પ્રકરણ એકવીસમુ
સત્યાગ્રહ અને દુરાગ્રહ
હું દ્દઢતાપૂર્વક માનું છું કે સવિનય કાનૂનભંગ એ શુદ્ધમાં શુદ્ધ પ્રકારનું બંધારણીય આંદોલન છે. અલબત્ત જો એનું વિનયી એટલે કે અહિંસક સ્વરૂપ એ કેવળ દંભ હોય તો તે આંદોલન કોડીની કિંમતનું અને અધોગતિ કરનારું બની જાય છે. ૧
જો કાયદાનો ભંગ સાચા ભાવથી માનપૂર્વક અને વિરોધની વૃત્તિવિના કરવામાં આવે અને તે સમજપૂર્વક બંધાયેલા પાકા સિદ્ધાંતના આધારે હોય-તેમાં સ્વચ્છંદ ન હોય-અને સહુથી મુદ્દાની વાત-એની પાછળ દ્વેષ કે તિરસ્કારનો છાંટો પણ ન હોય તો જ તે શુદ્ધ સત્યાગ્રહ કહેવાય.૨
જે લોકો રાજ્ય દ્વારા લાદવામાં આવેલા ત્રાસદાયક કાયદાનું પણ, જ્યાં સુધી તે તેમના અંતઃકરણને કે ધર્મને દૂભવતા ન હોય ત્યાં સુધી, રાજીખુશીથી પાલન કરવામાં માનતા હોય અને તેટલી જ રાજીખુશીથી સવિનય કાનૂનભંગની સજા ભોગવવા તૈયાર હોય તેઓ જ સવિનય કાનૂનભંગ કરી શકે. કાનૂનભંગ સંપૂર્ણ રીતે અહિંસક હોય તો જ તેને સવિનય કાનૂનભંગ કહી શકાય. આની પાછળ જાતે સહન કરીને, એટલે કે પ્રેમથી વિરોધીને જીતી લેવાનો સિદ્ધાંત રહેલો છે. ૩
સવિનયભંગ એ દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે.
મનુષ્યત્વ-ના ભોગે જ એ અધિકાર તે જતો કરી શકે. સવિનયભંગ પછી કદી અંધાધૂંધી ન આવે. અવિનયભંગને પરિણામે આવે ખરી. દરેક રાજ્ય અવિનયભંગને બળથી દબાવી દે છે. એમ ન કરે તો તે પોતે નાશ પામે.
પણ સવિનયભંગને દબાવી દેવો એ અંતરાત્માને કેદમાં પૂરવાનો પ્રયત્ન કરવા જેવું છે. ૪
સત્યાગ્રહ સીધાં પગલાંની સૌથી પ્રબળ પદ્ધતિઓમાંની એક હોવાને કારણે, સત્યાગ્રહી સત્યાગ્રહનો આશરો લેતાં પહેલાં બીજાં બધાં સાધનો વાપરી જુએ છે. તેથી તે અધિકારીઓને સદાસર્વદા મળતો રહેશે,
લોકમતને અપીલ કરશે, લોકમત કેળવશે, પોતાને ધ્યાનપૂર્વક સાંભળવા ઈચ્છનાર દરેક આગળ પોતાની વાત શાંતિ અને સ્વસ્થતા-પૂર્વક રજૂ કરશે, અને આ બધા ઉપાયો અજમાવ્યા પછી જ તે સત્યાગ્રહનો આશરો લેશે.
પણ જ્યારે તેને અંતરનાર્દનો પ્રેરક પોકાર સંભળાય છે અને તે સ્તાગ્રહમાં ઝંપલાવે છે ત્યારે તે પોતાનું સર્વસ્વ હોમી દે છે અને પાછી પાની કરતો નથી. ૫
‘સત્યાગ્રહ’શબ્દ ઘણી વાર વગરવુચાર્યે ગમે તેમ વાપરવામાં આવે છે અને એમાં ગર્ભિત હિંસાનો સમાવેશ કરવામાં આવે છે. પણ એ શબ્દના ઉત્પાદક તરીકે હું કહું કે એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, ગુપ્ત કે પ્રગટ, કે મન, વચન ને કર્મની હિંસાનો સમાવેશ નથી થતો. વિરોધીનું બૂરું તાકવું કે તેને દૂભવવાના ઈરાદાથી તેની પ્રત્યે કે તેને વિષે કઠોર વેણ કાઢવાં એમાં સત્યાગ્રહની મર્યાદાનું ઉલ્લંઘન છે.....સત્યાગ્રહમાં નમ્રતા હોય છે. સત્યાગ્રહ કદી કોઈના પર પ્રહાર કરતો જ નથી. એ ક્રોધ કે દ્વેષનું પરિણામ ન જ હોવો જોઈએ. તેમાં ધાંધલ, અધીરાઈ, બૂમાબૂમ હોય જ નહીં. તે બળાત્કારનો કટ્ટો વિરોધી છે. હિંસાના સંપૂર્ણ ત્યાગ તરીકે જ સત્યાગ્રહની કલ્પના કરવામાં આવેલી છે. ૬
દુરાગ્રહ
૧૯૧૯ના એપ્રિલની શરૂઆતમાં પંજાબમાં જતાં ગાંધીજીની ધરપકડ થયાની ખબર આવતાં મુંબઈ અને બીજાં સ્થળોએ હિંસક તોફાનો ફાટી નીકળ્યાં. ગાંધીજીને પોલીસ પહેરા નીચે પાછા મુંબઈ લાવવામાં આવ્યા અને ૧૧મી એપ્રિલે છોડી મૂકવામાં આવ્યાં. તે સાંજે બધી સભાઓમાં વાંચવા માટે એક સંદેશો આપ્યો. જેમાં તેમણે નીચે પ્રમાણે જણાવ્યું.
મારી અટકાયતને પરિણામે આટલા બધા ઉશ્કેરાટ અને તોફાનોનું કારણ હું સમજી શક્યો નથી. એ સત્યાગ્રહ નથી. દુરાગ્રહથી પણ એ ખરાબ છે. જેઓ સત્યાગ્રહની લડતમાં જોડાય છે તે બધા ગમે તે જોખમે હિંસાથી દૂર રહેવા, પથરા નહીં ફેંકવા કે કોઈ પણ રીતે કોઈને ઈજા નહીં
પહોંચાડવા, બંધાયેલા છે. પણ મુંબઈમાં આપણે પથરા ફેંક્યા છે. માર્ગમાં અવરોધો ઊભા કરી ટ્રામો રોકી છે. આ સત્યાગ્રહ નથી. આપણે હિંસક કામો માટે પકડાયેલા પચાસેક માણસોના છુટકારાની માગણી કરી છે. પણ આપણી ફરજ તો મુખ્યત્વે જાતે ધરપકડ વહોરવાની છે. જે લોકોએ હિંસક કાર્યો કર્યાં છે તેમના છુટકારા માટે પ્રયત્ન કરવો એમાં આપણા ધાર્મિક કર્તવ્ય ભંગ છે. તેથી જેમને પકડવામાં આવ્યા છે તેમના છુટકારાની માગણી કોઈ પણ રીતે વાજબી નથી. ૭
મેં અનેક વાર કહ્યું છે કે સત્યાગ્રહમાં હિંસા, લૂંટફાટ, આગ લગાડવી વગેરેને સ્થાન નથી અને છતાં સત્યાગ્રહને નામે આપણે મકાનો બાળ્યાં છે, બળજબરીથી હથિયારો કબજે કર્યાં છે, પૈસા પડાવ્યા છે, રેલગાડીઓ અટકાવી છે, તારનાં દોરડાં કાપી નાખ્યાં છે, નિર્દોષ લોકોની હત્યા કરી છે અને દુકાનો તેમ જ ખાનગી મકાનો લૂંટ્યાં છે. આવાંકામોથી મારો જેલમાંથી કે ફાંસીને માંચડેથી છુટકારો થતો હોય તો એવી રીતે છૂટવાની મારી ઈચ્છા નથી. ૮
એવાં કાર્યોથી હું હિંદુસ્તાનને સારુ ભયંકર વખત જ જોઉં છું.
જ્યારે જ્યારે મજૂરો ખિજાય ત્યારે જો તેઓ કાયદાનો ખૂની ભંગ શરૂ કરે અને જાનમાલને નુકસાન કરે તો તેઓ આપઘાત કરે અને હિંદુસ્તાનને પારાવાર ખમવું પડે...મેં સત્યાગ્રહનો અને તેના કાયદાના સવિનયભંગ નો પ્રચાર કર્યો તેનો અર્થ એવો કદી નહીં હતો કે કાયદાનો ખૂની ભંગ થઈ શકે. સત્યનો સુધ્ધ પ્રચાર ખૂન કરીને થાય જ નહીં એ મારો અનુભવ છે.
જેને પોતાના સત્ય ઉપર વિશ્વાસ છે તે તો સમુદ્ર જેટલી ધીરજ રાખે અને સવિનયભંગ તે જ કરી શકે કે જેણે કાયદાનો અવિનયી, ફોજદારી, ખૂની ભંગ કદી ન કર્યો હોય ને કદી ન કરે. જેમ માણસ એકી વખતે ગરમ અને નરમ ન હોઈ શકે તેમ કાયદાનો સવિનય અને અવિનય ભંગ એકી વખતે ન કરી શકે. અને જેમ શાંતિ તે રોજ ગુસ્સાને મારવાની તાલીમ લીધા પછી જ આવી શકે છે તેમ જ કાયદાનો સવિનયભંગ કરવાની શક્તિ પણ કાયદાને સદા માન આપવાથી જ આવી શકે છે. અને જે માણસ ઘણી
લાલચને વખતે લાલચોથી દૂર રહી શકે તે જ જીત્યો કહેવાય, તેમ ગુસ્સો કરવાનો ભારે પ્રસંગ આવ્યા છતાં પણ જે ગુસ્સાને રોકી શકે છે તેણે જ તેને જીત્યો કહેવાય. ૯
કેટલાક વિધાર્થીઓએ ત્રાગાના રૂપમાં પુરાણું જંગલીપણું ફરી સજીવન કર્યું છે. હું એને ‘જંગલીપણું’કહું છું કારણ કે એ દબાણ લાવવાનું અવિચારી પગલું છે. તેમાં કાયરતા પણ છે કારણ કે જે ત્રાગું કરે છે તે જાણે છે કે કોઈ તેને કચડીને જવાનું નથી. આ રીતને હિંસા કહેવાનું અઘરું છે, પણ ખરેખર એ હિંસાથીયે ખરાબ છે. આપણે આપણા વિરોધી સાથે
લડીએ છીએ ત્યારે કંઈ નહીં તો તેને ફટકાનો જવાબ વાળવા જેટલી તક તો આપીએ છીએ. પણ તે આપણા શરીર પર પગ મૂકીને નહીં જાય એમ જાણવા છતાં, તેને તેમ કરવાનો પડકાર ફેંકીએછીએ ત્યારે તેને કઢંગી અને નામોશીભરી સ્થિતિમાં મૂકીએ છીએ. હું જાણું છું કે ત્રાગું કરનાર અતિ ઉત્સાહી વિધાર્થીઓ એના જંગલીપણાનો કદી વિચાર કરતા નથી. પણ જેની પાસેથી અંતરના અવાજને અનુસરવાની અને મુશ્કેલીઓની સામે એકલા ઊભા રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે તેને અવિચારી થવું પાલવે નહીં...અધીરાઈ, જંગલીપણું,ઉદ્ધતાઈ કે અયોગ્ય દબાણ ન જ હોય.
આપણે લોકશાહીની સાચી ભાવના ખીલવવી હોય તો અસહિષ્ણુ થવાનું આપણને પાલવે નહીં. અસહિષ્ણુતા આપણા કાર્યમાં આપણી
શ્રદ્ધાનો અભાવ સૂચવે છે. ૧૦
શાસનનો અવિચારી વિરોધ અરાજકતા અને નિરંકુશ સ્વચ્છંદતા તેમ જ તેમાંથી નીપજતા આત્મનાશ તરફ જ દોરી જાય. ૧૧
કોઈ પણ સત્યાગ્રહ શરૂ થવા અગાઉ તપાસવાની અનિવાર્ય શરત એ છે કે સત્યાગ્રહ કરનારાઓને પક્ષે અગર તો સામાન્ય પ્રજાને પક્ષે કોઈ પણ જાતની હિંસા નહીં થવા પામે એવી ખાતરી હોવી જોઈએ. હિંસા થાય
અને પછી રાજ્ય અગર તો બીજા કોઈ એવા જ વિરોધી પક્ષ તરફથી તેની ઉશ્કેરણી કરવામાં આવ્યાથી તેમ થયું એવું કહ્યે ન ચાલે. સવિનયભંગ હિંસાના વાતાવરણ વચ્ચે ખીલી ન શકે એ દેખીતું છે. આનો અર્થ એ નથી કે સત્યાગ્રહી અટકીને ઊભો થઈ રહે. સત્યાગ્રહને સારુ જરૂરી વાતાવરણ ન જુએ તો તે બીજો રસ્તો શોધે. ૧૨
સત્યાગ્રહમાં ઉપવાસ
ઉપવાસ એ સત્યાગ્રહના શસ્ત્રાલયમાં એક મહાશક્તિવાળું અસ્ત્ર છે. હરકોઈથી ચલાવી શકાય તેવું તે નથી જ. નરી શારીરિક લાયકાત એ એને સારુ લાયકાત નથી. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા સિવાય એ સાવ નિરુપયોગી છે. વિચારરહિત મનોદશાથી કે નરી અનુકરણવૃતિથી તે કદી ન થવો જોઈએ. પોતાના અંતરાત્માના ઊંડાણમાંથી જ તે ઊઠવો જોઈએ. ૧૩
ઉપવાસીમાં સ્વાર્થ, રોષ, અવિશ્વાસ અને અધીરાઈનો પ્રવેશ ન હોવો જોઈએ...ઉપવાસીમાં અખૂટ ધૈરેય, દ્રઢતા, એકાગ્રતા અને શાંતિ હોવાં જોઈએ. એ બધા ગુણો એકા એક નથી આવતા. તેથી જેનું જીવન યમનિયમાદિના પાલનથી શુદ્ધ ન હોય તે સત્યાગ્રહી ઉપવાસ ન કરી શકે.૧૪
એક સામાન્ય નિયમ બતાવી શકાય ખરો. જ્યાં સત્યાગ્રહ ધર્મ હોય ત્યાં બીજા બધા ઉપાયો લીધા પછી જ ઉપવાસરૂપી શસ્ત્ર વપરાય.
આમાં દેખાદેખીને સ્થાન જ નથી. જેના અંતરમાં બળ નથી તે ઉપવાસ ન જ કરે, ફળની આશાએ પણ ન કરે...હાંસીજનક ઉપવાસ થયા કરે ને તે મરકીરૂપે ફાટી નીકળે, તોય ઉપવાસ જ્યાં ધર્મ હોય ત્યાં તેનો ત્યાગ ન થાય. ૧૫
ઉપવાસ એ ખરેખર ત્રાગું હોઈ શકે એની હું ના પાડતો નથી.
સ્વાર્થ સાધવાને કરેલા ઉપવાસ એ જાતના હોય છે. સ્વાર્થ સાધવાને કોઈ માણસ પાસેથી પૈસા પડાવવા એ ત્રાગું ગણાય, અને બળાત્કાર કહેવાય.
એવા ત્રાગાનો વિરોધ કરવો જોઈએ એવી સલાહ હું વિના સંકોચે આપું.
મારી સામે જે ઉપવાસો થયા છે કે થવાની ધમકી અપાઈ છે તેનો મેં વિરોધ કર્યો છે ને હું તેમાં ફાવ્યો છું. જો એમ દલીલ કરવામાં આવે કે સ્વાર્થી અને પરમાર્થી ઉદ્દેશ વચ્ચેનો ભેદ ઘણી વાર નજીવો હોય છે, તો હું કહું કે જે માણસને એમ લાગે કે અમુક ઉપવાસનો ઉદ્દેશ સ્વાર્થી અથવા હીન છે તે માણસે ઉપવાસ કરનારનું મરણ નીપજે તોપણ દ્દઢતાપૂર્વક એને વશ થવાની ના પાડવી જોઈએ. પોતાને ત્રાગા જેવા લાગે એવા ઉપવાસની અવગણના કરવાની ટેવ જો લોકો પાડશે તો એવા ઉપવાસમાંથી બળાત્કારનો અથવા અઘટિત દબાણનો અંશ નીકળી જશે. મનુષ્ય ની બધી વસ્તુઓ પેઠે ઉપવાસનો સદુપયોગ તેમ જ દુરુપયોગ બંને થઈ શકે.