Hindu Dharmnu Hard - 4 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 4

(4)

(‘કોટ્ટાયમ’ના ભાષણમાંથી)

હમણાં મેં જે કેટલીક સ્ત્રીપુરુષોની વિરાટ સભાઓમાં ભાષણ આપ્યાં છે તેમાં હું જેને હિંદુ ધર્મનો અર્ક ગણું છું તે સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો છે, ને મેં તેમને નો એક અતિશય સીધો સાદો મંત્ર હિંદુ ધર્મના અર્કરૂપે બતાવ્યો છે. તમે જાણતા હશો કે જે ઉપનિષદો વેદસંહિતાના જેટલાં જ પવિત્ર મનાય છે તેમાંનું, એ એક છે.

ના પહેલા જ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : આ જગતની સર્વ વસ્તુઓના અણુએઅણુમાં ઈસ્વર વ્યાપી રહેલો છે. એ મંત્રમાં ઈશ્વરને સર્જક, ઈશ, વિશ્વના અધિષ્ઠાતા કહેલો છે. એ મંત્રના દ્રષ્ટા ઋષિને આ આખું જગત ઈશ્વરથી વ્યાપેલું છે એમ કહીને સંતોષ ન થયો, એટલે તેએ આગળ જઈને કહ્યું : “ઈશ્વર સર્વવ્યાપી છે એટલે તમારી માલિકીનું કશું નથી, તમારો દેહ પણ તમારો નથી. તમારી પાસે જે કંઈ છે એનો સ્વામી તો ઈશ્વર છે. એના એ અધિકારની કોઈ ના પાડી શકે એમ નથી, કોઈ એને વિશે એની સાથે કલહ કરી શકે એમ નથી.”

એટલે જ્યારે પોતાને હિંદુ કહેવડાવનાર કોઈ માણસ દ્વિજત્વ પામે છે, અથવા ખ્રિસ્તીઓ કહે છે એમ નવે અવતાર આવે છે, ત્યારે તેણે જે જે વસ્તુને અજ્ઞાનથી પોતાની મિલ્કત કહેલી તે ભધી ઈશ્વરાર્પણ કરવી પડે છે, બધીનો ત્યાગ કરવો પડે છે. એ ઈશ્વરાર્પણ કે ત્યાગ કર્યા પછી એને કહેવામાં આવે છે કે એ અન્ન, વસ્ત્ર આશ્રય આધિની બાબતમાં ઈશ્વર એના યોગક્ષેમનું વહન કરશે, એને જે જોઈશે તે ભગવાન આપી રહેશે. એટલે જીવનની આવશ્યક વસ્તુઓ ભોગવવા કે વાપરવાની શરત એ છે કે ઈશ્વરને અર્પણ કરવી અથવા એનો ત્યાગ કરવો એને એ અરેપણ કે ત્યાગ રોજેરોજ થવાં જોઈએ, નહીં તો કદાચ આ દોડધામવાળા જગતમાં આપણે આપણા જીવનની આ સૌથી મુખ્ય વાત વીસરી જઈએ. એ બધું કહ્યા પછી મંત્રદ્રષ્ટા ઋષિ કહે છે : “કોઈના ધનનો લોભ કરશો નહીં.” હું તમને કહેવા ઈચ્છું છું કે આ નાના સરખા મંત્રમાં જે સત્ય સમાયેલું છે તે પ્રત્યેક મનુષ્યની ઈહલોકની તેમ જ પરલોકની ઊંચામાં ઊંચી સર્વ આકાંક્ષાઓને તૃપ્ત કરે એવું છે. જગતના ધર્મગ્રંથોનું જે અલ્પ વાચન મેં કર્યું છે - હું કબૂલ કરું છું કે એ વાચન અતિ અલ્પ છે -

તે બધા તરફ પાછું વાળીને નજર નાખતાં મને લાગે છે કે સર્વ ધર્મગ્રંથોમાં જે કંઈ સારું છે તે બધું આ મંત્રમાંથી જ ઉદ્‌ભવેલું છે. સમસ્ત વિશ્વનું બંધુત્વ

- મનુષ્યમાત્રનું જ નહીં, પણ જગતના જીવમાત્રનું બંધુત્વ - જોવું હોય તો તે મને આ મંત્રમાં જડે છે. સર્વેસર પ્રભુ - બીજાં ગમે તેટલાં વિશેષણો ઉમેરો

- વિશેની અચળ શ્રદ્ધા જોઈએ તો તે મને આ મંત્રમાં મળે છે. સર્વભાવે ઈશ્વરને શરણ જવાની ને ઈશ્વર મારા યોગક્ષેમનું વહન કરશે એવી આસ્થા જોવી હોય તો તે પણ હું કહું છું કે મને આ મંત્રમા જડે છે. એ આપણા ને તમારા સૌની રગેરગમાં, અણુએઅણુમાં, પ્રતયેક શ્વાસોચ્છ્‌વાસમાં વ્યાપેલો છે, એટલે એમાંથી હું જગતના સર્વ જીવોની સમાનતાનો સિદ્ધાંત તારવું છું, અને એનાથી સર્વ તાત્ત્વિક સામ્યવાદીઓની ઝંખનાઓની તૃપ્તિ થવી જોઈએ. આ

મંત્ર મને કહે છે કે જે વસ્તુ ઈશ્વરની માલિકીની છે તેને હું મારી ન ગણી શકું, ને જો મારું જીવન તે આ મંત્ર વિશે આસ્થા રાખનાર સહુનું જીવન સંપૂર્ણ ઈશ્વરાર્પણપૂર્વક ચલાવવાનું હોય તો એમાંથી એ ફલિત થાય જ છે કે એ જીવન સેવામય - આપણાં ભાંડુરૂપ જીવોની સેવાથી ભરાઈ ગયેલું - હોવું જોઈએ. આ મારી શ્રદ્ધા છે ને જેઓ પોતાને હિંદુ કહેવડાવે છે તે સૌની એ શ્રદ્ધા હોવી જોઈએ.

૧૧. થોડામાં ઘણું

“મંદિરોમાં હરિજનોને પ્રવેશ કરવાની છૂટ આપતા ત્રાવણકોરના ઢંઢેરાને અંગેના શ્રી મહાદેવ દેસાઈના પુસ્તકમાં, ત્રાવણકરમાં અનેક સ્થળોએ આપે કરેલાં પ્રવચનો મેં વાંચ્યાં. એમાં વિશે બોલતાં આપે કહ્યું છે કે, બાકીનાં બધાં હિંદુ ધર્મશાસ્ત્રો નાશ પામત અને માત્ર નો પહેલો

શ્લોક રહી જાત, તો એ એક જ શ્લો ક ધર્મને નિર્મૂળ થતો અટકાવત. આપને કદાચ ખબર હશે કે, એ શ્લોક ગુરુદેવના પિતા દેવેન્દ્રનાથ ટાગોરના જીવનમાં પરિવર્તન કરનાર નીવડ્યો હતો. તેમના પિતા ગુજરી ગયા ત્યારે તેમના કુટુંબની જમીનજાગીર પર કરજનો ભારે બોજો હતો. દેવેન્દ્રનાથ એ વખતે યુવાન હતા અને આ બોજાને કારણે બહુ મૂંઢાઈ ગયા હતા, ને ઉદાસ થઈ ગયા હતા. એક દિવસ તે આમ શોકમગ્ન થઈને બેઠા હતા, ત્યારે એક છાપેલા કાગળનો ટુકડો પવનથી ઊડીને તેમની પાસે આવી પડ્યો. દેવેન્દ્રનાથે કાગળ ઉપાડી લીધો. તેમાં સંસ્કૃત લખાણ હતું. દેવેન્દ્રનાથ તે વખતે સંસ્કૃત શીખ્યા નહોતા. એ કાગળ તેમણે કટુંબના પંડિતને આપ્યો અને તે પોતાને વાંછી સંભળાવવા કહ્યું. એનો પહેલો શ્લોક હતો. મહર્ષિ પોતાની આત્મકથામાં કહે છે કે, એ શ્લોકે મારા આત્મામાં અમૃતનું સિંચન કર્યું.”

“ત્યાગ કરીને ઉપભોગ કરવાની વાતે મને ઘણા વખત સુધી વિમાસણમાં નાખી દીધો. એક દિવસે (ખરું કહેતાં રાત્રે) મને એકાએક સૂઝી આવ્યું કે, આ તો રોજના અનુભવની વાત છે. જેને માટે આપણને પ્રેમ હોય એવી કોઈ વ્ય્કિત યા ધ્યેયને ખાતર કોઈ કીંમતી વસ્તુનો ત્યાગ કરવા કરતાં વધારે આનંદજનક બીજું શું હોઈ શકે ?”

શ્રી કે. નટરાજનનો ઉપર મુજબનો પત્ર મને ત્રણેક માસ પર મળ્યો હતો. ઘણા વખત પહેલાંમાં એની ચર્ચા કરવા ધારતો હતો, પણ એ વાત હું આજ સુધી હાથ પર ન લઈ શક્યો. પરંતુ વિલંબ થયો તેનો કશો વાંધો નથી, કારણ કે, એ પત્રમાંની વસ્તુ કદીયે જૂની થાય તેવી નથી. વ્યાકરણના કશાયે જ્ઞાન વિના એ શ્લોકનો જે અર્થ ઘટાવ્યો છે, તે પ્રમાણે જીવન ગાળવા માટે મારાથી બનતો બધો પ્રયાસ હું કરું છું. મારું વાચન બહુ જૂજ હોવાથી મહર્ષિ દેવેન્દ્રનાથજીના જીવનમાંથી શ્રી નટરાજને ટાંકેલા દાખલાની મને કશી ખબર નહોતી. સાચો હિંદુ ધર્મ અથવા મારા મત પ્રમાણે સાચો ધર્મ એટલે શું, એનો આ શ્લોક દર્શાવે છે, એવી મારી માન્યતા આ દાખલાથી દૃઢ થાય છે. સવારની પ્રાર્થનામાં ગીતાના અઢાર અધ્યાયોનું પારાયણ એક અઠવાડિયામાં પૂરું કરવામાં આવે છે અને આજે કેટલાંયે વરસોથી દર અઠવાડિયે એમ તતું આવે છે. ગીતા, ઈશોપનિષદના પહેલા શ્લોક ઉપરનું ભાષ્ય છે. કહેતાં મને કાંઈક વસવસો રહે છે પણ મારે કહેવું જોઈએ કે, શ્રી નટરાજનને એ શ્લોકનો અર્થસૂઝ્‌યો છે, તે મને માત્ર અંશતઃ સાચો લાગે છે. મારી સમજ પ્રમાણે, એમનો અર્થ તો જરીપુરાણો થઈ ગયેલો આપભોગનો સિદ્ધાંત છે, એ બેશક સર્વસામાન્ય અનુભવ છે. એનો એક જ દાખલો લો.પોતાનાં બાળકોને માટે ઘણી માતાઓ સર્વસ્વનો ભોગ આપે છે. પરંતુ અહીં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે મંત્ર એ પ્રથાનું સમર્થન કરવાને માટે રચાયો નથી. જે વખતે એ મંત્ર આપણને પ્રાપ્ત થયો, તે પ્રાચીન કાળમાં પણ એ પ્રથા સારી પેઠે પ્રચલિત હતી.

એ શ્લોકને જીવનમાં ઉતારવો એટલે બાઈબલના નવા કરારમાં વર્ણવ્યા પ્રમાણેનું નવું જીવન અથવા હિંદુ ધર્મમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે, તે બ્રહ્મસમર્પણ. એટલે મારી સમજ પ્રમાણે તો એ શ્લોકનો એક જ અર્થ છે. તે એ કે, અહીં તમે જે કંઈ તમારું ગણો છો, તે ઈશ્વરનું છે અને ઈશ્વર પાસેથી તમને મળ્યું છે, એમ સ્વીકારો અને જીવવા માટે જે કંઈ ખરેખર જરૂરી હોય તેટલું તેમાંથી લો. બીજી રીતે કહીએ, તો ગીતાની ભાષામાં એ પરમ અનાસક્તિનો સિદ્ધાંત શીખવે છે, તો જ જીવન જીવવા જેવું બને છે.

૧૨. મારો દાવો

(નોંધમાં આવતા ‘મૈત્રીભરી ચર્ચા સદા આવકાર્ય’માંથી) હું સંસ્કૃતનો પંડિત નથી, પણ મને આપવામાં આવેલા અનુવાદોમાં રહેલી ભૂલો જોઈ શકું એટલું મને આવડે છે. મેં મને સંતોષ થાય એ રીતે શાસ્ત્રો વાંચ્યાં છે એવો મારો દાવો છે, અને જુવાનીથી માંડીને આજ સુધીના શાસ્ત્રોના પાયાના ઉપદેશોને આચારમાં ઉતારવાનો પ્રયત્ન કરતો આવ્યો છું, એવો પણ મારો દાવો છે. આથી હિંદુ ધર્મના કેટલાક સિદ્ધાંતો વિશે હું જે નિર્ણયો કરતો આવ્યો છું તે પૂરા આત્મવિશ્વાસપૂર્વક લોકો સમક્ષ મૂકતાં મને સંકોચ થતો નથી.

૧૩. હું હિંદુ શા માટે છું ?

પોતાને હિંદુસ્તાનમાં આજીવન મિત્ર તરીકે ઓળખાવનાર એક અમેરિકન બહેન લખે છે :

“હિંદુ ધર્મ પૂર્વેના મહાન ધર્મોમાંનો એક છે. આપે હિંદુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કર્યો છે અને તેને પરિણામે આપે હિંદુ હોવાનું જાહેર કર્યું છે. આપ આપની આ પસંદગીનાં કારણો અમને જણાવવાની મહેરબાની કરશો ? હિંદુઓ અને ખ્રિસ્તીઓ બંને એમ માને છે કે ઈશ્વરને ઓળખવા અને શુદ્ધ ભાવે તથા સત્યનિષ્ઠાએ તેની ઉપાસના કરવી, એ જ મનુષ્યનું પ્રધાન કર્તવ્ય છે. અમેરિકાના ખ્રિસ્તીઓએ, ઈશુને પરમાત્માનું વ્યક્ત રૂપ માનીને, તેને વિશે હિંદુસ્તાનના લોકોને કહેવા માટે પોતાનાં હજારો પુત્રપુત્રીઓને

હિંદુસ્તાન મોકલ્યાં છે. તેના બદલામાં આપ હિંદુ ધર્મ વિશેનું આપનું નિરૂપણ અમને ન જણાવો, અને હિંદુ ધર્મ તથા ઈશુના ઉપદેશની પરસ્પર તુલના ન કરો ? આને માટે હું તમારો ઘણો આભાર માનીશ.”

મેં કેટલીયે મિશનરીઓની સભાઓમાં અંગ્રેજ અને અમેરિકન પાદરીઓને કહેવાની હિંમત ધરી છે કે ઈશુ વિશે હિંદુસ્તાનને તેમણે “કહેવાનું” મોકૂફ રાખ્યું હોત, અને તેના ગિરિપ્રવચનને જ માત્ર પોચતાના જીવનમાં આચરી બતાવ્યું હોત, તો હિંદુસ્તાન તેમને વિશે કશી શંકા ન રાખત, દેશીઓ વચ્ચેના તેમના જીવનની કદર કરતા અને તેમની હાજરીનો સીધો લાભ મેળવત. આવો મારો અભિપ્રાય હોવાથી હું અમેરિકન મિત્રોને હિંદુ ધર્મ વિશે “બદલા” માં કંઈ પણ કહી શકું એમ નથી. લોકો બીજાને પોતાના ધર્મ વિશે, ખાસ કરીને ધર્માંતર કરાવવાના ઉદ્દેશથી કહે એમાં હું માનતો નથી. ધર્મ કહ્યો જતો નથી. ધર્મ તો આચરવો જોઈએ. અને ત્યારે જ તેનો સ્વયંપ્રચાર થાય છે. મારા પોતાના જીવનમાં હિંદુ ધર્મનું રહસ્ય સ્ફુટ થાય તે વિના બીજી એ રીત એ રહસ્ય સમજાવવાને હું યોગ્ય નથી. અને જો હું લખીને હિંદુ ધર્મનું રહસ્ય ન જણાવું તો ખ્રિસ્તી ધર્મ સાથે તેની સરખામણી પણ ન કરું. એટલે ટૂંકમાં હું હિંદુ શા માટે છું એ જ જણાવી દઉં.

કુળની અસરમાં હું માનું છું એ’લે હિંદુ કુટુંબમાં જન્મ ધરીને હું હિંદુ રહ્યો છું. મારા નીતિવિચારથી અથવા મારા આત્મવિકાસથી કંઈ પણ વિરુદ્ધ વસ્તુ હિંદુ ધર્મમાં મેં જોઈ હોત તો મેં એનો ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથી લાગ્યું છે કે મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મીને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી તેને લીધે હિંદુઓ બીજા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીં

પણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે. અહિંસા ધર્મમાત્રને સામાન્ય છે. પણ હિંદુ ધર્મમાં એ સિદ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે. (જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મને હું હિંદુ ધર્મથી નોખા નથી ગણતો) કેવળ મનુષ્યમાત્ર જ નહીં પણ જીવમાત્ર એક જ છે એમ હિંદુ ધર્મ માને છે. મારા મત પ્રમાણે હિંદુ ધર્મના ગોરક્ષાના સિદ્ધાંતે દયાધર્મના વિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે. ગોરક્ષા એટલે જીવમાત્રની એકતા અને પવિત્રતાના સિદ્ધાંતનો વ્યાવહારિક પ્રયોગ. પુનર્જન્મનો મહાન સિદ્ધાંતના સિદ્ધાંતના ફળરૂપ છે. છેવટે વર્ણાશ્રમ ધર્મ સત્યની નિરંતર શોધનું ભવ્ય પરિણામ છે. આ સ્થળે ઉપર દર્શાવેલી વસ્તુઓની વ્યાખ્યાઓથી હું લેખને લંબાવતો નથી. પણ એટલું કહી દઉં કે ગોરક્ષા તથા વર્ણાશ્રમ વિશે આજના જે ખ્યાલ છે તે મારે મતે મૂળ વસ્તુની વિડંબના જ છે. ગોરક્ષા તથા વર્ણાશ્રમ વિશે મેં જૂના અંકોમાં વ્યાખ્યા કરી છે. તે જિજ્ઞાસુએ જોઈ લેવી. વર્ણાશ્રમ વિશે તરતમાં લખવાની હું આશા રાખું છું.

હિંદુ ધર્મનાં જે વિશિષ્ટ લક્ષણોને લઈ હું હિંદુ ધર્મ પાળું છું એ લક્ષણોની અત્યંત ટૂંકી રૂપરેખા જ મેં આ સ્થળે આપી છે.

૧૪. હિંદુત્વની મારી ફરજ

(‘ગોરક્ષા’માંથી)

હું સનાતની હિન્દુ હોવાનો દાવો કરું છું. ઘણા બાઈઓને હસવું આવતું હશે કે મુસલમાનોમાં હરનારો-ફરનારો, બાઈબલની વાતો કરનારો, અંગ્રેજોની સાથે પાણી પીનારો, મુસલમાનોની બનાવેલી રોટી ખાનારો, અત્યંજની છોકરી ખોળે લેનારો જે હું તેવાને સનાતની હિંદુ કહેવો એ ભાષા ઉપર અત્યાચાર કર્યો કહેવાય. છતાં હું પોતાને સનાતની મનાવવાનો દાવો કરું છું, અને મને વિશ્વાસ છે કે એક સમય એવો એવશે કે જ્યારે મારા મૃત્યુ પછી ગાંધી સનાતની હતો એમ સૌ કબૂલ કરશે. કારણ કે ગોરક્ષા મને બહુ પ્રિય છે. ઘણા વખત ઉપર ‘હિંદુત્વ’ ઉપર મેં માં લેખ લખ્યો હતો, તે મારો અતિશય વિચારપૂર્વક લખેલો લેખ છે. તેમાં હિંદુત્વનાં લક્ષણનો વિચાર કરતાં વેદાદિને માનવા, પુનર્જન્મમાં માનવું, ગીતા-ગાયત્રી આદિ માનવાં, એ લક્ષણ ગણાવ્યાં છતાં સામાન્ય હિંદુને માટે તો ગોરક્ષા વિશે પ્રીતિ એ જ લક્ષણ મેં ઠરાવેલું. કોઈ પૂછશે કે ૧૦,૦૦૦ વર્ષ ઉપર હિંદુઓ શું કરતા હતા ? મોટા વિદ્વાનો અને પંડિતો બતાવે છે કે વેદાદિ ગ્રંથોમાં ગોમેઘની વાત છે. છઠ્ઠા ધોરણમાં ભણતાં સંસ્કૃત પાઠમાળામાં

એ વાક્ય વાંચેલું, અને મેં મનને પૂછ્યું,“આ સાચું હશે ?” એવાં વાક્યો છતાં હું માનતો આવ્યો છું કે વેદમાં એવી વાત લખી હોય તોતેનો અર્થ કદાચ આપણે કરીએ છીએ એ ન થતો હોય. બીજો પણ સંભવ છે. મારા અર્થ પ્રમાણે અથવા મારા આત્માની પ્રતીતિ પ્રમાણે - અને મને પાંડિત્ય કે શાસ્ત્રીય જ્ઞાન આધારરૂપ નથી પણ આત્માની પ્રતીતિ જ આધારરૂપ છે - ઉપર ટાંકેલાં વચનો જેવાં વચનોનો બીજો અર્થ ન હોય તો એવું હોવું જોઈએ કે તે જ બ્રાહ્મણો ગોભક્ષણ કરતા હતા કે જેઓ ગાયને મારીને પાછા ગાય સર્જી શકતા હતા. પણ આવા વાદવિવાદની સાથે હિંદુ જનતાને કશો સંબંધ નથી. મેં વેદાદિનો અભ્યાસ નથી કર્યો, ઘણા સંસ્કૃત ગ્રંથોના અનુવાદથી જ જાણું છું. એટલે મારા જેવા પ્રાકૃત માણસ આવા વિષયમાં શું વાત કરે ? પણ મને આત્મવિશ્વાસ છે, અનેે તેથી મારા અનુભવની વાત હું બધે કર્યા કરું છું. ગોરક્ષાનો અર્થ શોધવા જઈશું તો કદાચ ક્યાંય આપણને એક જ અર્થ નહીં મળે, કારણ આપણા ધર્મમાં કલમા જેવું સર્વસામાન્ય અને એક જ એવું કંઈ નથી, અને પેગંબરે નથી. આથી કદાચ આપણે ધર્મ સમજવામાં મુશ્કેલી આવતી હોય છતાં તેમાં સહેલાઈ પણ થાય છે, કારણ અનેક વસ્તુ હિંદુ જનતામાં સ્વાભ્વિક રીતે જ પ્રવેશ કરી ગયેલી છે. બાળક પણ સમજે છે કે ગાયની રક્ષા કરવી જોઈએ. ગોરક્ષા ન કરીએ ત્યાં સુધી આપમે હિંદુ શેના ?

૧૫. સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું (મૂળ ‘હિંદુ ધર્મ’ના મથાળા હેઠળના લેખમાંથી)

હું હમેશાં જ મને પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવું છું. મારી મદ્રાસની મુસાફરી દરમિયાન અસ્પૃશ્યતાના પ્રશ્નની ચર્ચા કરતાં તો મેં મારો દાવો હંમેશના કરતાં વધારે ભારપૂર્વક રજૂ કર્યો છે. અને છતાંયે હિંદુ ધર્મને નામે થનારી એવી કેટલી ક બાબતો છે જે મને માન્ય નથી. જો હું સાચો સનાતની ન હોઉં તો પોતાના સનાતની અગર એવા જ બીજા નામથી ઓળખાવવાની મને ઈચ્છા નથી. તેમ એક મોટા ધર્મના નામનો આશ્રય લઈને તેમાં છૂપી રીતે કશો સુધારો કે બગાડો દાખલ કરવાની પણ મારી અલબત્ત ઈચ્છા નથી. તેથી મારો એ ધર્મ થઈ પડ્યો છે કે સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચોખ્ખું કરી દેવું. ‘સનાતન’ શબ્દ હું એના સ્વાભાવિક અર્થમાં જ હમેશાં વાપરું છું.

હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું કારણ કે : ૧. હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોના નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું.

૨. હું વર્ણાશ્રમ ધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં માનું છું; એના આજના લૌકિક અને અણઘડ અર્થમાં નહીં.

૩. હું ગોરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં વધારે વિશાળ અર્થમાં માનું છું.

૪. મૂતિપૂજાને વિશે મારી અનાસ્થા નથી.

વાચક જોશે કે વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુપેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુપેય કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઈબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલા જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો મારો દાવો નથી. છતાં જે મુદ્દાનાંસત્યો ધર્મશાસ્ત્રમાં ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજું છું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા લાગે એવા કોઈ પણ અર્થથી - પછી ચાહે તેટલા વિદ્વતાપૂર્ણ કાં ન હોય - બંધાવાની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો તેઓ કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનં છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક જ અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલેકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈપણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે. એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ગુરુની પ્રથાને માનું છું, પણ સાથે સાથે એ પણ જોઉં છું કે અત્યારે લાખો મનુષ્યોએ ગુરુ વગર જ પોતાની જીવનયાત્રા પૂરી કરવી રહી છે. કારણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેટલા જ સંપૂર્ણ સદાચારનો સંગમ આ કાળમાં સાંપડવો દુર્લભ છે.

પણ આથી પોતાના ધર્મમાં રહેલું સત્ય કદી પણ જાણવાની બાબતમાં માણસે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ બધા મહાન ધર્મોની પેઠે જ હિંદુ ધર્મના પણ પાયાના સિદ્ધાંતો સનાતન હોઈ સહેજે સમજાય તેવા છે.

દરેક હિંદુ ઈશ્વરને માને છે, તે છે એમ માને છે; પુનર્જન્મને અને મોક્ષને માને છે પણ જે ખાસ વસ્તુ હિંદુ ધર્મને બીજા ધર્મોથી નોખો પાડે છે તે તેની ગોરક્ષા અને વર્ણાશ્રમ ધર્મ છે.

વર્ણાશ્રમ તો મને લાગે છે કે મનુષ્યસ્વભાવમાં જ રહેલી વસ્તુ છે.

હિંદુ ધર્મે શાસ્ત્રીય ઢબે તેનો વિચાર કરી શાસ્ત્રની પૂર્ણતાએ પહોંચાડેલ છે એટલું જ. એ જન્મથી જ પ્રાપ્ત થનારી વસ્તુ છે. માણસ સ્વેચ્છાએ પોતાનો વર્ણ બદલી શકતો નથી. પોતાનો વર્ણાશ્રમ ન પાળવો એ પરંપરાને તોડવા સમાન છે. પણ વર્ણાશ્રમના તત્ત્વને લઈને એક વર્ણની અસંખ્ય નાતો અને પેટા ન્યાતો કરી મૂકનારે આ સિદ્ધાંતની જોડે અણઘટતી છૂટ લઈ તેની વિડંબના જ કરી છે. ચાર વર્ણ સમાજના બધાં પ્રયોજનને માટે તદ્દન પૂરતા છે.

વર્ણાંતર રોટી કે બેટી વહેવારથી માણસનો જન્મથી મળેલ દરજ્જો કે અધિકાર નષ્ટ થવો જ જોઈએ એમ હું નથી માનતો. ચાતુર્વર્ણ્યે માણસને તેના વ્યવસાય નક્કી કરી આપ્યા છે. તે મનુષ્યના સામાજિક વહેવારની મર્યાદા બાંધતો કે નિયમન કરતો નથી. ચાતુર્વર્ણ્યે માણસના ધર્મો દોરી દીધા છે; તેને જુદા જુદા ચડિયાતા કે ઊતરતા હકો બક્ષ્યા નથી. મને લાગે છે કે હિંદુ ધર્મની પ્રકૃતિથી જ એ વિરુદ્ધ છે કે પોતાનામાં ઊંચા કે બીજાનામાં નીચા દરજ્જાનું આરોપણ કરવું. હિંદુ દૃષ્ટિએ તો સર્વ જ વર્ગ ઈશ્વરની સૃષ્ટિને સેવવા જન્મેલા છે. બ્રાહ્મણ પોતાના જ્ઞાનથી, ક્ષત્રિય પોતાની રક્ષણશક્તિથી, વૈશ્ય તેના વાણિજ્યબળથી અને શૂદ્ર તેના શરીરયજ્ઞથી. આનો અર્થ એમ નથી કે બ્રાહ્મણ શરીરયજ્ઞ કરવાના ધર્મથી અગર તો પોતાનું અને બીજાનું રક્ષણ કરવાના ધર્મથી છૂટો છે. અર્થ એટલો જ છે કે બ્રાહ્મણ એના જન્મ વડે કરીને પ્રધાનપણે ૫ાની છે અને પરંપરાગત સંસ્કાર દ્વારા તેમ જ કેળવણી દ્વારા જ્ઞાન બીજાને આપવાને સૌથી વધુ લાયક છે. તેમ એનો અર્થ એમ પણ નથી કે શૂદ્રને તે જેટલું ઈચ્છે તેટલું જ્ઞાન સંપાદન કરવાનો અધિકાર નથી.

માત્ર તેતેના શરીરયજ્ઞ દ્વારા જ સૌથી વધુ સારી સેવા બજાવી શકશે અને તેથી તેણે બીજાઓની તેમનામાંના સેવાને લાયકના ખાસ ગુણોની અસૂયા ન ધરવી ઘટે. પણ જે બ્રાહ્મણ પોતાના જ્ઞાનધનનો ગર્વ ધરીને પોતાને બીજાના કરતાં ચડિયાતો ગણાવવા માગે છે તે નીચો પડે છે અને અજ્ઞાની છે.

આ જ ન્યાય પોતાના ખાસ સંસ્કારોનું અભિમાન કરી તેને અંગે ખાસ હકો ભોગવવા માગનારા હરકોઈ બીજાઓને પણ લાગુ છે. વર્ણાશ્રમ ધર્મ એ સંયમ ઉપર, શક્તિસંયમ ઉપર અને તેની ઝીણવટભર્યા ઉપભોગ ઉપર રચાયેલો છે, સ્વચ્છંદ ઉપર નહીં.

આમ જોકે વર્ણાશ્રમને વર્ણાંતર રોટી કે બેટી વહેવારથી ધક્કો નથી પહોંચતો, છતાં હિંદુ ધર્મ જુદા જુદા વર્ણો વચ્ચેના રોટી અગર બેટીવહેવાર પ્રત્યે આગ્રહપૂર્વક અરુચિ દર્શાવે છે. હિંદુ ધર્મ સંયમની પરિસીમાએ પહોંચી શક્યો છે. આત્માનો મોક્ષ સાધવાને ખાતર દેહનું દમન કરવા કહેનારો એ ધર્મ છે. આમ હિંદુ ધર્મમાં બાપે પોતાના દીકરાની જોડે બેસીને ખાવું જ જોઈએ એવો વિધિ નથી. એક મર્યાદિત વર્ગમાંથી જ પોતાના ઘરને માટે કન્યા પસંદ કરવાનો વિધિ પણ ભારે સંયમ સિવાય બીજું શું સૂચવે છે ? વળી વિવાહિત સ્થિતિને પણ હિંદુ ધર્મ મોક્ષને સારું કંઈ અનિવાર્ય ગણતો નથી. હિંદુની દૃષ્ટિએ તો જન્મ જેમ આત્માનું પતન છે તેમ લગ્ન પણ પતન જ છે. મોક્ષ એટલે જેમ જન્મબંધનથી મુક્તિ તેમ મરણના બંધનથી પણ મુક્તિ. આત્માના ત્વરિત વિકાસને માટે વર્ણાંતર રોટી કે બેટીવહેવારનો નિષેધ જરૂરી વસ્તુ છે. પણ આવો સંયમ એ કંઈ વર્ણની કસોટી કે લક્ષણ નથી. બ્રાહ્મણ પોતાના શૂદ્ર ભાઈની જોડે બેસીને ખાય છતાં જ્યાં સુધી તેણે જ્ઞાનદાન કરવાનો પોતાનો સ્વધર્મ મૂક્યો નથી ત્યાં સુધી તે બ્રાહ્મણ મટતો નથી. આ બધા ઉપરથી એટલું ફલિત થાય છે કે રોટી કે બેટીવહેવારને લગતા સંયમ કે મર્યાદાધર્મો વર્ણોની ઉચ્ચતા કે નીચતાના ખ્યાલ ઉપર રચાયા નથી. જે હિંદુ એવી કશી ઉચ્ચતા કે નીચતાના ખ્યાલને કારણે બીજાની જોડે જમવાની ના પાડે છે તે હિંદુ ધર્મને ખોટા રૂપમાં રજૂ કરે છે.

* * *