Satya ae j Ishwar chhe - 8 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 8

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 8

૮. ઇશ્વર દરિદ્રનારાયણને સ્વરૂપે

જેને નામ આપી શકાતું નથી અને માણસની બુદ્ધિથી જેનો પાર પામી શકાતો નથી તે ઇશ્વરને ઓળખવાને માણસજાતે પાડેલાં કોટિકોટિ નામોમાંનું એક નામ દરિદ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઇશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઇશ્વર એવો થાય છે.

યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯

તમને ખબર છે કે ગરીબોને પેટ સિવાય બીજી કોઇ વાતની ચિંતા નથી, ચિંતા કરવાની ફૂરસદ નથી ? તેમની પાસે રાજનીતિ નથી, દેશસેવા નથી, ઇશ્વરભક્તિ પણ નથી. તેમને તો તમે રોટલો આપો તો કંઇક વિચાર કરતા કરી શકો છો. જે વિચારશૂન્ય જ થઇને પડેલા છે, તેમને તમે વિચાર કરતા કરવા માગતા હો તો તેમનેજે વસ્તુની ભૂખ પ્રથમ છે તે તેમની આગળ ધરવી જોઇએ. એવાં લાખો ભુખે મરતાં પડ્યાં છે કે જેમની આગલ ઇશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે તેવો કોઇ રસ્તો બતાવશો તો તેમને ઇશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમ અને ઇશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઇ સાંભળવાનું નથી.

નવજીવન, ૧-૫-’૨૭

ખુદ આ મારા હાથે તેમની પાસેથી તેમનાં ચીંથરામાં તાણીને બાંધેલી મેલી પાઇઓ મેં એકઠી કરી છે. એમની આગળ આધુનિક પ્રગતિની વાતો શી કરવી ? એમની આગળ ફોકટનું નામ લઇ એમનુ અપમાન શું કરવું ? એમને ઇશ્વરની વાતો કરવા જઇશું તો એઓ આપણને ઘાતકી રાક્ષસો કહેશે. એ લોકો કોઇ ઇશ્વરને ઓળખતા જ હશે તો ભયંકર ત્રાસ ગુજારનારા વેરી ઇશ્વર લેખે અને નિર્દય જુલમગાર તરીકે ઓળખતા હશે.

યંગ ઇન્ડિયા, ૧૫-૯-’૨૭

તેમની આગળ ઇશ્વરનું નામ મૂકવાની મારી હિંમત નથી ચાલતી. એ ભૂખ્યાં કરોડો જેમની આંખમાં જરાયે તે જ નથી અને રોટલો એ જ જેમનો ઇશ્વર છે તેમની આગળ ઇશ્વરનું નામ મુકવું અને પેલા કૂતરા આગળ મૂકવું બરાબર છે. તેમની આગળ ઇશ્વરનો સંદશો લઇ જવો હોય તો મારે તેમની આગળ પવિત્ર પરિશ્રમનો સંદેશો લઇ જવો જોઇએ. મજાનો નાસ્તો લઇને અહીં બેઠા હોઇએ અને એથીયે મજાના ભોજનની રાહ જોતા હોઇએ તે વખતે ઇશ્વરની વાત કરવી ઠીક છે; પણ જે કરોડોને બે ટંક ખાવાનું પણ નથી મળતું તેમને મારે ઇશ્વરની વાત શી રીતે કરવી ? એમને તો ઇશ્વર રોટલા ને ઘી રૂપે જ દર્શન દઇ શકે. હિંદુસ્તાનના ખેડૂતોને રોટલો તો તેમની જમીનમાંથી મળી રહે છે. મેં તેમની આગળ રેંટિયો મૂક્યો તે એટલા માટે કે તેમને ઘી મળી શકે. અને હું આજે... કચ્છ પહેરીને આવ્યો છું તેનું કારણ એ છે કે હું એ અર્ધભૂખ્યા, અર્ધનગ્ન, મૂંગા કરોડોનો એકમાત્ર પ્રતિનિધિ બનીને આવ્યો છું.

નવજીવન, ૧૮-૧૦-’૩૧

મારા કરોડો બાંધવોને હું ઓળખું છું એવો મારો દાવો છે. દિવસનો એકેએક કલાક હું તેમની સાથે હોઉં છું. મારા કરોડો મૂંગા બાંધવોના હ્યદયમાં જોવા મળતા ઇશ્વર સિવાયના બીજા કોઇ ઇશ્વરને હું ઓળખતો ન હોવાથી પહેલી ને છેલ્લી ફિકર મને તેમની રહે છે. બેશક, તેમને તેની હાજરીનો અનુભવ થતો નથી; મને થાય છે. અને એ કરોડોની સેવા મારફતે જે ઇશ્વર સત્ય ઇશ્વર છે તેને અથવા જે સત્ય એ જ ઇશ્વર છે તેને હું ભજું છું.

હરિજન, ૧૧-૩-’૩૯

હું સૂચવું છું કે એક રીતે આપણે ચોર છીએ. તરત મારે જેની જરૂર નથી તેવું કંઇક લઇને મારી પાસે સંઘરી રાખું તે હું બીજા કોઇકની પાસેથી ચોરી લઉં છું. કોઇ પણ અપવાદ વગરનો કુદરતનો પાયાનો કાનૂન છે કે તે આપણી જરૂરિયાતો જેટલું રોજેરોજ પેદા કરે છે; અને હરેક જણ પોતાની જરૂર પૂરતું જ લે ને વધારે જરાયે ન લે તો આ જગતમાં ગરીબી હોય નહીં, આ જગતમાં કોઇનેયે ભૂખરમાથી મરવાનું રહે નહીં.

મહાત્મા ગાંધી (૧૯૧૮), પા. ૧૮૯

હિંદમાં આપણા એવા કરોડો બાંધવો છે જેમને દિવસમાં એક ટંક ખાઇને ચલાવી લેવું પડે છે. અને તે એક ટંકના આહારમાં ઘી વગરનો સૂકો રોટલો નેે મીઠાની ચપટીથી વધારે કંઇ હોતું નથી. આ કરોડોનમે પહેરવાને કપડું ને ખાવાને અનાજ ન મળે ત્યાં લગી ખરેખર આપણી પાસે જે કંઇ હોય તેના પર તમારો કે મારો કશોયે અધિકાર નથી. તમારે ને મારે વધારે સાચો ખ્યાલ રાખીને આપણી જરૂરિયાતોનો આ સંજોગો સાથે મેળ બેસાડવો જોઇએ અને તે બધાયની માંદગીમાં માનજત થાય, તેમને ખાવાનું મળે ને તેમને પહેરવાને કપડું મળે તે સારુ રાજીખુશીથી તંગી પણ વેઠવી જોઇએ.

મહાત્મા ગાંધી (૧૯૧૮), પા. ૧૮૯