Satya ae j Ishwar chhe - 36 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 36

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 36

૩૬. લગ્ન : પવિત્ર ધાર્મિક સંસ્કારવિધિ

મનુષ્ય કલાકાર અને સર્જક અવશ્ય છે. તેને સૌંદર્ય ને તેથી રંગ અવશ્ય જોઇએ છે. એનો કલાકાર અને સર્જકનો સ્વભાવ ઉત્તમ કોટિએ હતો ત્યારે તેણે તેને સંયમમાં કલા અને સર્જનહીન સંભોગમાં કદ્રપતા જોવાનું શીખવ્યું. એની કલાવૃત્તિએ એને સારાસારનો વિવેક કરતાં ને રંગોની ગમે તેવી મેળવણી એ જેમ સૌંદર્યનું લક્ષણ નથી. તેમ દરેક જાતનો વિષયોપભોગ એ સારી વસ્તુ નથી એ સમજતાં શીખવ્યું. આગળ જતાં તેને એમ પણ જ્ઞાન થયું કે જીવવાને ખાતર જીવવું એમાં સૌંદર્ય કે આનંદ એકે નથી, પણ માણસે પોતાનાં માનવી ભાઇભાંડુની ને તે દ્ધારા પોતાના સરજનહારની સેવા કરવાને જીવવું જોઇએ. એ જ પ્રમાણે જ્યારે એણે સંભોગના આનંદનો ઊંડોે વિચાર કર્યો ત્યારે એને જણાઇ આવ્યું કે બીજી ઇન્દ્રિયોની પેઠે આ જનનેન્દ્રિયનો પણ સદુપયોગ તેમ જ દુરુપયોગ થઇ શકે છે. અને એણે જોયું કે એનો ખરો ઉપયોગ કેવળ એને જનનક્રિયાને અર્થે વાપરવામાં જ છે. તેણે જોયું કે એનો બીજો કોઇ પણ જાતનો ઉપયોગ બેહૂદો છે. અને તેને એ પણ સમજ આવી કે એના બીજા ઉપયોગથી વ્યકિતને તેમ જ જાતિને ભયાનક પરિણામ ભોગવવાં પડશે.

હરિજનબંધુ, ૧૨-૪-’૩૬

માનવસમાજનો અનવરત વિકાસ થયા કરે છે એટલે આત્મોન્નતિ થયા જ કરે છે. અને જો એ વિકાસ અને ઉન્નતિ થયા જ કરવા દેવી હોય તો ઇન્દ્રિયમાત્રને માર્યા જ કરવી જોઇએ. આ દૃષ્ટિએ લગ્ન એ સંસ્કાર કહેવાય અને તે એટલા જ અર્થમાં કે વિવાહિત જોડું એ સંસ્કારથી સંયમી જીવન ગાળવાની અને જ્યારે બંનેને પ્રજોત્પત્તિની ઇચ્છા થાય અને બંને તેને માટે તૈયાર હોય ત્યારે તેટલા જ હેતું માટે ભેળાં થવાની પ્રતિજ્ઞા લે છે.

નવજીવન, ૧૯-૯-’૨૬

સંતાનવૃદ્ધિને મર્યાદામાં મૂકવાની જરૂર છે એ બાબતમાં તો બે અભિપ્રાય હોઇ જ ન શકે. પણ તેનો એકમાત્ર માર્ગ જમાનાઓ થયા આપણને વારસામાં અપાયેલો સંયમ - બ્રહ્મચર્ય છે. એ એક રામબાણ ઉપાય છે અને તેના પાલન કરનારનું તે કલ્યાણ કરે છે. દાક્તરી વિદ્યાવાળા જનનમર્યાદા માટે કૃત્રિમ સાધનોની શોધો કરવાને બદલે જો બ્રહ્મચર્યના પાલનના ઉપાયો યોજશે તો મનુષ્યજાતિનો સદાને માટે આશિર્વાદ મેળવશે.

નવજીવન, ૨૨-૩-’૨૫

કૃત્રિમ સાધનો એ દુરાચારને ઉત્તેજન આપવા જેવું છે. પુરુષને તેમ જ સ્ત્રીને તે આંધળાંભીંત કરી મૂકે છે. અને આ ઉપાયોને જે પ્રતિષ્ઠા અપાઇ રહી છે તેથી સામાજિક માન્યતાઓનો જ કંઇ દાબ માણસ ઉપર રહે છે તેને પણ ઊડતાં વાર નથી લાગવાની. કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નીર્વીર્યતા જ ઊપજે. રોગ કરતાં ઇલાજ જ વધુ ઘાતક નીવડવાનો.

નવજીવન, ૨૨-૩-’૨૫

પોતાના કર્મના ફળમાંથી બચી જવાની કોશિશ કરવી એ ખોટું છે, અનીતિમય છે. જે અકરાંતિયે થઇ વધું ખાઇ લે છે તેને પેટમાં ચૂંક આવે અને પછી ઉપવાસ કરવો પડે એ જ સારું છે. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકી દઇ ભૂખ ઉપરાંત ઠાંસીને ખાઇ લીધા પછી તેના કુદરતી પરિણામમાંથી બચવા ખાતર પાચક ઓસડો લેવાં એ ખોટું પણ માણસ પોતાની પાશવિક ભોગવૃત્તિને સંતોષીને તેના પરિણામમાંથી બચી જાય એ તેથીયે બૂરું છે. કુદરત કોઇની દયા નથી ખાતી અને પોતાના નિયમોનાં ઉલ્લંઘનનું પૂરેપૂરું ભાડું લે છે. સાત્ત્વિક અને શુભપરિણામ તો વાસનાઓના નિગ્રહનથી જ મેળવીશકાય. બીજા બધા ઉપાયોનાં પરિણામ વિષમ જ આવે.

નવજીવન, ૨૨-૩-’૨૫

જનનક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે. સંસાર એ ઇશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વદ્ધિને અર્થે જ રતિક્રિયા નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ન કરીને પણ રોકશે.

આત્મકથા, પા. ૨૦૨

કામનો આવેગ સરસ ઉમદા વસ્તુ છે. તેમાં શરમાવા જેવું કશું નથી. પણ તેનો ઉપયોગ કેવળ પ્રજોત્પત્તિને સારુ હોય. એ વગરનો બીજો કોઇ પણ ઉપયોગ ઇશ્વરનો અને માનવજાતનો દ્રોહ છે, પાપ છે.

હરિજન, ૨૮-૩-’૪૬

પોષી ન શકાય એટલાં છોકરાં પેદા કરવાં એ પાપ છે જ, પણ હું માનું છું કે પોતાના કર્મનું ફળ ભોગવવામાંથી છટકી જવા મથવું એ એથીયે મોટું પાપ છે. એથી તો મનુષ્યનું મનુષ્યત્વ જ હણાઇ જાય છે.

હરિજનબંધુ, ૮-૯-’૩૫

માણસમાં દેવ અને પશું બંને ભરેલા જ છે. માણસને પશુતા કેળવવાની જરૂર નથી પડતી, દૈવી અંશ જ કેળવવાની જરૂર છે. જ્યારે પશુતાને દૈવી દેખાડવામાં આવે ત્યારે તો માણસ સહેજે લપસી પડે. તમે (મિસ હાઉમાર્ટિન) અને મેરી સ્ટૉપ્સ જેવી બહેનો પાપના પંથને પવિત્રતાનો અને પુણ્યનો પંથ બતાવો તો તમારા ઘડીક વાર પોબાર પડવાના એમાં શંકા નથી, પણ અંતે તમે સત્યાનાશ વાળવાનાં છો એ યાદ રાખજો.

હરિજનબંધુ, ૨૭-૧-’૩૫