૩૩. સર્વ જીવની એકતા
મારા ર્ધર્મ મને વાંદરાની સાથે નહીં પણ ઘોડાં, ઘેટાં, સિંહ, વાઘ, સાપ અને વીંછીની સાથે સુધ્ધાં સગપણનો દાવો રાખવા દે છે એટલું જ નહીં, તે બંધાને પણ સગાં ગણવાની આજ્ઞા કરે છે. હા, એ સગાંઓ ભલે આપણને સગાં ન માને. મારી જિંદગી માટે મેં જે કઠણ ધર્મ સ્વીકાર્યો છે અને જે દરેક સ્ત્રીપુરુષોનો ધર્મ હોવો જોઇએ એમ હું માનું છું તે આ પ્રકારણી એકપક્ષી ફરજ આપણા ઉપર નાખે છે. અને એવી એકપક્ષી ફરજ એટલા જ માટે નાખવામાં આવી છે કે સૃષ્ટિમાં કેવળ મનુષ્ય જ ઇશ્વરનું પ્રતિબિંબ છે. આપણી એ સ્થિતિ આપણામાંના ઘણા સ્વીકારતા નથી તેમાં શું થયું ? એ સ્થિતિનો લાભ આપણને નહીં મળે એટલું જ - જેમ ઘેટાંના ટોળામાં ઊછરેલો સિંહ પોતાનું સિંહપણું ન જાણ્યાથી સિંહ હોવાના લાભ મેળવી શકતો નથી. પણ તેથી તે સિંહ મટતો નથી. જ ઘડીએ તેને સિંહત્વનું ભાન થાય છે તે ઘડીએ તે પશુઓ ઉપર સામ્રાજ્ય ભોગવતો થઇ જાય છે. પણ સિંહનું ચામડું પહેરીને કોઇ ઘેટો સિંહની સ્થિતિએ કદી ચડી શકવાનો નથી.અને મનુષ્ય ઇશ્વરનું પ્રતિબિંબ છે એમ બતાવવાને માટે દરેક મનુષ્યમાં તે પ્રતિબિંબ દેખાવું જોઇએ એની કશી જરૂર નથી. એક માણસમાં પણ આપણે તે પ્રતિબિંબ પ્રગટ દેખી શકીએ તો બસ છે. અને જગતમાં જે સાધુસંતો અને પેગંબરો થઇ ગયા છે તેમનામાં ઇશ્વરની મૂર્તિ ઝળકતી હતી એની કોઇ ના પાડશે કે ?
નવજીવન, ૧૧-૭-’૨૬
કોઇ પણ પ્રાણીનો - સાપનો પણ - જીવ લઇને હું જીવવા માગતો નથી. એને મારવા કરતાં હું એને મને કરડવા દઉં અને મરી જાઉં. પણ એવું બને કે જો ઇશ્વર મને એવી ક્રૂર કસોટીએ ચડાવે અને સાપને મારા પર હુમલો પશુવૃત્તિ પ્રબળ થઇ જઇ આ નશ્વર શરીરને બચાવવાને સારુ હું સાપને મારવા મથું. હું કબૂલ કરું છું કે મારી શ્રદ્ધા મારામાં હજુ એટલે અંશે મૂર્તિમંત થઇ નથી કે જેથી હું ભાર દઇને કહી શકું કે મેં સાપનો ભય સમૂળો કાઢી નાખ્યો છે અને હું ઇચ્છું તેટલે અંશે હું એમને મારા મિત્ર બનાવી શકયો છું. મારી તો પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે આપણા અંતરમાં જે દુષ્ટ વિકારોને સંઘરીએ છીએ તેના બદલા તરીકે જ ઇશ્વરે સર્પ વ્યાધ્રાદિ હિંસ્ત્ર પ્રાણીઓ ઉપજાવ્યાં છે. હું માનું છું કે જીવમાત્ર એક છે, ને વિચારો અમુક ચોક્કસ શરીર ધારણ કરે છે. વાઘ અને સાપ એ આપણાં સગાં છે. એમને પેદા કરીને ઇશ્વરે આપણને બૂરા, દુષ્ટ અને વિષયી વિકારોનો ત્યાગ કરવાની ચેતવણી આપી છે. મારે જો પૃથ્વીમાંથી ઝેરી પશુઓ અને સર્પોને નાબુદ કરવાં હોય તો મારે પોતે મારા અંતરમાંથી ઝેરી વિચારમાત્રને નાબૂદ કરવા જોઇએ. જો મારી અધીરાઇ અને અજ્ઞાનથી, અને મારા શરીરની હસ્તી લંબાવવાની ઇચ્છાથી હું ઝેરી કહેવાતાં પશુંઓને અને સર્પોને મારવાનો પ્રયત્ન કરું તો મારાથી મારા ઝેરી વિચારો નાબુદ નહીં થઇ શકે. એવા પીડાકારક પ્રાણીઓની સામે બચાવ કરવા ન જતાં મારું મરણ નીપજે, તો હું મરીને વધારે સારો અને વધારે પૂર્ણ થઇ ફરી જન્મીશ. એવી શ્રદ્ધા મારામાં હોય તો પછી સાપમાં રહેલા મારા જેવા જ જીવને મારવાનો ઇરાદો હું કેમ રાખું ?
નવજીવન, ૧૭-૪-’૨૭
આપણે તો નિરંતર મૃત્યુના પાશમાં રહીએ છીએ. અને સત્યનો મારગ શોધવાને મથીએ છીએ. જીવનનો એક ક્ષણનો પણ ભરોસો નથી, એને માટે જોખમો તો હમેશ ઝઝૂમ્યા જ કરે છે એટલું જાણતા છતાં, એ જીવનસ્વામી તરફ - જીવનમાત્રાના સરજનહાર તરફ આપણે કેટલાં બેદરકાર રહીએ છીએ ! અને આપણું અભિમાન તો એ બેદરકારી કરતાં પણ ચડે એવું હોય છે.
નવજીવન, ૧૭-૭-’૨૭
દેહધારી જીવમાત્ર હિંસાથી જીવે છે. તેના પરમ ધર્મનો દર્શક શબ્દ નકારવાચક નીકળ્યો. જગત - એટલે દેહમાત્ર - હિંસામય છે તેથી અહિંસા પ્રાપ્તિને અર્થે દેહના આત્યંતિક મોક્ષની તીવ્ર ઇચ્છા પેદા થઇ.
નવજીવન, ૩૦-૯-’૨૮
મારે કબૂલ કરવું જોઇએ કે હું પ્રરિક્ષણ હિંસા કરીને જ શરીરને નિભાવું છું, અને તેથી જ તેને વિશેનો રાગ ક્ષીણ થતો જાય છે. આશ્રમની રક્ષા કરતાં પણ હિંસા કરી રહ્યો છું. પ્રત્યેક શ્વાસ લેતાં ઝીણાં જંતુઓની હિંસા હું કરું છું એમ જાણતો છતો શ્વાસને રૂંધતો નથી. વનસ્પતિઆહાર કરવામાં પણ હિંસા કરું છું છતાં આહારનો ત્યાગ કરતો નથી. મચ્છર વગેરેના કલેશથી બચવાને સારુ ઘાસલેટ ઇત્યાદિ વસ્તુઓનો ઉપયોગ કરતાં તેમનો નાશ થાય છે એમ જાણતો છતો આ નાશક પદાર્થોનો ઉપયોગ છોડતો નથી. સરપોના ઉપદ્રવમાંથી આશ્રમવાસીઓને બચાવવો સારુ જ્યારે તેને માર્યા વિના દૂર ન કરી શકાય ત્યારે તેને મારવા દઉં છું. બળદોને ચલાવતાં આશ્રમના માણસો તેને પરોણા વતી મારે છે તે સહન કરી લઉં છું. આમ મારી હિંસાનો અંત જ નથી. અને હવે વાંદરાંનો ઉપદ્રવ મને મૂંઝવી રહેલ છે. વાંદરાંને મારી નાખવાનો નિશ્ચય હું કદી કરી શકીશ કે નહીં એની મને ખબર નથી. એવો નિશ્ચયથી હું દૂર ભાગતો જાઉં છું. અત્યારે તો કેટલીક ઉપયોગી સૂચનાઓથી મને મિત્ર મદદ કરી રહ્યા છે, પણ આશ્રમની ખેતી રહો વા ન રહો છતાં હું વાંદરાંનો કદી નાશ કરીશ જ નહીં એવી પ્રતિજ્ઞા કરવાની મારામાં આજ તો હિંમત નથી. એ મારી નમ્ર કબૂલાતથી મિત્રો મારો ત્યાગ કરે તો હું લાચાર થાઉં અને એ ત્યાગને હું સહન કરું, પણ અહિંસા વિશેની મારી નબળાઇ અથવા અપૂર્ણતાને છુપાવીને કોઇની મૈત્રી રાખવાની મને ઇચ્છા નથી. મારે વિશે હું એટલો જ દાવો કરી શકું કે અહિંસાદી મહાવ્રતોને ઓળખવા અને તેનું સંપૂર્ણ પાલન મનથી, વચનથી અને કાયાથી કરવાનો હું સતત પ્રયત્ન કરી રહ્યો છું. તે પ્રયત્નમાં થોડી અથવા ઘણી સફળતા પણ મળી છે, છતાં મારે એ દિશામાં બહુ લાંબો પંથ કાપવાનો છે એનું મને ભાન છે.
નવજીવન, ૨૮-૧૦’૨૮
મને પોતાને હું અહિંસામય માનું છું. અહિંસા અને સત્ય મારા બે પ્રાણ છે. તેના વિના હું ન જીવું એમ માનું છું. પણ અહિંસાની મહાન શક્તિ અને મનુષ્યોનું પામરપણું હું ક્ષણે વધારે સ્પષ્ટ રીતે જોતો આવું છું. દયાનો નિધિ વનવાસી મુનિ પણ કેવળ હિંસાયુકત નથી થઇ શકતો. પ્રત્યેક શ્વાસ તેની પાસે હિંસા કરાવે છે. દેહ એટલે હિંસાસ્થાન. તેથી જ સર્વથા દેહમુક્તિમાં જ મોક્ષ અને પરમ આનંદ રહ્યા છે. તેથી જ મોક્ષના આનંદ સિવાયનો બધો આનંદ અસ્થિર છે. આમ હોઇને આપણને હિંસાના કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડે છે.
નવજીવન, ૧૦-૧૦-’૨૬
હું તો ચોક્કસ માનું છું કે જરાક બહાનું મળતાં માણસનો જીવ લેવાની માણસની ટેવે એની બુદ્ધિને અંધારાથી ઘેરી નાખી છે; અને ઇશ્વર પ્રેમમય અને કરુણામય છે એમ જો મનુષ્ય ખરેખર માનતો હોત તો તે મનુષ્યેતર જીવો સાથે જે છૂટ લે છે તે લેતાં તેને કંપારી આવત. ગમે તેમ હો, મરણના ભયથી હું વાઘ, સાપ, ચાંચડ, મચ્છર વગેરેને મારું તોયે મારી નિરંતર પ્રાર્થના તો એ છે કે મને એવું જ્ઞાન પ્રાપ્ત થાય જેથી મરણ વિશેનો મારો ભય ટળે અને હું કોઇ પણ પ્રાણીની હિંસા કરવાની ના પાડું.
હરિજનબંધુ, ૧૦-૧-’૩૭
માનવજીવનથી ઉતરતી કક્ષાના જીવનનો ગાય શુદ્ધ નમૂનો છે. જીવવાળાં પ્રાણીઓમાં પ્રથમ દરજ્જો ધરાવનારા માણસ પાસેથી તેનાથી ઉતરતી કક્ષાના બધાયે જીવો માટે અન્યાય મેળવવાને તે તેમની વતી આપણી આગળ વકીલાત કરે છે.તેની આંખો વડે તે આપણને એવું કહેતી હોય એમ લાગે છે કે ‘તમને અમારી કતલ કરવાને અને અમારું માંસ તમારા આહારને માટે વાપરવાને અથવા અમને બીજી રીતે રંજાડવાને નહીં પણ અમારા મિત્ર તેમ જ વાલી થઇને રહેવા માટે અમારી ઉપર મૂકવામાં આવ્યા છે.
યંગ ઇન્ડિયા, ૨૬-૬-’૨૪
તે મારે સારુ કરુણાનું કાવ્ય છે. હું તેને પૂજું છું અને આખી દુનિયાની સામે થઇને તેની પૂજાનો બચાવ કરતો રહીશ.
યંગ ઇન્ડિયા, ૧-૧-’૨૫