Visamo - 8 in Gujarati Love Stories by ADRIL books and stories PDF | વિસામો.. - 8

The Author
Featured Books
Categories
Share

વિસામો.. - 8

~~~~~~~

વિસામો - 8 - 

~~~~~~~

 

વિશાલ કશું બોલી ના શક્યો,..

 

આસ્થા બેઠી થઇ .... હળવેથી બોલી,.. 

"તને મારી ચિંતા સતાવે છે ને ? તો નહિ કરતો,...  હું સુરક્ષિત પણ છું અને સલામત પણ છું,... તું મને સમજાવવાનું છોડી દે અને મારી ફિકર પણ ના કરીશ,.. તને ખબર છે  મારો વાળ વાંકો થઇ શકે એમ નથી,..  હું સાચે જ સેઇફ છું,.. "

 

વિશાલને કઈ સમજાયું તો નહિ પણ બન્ને વચ્ચે મૌન પથરાઈ ગયું  .... 

 

~~~~~~~

 

મચ્છરદાની હટાવી આસ્થા પલંગની બહાર આવી,... મચ્છરદાનીની અંદર સૂતેલા વિશાલ સામે એ ક્ષણભર જોઈ રહી...  પછી આગળ બોલી,..  "તને લાગે છે તું અહીં આવ્યો એની કોઈને ખબર નથી,.. ? " 

 

"મતલબ ?"  એ સાફળો બેઠો થઇ ગયો 

 

આસ્થા એ અગાશીની પારી સુધી પહોંચીને વિશાલને પોતાની પાસે આવવા ઈશારો કર્યો,..  અને કહ્યું 

 

"મતલબ, એ કે વિક્રમસિંહ ના માણસો 24 કલાક મારા બોડીગાર્ડ થઇ ને રહે છે,.. ગોરલબાના હુકમથી ... બીજા કોઈનો ડર નથી પણ ગિરજાબાપુ ઉપર ભરોસો નથી,.. 

એમનું કઈ કહેવાય નહિ,..  અચાનક અહીં આવી ચઢે  તો ?  એટલે મારી સુરક્ષા માટે આ લોકો છેલ્લા આઠ વર્ષથી અહીં પહેરો ભરે છે" 

 

આસ્થાએ પોતાની આંગળી ચીંધતા બહાર ઉભેલા માણસો તરફ ઈશારો કર્યો અને કહ્યું, 

"મોટા મોટા નેતાઓને પણ નહીં હોય એવી ચૉકી છે અહીંયા"

 

વિશાલની આંખો ચાર થઇ ગઈ,.. માન્યામાં ના આવે એવી વાત હતી એના માટે આ... 

 

આસ્થાએ આગળ ચલાવ્યું, -

"તને કશું થાય નહિ એટલે વિક્રમસિંહનો ભાણિયો 24 કલાક બાદશાહની ગેંગમાં તારી સુરક્ષા માટે આવ્યો છે,... ગોરલબાના હુકમથી ... કદાચ તારી પહેલા એ બાદશાહની ગેંગમાં ભળ્યો હતો,..... પ્રભાતસિંહ ને ઓળખે છે? પ્રભાતસિંહ  બાદશાહનો માણસ ઓછો અને તારો અંગરક્ષક વધારે છે,.. - વિક્રમસિંહનો ભાણિયો,.."  

 

"શું બોલે છે,.. ? " - વિશાલને આજે એક પછી એક ઝટકા મળતા હતા,.. 

 

આસ્થાએ આછી સ્માઈલ કરતા કહ્યું, - "આ ઘરની બહાર ઉભેલા બધાને વિક્રમસિંહની સૂચના છે - વિશાલ સિવાય કોઈ પણ આ ઘરમાં પ્રવેશે તો એનું માથું બીજે દિવસે વિક્રમસિંહ પાસે પહોંચવું જોઈએ,.. "

 

વિશાલ માથું ધુણાવતા બોલ્યો - " લે,..  હું તો ખોટા ફાંકામાં હતો,.. કે બધાથી છૂપતો છૂપાતો હું તારા સુધી પહોંચ્યો,.." 

 

આસ્થાએ સ્માઈલ કરી, ... 

 

"હું સુરક્ષિત છું વિશાલ,.. તને પ્રેમ કરવાના અધિકાર સિવાય બીજી કોઈ ચાહ નથી,.. એટલું જ જોઈએ છે બસ,.. અને એના માટે તો હું મર્યા પછી ફરીથી જન્મ લઈને પણ રાહ જોવા તૈયાર છું,..  અજમાવી લેજે અગર જરૂર પડે તો, ... પણ ફરીથી સમજાવવાની ક્યારેય કોશિશ નહિ કરતો,.. કે હું કોઈ બીજાને પરણી જાઉં,...  " 

 

"સમજાઈ ગયું જાન મારી,... માફ કર હવે મને,... આઈ ઍમ સૉરી,... " બે કાન પકડીને વિશાલે કહ્યું,.. 

 

"મારા ઇન્તજાર ને ગાળ દેતો હોય એમ લાગે છે,.. ફરીથી નહિ બોલતો આવું કશું જ,..."

 

વિશાલને ભેટવા એ ધીમેથી એની તરફ આગળ વધી,..   

આસ્થાના બન્ને બાવડાં પકડીને વિશાલે એને પોતાની તરફ ખેંચી,.. 

આસ્થાને વળગીને વિશાલે આકાશમાં જોયું,.. એની આંખો ઈશ્વરનો આભાર માનતો હોય એમ બંધ થઇ ગઈ,..

એના બન્ને હાથ ની હથેળીઓ ઈશ્વર ને પ્રણામ કરતો હોય એમ અનાયાસ જોડાઈ ગઈ,..  

 

થોડીક ક્ષણો એમ જ ઉભા રહયા બાદ પોતાનાથી થોડો અળગો કરતા આસ્થાએ પૂછ્યું,

"થાક્યો છું ને,.. ? કશુંક ખાવું છે ? ભૂખ લાગી છે ??"

વિશાલે ડોકું ધુણાવી હા પાડી,..

 

"ચાલ,.. નીચે જઈએ ..., " 

કહીને આસ્થા વિશાલનો હાથ ખેંચી એને દોરતી નીચે જવા લાગી,  

 

"સ્નાન કરી લે,.. હું સરોઈ ગરમ કરીને પીરસી લાવું ત્યાં સુધીમાં,.."  વિશાલ હસ્યો અને કહ્યાગરા બાળકની જેમ માથું હલાવી સ્નાન કરવા જતો રહ્યો,.. 

 

થોડી વારમાં એ ગડી વાળેલો ધોયેલો રૂમાલ અને સફેદ ઝભ્ભો ચોયણી લઈને બહાર આંગણાના બાથરૂમ પાસે આવી.. અંદર પાણી નો અવાજ બંધ થતા એણે બાથરૂમ ને દરવાજે થી રૂમાલ અંદર સરકાવ્યો.. દરવાજાની બીજી બાજુથી વિશાલે એ રૂમાલ લઇ લીધો,.. 

 

કમર ઉપર એ રૂમાલ વીંટાળીને એ બહાર આવ્યો,.. કારણ કે પોતાને મળેલી બધી જ ક્ષણોનો એ યોગ્ય ઉપયોગ કરી લેવા માંગતો હતો. અને એટલે જ આસ્થા થી થોડું પણ દૂર જવું એને મંજૂર નહોતું,.. 

 

એણે બાથરૂમની બહાર આવતા જ આમતેમ વાતો કરવાનું ચાલુ કર્યું,... 

 

એક સવાલ પૂછીને આમ પણ વિશાલને પાંચ મિનિટનો લાંબો જવાબ સાંભળવા મળ્યો હતો,.. આવ્યો ત્યારનો,.. 

 

એણે પૂછ્યું,.. 

"શહેરમાંથી મંગાવ્યું હતું ?

 

"શું?"

 

"આ ગરમ પાણીનું મશીન?"

 

"ખબર નથી,..  આ તો પૂનમ શનિ રવિ રહેવા આવતી હોય છેને,.. એટલે પૃથ્વીએ વ્યવસ્થા કરી છે,.. પૂનમ માટે,.." એણે ભાવુક થઈને જવાબ આપ્યો,.. 

 

"બહુ માયાળુ પતિ સાબિત થયો છે એ છોકરો,.. નહીંતર ક્યાં ઠાકુર ને ક્યાં એ,.. " વિશાલે કહ્યું,

 

આસ્થા વિશાલને જોઈ રહી,.. 

ભીના વાળ સાથે કસાયેલું શરીર,.. 

કેટલાયે વર્ષો સાથે રહયા હોવા છતાં ક્યારેય વિશાલને એણે આવી રીતે જોયો જ નહોતો,.. 

 

"આમ શું જુએ છે ?" - વિશાલે એનું ધ્યાન દોરતા પૂછ્યું,.. 

 

 

"જોતી હતી કે એક ગુંડો માણસ બને ત્યારે કેવો દેખાય છે?" 

બંને હસી પડ્યા,..  

 

આસ્થાએ એના ઝભ્ભો ચોયણી વિશાલને ધર્યા,.. 

કપડાં પહેરતા પહેરતા અફસોસ કરતો હોય એમ એણે કહ્યું 

"આસ્થા, મને પણ હતું કે તારા માટે બધી જ સગવડો ની વ્યવસ્થા હું જ કરીશ" 

 

"મેં ક્યાં માંગી છે ક્યારેય કોઈ પણ સગવડો તારી પાસે,.. દરેકની પસંદગી અલગ અલગ હોય છે વિશાલ,.. પૂનમ ને બધી જ સગવડો જોઈતી હતી અને પૃથ્વી પૂનમને અગવડોમાં જીવાડવા માંગતો નહોતો એટલે એણે પૂનમ માટે આ સગવડ કરાવી,... બાકી મને તો કોઈ ફેર પડતો નથી સગવડ હોય કે ના હોય,.. તારી પત્ની બનવાનું સુખ જોઈએ છે - આવી કોઈ સગવડો નહિ હોય તો ચાલશે,.. "

 

બન્ને થોડીવાર માટે ચૂપ થઇ ગયા,..  

 

પોતાને શું જોઈએ છે એ વાત માટે કેટલી સ્પષ્ટ છે આ છોકરી, વિશાલ વિચારી રહ્યો. એણે અજાણતા જ પોતાની સરખામણી આસ્થા સાથે કરવા માંડી,.. આટઆટલા ઘરેણાં લૂંટ્યા પછી પણ એ સંતોષ આજ સુધી નથી વળ્યો કે એ કશુંક પામ્યો છે,.. અને પોતાના નામની સાથે જોડાયેલા વિશાલ ના નામ માત્ર થી આસ્થા ને કેટલું બધું પામ્યાનો સંતોષ છે,.. 

 

વિશાલ ને લાગ્યું - કે - જેવી તેવી છોકરી તો માં પણ પસંદ નહોતી કરવાની મારી માટે,.. આસ્થા માની પસંદ હતી અને દરેક રીતે મારા માટે યોગ્ય હતી,... પણ હું એને લાયક છું ? માં હોત તો એને પૂછ્યું હોત,.. વિશાલને માં યાદ આવી ગઈ,..

 

"યાદ છે આસ્થા,.. માં આ જ આંગણામાંથી ગઈ હતી,.." 

વિશાલે માંની વાત જાણીને કાઢી 

 

"હાસ્તો,.. બીજું ઘણુંયે યાદ છે,... " 

 

"શું ?" 

 

"બધું,.. એની બીમારી,.. એની સેવા,... " 

 

"બીજું ?" 

 

"પૂનમને પરણાવવાની એમની ઈચ્છા,.. પૃથ્વીને જાન લઈને આવેલો જોવાની કામના,...  ઘણું બધું,... " 

 

"એ સિવાય .. ?? " 

 

"એમની ઈચ્છા,... મતલબ,..  આપણા લગ્ન પણ .... ... " એ શરમાતા શરમાતા બોલી - વધારે બોલી ના શકી,..  

બન્નેએ રસોડા તરફ પ્રયાણ કર્યું,.. 

 

"આસ્થા,... હવે એ દિવસો નથી રહયા, બધું જ બદલાઈ ગયું છે,... સમય બદલાઈ ગયો છે,.. હું બદલાઈ ગયો છું,... " - ચાલતા ચાલતા એ બોલ્યો,.. "હું હવે પહેલા જેવો નથી રહ્યો,... એક ગુંડો બની ગયો છું,.. તારે લાયક નથી હું હવે,.. " 

 

"હું નથી બદલાઈ વિશુ,... હું એ જ છું, જે હતી,... અને જો હું ના બદલાઈ હોય તો મારી ઈચ્છાઓ પણ નથી બદલાઈ,.. મારા મનમાં વિચારેલો મારો સાથી પણ નથી જ બદલાયો,.. તારામાં કશું જોઈને મેં તને પસંદ નહોતો કર્યો,.. તારી સાથે કોઈ સૌદો નહોતો મારો કે હિરાપુરમાં રહીશ તો જ મારો પ્રેમી અને ગુંડો બની જઈશ તો નાતો પૂરો,.. મેં તને મારી માટે પસંદ કર્યો હતો,.. હું ખુશ રહુ છું જયારે હું તારી આસપાસ રહુ છું,.. મને તું જોઈએ છે મારી જિંદગીમાં, એટલે,.. તું જે પણ હોય તે,.. "

 

એકાદ ક્ષણ રોકાઈને એ આગળ બોલી,

"કદાચ મારો સ્વાર્થ છે એવું લાગશે તને,.. પણ સત્ય તો એ જ છે કે મારે ખુશ રહેવા માટે તારો સાથ જોઈએ છે,... તું મને સ્વીકારે કે નહિ, પણ તારા માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે - તારી હૂંફ, તારો સધિયારો, તારી આત્મીયતા,...  બીજા કોઈની સાથે તારા જેવું કશુંજ મહેસુસ નથી થતું મને,..  હું તને સુખી કરવાના વાયદા સાથે તારી સાથે નથી જોડાઈ,.. હું મારી જાત ને સુખી કરવા તારી બનવાનો પ્રયત્ન કરું છું,.. તારું સુખ કદાચ લાખોના લૂંટેલા ઘરેણા હોઈ શકે,.. હું સમજુ છું અને એટલે જ મારી સાથે કોઈ પણ બંધન માં બંધાવાની તને કોઈ ફરજ નથી પાડી મેં આજ સુધી,.. તારું સુખ તારો પ્રશ્ન છે - આસ્થા કે લૂંટ-ફાટ ? એ તારે ઉકેલવાનું છે અને એ પણ મારી માટે નહિ,.. તારી માટે,.. - હું મને લઈને બહુ જ સ્પષ્ટ છું,.. તારા સિવાયની જિંદગી નથી જોઈતી મને અને એવું તારી કે દુનિયાની સમક્ષ બોલતા જરાયે શરમ નથી અડતી મને,.. " 

 

આસ્થાએ થાળી તૈયાર કરતા કરતા એની સામે જોયું અને છેલ્લું વાક્ય તીરની જેમ છોડી દીધું, - 

"સૌથી મૂલ્યવાન છે તું વિશાલ મારી માટે,.. આ કસોટી માંથી તો મારે પાર ઉતરવું જ રહ્યું,.. જન્મો સુધી રાહ જોવી પડે તારી તો પણ,.. અને તને કોઈ બીજાની સાથે જોવો પડે તો પણ,.. "  

 

ભરેલા ભીંડા અને ભાઠાની ભાખરી કઢી અને આખા મગની ખીચડી ઘી-ગોળ નું મિશ્રણ, કણકી ના શેકેલા પાપડ - અને ગ્લાસ ભરીને મસાલા વાળી છાશ,.. 

થાળી જોતાંજ વિશાલ ખુશ થઇ ગયો,.. 

"અરે ..વાહ, મને ગમતું ભોજન ? તને ખબર હતી હું આવવાનો છું  ?"

 

"ના રે,.. પણ હું તો હું રોજ તારું જ ભાવતું જમવાનું બનવું છું,.. છેલ્લા આઠ વર્ષથી,..  કદાચને તું ગમે ત્યારે આવી ચડે તો ? થાકેલો હોય ને ભૂખ્યો પણ હોય તો મનગમતું ખાવાનું તું ધરાઈને ખાઈ તો શકે,.. "

 

"એટલે તું રોજ રાહ જુએ છે મારી ? "

 

"હાસ્તો,.. આપણા બેમાંથી એકને ઈશ્વર ઉઠાવી ના લે ત્યાં સુધી તો તારા આવવાની ઉમ્મીદ જીવંત જ રાખવી રહી,... !!" 

 

વિશાલ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આસ્થાના શબ્દે શબ્દે પીઘળતો જતો હતો,.. એનું મક્કમ મન હવે પાછા જવા માટે બળવો પોકારવું છોડી રહ્યું હતું,.. 

છેલ્લા બે કલાકથી તો એની ગુંડાગીરીએ જાણે વિદાય લઇ લીધી હોય એમ વર્તતો હતો,.. 

 

એણે આસ્થાને ક્યારેય કોઈ વચન નહોતું આપ્યું કે એ પાછો આવશે,.. એણે ક્યારેય આસ્થા ને કહ્યું જ નહોતું કે મારી રાહ જોજે... અરે વચન તો દૂરની વાત છે, પોતાના પ્રેમ નો અણસાર આપતો હોય એવા એક પણ શબ્દ નો પ્રયોગ સુદ્ધાં કર્યો નહોતો,.. હું આવીશ તારી માટે એ વાત વગર કહ્યે સમજી જનાર અર્ધાંગિની જ હોઈ શકે, એને વિચાર આવી ગયો,..  

 

એ વધારે ને વધારે ભાવુક થતો ગયો આસ્થાની નિષ્ઠા જોઈને .. આસ્થા સામે એ એકીટસે જોઈ રહ્યો,.. થાળી પીરસાઈ ગઈ હોવા છતાં ભાણે બેસીને પણ જમવાનું ભૂલી ગયો,.. આસ્થા એક કોળિયો તૈયાર કરી એના મોં સુધી લઇ ગઈ,.. વિશાલ નીચું જોઈ ગયો,... પોતાની ભીંજાયેલી આંખો અત્યાર સુધી આસ્થા જોતી આવી હતી પણ હવે ભાણે બેસીને એણે રડવું નહોતું,.. કશું જ એણે ધાર્યું હોય એવું થઇ રહ્યું નહોતું,.. એનાથી રડ્યા વિના રહી શકાતું નહોતું,.. 

 

છેલ્લા આઠ વર્ષમાં કઠોર થઇ ગયેલો, ખૂંખાર ગુંડો બની ને લોકોનું ઝુંટવી લેતો, લોકોને ડરાવતો ધમકાવતો અને નિડર બની ગયેલો પોતે આતંક મચાવતો અંદરથી એક બાળક કરતાંયે વધારે નબળો થઇ રહ્યો હતો,.. એક માત્ર આ સ્ત્રીના આચરણને વશ થતો,.. 

 

આસ્થાએ કોળિયા વાળો પોતાનો હાથ થોડો વધારે નજીક કર્યો અને કહ્યું,

"ખાઈ લે વિશુ, પહેલી વાર કોળિયો ધરું છું જિંદગીમાં તને,.. ફરી આવો મોકો મળશે કે કેમ ખબર નથી,... બહુ સંતોષ નો કોળિયો લાગશે તને આ ઘરમાં,.. શરમ આવતી હોય મારે હાથે ખાતા તો માંનો હાથ સમજીને પણ ખાઈ લે,"  

 

વિશાલ એને જોઈ રહ્યો,.. 

 

આનાથી વધારે પોતીકું કોણ હોઈ શકે ? એને વિચાર આવ્યો,.. 

 

એને લૂંટેલા દાગીના નો બાદશાહનો પિટારો દેખાઈ રહ્યો,.. જે બાદશાહે પોતાના માણસો સામે હંમેશને માટે ખુલ્લો મુકેલો રાખ્યો હતો,.. જેને જે કઈ જોઈએ તે બેઝિઝ્ક લેવાની બાદશાહે આપેલી ખુલ્લી છૂટ હતી,.. હા, એ વાત અલગ હતી કે મોટા ભાગના બધા જ સાથીદારો બાદશાહ સાથે ખજાના ના મોહમાં નહોતા જોડાયા,..  

 

વિશાલ આજે સત્ય સમજવામાં સમર્થ લાગવા લાગ્યો હતો,.. આટલા લૂંટેલા ઘરેણાં બાદશાહના કોઈ પણ માણસ ને મોહી શકતા નહોતા,.. પણ બાદશાહ ના પ્રેમ અને એની સંભાળથી બધા જ લાગણીવશ થઇ જતા,..  આસ્થા અત્યારે એ જ કરી રહી હતી,.. ભૌતિક સુખની એને જરાયે પરવાહ નહોતી,.. સાથે બેસીને જમવામાં એ રાજરાણી નું સુખ ભોગવી રહી હોય એવું વિશાલને લાગતું હતું,..  

 

વિશાલનું દિલ એના દિમાગ સાથે યુદ્ધ લલકારી ઉઠ્યું હતું,.. એનું મન નબળું પડતું જતું હતું,.. આસ્થા નો મોહ પગથી માથા સુધી વ્યાપી રહ્યો હોય એવું એને લાગતું હતું,.. 

પરંતુ, વિશાલ એ પણ જાણતો હતો કે જો એ નબળો પડશે તો એ પાછો જઈ નહિ શકે,..