Mara Swapnnu Bharat - 13 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 13

Featured Books
Categories
Share

મારા સ્વપ્નનું ભારત - 13

પ્રકરણ તેરમુ

દરિદ્રનારાયણ

જેને નામ આપી શકાતું નથી અને માણસની બુધ્દિથી જેનો પાર પામી શકાતો નથી તે ઈશ્વરને ઓળખવાને માણસજાતે પાડેલાં કોટિ કોટિ નામોમાંનું એક નામ દર્દ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઈશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઈશ્વર એવો થાય છે. ૧

એવાં લાખો ભૂખે મરતાં પડ્યાં છે કે જેમની આગળ ઈશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે એવો કોઈ રસ્તો બતાવશે તો તમને ઈશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમ અને ઈશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઈ સાંભળવાનું નથી. ૨

આ મારે હાથે જ મેં તેમની પાસેથી તેમના ચીંથરામાં કસીને બાંધેલા અને ધૂળથી ખરડાયેલા પાઈ-પૈસા ભેગા કર્યા છે. તેમની આગળ આધુનિક પ્રગતિની વાતો કરવાનો કશો અર્થ નથી. તેમની આગળ ફોગટ ઈશ્વરનું નામ લઈને તેમનું અપમાન ન કરો. જો આપણે તેમને ઈશ્વર વિષે વાત કરીશું તો તેઓ તમને અને મને શેતાન કહેશે. તેઓ ઈશ્વરને ઓળખતા હોય તોયે તેને ત્રાસ અને વેરના ઈશ્વર તરીકે, એક નિર્દય અત્યાચારી તરીકે ઓળખે છે. ૩

મને ભારતની જાગૃતિમાં અને આ વિનાશકારી દારિધમાંથી પોતાને સ્વરાજ્યને માર્ગે વાળવાની તેની શક્તિમાં શ્રદ્ધા હોવાથી હું અનશન કરીને આત્મહત્યા કરતાં મારી જાતને રોકી શક્યો છું. આવી શક્યતામાં જો શ્રદ્ધા ન હોય તો મને જીવનમાં રસ ન રહે. ૪

તેમની(કરોડો બેકાર લોકો) આગળ ઈશ્વરનું નામ મૂકવાની મારી હિંમત નથી ચાલતી. એ ભૂખ્યાં કરોડો જેમની આંખમાં જરાયે તેજ નથી અને રોટલો એ જ જેમનો ઈશ્વર છે તેમની આગળ ઈશ્વરનું નામ મૂંકવું અને પેલા કૂતરા આગળ મૂકવું એ બરાબર છે. તેમની આગળ ઈશ્વરનો સંદેશો લઈ જવો હોય તો મારે તેમની આગળ પવિત્ર પરિશ્રમનો સંદેશો જ લઈ જવો જોઈએ. મજાનો નાસ્તો લઈને અહીં બેઠા હોઈએ અને એથીયે મજાના ભોજનની રાહ જોતા હોઈએ તે વખતે ઈશ્વરની વાત કરવી ઠીક છે; પણ જે કરોડોને બે ટંક ખાવાનું પણ નથી મળતું તેમને મારે ઈશ્વરની વાત શી રીતે કરવી ? એમને તો ઈશ્વર રોટલા ને ધી રૂપે જ દર્શન દઈ શકે. હિદુસ્તાનના ખેડૂતોને રોટલો તો તેમની જમીનમાંથી મળી રહે છે. મેં તેમની આગળ રેંટિયો મૂક્યો તે એટલા માટે કે તેમને ધી મળી શકે. અને હું આજે અંગ્રેજ પ્રજા આગળ કચ્છ પહેરીને આવ્યો છું તેનું કારણ એ છે કે હું એ અર્ધભૂખ્યાં,અર્ધનગ્ન, મૂંગા કરોડોનો એકમાત્ર પ્રતિનિધિ બનીને આવ્યો છું. ૫

મૂંગા દરિદ્રનારાયણોના અંતરમાં વસતા પ્રભુ સિવાય બીજા ઈશ્વર ને હું નથી ઓળખતો. તેમને એ અંતરયામીની ઓળખ નથી, મને છે.

અને હું એ જનતાની સેવા માટે જ પરમેશ્વરને સત્યરૂપે કે સત્યને પરમેશ્વરરૂપે ભજું છું. ૬

રોજનાપૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બંને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો.

કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે;કંગાળને પેટ પૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળ-ને પેટ પૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા-પૂરતું સહેજે મળી રહે ને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે. ૭

ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઈચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે.

અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાંત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. ૮

દરેક પ્રસંગે લાગુ પાડવાનું મહાસૂત્ર એ છે કે જે વસ્તુ કરોડોને નથી મળી શકતી તે વસ્તુનો આપણે ત્યાગ કરવો. આ પ્રમાણે ત્યાગ કરવાની શક્તિ આપણામાં એકાએક નથી ઊતરી આવવાની. પહેલી તો આપણે એવી મનોવૃતિ કેળવવી પડશે કે જે કરોડોને ન મળી શકે એવી વસ્તુઓ અને સગવડો લેવાની ના પાડે; અને ત્યાર પછી તુરત બીજી

આવશ્યકતા એ છે કે એ વૃતિને અનુરૂપ આપણા જીવનક્રમમાં જેમ બને તેટલો જલદી ફેરફાર કરી નાખવો. ૯

જિસસ, મહમદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ હજારો માણસો ઉપર અત્યંત કાબૂ ધરાવતા હતા, અને તેઓનાં ચારિત્ર ઘડવામાં નિમિતભૂત થયા. તેઓનાં જીવનથી જગત વધારે સંપન્ન બન્યું છે અને આ બધા નરોએ બુધ્દિપૂર્વક દરિદ્રતાનો સ્વીકાર કર્યો હતો.