Satya ae j Ishwar chhe - 3 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 3

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 3

૩. કેવળ એક ઇશ્વર છે

મારે મન ઇશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે; ઇશ્વર પ્રકાશ તથા આનંદનું ધામ છે. અને છતાં આ સર્વથી ઊંચે તથા પર છે. ઇશ્વર અંતઃકરણની પ્રવૃત્તિ છે, નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે. કારણ પરમ પ્રેમસ્વરૂપ હોઇ ભગવાન નાસ્તિકને પણ જીવવા દે છે. તે અંતર્યામી છે. વાણી તથા બુદ્ધિ તેને પામી શકતી નથી. આપણે આપણને તથા આપણા હ્ય્દયને જાણીએ છીએ તેકરતાં તે વધારે સારી રીતે જાણે છે. તે આપણા બોલ્યા સામું જોતો નથી, કારણ તે જાણે છે કે આપણે જાણીને અથવા અજાણતાં જેમ આવે તેમ બોલી નાખીએ છીએ. જેને મૂર્તિ સ્વરૂપે ભગવાનની હાજરી જોઇએ તેની આગળ તે મૂર્ત સ્વરૂપે દર્શન દે છે. જેને તેનો સત્ત્વસ્વરૂપે છે. શ્રદ્ધાળુને તે કેવળ સત્‌સ્વરૂપે છે. માણસ જેમ તેને પ્રપન્ન થાય તેમ તે તેને ફળ આપે છે. તે આપણા અંતરમાં છે છતાં આપણાથી પર છે. મહાસભામાંથી ઇશ્વર શબ્દનો ભલે કોઇ બહિસ્કાર કરે પણ કોઇનો ભાર નથી કે પરમ પદાર્થને દૂર કરી શકે. ‘પ્રતિજ્ઞાપૂર્વક’ કહેવુંએ ‘ઇશ્વરને સાક્ષી રાખીને’ કહેવાની બરાબર જ નથી તો શું છે ? અને ‘અંતર્નાદ’ એ ત્રણ અક્ષરના સાદા સમુદાય ‘ઇશ્વર’નું દીન તથા સીદી ભાઇના ડાબા કાન જેવું વિવરણ જ છે. ઇશ્વરને નામે હડહડતા અનાચાર અથવા પશુ જેવા કામ થાય તેથી ઇશ્વરને કાંઇ બાધ આવતોે નથી. તે અત્યંત ક્ષમાવાન છે. તે સહનશીલ છે. પણ તે ભયંકરેય છે. આ લોકમાં તથા પરલોકમાં પાઇએ પાઇનો હિસાબ લેનાર એના જેવો કોઇ નથી. આપણા સંબંધી મનુષ્ય તથા પશુને જેમ આપણે રાખીએ તેમ તે આપણને રાખે છે.આપણે અજ્ઞાન છીએ એવો બચાવ એની પાસે ચાલતો નથી. પણસાથે સાથે તે સદાય ક્ષમાવાન છે, કારણ તે સદાય આપણને પશ્ચાત્તાપ કરવાની તક આપે છે. સ્વતંત્રતાનો પક્ષપાતી એના જેવોએકે નથી. કારણ સત્‌ તથા અસત્‌ના વિવેક વિશે તે આપણને પૂરેપૂરિ સ્વતંત્રતા આપે છે. જુલમી પણએનાજેવો કોઇ નથી, કારણ તે વારંવાર આપણી કરી કમાણી એક ક્ષણમાં ધૂળમાં મેળવે છે અને આપણને સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપવાને મિષે એટલી મિથ્યા છીએ, તે જ કેવલ સત્ય છે. અને આપણે સત્યસ્વરૂપ બનવું હોય તો અહનિંશ આપણે તેનું ભજનકીર્તન કરીએ અને તેની આજ્ઞાનું પાલન કરીએ. એની વાંસળીના સૂર પ્રમાણે નૃત્ય કરીએ બધાં રૂડાં વાનાં થાય.

નવજીવન, ૮-૩-’૨૫

અદ્રૈતવાદ અને ઇશ્વર

(એક સજ્જને પૂછેલા પ્રશ્ના જવાબમાં ગાંધીજીએ નીચે પ્રમાણે લખ્યું.)

મને હું અદ્રૈતવાદી માનું છું ખરો પણ દ્રૈતવાદનુંયે હું સમર્થન કરી શકું છું. સૃષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસત્ય, અસ્તિત્વરહિત કહેવાઇ પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહો, તે રૂપે છે એમ પણ જોઇ શકીએ તેથી તે સત્ય પણ છે. તેથી તેને સત્યાસત્ય કહો તો મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી સ્યાદ્‌વાદી માનવામાં આવે તો બાધ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખું છું તે રીતે માનનારો છું, પંડિતો મનાવવા ઇચ્છે તેમ કદાચ નહીં જ. તેઓ મને વાદમાં ઉતારે તો હું હારી જાઉં. મેં તો મારા અનુભવે જોવું છે કે મારી દૃષ્ટિએ હું હમેશાં સાચો હોઉંછું. અને મારા પ્રમાણિત ટીકાકારની દષ્ટિએ હું ઘણી વાર ભૂલેલો ગણાઉં છું તે તે દૃષ્ટિએ અમે બંને સાચા હોઇએ છીએ એ હું જાણું છું. એ જાણવાથી કોઇને હું સહસા જૂઠો, કપટી વગેરે માની જ નથી શકતો. સાત આંધળાએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પોતપોતાની દૃષ્ટિએ સાચા હતા, એકબીજાની દષ્ટિએ ખોટા હતા ને જ્ઞાનીની દૃષ્ટિએ સાચાખોટા હતા. આ અનેકાંતવાદ મને બહું પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની પરીક્ષા મુસલમાનની દૃષ્ટિએ, ખ્રિસ્તીની તેની દૃષ્ટિએ કરતાં શીખ્યો. મારા વિચારોને કોઇ ખોટા ગણે છે ત્યારે મને તેમના અજ્ઞાનને વિશે પૂર્વ રોષ ચડતો. હવે હું તેઓનું દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઇ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું. કેમ કે હું જગતના પ્રેમનો ભૂખ્યો છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.

ઇશ્વરને હું જે રૂપે માનું છું તે રૂપે જ વર્ણવુંછું. લોકોને ભોળવીને હું શાને સારુ મારું અધઃપતન કરું ? મારે તેઓની પાસેથી કયું ઇનામ લેવું હતું ? હું ઇશ્વરને કર્તાઅકર્તા માનું છું. એ પણ મારા સ્યાદવાદમાંથી ઉદ્‌ભવે છે. જૈનની પાટે બેસીને ઇશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરું ને રામાનુજની પાટે બેસીને કર્તાપણું સિદ્ઘ કરું. આપણે બધા અચિંત્યનું ચિંતવન કરીએ છીએ, અવર્ણનીયનું વર્ણન કરીએ છીએ, અજ્ઞેયને જાણવા ઇચ્છીએ છીએ તેથી આપણી ભાષા તોતડી છે, અધૂરી છે ને કેટલીક વેળા વક્ર છે. તેથી જ બ્રહ્મને સારુ વેદે અલૌકિક શબ્દયોજના કરીને તેને ‘નેતિ’ વિશેષણથી ઓળખાવ્યો કે તેને ઓળખાવ્યું. પણ જોકે તે આ નથી છતાં તે છે. અસ્તિ, સત્‌, સત્ય, ૦,૧,૧૧... એમ કહેવાય. આપણે છીએ, આપણને પેદા કરનાર માતપિતા છે, તેને પેદા કરનાર છે.... તો પછી સર્વનો પેદા કરનાર માનવામાં પાપ નથી પણ પુણ્ય છે, એમ માનવું ધર્મ છે. એ ન હોય તો આપણે નથી, તેથી જ આપણે બધા એકે અવાજે તેને પરમાત્મા, ઇશ્વર, શિવ, વિષ્ણુ, રામ, અલ્લાહ, ખુદા, દાદા હોરમજ, યહોવા, ગૉડ ઇત્યાદિ અનેક અને અનંત નામે પોકારીએ છીએ. તે એક છે, બહું છે; અણથીયે નાનો, હિમાલયથી મોટો; સમુદ્રના એક બિંદુમાં સમાઇ જાય ને સાત સમુદ્ર મળીને પણ તેને ઝીલી ન શકે એવો ભારે છે. તેને જાણવા સારુ બુદ્ધિવાદ શા કામનો ? તે તો બુદ્ધિથી પર છે. ઇશ્વરનું અસ્તિત્વ માનવામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. મારી બુદ્ધિ અનેક તર્કવિતર્ક કરી શકે. મોટા નાસ્તિકવાદીની સાથે વાદમાં હું હારી જાઉં. તોયે મારી શ્રદ્ધા બુદ્ધિથીએટલે બધી આગળ દોડે છે કે હું આખા જગતના વિરોધની સામે પણ કહું, ‘ઇશ્વર છે, છે ને છે જ.’

પણ જેને ઇશ્વરનો ઇનકાર કરવો હોય તેને તેમ કરવાનોયે અધિકાર છે. કેમ કે તે તો દયાળુ છે, રહીમ છે, રહેમાન છે, તે કંઇ માટીનો બનેલો રાજા નથી કે તેને પોતાની આણ કબૂલ કરાવવા સિપાહી રાખવા પડે. તે તો આપણને સ્વતંત્રતા આપડો છતો માત્ર પોતાની દયાના બળથી આપણી પાસે નમન કરાવે છે. પણ આપણામાંના કોઇ નમન ન જ કરે તો કહે છે : “ભલે ન કરો; મારો સુરજ તો તમારે સારુયે તપશે, મારો મેઘ તમારે સારુયે વરસશે. મારી સત્તા ચલાવવાને સારુ મારે તમારા ઉપર બળાત્કાર વાપરવાની જરૂર જ નથી.” એ ઇશ્વરને જે નાદાન હોય તે ભલે ન માને. હું તો કરોડો ડાહ્યામાંનો એક હોઇ સહસ્ત્ર વાર નમસ્કાર કરતો છતો થાકતો નથી

નવજીવન, ૧૭-૧-’૨૬