૨૧. ધર્માન્તર
(પરદેશી મિશનરીઓને આપેલા ભાષણમાંથી)
તમે દેશમાં આવ્યા. તમે તો અમને નાસ્તિક તરીકે ગણી કાઢયા હીધન કહીને ગાળો દેતા આવ્યા. બિશપ હીબર જેવાએ હદ વાળી. તેણે ગાયું : ‘કુદરતનાં નિર્મળ દૃશ્યો ચોમેર આંખો ઠારે છે; માત્ર માણસો જ પાપીઓ જોવામાં આવે છે.’ અને ત્યાર પછી ખ્રિસ્તીઓની અનેક અનેક પેઢીઓએ એ ગીતને સ્તોત્રમાં દાખલ કરી, ગાઇને અમારા પ્રત્યેની ઘૃણાને કાયમ કરી. હું તમને કહું છું કે આ નાસ્તિક દેશ નથી. અહીં તો તમને ગરીબમાં ગરીબ ઘરમાં, ઢેડના ઘરમાં, મહારના ઘરમાં નામશુદ્રના ઘરમાં ઇશ્વરનું દર્શન મળશે. બ્રાહ્મણ, અબ્રાહ્મ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ધ - સૌ હિંદુ ધર્મમાંથી આશ્વાસન મેળવી રહ્યા છેે. એવા બ્રાહ્મણો પડ્યા છે કે જે શૂદ્રો અને કહેવાતા અસ્પૃશ્યોની સેવા કરવામાં ઇશ્વરનાં દર્શન કરી રહ્યા છે. એવી ત્યાગમૂર્તિઓ તમને બીજે ક્યાંયે જોવાની ન મળે. આ દેશને તમે વધારે ઓળખો. એની વધારે અનુસંધાન મેળવો, તમારા કાનને દાટા મારીને ન ફરો, આંખને બંધ કરીને ન ફરો, સૌથી ઉપરાંત તમારા હ્ય્દયનાં દ્ધાર ખુલ્લાં રાખીને આખા દેશમાં વિચરોે તો તમને આ પ્રભુની ભૂમિ લાગશે. તમે શીખવવાની ભાવનાં કરતાં શીખવાની ભાવનાથી દેશમાં ફરો તો પાર વગરનું શીખવાનું મળશે. તમને ખાતરીથી કહું છું કે આજ ઇશું મહાત્માં ઊતરી આવે તો જેણે એવું નામ પમ નથી સાંભળ્યું, અને તેનો ઉપદેશ જેને કાને નથી પડ્યો એવા સેંકડોને તે પોતાના અનુપાયી તરીકે સ્વીકારે. સ્થૂળ અક્ષરને ન વળગો. પણ આત્માને ઓળખો એમ માગું.
લૉર્ડ સૉલ્સબરીએ ચીનથી આવીને સરકારના બળનો આશ્રય માગનાર એક ડેપ્યુટેશનને કહેલું તે હું તમને યાદ દેવડાવું છું. તેણે કહેલું : ‘તમે, જેમણે ઇશ્વરની સેવા સ્વીકારી છે તેમને આ પૃથ્વીના રાજાની મદદ શા સારુ જોઇએ ? તમે એકલા ઇશ્વરની જ ઓથ લઇને પ્રચાર કરવા જાઓ. જ્યાં જાઓ ત્યાં ધડ ઉપરથી શીશ જુદું કરીને હથેલીમાં લઇ ચાલ્યા જાઓ, અને ઇશ્વરના સાચા સેવક બનો !’ અહીના મિશનરીઓ માટે પણ મને એમ લાગ્યું છે કે ઘણા સેવાધર્મને ભૂલ્યા છે, અને રાજકર્તા કોમના પોતે છે એમ માનવામાં ક્ષેમ માને છે.
ટૂંકામાં તમે આંકડા ન ગણાવો. તમારી પ્રગતિનો ઇતિહાસ કોઇ માગે તો તેની આગળ તમે કેટલા પરધર્મીઓને ખ્રિસ્તી કર્યા છે તેના આંકડા ન ધરો, પણ તમે લોકોનું કેટલું દુઃખ ટાળી શક્યા, કેટલા તેમનાં સુખદુઃખમાં ભાગી થઇ શક્યા છો તે બતાવો, મારે દુઃખની સાથે કહેલું પડે છે કે તમે સારગ્રાહી વૃત્તિ નથી કેળવી, લોકોની સાથે ઓતપ્રોત થવાની વૃત્તિ નથી કેળવી, તમે તમારા હ્ય્દયની દ્ધાર ખુલ્લાં નથી રાખ્યાં. એ શક્તિ મેળવો અને કેળવો. ઇશ્વર સૌનું ભલું કરો.
નવજીવન, ૯-૮-૨૫
હું માનું છું કે દયાધર્મના કાળના બુરખા તળે કહેલું વટલાવવાનું કામ એ કંઇ નહીં તો નરવું નથી. અહીંયાં લોકો એની સામે ચોખ્ખી ચીડ ધરાવે છે. આખરે તો ધર્મ એ અતિશય ઊંડી વ્યક્તિગત વસ્તુ છે, તે હ્યદયગુહાને સ્પર્શ કરનારી છે. ખ્રિસ્તી ધર્મ પાળનારા કોઇ ડૉક્ટર મારો કોઇ રોગ મટાડવો એ કારણે મારે મારો ધર્મ શા સારુ બદલવો જોઇએ ? અથવા હું ડૉક્ટરની અસર તળે હોઉં એ દરમ્યાન આવા ફેરફારની આશા કે સૂચના તેણે શા સારુ કરવી જોઇએ ? ડૉક્ટરી સેવા એ જ શું પોતે પોતાનું વળતર અને સંતોષ નથી ? અથવા તો હું પાદરીઓની શિક્ષણસંસ્થામાં હોઉં તે દરમ્યાન મારા પર ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ શા માટે લાદવું જોઇએ ? મારે મતે તો આ રિવાજો ઉન્નતિકારક નથી, અને ગુપ્ત વિરોધ નહીં તો સંશય તો પેદા કરે જ છે. ધર્માંતરની રીતોને વિસે સીઝરની રાણીની જેમ સંશયને લેશ પણ અવકાશ ન હોવો જોઇએ. ધર્મ એ પાર્થિવ વિષયોની પેઠે અપાતો નથી. તે તો હ્ય્દયની ભાષા મારફતે અપાય છે. કોઇ માણસમાં જીવતો ધર્મ હોય તો જેમ ગુલાબનું ફૂલ પોતાની સુગંધ ફેલાવે છે તેમ તે પોતાનો પ્રકાશ ફેલાવ્યા વિના રહેતો નથી. તે આંખને અગોચર હોવાનો લીધે ફૂલની પાંખડીઓના રંગની દેખીતી શોભાના કરતાં તેની અસર ઘણી વધારે વ્યાપક થાય છે.
એટલે હું ધર્માંતરની વિરુદ્ધ નથી, પણ તેની આધુનિક રીતોની વિરુદ્ધ છું. ધર્માંતરે આજકાલ બીજી કોઇ પણ વસ્તુની જેમ એક વેપારનું રૂપ લીધું છે. પાદરીઓના એક નિવેદનમાં દર માણસ દીઠ ધર્માંતરનું કેટલું કરચ આવે છે તે આપેલું અને પછી ‘આવતા પાર્ક’ને માટે અંદાજપત્ર રજૂ કરેલું તે વાંચ્યાનું મને યાદ છે.
હા, હું અવશ્ય કહું છું કે, ભારતવર્ષના મહાન ધર્મો તેને માટે પૂરતા છે. ખ્રિસ્તી અને પહૂદી ધર્મો ઉપરાંત હિંદુ ધર્મ અને તેની શાખાઓ, ઇસ્લામ અને પારસી ધર્મ એ જીવતા ધર્મો છે. કોઇ પણ એક ધર્મ સંપૂર્ણ નથી. બધા ધર્મો તે તે ધર્મના અનુયાયીઓને સરખા વહાલા ચે. દરેક કોમ પોતાનો ધર્મ બાકીના બીજા કરતાં ચડિયાતો સિદ્ધ કરવાના વ્યર્થ પ્રયત્ન કરે એની આજે જરૂર નથી; ખરી જરૂર તો જગતના મહાન ધર્મોના અનુયાયીઓ વચ્ચે મિત્રાચીરીના સંબંધની છે. એવા મિત્રાચારીના સંબંધ દ્ધારા આપણે સૌ પોતપોતાના ધર્મોની ખામીઓ અને મેલને દૂર કરી શકીશું.
ઉપર મેં જે કહ્યું તે પરથી એ ફલિત થાય છે કે મારા ખ્યાલમાં એવા ધર્માંતરની હિંદુસ્તાનને જરાયે જરૂર નથી. આત્મશુદ્ધિ, આત્મસાક્ષાત્કારના ધર્માંતર એ આજની મોટામાં મોટી જરૂરિયાત છે. પણ એ વસ્તુ તે વટાળનો જે અર્થ હમેશાં થતો આવ્યો છે તે નથી જ. જેઓ હિંદુનું ધર્માંતર કરવા માગે છે તેમને એમ ન કહી શકાય કે ‘વૈદ તું પોતાને જ સાજો કર ને !’
નવજીવન, ૨૬-૪-’૩૧
મારી જુવાનીમાં એક હિંદુ પોતાનો ધર્મ બદલી વિશ્વાસી થયેલો તેનું મને સ્મરણ છે. આખું શહેર સમજ્યું કે એક સંસ્કારી હિંદુએ ધર્માંતર કરી ઇશુને નામે ગોમાંસ ખાવા માંડયું ને દારૂ પીવા માંડ્યો અને પોતાનો રાષ્ટ્રીય પહેરવેશ તજી દીધો. પછીનાં વર્ષોમાં મને ખબર પડી કે વટલાઇને ધર્માંતર કરનાર આવા ભાઇ, મારા કેટલાયે મિશનરી મિત્રોના શબ્દોમાં, બંધનવાળા જીવનમાંથી નીકળીને મુક્તિના જીવનમાં અને કંગાળ હાલતમાંથી સમૃદ્ધિની હાલતમાં પ્રવેશ કરે છે. આખાયે હિંદુસ્તાનમાંએક છેડેથી બીજે છેડે ભ્રમણ કરતાં હું જોઉં છું કે કેટલાયે ખ્રિસ્તી હિંદીઓને ઘણુંખરું પોતાના જન્મની મને અવશ્યપણે પોતાના પૂર્વજોના ધર્મની અને પહેરવેશની નાનમ લાગે છે. ઍગ્લો-ઇન્ડિયનો યુરોપિયનોની જે વાંદરનકલ કરે છે તે તો ખરાબ છે જ પણ ખ્રિસ્તી ધર્મમાં વટલાયેલા હિંદીઓ તેમની જે નકલ કરે છે તે તેમના દેશનો અને આગળ ચાલીને કહું કે તેમના નવા ધર્મનો પણ દ્રોહ છે. બાઇબલના નવા કરારમાં વિશ્વાસીઓને આદેશનું એક એવું વચન છે કે તમારા પડોશીને સૂગ ચડતી હોય તો માંસ ખાશો મા. હું માનું છું કે અહીં માંસના આહારમાં દારૂ પીવાની અને પહેરવેશની વાતનો સમાવેશ થઇ જાય છે. જૂના રિવાજોમાં જે કંઇ બૂરું હોય તે બધાનો સદંતર ત્યાગ કરવાની વાત હું સમજી શકું છું પણ જ્યાં કોઇક જૂનો રિવાજ આવકારવા લાયક પણ હોય છતાં પોતાનાં સગાંવહાલા અને મિત્રોની લાગણીને ઊંડી રીતે દૂભવીને તેનો ત્યાગ કરવો એ ગુનો છે. ધર્માંતરનો અર્થ રાષ્ટ્રીયતાનો ત્યાગ કદી ન હોય. જૂનામાં રહેલી બૂરાઇનો સ્પષ્ટપણે ત્યાગ, નવામાં રહેલાં બધાંયે સારાં તત્ત્વોનો અંગીકાર અને નવામાં રહેલી બધીયે બૂરાઇનો સ્પષ્ટપણે ત્યાગ, નવામાં રહેલાં બધાંયે સારાં તત્ત્વોનો અંગીકાર અને નવામાં રહેલી બધીયે બૂરાઇઓનો ચીવટપૂર્વક ત્યાગ એટલો ધર્માંતરનો અર્થ હોય. તેથી ધર્માન્તરનો અર્થ પોતાના દેશની સેવાને માટે વધારે ઊંડું સમર્પણ, વધારે ઊંડી ઇશ્વરશરણતાની ભાવના અને વધારે આત્મશુદ્ધિ હોય.... ઘણા ખ્રિસ્તી હિંદીઓ પોતાની માતૃભાષાનો ત્યાગ કરે છે અને પોતાનાં બાળકો કેવળ અંગ્રેજી બોલતાં થાય એ ઢબે તેમને ઉછેરે છે અને બીના સાચે જ અફસોસ કરવા જેવી નથી કે ? આમ કરીને એ લોકો જે પ્રજાની વચ્ચે પોતાને જીવન વિતાવવાનું છે તેનાથી સમૂળગા કપાઇ જઇ આળગા પડી જતા નથી કે ?
નવજીવન, ૨૦-૮-’૨૫
ધર્મ સંદેશને જીવનમાં ઉતારવો એ આદિ, મધ્ય તેમ જ અંતમાં સૌથી અસરકારક માર્ગ છે. એ સંદેશા વિશેનાં ભાષણો મારા કાનને અકારાં લાગે છે, મારા મન પર એની કશી અસર થતી નથી, અને જે પાદરીઓ ભાષણ દ્ધારા ઉપદેશ કરે છે તેને વિશે હું વહેમાઇ જાઉં છું. પણ જે પાદરીઓ કદી ઉપદેશ આપતા નથી અને એ સંદેશાને યથાશક્તિ આચરણમાં ઉતારે છે તે મને ગમે છે. એમનાં જીવન મૂક હોય છે, છતાં એ ધર્મની પ્રતિમારૂપે જીવે છે, ને એનો સૌથી વધારે પ્રભાવ પડે છે. તેથી શો ઉપદેશ આપવો એ તો હું નહીં કહી શકું; પણ હું એટલું કહી શકું ખરો કે સેવા અને અતિશય સાદાઇમાં જીવન ગાળવું એ જ ઉત્તમ ઉપદેશ છે. ગુલાબના ફૂલને કંઇ ઉપદેશ આપવાની જરૂર પડતી નથી. તે તો માત્ર પોતાની સુગંધ ફેલાવે છે. એની સુગંધ એ જ એનું પ્રવચન છે. ગુલાબના ફૂલનાં જો મનુષ્યના જેવી સમજ હોત ને તે અનેક ઉપદેશકો રાખી શકત તો ફૂલની સુવાસને લીધે જેટલાં ફૂલો વેચાય એના કરતાં ઉપદેશકો વધારે ન વેચી શકત. ધાર્મિક જીવનની સુવાસ ગુલાબના કરતાં ઘણી વધારે મધુર અને સુક્ષ્મ હોય છે.
હરિજનબંધુ, ૩૧-૩-’૩૫
હું જેમ મારો ધર્મ બદલવાનો વિચાર ન કરું તેમ ખ્રિસ્તી કે મુસલમાન કે પારસીને તેનો ધર્મ બદલવાનું વિચાર પણ ન કરું. આને લીધે, મારા ધર્મના અનુયાયીઓની અનેક ત્રુટિઓ વિશે હું દુર્લક્ષ કરું છું તેથી વધારે દુર્લક્ષ એ ધર્મના અનુયાયીની ત્રુટિઓ વિશે નથી કરતો. અને હું જોઉં છું કે મારા આચરણને મારા ધર્મના આદર્શ સુધી ચડાવવાનો પ્રયત્ન કરવામાં ને એનો મારા સહધર્મીઓને ઉપદેશ કરવામાં મારી બધી શક્તિ ખરચાઇ જાય છે, એટેલે બીજા ધર્મના અનુયાયીઓને ઉપદેશ કરવાનો હું સ્વપ્ને પણ વિચાર કરતો નથી. ‘બીજાના કાજી ન બનશો, નહીં તો તમારો પણ ન્યાય તોળાઇ જશે,’ એ મનુષ્યના આચરણને માટે સુર્વણનિયમ છે. મારા મનમાં દિવસે દિવસે દૃઢ પ્રતીતિ થતી જાય છે કે મોટાં ને સમૃદ્ધ એવાં ખ્રિસ્તી મિશનોજો હિંદુસ્તાનને અથવા તો એના ભોળા ગ્રામવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો અને એ રીતે એમની સમાજરચનાનો નાશ કરવાનો નિશ્ચય કરે તો તેઓ હિંદુસ્તાનની સાચી સેવા કરશે. હિંદુ સમાજરચનામાં ઘણી ખામીઓ હોવા છતાં તે અતિ પ્રાચીન કાળથી આજ લગી અંદરના તેમ જ બહારના અનેક હુમલાઓની સામે અડગ અવિચળ ઊભી રહેલો છે : પાદરીઓ અને આપણે ઇચ્છીએ કે નહીં તોયે હિંદુ જેટલું સત્ય છે તે શાશ્વત રહેશે, અને જેટલું અસત્ય છેતેના ભાંગીને ભૂકા થઇ જશે. દરેક જીવતા ધર્મને જો જીવતા રહેવું હોય તો તેની અંદર જ નવો પ્રમાણ મેળવવાની શક્તિ હોવી જોઇએ.
શુદ્ધિ અને તબલીઘ
મારા અભિપ્રાય પ્રમાણે તો ખ્રિસ્તી ધર્મમાં અમે એથી ઓછા પ્રમાણમાં ઇસ્લામમાં જેમ પરધર્મીને વટલાવીને પોતાના ધર્મમાં લેવાનો વિધિ રહેલો છે તેવી વસ્તુ હિંદુ ધર્મમાં છે જ નહીં. આ બાબતમાં આર્યસમાજિસ્ટોએ ખ્રિસ્તીઓનું અનુકરણ કર્યું હોય એમ જણાય છે. આ આધુનિક પદ્ધતિ મને બિલકુલ રુચતી નથી. એનાથી અત્યાર સુધીમાં શ્રેયને બદલે અશ્રેય જ વધારે થયું છે. ધર્માન્તર એ કેવળ અંતઃકરણને લગતી અને માણસ અમે તેના સર્જનહારને લગતી બાબત મનાતી હોવા છતાં એને અંગે મુખ્યત્વે સ્વાર્થવૃત્તિને જાગ્રત કરવામાં આવે છે. એટલી બજારુ ચીજ એને કરી મેલવામાં આવી છે. મારી હિંદુ ધર્મવૃત્તિ તો મને શીખવે છે કે બધા જ ધર્મો ઓછેવત્તે અંશે સાચા છે. બધાની ઉત્પત્તિ એક જ ઇશ્વરમાંથી છે, એના છતાં બધા ધર્મ અપૂર્ણ છે કારણ કે તે અપૂર્ણ એવા મનુષ્ય દ્ધારા આપણને મળેલા છે. ખરી શુદ્ધિ પ્રવૃત્તિ તો હું એને કહું કે દરેક સ્ત્રી અગર પુરુષ પોતપોતાના ધર્મોમાં રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરવા મથે. આવી ગોઠવણમાં ચારિત્ર એ જ માણસની કસોટી હોય. જો માણસ નીતિમાં ચડીયાતો ન થાય તો એક વાડામાંથી નીકળી બીજામાં પેસવાથી શું વળવાનું હતું ? જ્યાં મારા ઘરમાં વસનારાં જ પ્રતિક્ષણ પોતાનના આચારવ્યવહારમાં ઇશ્વરનો છડેચોક ઇન્કાર કરી રહ્યાં હોય ત્યાં હું એ ઇશ્વરની સેવાને સારુ બહારનાઓને વટલાવીને ઘરમાં લાવવાનો પ્રયત્ન કરું (કારણ શુદ્ધિ અગર તો તબલીઘનો અર્થ આવો જ માનવો રહ્યો છે) તો એવા પ્રયત્નનો અર્થ જ શો હોઇ શકે ? ‘પોતાના પગ નીચે બળતું પહેલું હોલવ’ એ કહેવત અત્યારે દુન્યવી કરતાં ધાર્મિક વહેવારમાં જ વધુ સાચી નીવડે છે.
નવજીવનનો વધારો, ૨૯-૫-’૨૪