Satya ae j Ishwar chhe - 34 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 34

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 34

૩૪. બ્રહ્મચર્ય એટલે શું ?

એક ભાઉ પૂછે છે : ‘બ્રહ્મચર્ય એટલે શું ? તેનું સંપૂર્ણ પાલન શું શકય છે ? જો શક્ય હોય તો તમે તેવું પાલન કરો છો ?’

બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંતજ્ઞાનથી થાય. એ અંતજ્ઞાન ઇન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે. તેથી સર્વ ઇન્દ્રિયોનો મનથી, વાચાથી ને કાયાથી સર્વેક્ષેત્રે સર્વકાળે સંયમ તે બ્રહ્મચર્ય.

આ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવાં સ્ત્રીપુરુષ ઇશ્વરની સમીપ વસે છે; તે ઇશ્વર જેવા છે.

આવા બ્રહ્મચર્યનું મન, વાચા ને કાયાથી અખંંડિત પાલન શક્ય છે એ વિશે મને શંકા નથી.

નવજીવન, ૨૫-૫’૨૪

જે મનુષ્ય સત્યને વરેલ છે, તેની જ ઉપાસના કરે છે તે બીજી કોઇ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. તો પછી વિકારની આરાધના ક્યાંથી જ કરાય ? જેની પ્રવૃત્તિમાત્ર સત્યનાં દર્શન કરવાને અર્થ છે તે પ્રજોત્પત્તિકાર્યમાં કે ગૃહસંસાર ચલાવવામાં કેમ જ પડી શકે ? ભોગવિલાસથી કોઇને સત્ય જડયાનો આજ લગી આપણી પાસે એકે દાખલો નથી.

અથવા અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. અિંહંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્યો ત્યાં તેની પાસે બીજાં અર્થે શું રહ્યું ? એનો અર્થ જ એ થયો, ‘અમે બે પહેલાં ને બીજાં બધાં પછી.’ પ્રવિવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રત પુરુષ સ્ત્રીને સારુ સર્વસ્વ હોમવા તૈયાર થશે. એટલે તેનાથી સર્વવ્યાપી પ્રેમનું પાલન ન જ થઇ શકે એ સ્પષ્ટ છે. એનાથી આખી સૃષ્ટિને પોતાનું કુટુંબ ન જ બનાવી શકાય, કેમ કે તેની પાસે ‘પોતાનું કુટુંબ મોજૂદ છે અથવા તૈયાર થઇ રહ્યું છે. તેની જેટલી વૃદ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણે આખા જગતમાં જોઇ રહ્યા છીએ. તેથી અહિંસાવ્રતનું પાલન કરનારથી વિવાહ થઇ ન શકે; વિવાહની બહારના વિકારનું તો પૂછવું જ શું ?’

ત્યારે જે વિવાહ કરી બેઠા છે તેમનું શું ? તેમને સત્ય કોઇ દહાડો નહીં જ જડે ? તે સર્વાર્પણ કદી નહીં કરી શકેે ? આપણે તેનો રસ્તો કાઢયો જ છે; વિવાહિતે અવિવાહિત જેવા થઇ જવું. આ દિશામાં આના જેવું સુંદર મેં બીજું કશું અનુભવ્યું નથી. આ સ્થિતિનો રસ જેણે ચાખ્યો છે તે સાક્ષી પૂરી શકશે. આજે તો આ પ્રયોગની સફળતા સિદ્ધ થઇ કહી શકાય. વિવાહિત સ્ત્રીપુરુષ એકબીજાને ભાઇબહેન ગણતાં થઇ જાય એટલે બધી જાંજાળમાંથી તે મુક્ત થયાં. જગતમાં રહેલી સ્ત્રીમાત્ર બહેન છે, માતા છે, દીકરી છે એ વિચાર જ માણસને એકદમ ઊંચે લઇ જનાર છે, બંધનમાંથી મુક્તિ આપનાર થઇ પડે છે. આમાં પતિપત્ની કંઇ ખોતાં નથી, પણ પોતાની પૂંજીમાં વધારો કરે છે. કુટુંબ વધારે છે. પ્રેમ પણ વિકારરૂપી મેલ કાઢવાથી વધારે છે. વિકાર જવાથી એકબીજાની સેવા વધારે સારી થઇ શકે છે. એકબીજા વચ્ચે કંકાસના પ્રસંગ ઓછા થાય છે. જ્યાં સ્વાર્થી એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસને વધારે સ્થાન રહે છે.

ઉપરનો પ્રધાન વિચાર કર્યા પછી ને તે હ્ય્દયમાં ઠસ્યા પછી બ્રહ્મચર્યથી થતા શારીરિક લાભ, વીર્યલાભ વગેરે બહુ ગૌણ થઇ પડે છે. ઇરાદાપૂર્વક ભોગવિલાસ ખાતર વીર્યહાનિ કરવી અને શરીરને નિચોવવું એ કેવી મૂર્ખાઇ ગણાય ? વીર્યનો ઉપયોગ બંનેની શારીરિક અને માનસિક શક્તિ વધારવાને સારુ છે. તેનો વિષયભોગમાં ઉપયોગ કરવો તે તેનો અતિ દુરુપયોગ છે, અને તેથી તે ઘણા રોગનું મૂળ થઇ પડે છે.

આવું બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું હોય. વ્રતમાત્રનું એમ જ સમજવું. જે શરીરને કાબૂમાં રાખતો જણાય છે પણ મનથી વિકારને પોષ્યા કરે છે તે મૂઢ મિથ્યાચારી છે એમ આપણે ગીતામાં જોયું છે; સહુએ એ અનુભવ્યું હોય છે. મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે. જ્યાં મન છે ત્યાં શરીર છેવટે ઘસડાયા વિના નહીં જ રહે. અહીં એક ભેદ સમજી લેવાની આવશ્યકતા છે. મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની મેળે, અનિચ્છાએ, બળાત્કારે વિકારી થાય કેથયા કરે એ જુદી વાત છે. એ વિકારમાં આપણે સહાયભૂત ન થઇએ તો છેવટે જીત જ છે. શરીર હાથમાં રહે છે પણ મન નથી રહેતું, એવું પ્રમાણે ક્ષણે ક્ષણે અનુભવીએ છીએ. તેથી શરીરને તો તુરત કબજે લઇ મનને કબજે લેવાનો નિત્ય પ્રયત્ન કરવો, એટલે આપણે કર્તવ્યપાલન કરી ચૂક્યા. મનને વશ થયા એટલે શરીર ને મનનો વિરોધ થયો, મિથ્યાચારનો આરંભ થયો. મનોવિકારને દબાવ્યા જ કરીએ ત્યાં લગી બંને સાથે જનાર છે એમ કહેવાય.

આ બ્રહ્મચર્યનું પાલન બહુ મુશ્કેલ, લગભગ અશકય માનવામાં આવ્યું છે. તેનાં કારણ શોધતાં એમ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યનો સાંકડો અર્થ કરવામાં આવ્યો છે. જનનેન્દ્રિયવિકારનો નિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એમ ગણાયું. મને લાગે છે કે આ અધૂરી ને ખોટી વ્યાખ્યા છે, વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ભમવા દઇ એક જ ઇન્દ્રિયને રોકવાના પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે ? કાનથી વિકારની વાતો સાંભળે, આંખથી વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુઓ જએ, જીભથી વિકારોત્તેજક વસ્તુનો સ્વાદ કરે, ને છતાં જનનેન્દ્રિયને રોકવાનો ઇરાદો રાખે, એ તો અગ્નિમાં હાથ નાખ્યા પછી ન દાઝવાનો પ્રયત્ન કર્યા બરોબર થયું. તેથી જે જનનેન્દ્રિયને રોકવાનો નિશ્ચય કરે તેણે ઇન્દ્રિયચર્યની સંકુચિત વ્યાખ્યાથી નુકસાન થયું છે. મારો તો દૃઢ અભિપ્રાય છે ને અનુભવ છે કે જો આપણે બધી ઇન્દ્રિયોને એકસાથે વશ કરવાનો અભ્યાસ પાડીએ તો જનનેન્દ્રિયને વશ રાખવાનો પ્રયત્ન તુરત સફળ થઇ શકે. આમાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે, અને તેથી જ એના સંયમને આપણે નોખું સ્થાન આપ્યું છે.

બ્રહ્મચર્યનો મૂળ અર્થ સહુ યાદ કરે; બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની - સત્યની - શોધમાં ચર્યા એટલે તેને લાગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિયસંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિયસંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઇએ.

મંગલપ્રભાત, પ્રકરણ ૩