરી શકે ? જો તે કહે કે મને ઈશ્વરમાં એવી શ્રદ્ધા નથી તો તેણે સંઘમાંથી નીકળી જવું જોઈએ અને સત્યાગ્રહને ભૂલી જવો જોઈએ.
૨
(‘ગાંધી સેવા સંઘ-૪’ માંથી - મ.દે. )
સંમેલન આગળ કરેલા પ્રારંભિક પ્રવચનમાં ગાંધીજીએ કહેલું કે ઈશ્વર વિશેની આસ્તિકતા એ સત્યાગ્રહી માટેની એક અનિવાર્ય શરત છે. એટસે એક સભ્યે પૂછ્યું કે “સમાજવાદીઓ અને સામ્યવાદીઓ જે ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી તે સત્યાગ્રહી ન થઈ શકે ?”
ગાંધીજીએ નીચે મુજબ કહ્યું છ
“ના. કેમ કે સત્યાગ્રહીને તો ઈશ્વર સિવાય બીજો કશો આઘાર નથી; ને જેને બીજો કશો આધાર છે અથવા જે બીજા કશાનું શરણ ખોળે છે તે સત્યાગ્રહ ન કરી શકે. એ પૅસિવ રેઝિસ્ટર, અસહકારી વગેરે હોઈ શકે, પણ સાચો સત્યાગ્રહી ન હોઈ શકે. તમે એવી દલીલ કરી શકો છો કે એ રીતે વિચારતાં તો કેટલાયે શૂરા સાથીઓ સત્યાગ્રહની કોટિમાંથી નીકળી જાય, ને કેટલાક પોતાને આસ્તિક કહેવડાવનારા પણ નિત્યના વ્યવહારમાં એ
માન્યતાથી ઊલટી રીતે વર્તનાર સત્યાગ્રહીમાં ખપી જાય. જેઓ એક સિદ્ધાંત ઉચ્ચારે છે ને એથી ઊલટું આચરણ રાખે છે તેવાઓની વાત હું નથી કરતો.
હું તો એવાઓની વાત કરું છું જેઓ ઈશ્વરને નામે પોતાના સિદ્ધાંતને કારત સર્વસ્વ હોમવાને તૈયાર હોય. હું આ સિદ્ધાંત આજે કેમ રજૂ કરું છું ને વીસ વરસ પર મેં એ રજૂ કેમ ન કર્યો એવા પ્રશ્નો મને ન પૂછશો. હું એટલું જ કહી શકું કે હું ભવિષ્યવેત્તા નથી, હું તો ભૂલો કરનાર અલ્પ મનુષ્ય છું, અને ભૂલો કરતો સત્ય તરફ પ્રગતિ કરું છું. કોઈ પૂછે છે કે ‘ત્યારે બૌદ્ધો અને જૈનોનું શું ?’ હું કહું કે જો બૌદ્ધો અને જૈનો જાતે આ વાંધો ઊઠાવે, અને કહે કે ‘આવો નિયમ કડકપણે પળાય તો તો અમે સત્યાગ્રહી ને દળમાંથી બાતલ ગણાઈએ,’ તો હું એમને કહું કે ‘તમારી વાત બરોબર છે.’
“પણ હું એવું કહેવા ઈચ્છતો જ નથી કે જે ઈશ્વરને હું માનું છું તેને તમારે માનવો જોઈએ. સંભવ છે કે ઈશ્વરની તમારી વ્યાખ્યા મારી વ્યાખ્યાથી જુદી હોય, પણ તમારી એ ઈશ્વર વિશેના આસ્થા એ જ તમારો અંતિમ આધાર હોવો જોઈએ. એ કોઈક અલૌકિક પરમ શક્તિ કે જેની વ્યાખ્યા કે વર્ણન ન થઈ શકે એવું કંઈક ચેતન તત્ત્વ પણ હોય, પણ એને વિશે આસ્થા હોવી અનિવાર્ય છે. ઈશ્વર પાસેથી મળતા બળ વિના, રોષનો શબ્દ સરખો ઉચ્ચાર્યા વિના સર્વ પ્રકારની યાતનાઓ સહન કરવી એ માણસને માટે અશક્ય છે. આપણે નિર્બળ છીએ, ને ઈશ્વર એ જ આપણું નિર્બળનું બળ છે. જેઓ પોતાની સર્વ ચિંતાઓ ને સર્વ ભયો એ અપ્રમેય શક્તિ પર નાખી દે છે તેમને ઈશ્વર વિશે શ્રદ્ધા છે એમ કહેવાય.”