પ્રકરણ વીસમુ
સર્વોદય રાજ્ય
ઘણા લોકોએ માથું ધુણાવતાં ધુણાવતાં મને કહ્યું છે કે’આમ જનતાને તમે અહિંસા નહીં શીખવી શકો. અહિંસા કેવળ વ્યક્તિઓ માટે અને તે પણ ગણીગાંઠી વ્યક્તિઓ માટે જ છે.’મારા મત પ્રમાણે આ આત્મવંચના છે. મનુષ્યજાતિ સ્વભાવે અહિંસક ન હોત તો યુગો પહેલાં તે પોતાને હાથે મરી પરવારી હોત. પણ હિંસક બળો ને અહિંસક બળોના દ્વંદ્વયુદ્ધમાં છેવટે અહિંસક બળો વિજયી નીવડ્યાં છે. ખરી વાત એ છે કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવાના સાધન તરીકે અહિંસા-નો લોકોમાં પ્રચાર કરવા માટે ઉતાવળા થયા વગર ખરા અંતઃકરણથી કાર્ય કરવાની ધીરજ આપણે બતાવી નથી. ૧
મને તો નામની રાજ્યસતા નથી જોઈતી, કામની જ જોઈએ છે.
એ આપણું સાધ્ય નથી, પણ પ્રજાની સ્થિતિ દરેક રીતે સુધારવાનું સાધન છે. રાજયસતા મેળવવી એટલે દેશના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાજીવનને ઘડવાની સતા મેળવવી. પણ જો પ્રજાજીવન આપોઆપ જ ઘડાતું જાય તો પ્રતિનિધિઓને સત્તા મેળવવાની ગરજ ન રહે. તે વેળા એક પ્રકારનું સંસ્કારી સંયમી અરાજક હશે. એ અરાજરમાં દરેક પોતપોતાના અંકુશમાં હશે, પોતપોતાનો રાજા હશે. એ એવી રીતે પોતાને અંકુશમાં રાખશે કે જેથી તેના પડોશીને તે જરાયે હરકતકર્તા ન થઈ પડે. એટલે આદર્શ રાજ્ય તો તે છે કે જેમાં રાજ્યસતા નથી કારણ સામુદાયિક રાજ્ય જ નથી. પણ એ તો આદર્શ લીટીની વ્યાખ્યા જેવું થયું. એટલે જ થૉરોએ પોતાનું મહાવાક્ય ઉચ્ચાર્યું કે જેમાં રાજ્યસત્તાનો અમલ અલ્પમાં અલ્પ તે રાજ્ય
ઉત્તમોત્તમ. ૨
રાજ્યના હાથમાં વધુપડતી સત્તાને હું ભયની નજરે જોઉં છું.
કારણ કે ઉપરથી જોતાં તે શોષણને ઓછામાં ઓછું કરી નાખીને માણસજાતને લાભ પહોંચાડે છે, પણ વ્યક્તિત્વ, જે બધી પ્રગતિના મૂળમાં રહ્લું છે, તેનો નાશ કરીને મોટામાં મોટું નુકસાન કરે છે.
રાજ્ય હિંસાને કેન્દ્રિત અને સંગઠિત રૂપમાં રજૂ કરે છે. વ્યક્તિને આત્મા છે, પણ રાજ્ય એક આત્મહીન યંત્ર છે એટલે તેની પાસે હિંસા છોડાવી શકાય નહીં, કારણ તેનું અસ્તિત્વ જ તેને આધારે ટકેલું છે.
બળના પાયા ઉપર રચાયેલું સંગઠન મને પસંદ નથી અને રાજ્ય એવું સંગઠન છે. સ્વેચ્છાપૂર્વકનું સંગઠન તો હોવું જોઈએ. ૩
આદર્શ સમાજમાં કોઈ રાજસતા રહેશે, કે તે સમાજમાં રાજ-સત્તા મુદ્લ નહીં હોય? મને લાગે છે કે, આ સવાલની ખાલી ચર્ચાથી કશો લાભ નથી. એવો સમાજ રચવાને આપણે મહેનત કરીએ, તો અમુક હદ સુધી તેવો સમાજ આપોઆપ રચાતો રહેશે, અને તેનો ફાયદો લોકોને મળશે.
યુકિલડે વ્યાખ્યા કરી છે કે, જેને પહોળાઈ નથી, તે લીટી. પણ અ વ્યાખ્યાની આદર્શ લીટી આજ સુધી કોઈ દોરી શક્યું નથી, અને હવે પછી પણ કોઈ દોરી શકવાનું નથી. છતાં એવી લીટીનો આદર્શ ખ્યાલમાં રાખવાથી જ ભૂમિતિના જ્ઞાનમાં પ્રગતિ થઈ શકી છે. એ જ વાત હરેક આદર્શની બાબતમાં પણ સાચી છે.
એટલું યાદ રાખવું જોઈએ કે, રાજસત્તા વગરનો સમાજ દુનિયામાં આજે ક્યાંયે હસ્તી ધરાવતો નથી. તેની હસ્તી ક્યાંય થવાની હશે, તો હિંદુસ્તાનમાં જ થશે, કેમ કે, અહીં હિંદુસ્તાનમાં જ એવો સમાજ રચવાની કોશિશ થઈ છે. આજ સુધી આપણે પરાકાષ્ઠાની બહાદુરી નથી બતાવી શક્યા, પણ તે બતાવવાનો રસ્તો એક જ છે. જેમને તે રસ્તા પર શ્રદ્ધા છે, તેમણે તે રસ્તો બતાવવાનો છે. ૪
પોલીસદળ
આમ છતાં મેં કબૂલ કર્યું જ છે કે અહિંસક શાસનમાં મર્યાદિત અંશે પોલીસ બળને સ્થાન હશે. એ માન્યતા મારી અપૂર્ણ અહિંસાનું ચિહન છે. પોલીસ વિના ચલાવી શકશું એમ કહેવાની મારી હિંમત નથી, જેમ ફોજ વિના ચલાવી લેશું એમ કહેવાની છે. હું અવશ્ય એવી સ્થિતિ કલ્પું છું કે જ્યારે પોલીસની પણ જરૂર ન પડે. પણ એની ખરી ખબર તો અનુભવે જ પડે.
આ પોલીસ પોતે આજની પોલીસથી કેવળ જુદા જ પ્રકારની હશે.
તેમાં અહિંસાને માનનારાની ભરતી થશે. તેઓ લોકના સેવક હશે, સરદાર નહિં. લોકો તેમને મદદ કરતા હશે, અને રોજ ઓછા થતા જતા ઉપદ્વવોને તેઓ અને પોલીસ મળીને સહેજે પહોંચી વળી શકશે. પોલીસની પાસે કંઈક શસ્ત્ર હશે, પણ તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હશે. આ પોલીસ ખરું જોતાં સુધારક તરીકે ગણાવા જોઈએ. આવી પોલીસનો ઉપયોગ મુખ્યત્વે ચોરડાકુને પહોંચી વળવા પૂરતો જ હોય. અહિંસક શાસનમાં મજૂર
માલિકોના ઝઘડા કવચિત જ થાય, હડતાળો ભાગ્યે જ થાય, કેમ કે અહિંસક બહુમતીની પ્રતિષ્ઠા સહેજે એટલી હશે કે સમાજનાં આવશ્યક અંગો તે શાસનને માન આપનારાં હશે. તેમ જ કોમા ઝઘડાઓ પણ એ શાસનમાં ન હોવા જોઈએ.