(11)
૪૭. ઈશ્વરાનુસંધાનનાં સાધનો
(ગાંધી સેવા સંઘના સંમેલનના ‘ઉપસંહારનું ભાષણ’માંના ટૂંકા સારમાંથી - મ.દે. )
પ્રકૃતિથી જ મારાથી કર્મ વિના રહેવાય નહીં. હું કર્મયોગી છું કે શું યોગી છું અની મને ખબર નથી, પણ કર્મ વિના હું ન જીવી શકું એ જાણું છું. અને મારે માળા હાથમાં રાખીને નથી મરવું. એટલે રેંટિયો હાથમાં રાખીને મરવા માગું છું. કોઈ રીતે ઈશ્વરનું ધ્યાન ધરવું છે તો એ જ દ્વારા શા માટે ન ધરવું ? ગીતામાં ભગવાનની ભાષા છે કે “જે ઈશ્વરનું ધ્યાન ધરે છે તેને હું બુદ્ધિયોગ આપું છું અને યોગક્ષેમ આપું છું.” મારી પાસે તો ઈશ્વરાનુંસંધાન સાધવાનાં અનેક સાધનો છે - રેંટિયો, હિંદુમુસલમાન ઐક્ય, અસ્પૃશ્યતાનિવારણ વગેરે - કારણ ભગવાન તો વિરાટ સ્વરૂપ છે, અને જ્યારે જે રીતે તેનું ધ્યાન ધરવું હોય ત્યારે તે રીતે ધરી લઉં છું.
૪૮. ઈશ્વરની સેવા
(‘સાપ્તાહિક પત્ર’માંથી)
બીજા એક સાધુ જે હરિજનોના આગેવાન છે તે એક દિવસ વિચિત્ર કોયડો લઈને આવ્યા : “આપણે ઈશ્વરને જાણતા નથી તો એની સેવા શી રીતે કરી શકીએ ?”
“આપણે ઈશ્વરને ન જાણતા હોઈએ, પણ એની સૃષ્ટિને તો જાણીએ છીએ. એની સૃષ્ટિની સેવા એ ઈશ્વરની સેવા છે.”
“પણ ઈશ્વરની આખી સૃષ્ટિની સેવા આપણે શી રીતે કરી શકીએ ?”
“ઈશ્વરની સૃષ્ટિનો જે ભાગ આપણી નજીકમાં નજીક હોય ને જેને આપણે સૌથી વધારે જાણતા હોઈએ તેની જ સેવા કરીએ. આપણે આપણા સાખપાડોશીથી શરૂઆત કરીએ. આપણે આપણું આંગણું સાફ કરીને જ સંતોષ ન માનવો જોઈએ, પણ આપણા પડોશીનું આંગણું સાફ થાય એની પણ ભાળ રાખવી જોઈએ. આપણે આપણા કુટુંબની સેવા કરીએ, પણ કુટુંબને ખાતર ગામને નુકસાન ન પહોંચવા દઈએ. આપણા ગામનું માન સચવાય તેમાં જ આપણું માન રહેલું છે. પણ આપણે દરેક જણે આપણી મર્યાદા સમજવી જોઈએ. જે જગતમાં આપણે રહીએ છીએ તેને વિશેના આપણા જ્ઞાનથી આપણી સેવાશક્તિની મર્યાદા આપોઆપ બંધાઈ જાય છે.
પણ આ વાત હું સાદામાં સાદી ભાષામાં મૂકું. આપણે આપણા સાખપડોશીના કરતાં આપણો પોતાનો વિચાર ઓછો કરીએ. આપણા આંગણાનો કચરો પડોશીના આંગણામાં ઠાલવવો એ માનવજાતિની સેવા નથી પણ અસેવા છે.
આપણા પડોશીઓની સેવાથી આપણે આરંભ કરવો જોઈએ.”
૪૯. શ્રદ્ધા અને અનુભવ
(‘પ્રશ્નોત્તરી’માંથી)
પ્ર. - ઈશ્વરનું અસ્તિત્વ બુદ્ધિથી સમજાતું નથી. એ તો શ્રદ્ધાથી સમજાય છે. પણ પુનર્જન્મ જેવી ઘટના સાચી હશે ? પાપપુણ્યનો ભેદ સમજી
માનવી કાર્ય કરતો રહી સાંત્વન લે, તે માટે હિન્દુ ધર્મે જ એની શોદ નથી કરીને ?
ઉ. - ઈશ્વરનું અસ્તિત્વ બુદ્ધિગમ્ય નથી એટલે બુદ્ધિ અમુક હદ લગી જ સમજી શકે. એ શ્રદ્ધાની વાત છે અને તેથી ઊપજતા અનુભવની.
અનુભવ કાં તો પૂર્વજોનો માનીએ અથવા આપણે પોતે લઈને જ તૃપ્ત થઈએ.
પણ જે શ્રદ્ધા અનુભવની ગરજ નથી રાખતી, તે ખરી શ્રદ્ધા છે. પાપપુણેયનો ભેદ, આ સાંત્વનને સારુ નથી, તેમ નથી ઈશ્વર ઉપરની શ્રદ્ધા તેને સારુ.
એ છે, પુનર્જન્મ પણ છે, એમ ઘણા જ્ઞાનીઓએ કહ્યું છે અને એ બધું અમુક હદ લગી બુદ્ધિને પણ સમાજય એવું છે, એમ હું માનું છું.
૫૦. અદ્વૈતવાદ અને ઈશ્વર
(એક મિત્રના સવાલના જવાબમાં ગાંધીજીએ લખ્યું :)
મને હું અદ્વૈતવાદી માનું છું ખરો, પણ દ્વૈતવાદનું સમર્થન કરી શકું છું. સૃષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસત્ય -
અસ્તિત્વરહિત - કહેવાઈ. પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહો, તે રૂપે છે. એમ પણ જોઈ શકીએ છીએ. તેથી તે સત્ય પણ છે. તેથી તેને સત્યાસત્ય કહો તો મને અડચણ નથી. એની મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તો બાધ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખું છું તે રીતે માનનારો છું, પંડિતો મનાવવા ઈચ્છે તેમ
કદાચ નહીં જ. તેઓ મને વાદમાં ઉતારે તો હું હારી જાઉં. મેં તો મારા અનુભવે જોયું છે કે મારી દૃષ્ટિએ હું હંમેશાં સાચો હોઉં છું અને મારા
પ્રામાણિક ટીકાકારોની દૃષ્ટિએ હું ઘણી વાર ભૂલેલો ગણાઉં છું. તે તે દૃષ્ટિએ અમે બંને સાચા હોઈએ છીએ એ હું જાણું છું. એ જાણવાથી કોઈને હું સહસા જૂઠો, કપટી વગેરે માની જ નથી શકતો. સાત આંધળાએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પોતપોતાની દૃષ્ટિએ સાચા હતા, એકબીજાની દૃષ્ટિએ ખોટા હતા ને જ્ઞાનીની દૃષ્ટિએ સાચાખોટા હતા. આ એકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની પરીક્ષા મુસલમાનની દૃષ્ટિએ, ખ્તિસ્તિની તેની દૃષ્ટિએ કરતાં શીખ્યો. મારા વિચારોને કોઈ ખોટા ગણે છે ત્યારે મને તેમના અજ્ઞાનના વિશે પૂર્વે રોષ ચડતો. હવે હું તેઓનું દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું કેમ કે હું જગતના પ્રેમનો ભૂખ્યો છું. અનેકાંતવાદનું મૂળ અહિંસાં અને સત્યનું યુગલ છે.
ઈશ્વરને હું જે રૂપે માનું છું તે રૂપે જ વર્ણવું છું. લોકોને ભાળવીને હું શાને મારું અધ-પતન કરું ? મારે તેઓની પાસેથી કયું ઈનામ લેવું હતું ? હં ઈશ્વરને કર્તાઅકર્તા માનું છું. એ પણ મારા સ્યાદ્વાદમાંથી ઉદ્ભવે છે. જૈનની પાટે બેસીને ઈશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરું ને રામાનુજની પાટે બેસીને તેનું કર્તાપણું સિદ્ધ કરું. આપણે બધા અચિંત્યનું ચિંતવન કરીએ છીએ. અવ્રણનીયનું વર્ણન કરીએ છીએ. અજ્ઞેયને જાણવા ઇચ્છીએ છીએ તેથી આપણી ભાષા તોતડી છે, અધૂરી છે ને કેટલીક વેળા વક્ર છે. તેથી જ બ્રહ્મને સારુ વેદે અલોકિક શબ્દયોજના કરી તે તેને ‘નેતિ’ વિશેષણથી ઓળખાવ્યો કે ઓળખાવ્યું. પણ જોકે તે ‘આ નથી’ છતાં તે છે. અસ્તિ, સત્, સત્ય, ૦, ૧, ૧૧... એમ કહેવાય. આપણે છીએ, આપણને પેદા કરનાર માતાપિતા છે, તેને પેદા કરનાર છે... તો પછી સર્વનો પેદા કરનાર માનવામાં પાપ નથી પણ પુણ્ય છે, એમ માનવું ધર્મ છે. એ ન હોય તો આપણે નથી. તેથી જ આપણે બધા એકે અવાજે તેને પરમાત્મા, ઈશ્વર, શિવ, રામ, અલ્લાહ, ખુદા, દાદા હોરમજ, જીહોવા, ગૉડ ઈત્યાદિ
અનેક અને અનંત નામે પોકારીએ છીએ. તે એક છે, બહુ છે; અણુથીયે નાનો, હિમાલયથી મોટો; સમુદ્રના એક બિંદુમાં સમાઈ જાય તે સાત સમુદ્રને મળીને પણ તેને ઝીલી ન શકે એવો ભારે છે. તેને જાણવા સારુ
બુદ્ધિવાદ શા કામનો ? તે તો બુદ્ધિથી અતીત છે. ઈશ્વરનું અસ્તિત્વ
માનવામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. મારી બુદ્ધિ અનેક તર્કવિતર્ક કરી શકે.
મોટા નાસ્તિકવાદીની સાથે વાદમાં હું હારી જાઉં, તોયે મારી શ્રદ્ધા બુદ્ધિથી એટલી બધી આગળ દોડે છે કે હું આખા જગતના વિરોધની સામે પણ કહં
ઃ “ઈશ્વર છે, છે ને છે જ.”
પણ જેને ઈશ્વરનો ઈન્કાર કરવો હોય તેને તેમ કરવાનોયે અધિકાર છે, કેમ કે તે તો દયાળુ છે, રહીમ છે. રહમાન છે. તે ઈ માટીનો બનેલો રાજા નથી કે તેને પોતાની આણ કબૂલ કરાવવા સિપાહી રાખવો પડે. તે તો આપણને સ્વતંત્રતા આપતો છતો માત્ર પોતાની દયાના બળથી આપણા પાસે નમન કરાવે છે. પણ આપણામાંના કોઈ નમન ન જ કરે તો કહે છે : “સુખે રહો, મારો સૂરજ તો તમારે સારુયે તપશે, મારો મેઘ
તમારે સારુય વરસશે. મારી સત્તા ચલાવવાને સારુ મારે તમારી ઉપર બળાત્કાર વાપરવાની જરૂરી જ નથી. એ ઈશ્વરને જે નાદાન હોય તે ભલે ન માને. હું તો કરોડો ડાહ્યામાંનો એક હોઈ તેને સહસ્ત્રવાર નમસ્કાર કરતો છતો થાકતો જ નથી.”
૫૧. જૈન અને વૈદિક નિરૂપણ વચ્ચે વિસંગતિ નથી (રાજકોટથી શ્રી પુરુષોત્તમ ગાંધીએ ત્રણ સવાલો પૂછ્યા હતા : (૧) જૈનદર્શનના નિરીશ્વરવાદ અને ગીતાના ઈશ્વરવાદ વચ્ચે શો ભેદ છે ?
(૨) ઈશ્વરમાં ન હોય તો કૃપા કરનાર કોણ ? ભક્તિ કરનારને ઈશ્વરકૃપા વિના બીજું કયું શ્રદ્ધાનું અવલંબન રહે ? માણસની
પ્રાર્થના તે માણસનૂ શુભેચ્છા કે એથી કાં વધારે ?
(૩) ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ વ્યાખ્યાનું રહસ્ય શું ? ગાંધીજીએ નીચે મુજબ જવાબ આપ્યો હતો :)
જૈન નિરૂપણ અને સમામ્નય વૈદિક નિરૂપણ વચ્ચે મેં વિરોધ નથી જોયો, પણ કેવળ દૃષ્ટિબિંદુનો જ ભેદ છે. વેદનો ઈશ્વર કર્તા-અકર્તા બંને છે.
જગત બધું ઈશ્વરમય છે તેથી ઈશ્વર કર્તા છે, પણ તે કર્તા નથી કેમ કે તે અલિપ્ત છે. તેને કર્મનું ફળ ભોગવવાપણું નથી. અને જે અર્થમાં આપણે કર્મ શબ્દ વાપરીએ છીએ તે અર્થમાં જગત એ ઈશ્વરનું કર્મ નથી. ગીતાના જે
શ્લોક તેં ટાંક્યા છે તે આ રીતે વિચારતાં બંધ બેસે એવા છે. આટલું યાદ
રાખવું : ગીતા એ એક કાવ્ય છે. ઈશ્વર નથી બોલતો કે નથી કાંઈ કરતો.
ઈશ્વરે અર્જુનને કાંઈ કહ્યું છે તેવું નથી. ઈશ્વર અને અર્જુન વચ્ચેનો સંવાદ
કાલ્પનિક છે. ઐતિહાસિક કૃષ્ણ અને ઐતિહાસિક અર્જુન વચ્ચે એવો સંવાદ
થયો હતો એવું હું તો માનતો નથી. ગીતાની શૈલીમાં કાંઈ પણ અસત્ય છે અથવા તો અજુગતું છે એમ પણ નથી. એવી રીતે ધર્મગ્રંથો લખવાનો રિવાજ હતો. અને આજે પણ કોઈ સંસ્કારી વ્યક્તિ લખે તો તેમાં કાંઈ દોષ ગણાય
નહીં. જૈન કેવળ ન્યાયની, કાવ્યરહિત એટલા માટે લૂખી, વાત કહી દીધી અને કહ્યું કે જગતકર્તા એવો કોઈ ઈશ્વર નથી. એમ કહેવામાં કંઈ દોષ નથી, પણ જનસમાજ લૂખા ન્યાયથી દોરાતો નથી. તેને કાવ્યની જરૂર પડે જ છે.
તેથી જૈનના બુદ્ધિવાદને પણ મંદિરોની, મૂર્તિઓની અને એવાં અનેક સાધનોની આવશ્યકતા જણાઈ. જોકે કેવળ ન્યાયની દૃષ્ટિએ એમાંનુ કાંઈ નહીં જોઈએ.
ખરું જોતાં પહેલા પ્રશ્નના જવાબમાં ગર્ભમાં તારા બીજા પ્રશ્નનો જવાબ આવી જાય છે. જેમ બીજો પ્રશ્ન પણ પહેલાના ગર્ભમાં જ રહેલો છે, એમ હું માનું છું. ‘કૃપા’ શબ્દ કાવ્યની ભાષા છે. ભક્તિ એ જ કાવ્ય છે.
પણ કાવ્ય કાંઈ અયોગ્ય અથવા ઊતરતી વસ્તુ અથવા તો અનાવશ્યક વસ્તુ છે એમ નથી. એ અત્યંત આવશ્યક વસ્તુ છે. પાણી એ બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્સિજનનું બનેલું છે એ ન્યાયની વાત થઈ. પણ પાણી એ ઈશ્વરદત્ત ભેટ છે એમ કહેવું એ કાવ્યની વાત થઈ. એ કાવ્ય સમજવું એ જીવનનું આવશ્યક અંગ છે. પાણીનો ન્યાય સમજવો એ આવશ્યક અંગ નથી.
તેમ જ જે કાંઈ થાય છે તે કર્મનું ફળ છે તેમ કહેવું તે અત્યંત ન્યાયયુક્ત છે.
પણ કર્મની ગતિ ગહન છે. આપણે દેહધારી એટલા બધા પામર છીએ કે એક સામાન્યમાં સામાન્ય પરિણામ માટે પણ જેયલાં કર્મો જવાબદાર હોય એ બધાંનું જ્ઞાન આપણે નથી પામી શકતા. તેથી ઈશ્વરની કૃપા વિના કશું નથી થતું એમ કહેવું એ બરોબર છે અને એ જ શુદ્ધ સત્ય છે. વળી અમુક દેહમાં રહેલો આત્મા એક ઘડામાં રહેલા વાયુની માફક કેદી છે અને ઘડામાંનો વાયુ જ્યાં સુધી પોતાને નોખો માને ત્યાં સુધી એ પોતાની શક્તિનો ઉપયોગ નથી કરી શકતો.તેમ શરીરમાંનો કેદ થયેલો આત્મા પોતે કંઈક કરે છે એમ માને તો સર્વશક્તિમાન પરમાત્માની શક્તિથી વંચિત રહે છે. તેથી પણ, એમ કહેવું કે જે કંઈ થાય છે તે ઈશ્વર જ કરે છે, એ જ વાસ્તવિક છે અને સત્યાગ્રહીને શોભે છે. સત્યનિષ્ઠ આત્માની ઈચ્છા પુણ્ય હોય અને તેથી એ ફળે જ છે. તે વિચારતાં જે પ્રારથનાના શ્લોક તેં ટાંક્યા છે એ પ્રાર્થના આપણી નિષ્ઠાના પ્રમાણમાં અવશ્ય આખા જગતને માટે પણ ફળે. જગત આપણાથી ભિન્ન નથી, આપણે જગતથી ભિન્ન નથી. સૌ એકબીજામાં ઓતપ્રોત પડેલાં છે, અને એકબીજાના કાર્યની અસર એકબીજા પર થયા કરે છે. અહીં વિચાર પણ કાર્ય છે એમ સમજી લેવું એટલે એક પણ વિચાર મિથ્યા જતો નથી. તેથી જ આપણે હંમેશાં સારા વિચારો કરવાની ટેવ પાડવી રહી.
ઈશ્વર નિરાકાર છે અને સત્ય પણ નિરાકાર છે એથી સત્ય એ ઈશ્વર એમ મેં નથી જોયું કે ઘટાવ્યું. પણ મેં એમ જોયું કે ઈશ્વરનું સંપૂર્ણ વિશેષણ તો સત્ય જ છે, બાકીનાં બધાં વિશેષણ અપૂર્ણ છે. ઈશ્વર શબ્દ પણ વિશેષણ છે, અને અનિર્વચનીય મહાન તત્ત્વને ઓળખાવનારું એક વિશેષણ છે. પણ ઈશ્વરનો ધાત્વર્થ લઈએ તો ઈશ્વર શબેદ રસ વિનાનો લાગે છે.
ઈશ્વરને રાજારૂપ ઓળખવાથી બુદ્ધિની તૃપ્તિ થતી નથી. રાજારૂપે એને ઓળખવાથી આપણામાં એક જાતનો ભય ભલે પેદા થાય અને તેથી પાપ કરતાં ડરીએ અને પુણ્ય કરવાનું પ્રોત્સાહન મળે. પણ એવું ભયવશ થયેલું પુણ્ય પણ લગભગ પુણ્ય મટી જાય છે. પુણ્ય કરીએ તો તે પુણ્યની ખાતર જ કરીએ, ઈનામને સારુ નહીં. આવા અનેક વિચારો કરતાં કરતાં એક દિવસ એમ લાગી આવ્યું કે ઈશ્વર સત્ય છે એમ કહેવું એ પણ અધૂરું વાક્ય છે. સત્ય એ જ ઈશ્વર છે, એ માણસની વાચા પહોંચી શકે ત્યાં લગીનું પૂર્ણ વાક્ય છે. સત્ય શબ્દનો ધાત્વર્થ વિચારતાં પણ એ જ પરિણામ આવે છે. સત્ય સત્માંથી નીકળેલો શબ્દ છે અને સત્ એટલે ત્રણે કાળે હોવું. ત્રણે કાળ જે હોઈ શકે તે તો સત્ય જ હોય અને તે સિવાય બીજું કાંઈ ન હોય.
પણ સત્યને જ ઈશ્વરરૂપે ઓળખતાં કાંઈ શ્રદ્ધા ઓછી થવી ન જોઈએ. મારી દૃષ્ટિએ તો ઊલટી વધવી જોઈએ. મને તો એ જ અનુભવ થયો છે. સત્યને પરમેશ્વર રૂપે ઓળખતાં અનેક પ્રપંચોમાંથી છૂટી જઈએ છીએ. ચમત્કારો જોવાની કે સાંભળવાની ઈચ્છા નથી રહેતી. ઈશ્વરદર્શનનો અર્થ સમજવામાં
મુશ્કેલી આવે, સત્યદર્શનનો અર્થ સમજવામાં મુશ્કેલી છે જ નહીં. સત્યદર્શન પોતે ભલે મુશ્કેલ હોય, મુશ્કેલ છે જ; પણ જેમ જેમ સત્યની નજદીક જતા જઈએ તેમ તેમ આપણે એ સત્યરૂપ ઈશ્વરની ઝાંખી કરતા જઈએ છીએ.
એટલે પૂર્ણ દર્શનના આશા વધે અને શ્રદ્ધા પણ વધે.
વિભાગ - ૩ :
શ્રદ્ધા અને ઉદ્દેશ
૫૨. દુર્બળોનો ઈશ્વર જેવો સાચો સહાયક કોઈ નથી ૧
(‘સાપ્તાહિક પત્ર’ માંથી)
દશ વર્ષ થયાં અહીં આવ્યો છું તે દરમિયાન હજારો હિંદી વિદ્યાર્થીઓના સંબંધમાં હું આવ્યો છું. વિદ્યાર્થીના દિલને હું જાણું છું.
વિદ્યાર્થીની કઠણાઈ હમેશાં મારી સામે પડી છે, પરંતુ હું વિદ્યાર્થીઓની દુર્બળતા પણ જાણું છું. મને તેમણે પોતાના હૃદયમાં પ્રવેશ કરવાનો અધિકાર આપ્યો છે, તેઓ જે વાતો માબાપને કહેવા તૈયાર નથી તે મને સંભળાવે છે.
એમને હું કેવી રીતે આશ્વાસન દઉં તે નથી જાણતો. હું તો કેવળ તેમનો મિત્ર બની શકું છું, તેમના દુઃખમાં હિસ્સો લેવાની ચેષ્ટા કરી શકું છું. અને મારા અનુભવમાંથી કાંઈક સહાય આપી શકું, જોકે જગતમાં મનુષ્યને ઈળ્વર જેવો સાચો સહાયક કોઈ નથી. અને ઈશ્વરમાં શ્રદ્ધા ઊડી જવાના જેવી - નાસ્તિક બનવાના જેવી - બીજી એકે સજા નથી. મને મોટામાં મોટું દુઃખ એ છે કે આપણા વિદ્યાર્થીઓમાં નાસ્તિકતા વધતી જાય છે. અને શ્રદ્ધા ઘટતી જાય છે.
હિંદુ વિદ્યાર્થીને મળું છું ત્યારે કહું છું કે તું દ્વાદશમંત્ર જપ તરી ચિત્તશુદ્ધિ થશે, તો તે કહે છે કે રામ કોણ, વિષ્ણુ કોણ, એની મને ખબર પડતી નથી.
મુસલમાન વિદ્યાર્થીને કહુ છું કે તું કુરાન પઢ, ખુદાથી ડર, તકબ્બુરી ન કર, તો તે કહે છે કે ખુદા ક્યાં છે તે હું જાણતો નથી, કુરાન સમજતો નથી.
આવાઓને હું સી રીતે સમજાવું કે તમારું પહેલું પગથિયું ચિત્તશુદ્ધિ છે ! જો આપણને જે વિદ્યા મળે છે તેથી ઈશ્વરથી વિમુખ થઈએ તો એ વિદ્યા આપણું શું ભલું કરનાવી હતી, જગતનું શું ભલું કરવાની હતી ?
૨
(ગાંધીજીએ રંગૂનમાં વિદ્યાર્થીઓને સંબોધેલા તેનો ઉતારો - મૂળ ‘વિદ્યાર્થીઓને’ માંથી)
હિંદભરના વિદ્યાર્થીઓ સાથેના પત્રવ્યવહાર પરથી હું જાણું છું કે ગાડાંભર પુસ્તકોમાંથી મેળવેલી માહિતી ભરેલા મગજવાળા એ લોકો કેવા ભંગાર બની જાય છે. કેટલાકનું ચસકી ગયું છે, કેટલાક ગાંડા બન્યા છે, કેટલાક નિરુપાય દૂષિતતાભર્યું જીવન ગુજારી રહ્યા છે. જ્યારે એ લોકો કહે છે, “અમે ગમે એટલો પ્રયત્ન કરીએ તોપણ અમે એવા ને એવા જ રહીએ છીએ, કારણ કે અમે દૈત્યનો સામનો કરી શકતા નથી.” ત્યારે મને એમની દયા આવે છે. દુઃખપૂર્ણ વાણીમાં એ પૂછે છે, “કહો, એ દૈત્યને કેવી રીતે કાઢવો ? અપવિત્રતાએ અમને જકડી લીધા છે.તેમાથી કેવી રીતે છુટાય ?”
જ્યારે હું એમને કહું કે રામનામ જપો, ઈશ્વરને પાયે પડો અને એનું શરણું શોધો ત્યારે એ આવીને મને કહે છે “અમને ખબર નથી ઈશ્વર ક્યાં છે !
પ્રાર્થના કરવી, એટલે શું કરવું એની અમને ખબર નથી.” આ અવદશાએ એ પહોંચ્યા છે. એટલે ચેતત રહેવાનું, અને જે કાંઈ સાહિત્ય હાથમાં આવે તે બધું જ નહીં વાંચવા; હું વિદ્યાર્થીઓને કહી રહ્યો છું. પવિત્ર કાર્યમાં હાર કબૂલ કરશો નહીં. અત્યારે જ તમે નિશ્ચય કરી લો કે તમે પવિત્ર બનશો જ, અને ઈશ્વરનો સહારો મળશે જ. પણ ઈશ્વર, અભિમાનીની અને એનીસાથે સાડું કરનારની પ્રાર્થનાનો જવાબ દેતો નથી. તમે “ગજેન્દ્ર મોક્ષ”ની કથા સાંભળી છે ? અહીં હાજર રહેલા બર્મી વિદ્યાર્થીઓ જેમણે એ અત્યુત્તમ કાવ્યો પૈકીનું એક, દુનિયાની દૈવી ચીજોમાંથી એક સાંભળી નથી, તેઓ એમના હિંદી મિત્રો પાસેથી એ જાણી લે. એકતામીલ ઉક્તિ મને હંમેશ યાદ રહી ગઈ છે. એનો અર્થ એ છે કે ઈશ્વર નિઃસહાટનો સહાયક છે. એ તમને મદદ કરે એવું જો તમે એની પાસે માગો તો તમે જેવા છો તેવા એની પાસે જાઓ, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના જાઓ, અને તમારા જેવા પતિતને એ કેવી રીતે મદદ કરશે એ વિષે ડર કે અંદેશો રાખ્યા વિના જાઓ. એની પાસે ગયેલા કરોડો લોકો ને જેણે મદદ કરી છે તે શું તમને તજશે ? એ, કોઈ પણ પ્રકારના અપવાદ કરતો નથી; અને તમે અનુભવી શકશો કે તમારી એકેએક પ્રાર્થનાનો જવાબ મળશે. ગમે તેવા અપવિત્રની પ્રાર્થનાનો પણ જવાબ મળશે. આ હું તમને જાતઅનુભવ પરથી કહું છું. હું એની તાવણીમાંથી પસાર થયો છું. પ્રથમ સ્વર્ગનું રાજ્ય મેળવો, અને બીજું બધું એની મેળે પાછળ પાછળ આવશે.