Satya ae j Ishwar chhe - 14 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 14

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 14

૧૪. કેવી રીતે, કોને અને ક્યારે પ્રાર્થના કરવી

“ઇશ્વરભજન - પ્રાર્થના કેવી રીતે ને કોની કરવી એ સમજાતું નથી. અને તમે તો વારંવાર પ્રાર્થના કરવાનું લખો છો; એ કેમ થાય એ સમજાવશો ?”

આમ એક જણ પૂછે છે. ઇશ્વરભજન એટલે તેના ગુણનું ગાન; પ્રાર્થના એટલે આપણી અયોગ્યતાનો, આપણી અશક્તિનો સ્વીકાર. ઇશ્વરનાં સાહસ્ત્ર એટલે અનેક નામ છે, અથવા કહો કે તે નનામો છે. જે નામ આપણને ગમી જાય તે નામથી આપણે ઇશ્વરને ભજીએ, પ્રાર્થીએ. કોઇ તેને રામ નામે ઓળખે છે, કોઇ કૃષ્ણ નામે; કોઇ તેને રહીમ કહે છે, તો કોઇ તેને ગૉડ કહે છે. એ બધા એક જ ચૈતન્યને ભજે છે. પણ જેમ બધો ખોરાક રુચતો નથી, તેમ બધાં નામ બંધાને રુચતાં નથી. જેને જેનો સહવાસ હોય છે તે જ નામે તે ઇશ્વરને ઓળખે છે, અને તે અંતર્યામી સર્વશક્તિમાન હોવાથી આપણા હ્ય્દયના ભાવ ઓળખી, આપણી યોગ્યતા પ્રમાણે આપણને જવાબ આપે છે.

એટલે કે પ્રાર્થના કે ભજન જીભથી ન થાય પણ હ્ય્દયથી થાય. તેથી જ મૂંગાં, તોતડાં, મૂઢ પણ પ્રાર્થના કરી શકે છે. જીભે અમૃત હોય ને હ્યદયે હલાહલ હોય તો જીભનું અમૃત શા કામનું ?કાગળના ગુલાબમાંથી સુગંધ કેમ નીકળે ? તેથી જેને સીધી રીતે ઇશ્વરને ભજવો છે તે તેને પોતાના હ્ય્દયને ઠેકાણે બેસાડે. હનુમાનની જીભે જે રામ હતો તે જ તેના હ્ય્દયનો પણ સ્વામી હતો, અને તેથી જ તેનામાં અપરિમિત બળ હતું. વિશ્વાસે વહાણ ચાલે છે, વિશ્વાસે પાર્વત ઉપાડાય છે, વિશ્વાસે સમુદ્ર ઉપરથી કૂદકો મરાય છે; તેનો અર્થ એ છે કે જેના હ્યદયમાં સર્વશક્તિમાન ઇશ્વર વસે છે તે શું ન કરી શકે ?ભલે કોઢિયો હોય કે ક્ષયનો રોગી હોય, જેના હ્ય્દયમાં રામ વસે છે તેના બધા રોગનો સર્વથા નાશ થઇ જાય છે.

આવુ હ્ય્દય કેમ થાય ? એ સવાલ પ્રશ્નકારે નથી પૂછ્યો પણ મારા જવાબમાંથી ઉદ્‌ભવે છે. મોઢેથી બોલતાં તો આપણને હરકોઇ માણસ શીખવી શકે, પણ હ્ય્દયની વાણી કોણ શીખવે ? એ તો ભક્તજન શીખવે. ભક્ત કોને કહેવો એ ગીતાજીમાં ત્રણ જગ્યાએ ખાસ અને બધી જગ્યાએ સામાન્ય રીતે શીખવ્યું છે. પણ તેની સંજ્ઞા કે વ્યાખ્યા જાણવાથી કંઇ ભક્તજન મળી રહેતા નથી. આ જમાનામાં એ દુર્લભ છે. તેથી તો મેં સેવાધર્મ સૂચવ્યો છે. જે પારકાની સેવા કરે છે તેના હ્યદયમાં ઇશ્વર પોતાની મેળે, પોતાની ગરજે આવીને વાસ કરે છે. તેથી જ અનુભવજ્ઞાન મેળવેલા નરસિંહ મહેતાએ ગાયું કે,

‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે.’

અને પીડિત કોણ છે ? અંત્યજ અને કંગાળ. એ બેની સેવા તનથી, મનથી અને ધનથી કરવાની રહી. અંત્યજને અસ્પૃશ્ય ગણે તે તેની તનથી સેવા શું કરવાના હતા ? જેઓ કંગાળને અર્થે રેંટિયો ચલાવવા જેટલું પણ શરીર ચલાવતાં આળસ કરે, અનેક બહાનાં કાઢેં, તે સેવાનો મર્મ જાણતા જ નથી. કંગાળ જે અપંગ હોય તેને સદાવ્રત અપાય પણ જેને હાથપગ છે તેને વગર મહેનતે ભોજન આપવું તે તો તેનું પતન કર્યા બરાબર છે. જે માણસ કંગાળની સામે બેઠો રેંટિયો ચલાવે છે ને તેને રેંટિયો ચલાવવાને સારુ નોતરે છે, તે ઇશ્વરની અનન્ય સેવા કરે છે. ‘જે મને પત્ર, પુષ્પ, પાણી, ઇ૦ ભક્તિપૂર્વક આપે છે તે મારો સેવક છે,’ એમ ભગવાને કહ્યું છે. ભગવાન કંગાળને ઘેર વધારે વસે છે, એ તો આપણે નિરંતર સિદ્ધ થતું જોઇએ છીએ. તેથી કંગાળને અર્થે કાંતવું એ મહાપ્રાર્થના છે, એ મહાયજ્ઞ છે, એ મહાસેવા છે.

હવે પ્રશ્નકારનો જવાબ આપી શકાય. ઇશ્વરની પ્રાર્થના ગમે તે નામે કરાય. કરવાની રીત હ્ય્દયથી પ્રાર્થના કરવામાં છે, હ્ય્દયથી પ્રાર્થના શીખવાનો માર્ગ સેવાધર્મ છે. આ યુગમાં જે હિંદુ અંત્યજની સેવા હ્ય્દયથી કરે છે તે શુદ્ધ પ્રાર્થના કરે છે. હિંદુ તેમ જ હિંદુસ્તાનના બીજા વિધર્મી કંગાળોને અર્થે જે હ્ય્દયપૂર્વક રેંટિયો ચલાવે છે તે પણ સેવાધર્મ આચરે છે અને હ્યદયની પ્રાર્થના કરે છે.

નવજીવન, ૨૦-૯-’૨૫

પ્રાર્થના અથવા પૂજામાં કેટલો સમય આપવો, અને કંઇ મર્યાદા બંધાય ? એ તો જેવી જેની પ્રકૃતિ. પૂજાનો સમય એ જીવનનો અમૂલ્ય સમય છે. એ પૂજા એટલા માટે આપણે કરીએ છીએ કે તેથી આપણે વિવેકથી વિનમ્ર થઇ ઇશ્વરની સત્તા વિના એક તરણું સરખું પણ હાલતું નથી એ વસ્તુનું જ્ઞાન મેળવીએ, આપણે તો માત્ર એ મહા પ્રજાપતિના હાથમાં માટીરૂપ છીએ એવું ભાન મેળવીએ. એ સમય એવો છે કે જ્યારે માણસ ગઇ કાલે શું કર્યું તેનો વિચાર કરી લે છે. પોતાની ભૂલોની કબૂલાત કરે છે, તેને માટે ક્ષમા માગે છે, અને સુધરવાનું બળ માગે છે. આને માટે કોકને એક પળ પણ બસ થાય, અને કેટલાકને આખો દિવસ પણ પૂરો ન થાય. જેમનામાં રગેરગ ઇશ્વર વ્યાપેલો છે તેનું તો પ્રત્યેક હલનચલન, પ્રત્યેક પ્રવૃત્તિ પૂજારૂપ છે. તેઓનું ચાલવું હાલવું ‘પરિકમ્મા’ છે. અને તેઓનું કર્મમાત્ર સેવા છે. પણ જેઓનો જન્મારો પાપ વિના જતો નથી, જેઓ ભોગ અને સ્વાર્થનું જીવન ગાળે છે તેઓ તો જેટલી પ્રાર્થના કરે તેટલી ઓછી. જો તેમનામાં ધૈર્ય અને શ્રદ્ધ હોય, અને પવિત્ર થવા સંકલ્પ હોય, તો જ્યાં સુધી પોતાના હ્યદયમાં ઇશ્વરનો વાસ તેઓન અનુભવે ત્યાં સુધી પ્રાર્થના કરવી ચાલુ રાખશે. આપણા જેવા સામાન્ય માણસો માટે આ બે છેડા વચ્ચેનો માર્ગ બરાબર છે. આપણે એટલા ચડેલા નથી કે આપણું કાર્યમાત્ર સહજ સમાધિરૂપ છે એમ આપણે કહી શકીએ, અથવા તો આપણે છેક પેટભરા છીએ એમ પણ ન કહેવાય. એટલે દરેક ધર્મમાં સામુદાયિક પ્રાર્થનાને માટે સમય અલગ નિયત કરેલો છે. દુર્ભાગ્યે આજકાલ આ પ્રાર્થના કેવળ યાંત્રિક થઇ ગઇ છે, અને પાખંડ નહીં તો કેવળ બાહ્ય આચાર જ તેમાં ભરેલો છે. એટલે આજે તો પ્રાર્થના ખરા ભાવથી થવાની જરૂર છે.

ઇશ્વરની પાસે કોઇ યાચનારૂપ પ્રાર્થના તો પોતપોતાની ભાષામાં જ થાય. અને પ્રાણીમાત્રની પ્રત્યે આપણે ન્યાયથી, પ્રેમભાવથી વર્તતાં શીખીએ એ યાચના કરતાં વધારે ભવ્ય યાચના ઇશ્વર પાસે કઇ કરી શકાય ?

નવજીવન, ૧૩-૬-’૨૬