Prarambh - 63 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 63

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રારંભ - 63

પ્રારંભ પ્રકરણ 63

"અરે કેતન હું આવી ત્યારની જોઉં છું કે તું એકે દિવસ બપોરે બધાંની સાથે ઘરે જમતો નથી. ક્યાં જાય છે એ પણ જાનકીને કહીને જતો નથી. રોજ રોજ ક્યાં રખડ્યા કરે છે ? " રાત્રે જમતી વખતે જયાબેન બોલ્યાં.

"જતો હશે એના કામથી. કેતન હવે મોટો થયો. રોજ મા-બાપને પૂછી પૂછીને થોડો જાય ? અને હવે એ રખડ્યા કરે છે એવું આપણાથી ના બોલાય ! " જગદીશભાઈએ જયાબેનને મીઠો ઠપકો આપ્યો.

"મા તો બધું કહી શકે. એ ગમે એટલો મોટો થયો હોય પણ માનો તો એને પૂછવાનો હક છે જ. જાનકીને પૂછો તો એને પણ બિચારીને ખબર નથી હોતી કે ક્યાં ગયો છે ! " જયાબેન બોલ્યાં.

"અરે મમ્મી હું મારા કામથી જ બહાર જતો હોઉં છું. આજે વલસાડ ગયો હતો. સાંજે મારા પ્લોટ ઉપર ગોરેગાંવ ગયો હતો. ગઈકાલે તો ઘરે જ જમ્યો હતો ને ! એના આગલા દિવસે બીજા એક કામથી બપોર સુધી બહાર હતો એટલે જમવા મોડો આવ્યો હતો. તને પણ ખબર છે કે મને હરવા ફરવાનો કે રખડવાનો કોઈ શોખ નથી. " કેતને ખુલાસો કર્યો.

" હા પણ જાનકીને કહીને ના જવાય કે હું મોડો આવીશ ! પરમ દિવસે બિચારી તારી રાહ જોતી બેસી રહી હતી. " જયાબેન બોલ્યાં.

" બહાર કેટલો ટાઈમ જશે એનું કંઈ નક્કી નથી હોતું મમ્મી. છતાં મેં જાનકીને ફોન કરી જ દીધો હતો કે મારે થોડું મોડું થશે ! " કેતન બોલ્યો.

"સારું હવે જમતી વખતે આ બધી ચર્ચા છોડો. તું શાંતિથી જમી લે. " જગદીશભાઈ બોલ્યા.

" પપ્પા પરમ દિવસે રવિવાર છે તો હું તમને બધાંને એક સરપ્રાઈઝ આપવા માગું છું. તમારે બધાંએ મારી સાથે આવવાનું છે. સિદ્ધાર્થભાઈ તમે પણ તમારી ગાડી લઈ લેજો. " કેતન બોલ્યો.

" આખા ફેમિલી સાથે વળી ક્યાં જવાનું છે ? " સિદ્ધાર્થે પૂછ્યું.

"એ જ તો સરપ્રાઈઝ છે ને ! " કેતન બોલ્યો.

કેતન અત્યારે કંઈ જ નહીં જણાવે એ બધાંને ખાતરી હતી એટલે બધાંએ જમવામાં મન પરોવ્યું.

" સરપ્રાઈઝ શું છે એ મને તો કહો !" રાત્રે સૂતી વખતે જાનકીએ કેતનને પૂછ્યું.

" સરપ્રાઈઝનો આનંદ બધાએ સાથે લેવાનો છે. અત્યારે તને કહી દઈશ તો સરપ્રાઈઝ માણવાની મજા નહીં આવે. બસ કાલનો દિવસ જવા દે. " કેતન બોલ્યો.

થોડીવારમાં જાનકી તો ઊંઘી ગઈ પરંતુ કેતનને ઊંઘ નહોતી આવતી. આજે સાંજે ગોરેગાંવના પ્લૉટમાં એને પોતાના મહાન ગુરુ અભેદાનંદજીએ દર્શન કેમ આપ્યાં એ હજુ એને સમજાતું ન હતું.

એ પ્લૉટની સામે જોઈ રહ્યો હતો ત્યારે પ્લૉટની બરાબર વચ્ચે અચાનક એક દિવ્ય આકૃતિ એને દેખાઈ હતી. એના શરીરમાંથી પ્રકાશનાં કિરણો બહાર આવતાં હતાં. ધીમે ધીમે પ્રકાશ એ આકૃતિમાં સમાઈ ગયો હતો અને એના બદલે મહાન ગુરુ સ્વામી શ્રી અભેદાનંદજીનાં દર્શન થયાં હતાં. પ્રસન્ન મુખમુદ્રામાં એ આશીર્વાદ આપી રહ્યા હતા. બસ બે થી ત્રણ ક્ષણ માટે આ દર્શન ચાલ્યાં અને પછી ગુરુજી અદ્રશ્ય થઈ ગયા હતા. કેતન માની પણ શકતો ન હતો કે ગુરુજી આ રીતે અચાનક સામેથી દર્શન આપશે અને એ પણ પ્લૉટમાં !!

સ્વામી અભેદાનંદજીનાં દર્શન કેતનને ભાગ્યે જ થતાં હતાં. જ્યારે પણ કેતન ઉંડા ધ્યાનમાં જતો ત્યારે પ્રાર્થના કરવાથી ચેતન સ્વામી ક્યારેક ક્યારેક એને દર્શન આપતા હતા. પરંતુ આ મહાન ગુરુજીનાં દર્શન બહુ જ મુશ્કેલ હતાં.

છતાં આ જ ગુરુજીએ રુચિને સપનામાં સામેથી દર્શન આપ્યાં હતાં અને ગોરેગાંવનો આખો પ્લોટ કેતનને આપી દેવાનો આદેશ કર્યો હતો. અને આજે એ જ પ્લૉટમાં ગુરુજી પોતે ઉભા હતા !! ગુરુજીનો શું સંકેત હશે ?

કેતને વહેલી સવારે ધ્યાનમાં બેસી આ પ્રશ્ન ચેતન સ્વામીને પૂછવાનું નક્કી કર્યું અને પછી એ સૂઈ ગયો.

સવારે ૪:૩૦ વાગે ઉઠીને કેતન ધ્યાનમાં બેસી ગયો. એક કલાક સુધી એણે ધ્યાન કર્યું અને ચેતન સ્વામીને માનસિક રીતે ખૂબ જ પ્રાર્થના કરી છતાં કોણ જાણે કેમ આજે ચેતન સ્વામી એના ધ્યાનમાં બિલકુલ આવ્યા નહીં !

ધ્યાનમાંથી ઊઠીને કેતને નાહી ધોઈ ગાયત્રીની ૧૧ માળા કરી ત્યાં સવારના સવા સાત વાગી ગયા. જાનકી ઉઠી ગઈ હતી એટલે એણે ચા બનાવી દીધી.

સવારે ૯ વાગે કેતને પોતાના બેડરૂમમાં જઈને રુચિના બંગલાના માળીને ફોન કર્યો.

"અરે માલી અંકલ મૈં કેતન બોલતા હું. આજ આપ મેરે બંગલે મેં ઉપર નીચે એકદમ સાફ સફાઈ કર દેના. મૈં કલ ફેમિલી કો લેકર આ રહા હું. તો મુજે બંગલા ઔર ગાર્ડન એકદમ ક્લીન ચાહિયે. જૈસે મેં વહાં રહેતા હું." કેતન બોલ્યો.

" જી સા'બ. મૈં આજ હી પૂરી સાફ સફાઈ કર દેતા હું. " માળી બોલ્યો.

શનિવારે રજા હોવાથી સાંજે કેતનનું આખું ફેમિલી જુહુ ચોપાટી ફરવા માટે નીકળી ગયું. બે કલાક ચોપાટીમાં ફરી ઈસ્કોનમાં રાધાકૃષ્ણનાં દર્શન કરી રાત્રે લગભગ આઠ વાગે બધાં પાછાં આવ્યાં. ઘરે રસોઈ કરવા માટે મહારાજ હતા એટલે બીજી કોઈ ચિંતા ન હતી.

રવિવારે સવારે કેતન મમ્મી પપ્પાને બાજુમાં જ પાર્લેશ્વર મહાદેવનાં દર્શન કરવા માટે લઈ ગયો અને ત્યાંથી અંધેરી શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પણ લઈ ગયો. બે કલાકમાં તો બધે ફરીને પાછા પણ આવી ગયા.

બપોરે જમ્યા પછી કેતને બધાંને ચાર વાગે તૈયાર રહેવાનું કહ્યું.

" આજે આપણે ચાર વાગ્યે નીકળી જઈશું. જ્યાં જવાનું છે ત્યાં પાંચ વાગ્યા પહેલાં પહોંચી જઈશું." કેતન બોલ્યો.

એણે મહારાજને પણ પોણા ચાર વાગે ચા તૈયાર રાખવાનું કહ્યું જેથી ચા પાણી પીવામાં મોડું ના થાય.

એ પછી એણે મનસુખ માલવિયાને ફોન કર્યો.

" મનસુખભાઈ તમે સાંજે ચાર પહેલાં ઘરે આવી જજો. ચાર વાગે આપણે નીકળી જવાનું છે અને ખાર લિંકિંગ રોડ ઉપર જે બંગલો છે ત્યાં જવાનું છે. પરંતુ બંગલાની કોઈ ચર્ચા તમે ગાડીમાં કરતા નહીં કારણ કે બધાંને સરપ્રાઈઝ આપવાનું છે. " કેતન બોલ્યો.

" ભલે શેઠ. હું ધ્યાન રાખીશ." મનસુખભાઈ બોલ્યા.

સાંજે ચાર વાગે બધાં બંને ગાડીઓમાં ગોઠવાઈ ગયાં.

" ભાઈ તમે મારી પાછળ પાછળ આવો. આપણે ખાર લિંકીંગ રોડ જવાનું છે. " કહીને કેતન પોતાની ગાડીમાં બેઠો.

બંને ગાડીઓ સ્ટાર્ટ થઈ ગઈ અને લગભગ પોણા કલાક પછી મનસુખ માલવિયાએ લિંકિગ રોડ ઉપર પ્લૉટ નં. ૩૮૭ માં આવેલા કેતનના બંગલા પાસે ગાડી સાઈડમાં દબાવી. સિદ્ધાર્થે પણ પાછળ પાછળ ગાડી ઉભી રાખી.

કેતને બધાંને બહાર આવવા કહ્યું. એ પછી એણે ગેટ ખોલીને બંગલાનો દરવાજો ખોલ્યો અને ગુરુજીનું સ્મરણ કરીને અંદર પ્રવેશ કર્યો. બધાં એની પાછળ પાછળ બંગલામાં ગયાં.

કેતને જોયું કે બંગલો એકદમ સાફસૂફ કરેલો હતો. સોફા અને ગાલીચા પણ ક્લીન હતા. ફર્શ પર પણ પોતું કરેલું હતું. આખા બંગલામાં ક્યાંય પણ ધૂળની રજકણ ન હતી !

" તમે લોકો બધાં સોફા ઉપર બેસો. ચાર સોફા છે. બધાંનો સમાવેશ થઈ જશે. " કેતન બોલ્યો.

એક પછી એક બધાંએ સોફા ઉપર બેઠક તો લીધી પણ કેતન બધાંને આ અજાણ્યા બંગલામાં કેમ લઈ આવ્યો છે એ કોઈને સમજાતું ન હતું.

" મમ્મી પપ્પા આપના આશીર્વાદથી આ બંગલો મેં ખરીદી લીધો છે પરંતુ આ બંગલો તમારો જ છે. તમારા પછી સિદ્ધાર્થભાઈનો છે અને છેલ્લે મારો છે. હવે તમે આખા બંગલામાં ફરીને જોઈ શકો છો. ઉપર પણ આટલો જ એરીયા છે અને પાછળ વિશાળ ગાર્ડન છે. તમે બધાં હવે ઊભાં થઈને આખા બંગલાનું નિરીક્ષણ કરી શકો છો. " કેતન બોલ્યો અને એણે મમ્મી પપ્પાના ચરણસ્પર્શ કર્યા.

આખા બંગલામાં જાણે કે સોપો પડી ગયો. આટલો અદભુત વિશાળ બંગલો કેતને ખરીદી લીધો !! કોઈના પણ માનવામાં ન આવે એવી વાત હતી. બધાં ધીમે ધીમે આશ્ચર્યમાંથી બહાર આવ્યાં.

કેતને સાથે રહીને બંગલાનો એકે એક બેડરૂમ, કિચન વગેરે બતાવ્યાં. એ પછી સીડી ઉપરથી પહેલા માળે જઈને ડ્રોઈંગ રૂમ કિચન બધા બેડરૂમ અને રોડ સાઈડની વિશાળ ગોળાકાર ગેલેરી પણ બતાવી. ગેલેરીમાંથી તો આખો લિન્કિંગ રોડ દૂર સુધી દેખાતો હતો. અહીં બેઠા પછી સમય ક્યાં પસાર થઈ જાય એ ખબર જ ના પડે. ગેલેરીમાં ત્રણ નેતરની ખુરશીઓ પણ ગોઠવેલી હતી. જગદીશભાઈએ એક ખુરશી ઉપર બેસીને ગેલેરીનો આનંદ પણ માણી લીધો.

એ પછી કેતન બધાંને ફરી પાછો નીચે લઈ ગયો અને પાછળનો દરવાજો ખોલીને વિશાળ ગાર્ડનમાં લઈ ગયો.

"વાહ ! સ્વર્ગ જેવો બંગલો ખરીદ્યો છે કેતન તેં તો ! શું સુંદર બગીચો છે !! નાળિયેરી આસોપાલવ બદામના ઝાડની સાથે સાથે તુલસી મોગરો ગુલાબ રાતરાણી...ખરેખર અદભુત!" જગદીશભાઈથી બોલાઈ ગયું. એ તો સીધા હિંચકા ઉપર જઈને બેસી ગયા.

કુટુંબના તમામ સભ્યો ગાર્ડન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને ખૂબ જ ખુશ પણ થયા. લીલીછમ ચાદર બિછાવી હોય એવી રીતે નીચે ઘાસ છવાયેલું હતું અને ચારે બાજુ મહેંદીની વાડ ગાર્ડનની શોભા વધારી રહી હતી !

" કેતન તેં અમને કોઈને ગંધ પણ ના આવવા દીધી કે તેં આટલો વિશાળ બંગલો ખરીદ કરી લીધો છે !" છેવટે સિધ્ધાર્થ બોલ્યો. એ પણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો.

"ભાઈ તમને બધાંને સરપ્રાઈઝ આપવા માટે જ મેં વાત નહોતી કરી. બાકી આ બંગલો મારો છે જ નહીં આપણા ફેમિલીનો છે. સૌથી પહેલો હક મમ્મી પપ્પાનો છે. " કેતન બોલ્યો.

" એ તારી ખાનદાની છે અને તારા સંસ્કાર છે બેટા. તમે બંને ભાઈઓ સુખી થાઓ અને ભેગા થઈને આ બંગલામાં રહો એ જ અમારા આશીર્વાદ છે. તમે જ્યાં પણ રહેશો ત્યાં તમારી સાથે અમે સુખી જ છીએ." જગદીશભાઈ બોલ્યા. દીકરાની લાગણી જોઈને એમની આંખો ભીની થઈ ગયેલી.

"ખાર લીન્કિંગ રોડ ઉપર રુચિનો બંગલો છે એટલી મને ખબર હતી પણ એ આટલો બધો સુંદર હશે અને તેં ખરીદી લીધો હશે એ મને આજ સુધી જાણ ન હતી. " સિદ્ધાર્થ બોલ્યો.

" ભાઈને તો લાડી પણ આવી, ગાડી પણ આવી અને હવે વાડી પણ આવી. વાહ ભાઈ વાહ ! પાર્ટી તો બનતી હૈ " શિવાની બોલી.

" આને જો ને પાર્ટીની પડી છે ! " જયાબેન બોલ્યાં. બધાં હસી પડ્યાં.

" જાનકીના પગલાં ખરેખર ઘણાં સારાં છે. એના પગલે કેતનભાઇને આટલો સુંદર બંગલો મળ્યો ! " રેવતી બોલી.

"જાનકી તો નસીબદાર જ છે. આટલી કન્યાઓ બતાવી પણ કેતન એને જ વફાદાર રહ્યો." જયાબેન બોલ્યાં. જાનકી શરમાઈ ગઈ.

" પણ કેતન તેં આ બધું કેવી રીતે કર્યું ? મુંબઈ આવ્યાને હજુ તને માંડ છ મહિના જેટલો સમય થયો છે. છ મહિનામાં બંગલો પણ ખરીદી લીધો ?" જયાબેન બોલ્યાં.

" બસ રોજ રખડી રખડીને બંગલો ઊભો કરી દીધો મમ્મી." કેતન હસીને બોલ્યો.

" મારા શબ્દોનું બહુ ખોટું લાગ્યું લાગે છે તને " જયાબેન બોલ્યાં.

" જરાય નહીં. મેં અહીં આવીને કંઈ કર્યું જ નથી મમ્મી. બધું આપોઆપ જ થયું છે. રુચિએ આ બંગલો પણ મને વેચી દીધો અને હું જે ફેરવું છું એ મોંઘી કાર પણ મને ગિફ્ટ આપી. મારી સિઝા ગાડી મેં આ બંગલામાં જ સાઈડમાં મૂકી છે. " કેતન બોલ્યો.

" ખાર જેવા પૉશ એરિયામાં આ બંગલો ૮૦ ૯૦ કરોડથી ઓછો ના મળે. તેં કેટલામાં સોદો કર્યો ? " સિદ્ધાર્થે પૂછ્યું.

" માત્ર ૩૦ કરોડ ભાઈ. " કેતન બોલ્યો.

" વ્હોટ !!! " સિદ્ધાર્થથી બોલાઈ ગયું.

" જી ભાઈ. અને ૬૦૦૦ ચોરસ વારનો આખો પ્લૉટ પણ મને સોંપી દીધો અને કાયમ માટે અમેરિકા જતી રહી. " કેતન બોલ્યો.

" કેતન તારા ઉપર ભગવાનની ખૂબ જ કૃપા છે. નસીબ ગમે એટલું સારું હોય પરંતુ આટલો મોટો ચમત્કાર તો ના જ થાય. એક ફલેટના ભાવે તને આટલો વિશાળ રોડ ઉપરનો બંગલો મળ્યો. ૬૦૦૦ વારનો પ્લોટ તને સોંપીને એ જતી રહી એ બધું માન્યામાં જ નથી આવતું. " સિદ્ધાર્થ બોલ્યો.

" મને તો એમ જ થાય છે કે હું અને જયા અહીં જ રહી જઈએ. બે ટાઈમ અમારું ટિફિન મોકલાવી દેજો. રોજ સાંજે બે કલાક ગાર્ડનમાં હીંચકે બેસીશું. " જગદીશભાઈ હસતાં હસતાં બોલ્યા.

" પપ્પા ખરેખર તમારી એવી ઈચ્છા હોય તો ટિફિનની વ્યવસ્થા પણ કરીશું. " કેતન બોલ્યો.

" અરે ના રે ના. એ તો ઘેલા થઈ ગયા છે ! છેક પાર્લાથી ટિફિન મંગાવાતું હશે !! " જયાબેન બોલ્યાં.

" આ બંગલો તેં ખરીદી લીધો હતો તો પછી ફ્લેટમાં પૈસા શું કામ ભર્યા ? " સિદ્ધાર્થ બોલ્યો.

" બંને ફ્લેટ ખરીદી લીધા પછી આ બંગલો મને મળ્યો ભાઈ. અને ફ્લેટ તો જ્યારે વેચવા હશે ત્યારે બે મિનિટમાં વેચાઈ જશે. થોડા દિવસ ફ્લેટનો આનંદ માણીએ. જ્યારે પપ્પા કહે ત્યારે આપણે અહીંયા આવી જઈશું." કેતન બોલ્યો.

" આ બંગલો બંધ છે તો પણ આટલો બધો સાફસૂફ અને ક્લીન કેવી રીતે છે ? આ ગાર્ડનમાં પણ જરાય કચરો નથી. " સિદ્ધાર્થે પૂછ્યું.

" પગારદાર માળી રાખેલો છે ભાઈ. રોજ બે કલાક આવીને ગાર્ડન મેન્ટેન કરે છે અને દર શનિવારે બંગલાની ઉપર નીચે સાફ-સફાઈ પણ કરે છે. " કેતને જવાબ આપ્યો.

" તારું કામ બાકી ભારે છે. " સિદ્ધાર્થ હસીને બોલ્યો.

લગભગ અડધા કલાક સુધી આખો પરિવાર ગાર્ડનમાં બેઠો. શિવાનીએ ગાર્ડનમાં ફરીને બે લીલાં નાળિયેર અને થોડી બદામો પણ લઈ લીધી.

" ચાલો હવે જઈએ. ૬:૩૦ વાગી ગયા છે. ઘરે પહોંચતાં ૭:૩૦ થઈ જશે. " જયાબેન બોલ્યાં.

બધાં ઊભાં થયાં અને પાછળનો દરવાજો બંધ કરી બંગલામાં પ્રવેશ્યાં.

બંગલામાં દાખલ થયા પછી કેતને આગળના મુખ્ય દરવાજામાંથી બહાર આવીને બધાંને બંગલાની સાઈડમાં પાર્ક કરેલી અને તાડપત્રીથી ઢાંકેલી પોતાની સિઝા કાર પણ બતાવી.

" રુચિએ મને બીએમડબલ્યુ ગિફ્ટ આપી એટલે પછી સિઝા મેં અહીં જ પાર્ક કરી દીધી. " કેતન બોલ્યો.

" તારી ગાડી તેં અહીં મૂકી દીધી છે એટલે હવે તો પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે આ બંગલો ખરેખર તારો જ છે." જગદીશભાઈ હસીને બોલ્યા.

એ પછી કેતન બધાંને બાજુમાં જ આવેલા શ્રી રામકૃષ્ણ આશ્રમમાં લઈ ગયો અને ઠાકુરનાં અને માતાજીનાં દર્શન કરાવ્યાં.

ઘરે પહોંચ્યા ત્યારે રાત્રિના આઠ વાગવા આવ્યા હતા.

" ચાલો આજે ખરેખર બહુ જ મજા આવી. ખાસ કરીને કેતનનો વિશાળ બંગલો અને ગાર્ડન જોઈને તો મન ધરાઈ ગયું. મુંબઈ શિફ્ટ થઈ ગયો એ તેં ખૂબ જ સારું પગલું ભર્યું." જમતાં જમતાં જગદીશભાઈ બોલ્યા.

"મન ધરાઈ ગયું એમ નહીં પપ્પા. દિલ બાગ બાગ થઈ ગયું એમ કહેવાય." શિવાની બોલી.

" તું ચૂપ બેસ શિવાની. મોટા બોલતા હોય ત્યારે વચ્ચે ડબ ડબ નહીં કરવાનું ." જયાબેન બોલ્યાં.

" બોલવા દે ને એને ! આજની પેઢી આપણને કંઈક નવું શીખવાડે તો એમાં શું ખોટું છે ? આ બધા નવા જમાનાના શબ્દો છે. " જગદીશભાઈ બોલ્યા.

" ગાયત્રીમંત્ર અને મારા ગુરુજીની કૃપાના કારણે જ છ મહિનામાં આટલી પ્રગતિ હું કરી શક્યો છું પપ્પા. સવાલક્ષ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ મને ખૂબ જ ફળ્યું છે અને મને સાચી દિશા પ્રાપ્ત થઈ છે. " કેતન બોલ્યો.

"એ વાત તો તારી હું પણ માનું છું. આટલા સમયથી હું જોઉં છું કે એક પણ દિવસ પાડ્યા વગર અને જરા પણ આળસ કર્યા વગર નિયમિત તું ગાયત્રી મંત્રની ૧૧ માળા કરે છે. કદાચ એટલા માટે જ તને આટલી બધી સફળતા મળે છે." સિદ્ધાર્થ બોલ્યો.

" હવે વાતો પછી કરજો. બધા જમવામાં ધ્યાન આપો. મહારાજ બિચારા ગરમ ગરમ ભાખરી લઈને આવે છે પણ તમારા બધાંની તો જૂની ભાખરી પણ હજુ એમને એમ પડી છે. વાતો કરતી વખતે હાથ પણ ચાલવો જોઈએ ને ! " જયાબેન બોલ્યાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)