સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
લેખન તારીખ : ૧૫-૦૬-૨૦૨૩
લીલાને ઘરે આવ્યે ઘણું મોડું થયું હતું. તે જે સમાચાર લઈને આવી હતી તે એક તરફ ખુશીનાં તો બીજી તરફ તેનાં માટે દ્વિધા ઊભી કરનાર હતાં.
તેને થોડી બીજાં વિચારે વાળવા રામજીએ પૂછ્યું, “આજે તો નવ વાગી ગયાં છે. હવે એ કહે, ખવડાવીશ શું? બહુ જ ભૂખ લાગી છે.”
લીલા ઓર મૂંઝાઈ અને બોલી, ‘હાય હાય! ઈ તો અજુ મેં વિચાયરું બી નથ. અવે? હું ખાઈહું?” લીલાની તકલીફમાં એક વધુ તત્વનો ઉમેરો થયો. તેની આંખો અને કપાળ સ્પષ્ટપણે ચાડી ખાઈ રહ્યાં હતાં તેની આ નવી તકલીફની. તે રસોડામાં જઈ આવી, પછી બેઠકખંડમાં આવી. ફરી રસોડામાં જઈને થોડાં ડબ્બામાં ખાંખાખોળા પણ કરી આવી. છેવટે, કશું ન સુઝતાં બેઠકખંડમાં આવીને ખુરશી ઉપર બેઠી. આજ સુધી મોડામાં મોડું તૂણે સાત વાગ્યે તો જમવાનું પીરસી દીધું હતું. ક્યારેય આવું મોડું તો તેને થયું જ ન હતું.
થોડી વાર રામજીએ આ ખેલ જોયો પછી તેણે લીલાને કહ્યું, "બહુ વિચારીશ નહીં. ચાલ, મારી સાથે."
તેણે ખુરશીમાં બેઠેલ લીલાનો હાથ પકડી ઊભી કરી અને પોતાની પાછળ દોરી. લીલાને કાંઈ સમજણ ન પડી. તે રસોડું પાર કરી ઘરની પાછળના ભાગે આવેલ, લીલાએ જતનથી ઉછેરેલ નાનકડા બગીચામાં તેને દોરી ગયો. આ જગ્યા લીલાનાં છોડ માટે આરક્ષિત હતી ત્યાં વચ્ચોવચ્ચ નાનકડું ટેબલ અને બે ખુરશીઓ મૂકેલ હતી. હરખ અને ચિંતાનાં બેવડા ભાવ વચ્ચે ઘરમાં આવેલ લીલાને હવે ખ્યાલ આવ્યો કે બેઠકખંડમાંથી આ ટેબલ અને ખુરશીઓ ગાયબ હતાં. જ્યારે તેણે તે ટેબલ ઉપર ઢાંકેલ વાસણો જૌયાં ત્યારે તેને માનવામાં પણ ન આવ્યું કે આ શો ચમત્કાર થઈ ગયો છે. ગત વર્ષમાં કૉલેજનાં આર્ટવર્કમાં પરોવાયેલી લીલાએ ક્યારેય રસોડામાં રજા નહોતી પાડી સિવાય કે તેની માતા કે સાસુમા રહેવા આવ્યા હોય અને રસોડાની ધૂરા તેમણે સંભાળી લીધી હોય અથવા તો મેઘનાબહેનનાં કે રમીલાનાં ઘરે જવાનું હોય.
બેય જણ ટેબલની છેક નજીક પહોંચ્યાં એટલે રામજીએ તેનો હાથ છોડકયો અને કહ્યું, "જો તો, મેં શું કર્યું?"
લીલાએ આશ્ચર્યથી એક પછી એક વાસણનાં ઢાંકણ ખોલ્યાં તો તેની ઘ્રાણેન્દ્રિય મઝાની સોડમને માણી રહી. તે અનહદ ખુશીથી બોલી રહી, "અરે! આ ત મારું ગમતું! નાગલી મકાઈનાં રોટલા, અરદની દાળ, ને આ ગલકાં-તૂરિયાંનું હાક! કુણે બનાઈવું? તમે? આવડે સ?"
રામજી વળતો બોલ્યો, "બેસ તો ખરી. આટલાં બધાં સવાલો એક સાથે? ચાલ હાથ-મોં ધોઈ લે. જમતાં- જમતાં બધું જ કહું છું."
બેય જણે ત્યાં જ ચોકડીમાં હાથ-મોં ધોઈ લીધાં અને મઝાની, શીતળ ચાંદનીની રોશનીમાં જમવા બેઠાં.
પહેલો જ કોળિયો મોંમાં મૂકતાં લીલા ટહૂકી, "માહી આયવી ઉતી?"
"અરે વાહ! ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં જ સાબિત કરી દીધું કે તારામાં ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિ અને યાદશકિત છે.", રામજી બોલ્યો.
"મજાક સોડો, બોલો ને, માહી આયવી'તી? તમ રોકી કેમ નંઈ?", લીલાએ હળવી ફરિયાદના સૂરમાં કહ્યું.
રામજી બોલ્યો, "હા, સવલીમાસી અને માસા બેય આવ્યાં હતાં. રમીલાનું પ્રમોશન થયું અને સાથે કલકત્તા શહેરમાં બદલી થઈ, એની ખુશીમાં મિઠાઈ આપવા અને કાલે આપણને તેમનાં ઘરે જમવા નોતરવા આવ્યાં હતાં. અને આ બધું જમવાનું તેઓ જ આપના બેય માટે લઈને આવ્યાં."
"હું વાત કરો સો? લાવો, અમણાં જ ફોન કરું રમુન. કેતીય નથ. ફોન તો કરવો જોવે ન.", લીલાએ ખુશી મિશ્રિત હળવો છણકો કર્યો.
રામજીએ તેને રોકી, "હમણાં જમી લે. તને બધી જ વાત માંડીને કરું છું. પછી, તને યોગ્ય લાગે તો હમણાં ફોન કરજે."
લીલા બોલી, "પણ, આવડી મોટી વાત, ને ઉં ફોનેય ના કરું? માર એની હાર વાત તો કરવી જ પડહે."
રામજી બોલ્યો, “ફોન કરજે તારે કરવો હોય તો, પણ નિખિલ, મનુ અને સમુએ કહેવડાવ્યું છે કે, રમુને સરપ્રાઈઝ આપવાનું છે. એ લોકોનો ફોન હતો.”
લીલા બોલી, “અરે,ઉ થોડા જ કલાક ઘર બા’ર ગેઈ એમાં કેટલુંય બની ગયું? આ નિખિલભઈ કા’રે આઈવાં? ઈ તો કાસી ઉતાં ને?”
રામજી બોલ્યો, “હા, એ પણ રમીલાને મળવા રજા લઈને આવે છે. તેને પણ દિવાળીની રજાઓમાં આવવાં નથી મળ્યું. તે એક અઠવાડિયા માટે આવી રહ્યો છે. નિખિલે ત્યાંથી જ બારોબાર સમુ અને મનુ સાથે મલીને મોટી મિજબાની રાખી છે. અહી, મેડમને પણ આમંત્રણ મોકલવાનો છે. મારે જ કાર્ડ આપવા જવાનું છે.”
લીલા નવાઈથી બોલી, “ઓહો! નિખિલભાઈ તો હમજ્યાં, પન આ નાલ્લાં મનુ ન સમુ ય તે એટલાં ઉશિયાર થેઈ ગયાં? માહીન અવ એમનો ટેકો રેહે, રમુ જતી રેય પછી.”
રામજી બોલ્યો, “અરે ના, રમુ તો મા અને બાપ બેયને લઇ જવાની છે કલકત્તા. એને કહ્યું કે હવે એ બેય ફરે. બધ્ધાં ભાઈ-બહેન પોતપોતાનું સંભાળે એવા છે. છેલ્લાં વરસથી મેવો, એની ઘરવાળી અને તેના બેય બાળકો રમુની જોડે જ રહે છે ને? તે લોકોને બરાબર ગોઠી ગયું છે.”
લીલા બોલી, “રમુએ તો બધાંયની જીંદગી ઉજાળવા માંડી. બાકી, આપણે હંધાય જાણીએ, મેવો તો રખડી જ ખાતો’તો, ન ઈની વવ, હાવ ઢીલી. સાઈટ પર તગારાં ઊંચકવા બી ની લઈ જવાય. એક દા’ડો આવે તો બે દા’ડા માંદી પડે.”
રામજી બોલ્યો, “હા, એ તો સાચું. પણ, અહી મેવાને માસ જ્યાં કામ કરે છે તેની જ બાજુની દુકાનમાં કામ મળી ગયું છે. ત્યાં એણે આવતો જતો માલ તપાસી ટ્રકમાં ચડાવવા- ઉતારવાનો. તેની સાથે બીજાં ત્રણ મજૂર હશે, પણ આ ઓળખીતો એટલે એણે ધ્યાન પણ રાખવાનું. છ મહિના થયા, ટકી ગયો છે. બેય છોકરાં પણ સરકારી શાળામાં દાખલ કરાવી દીધાં છે અને મેવાની વહુ, કુસુમે પણ પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં જવાનું શરુ કર્યું છે. સાથે-સાથે તેને નજીકની એક ખાનગી શાળાનાં બાગ અને મેદાનની માળી તરીકે નોકરી મળી છે. છોકરાં જાય ત્યારે તેમની સાથે જાય અને બપોર પડતાં સુધી પાછી. અને સાંજની પ્રૌઢશાળામાં બેય પતિ-પત્ની સાથે જાય અને આવે. હમણાં તો, છોકરાં તારી માસી સાચવી લે છે. પછી, સમુ અને મનુએ ખાતરી આપી છે, બેયને સાચવવાની.”
લીલા સાચે જ આ મજાનાં સમાચારથી ખુશ થઇ ગઈ. આમ, પણ બેય બહેનોને પોતપોતાનાં કામકાજની વ્યસ્તતામાં એકબીજાને મળવાનો કે વાતો કરવાનો અવસર ભાગ્યે જ મળતો. આજે આટલાં બધા આનંદભર્યાં સમાચારોથી લીલાનું મન એટલું છલકાયું કે પોતાનાં માટે તેનાથી કોઈ નિર્ણય લઇ શકાય કે કેમ તેનો પ્રશ્ન ઉભો થયો. બેય જમી ઉઠ્યાં એટલે, રામજીએ તેને મદદ કરી વાસણો સિંકમાં મુકવામાં. કામથી ફારેગ થઇ બેય શાયનખંડમાં આવ્યાં. લીલાનો કોન્ટ્રાકટ પૂતો થયો હતો એટલે હવે તેણે જવાનું ન હતું પણ રામજીને સવારે સાત વાગ્યે કોલેજ પહોંચવાનું હતું. લીલા કાલે સવારે જમવાનું તૈયાર કરી મેઘનાબહેનને મળી આવે તેવું નક્કી કરી બેય સૂતાં. તેઓને ખાતરી હતી કે રમીલાના મોટી મા જરૂરથી સાચો રસ્તો બતાવશે.
જવાની તૈયારી પણ રામજીય સાથે આવે. બે વર્ષે પરત.
થોડાં જ મહિનામાં બીજાં ત્રણ કોન્ટ્રાક્ટ. ગામથી બોલાવેલ મિત્રો સાથે દસ-દસ આર્ટિસ્ટની ટુકડીઓ પાડી ફરી ઓસ્ટ્રેલિયા ભણી.
ક્રમશઃ
મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા