Mara Swapnnu Bharat - 11 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 11

Featured Books
Categories
Share

મારા સ્વપ્નનું ભારત - 11

પ્રકરણ અગિયારમું

હક કે ફરજ ?

સમાજને આજે પીડી રહેલા એક મોટા અનિષ્ટને વિષે મારે આજે વિવેચન કરવું છે. મૂડીવાળા અને જમીનદારો પોતપોતાના અધિકાર અથવા હકની વાતો કરે છે ; બીજી બાજુથી મજીરો વળી પોતાના જ હકની વાતો ચલાવે છે ; રજવાડાંના રાજાઓ પોતાના રાજ્ય ચલાવવાના ઈશ્વર તરફથી મળેલા અધિકારની વાતો કરે છે અને તેમની રૈયત તેમના એ અધિકારનો પ્રતિકાર કરવાના પોતાના હકની વાતો ચલાવે છે. આમ હરેક જણ અને હરેક વર્ગ કેવળ પોતપોતાના અધિકાર અથવા હકને વિષે આગ્રહ રાખે કે મમત પકડે અને પોતપોતાના ધર્મ અથવા ફરજનો વિચાર સરખો ન કરે તો આખરે ભારે ગોટૈળો ને અંધેર ફેલાય.

હવે, દરેક જણ પોતપોતાના હકને વિષે આગ્રહ રાખવાને બદલે પોતપોતાને માથે આવતી ફરજ બજાવે તો માણસજાતમાં તરત જ સુવ્યવસ્થાનો અમલ શરૂ થાય. રાજ ચલાવવાના રજવાડાંના રાજાઓના ઈશ્વરી અધિકારની અને તેમની રૈયતની પોતાના આ માલિકોના હુકમનું આદર-પૂર્વક પાલન કરવાની ફરજની વાત પાયા વગરની છે. એવા કોઈ હક કે એવી કોઈ ફરજ હસ્તી ધરાવતી નથી. આવી વારસાગત ઊતરી આવેલી બધી અસમાનતા સમાજનું અકલ્યાણ કરનારી હોવાથી નાબૂદ થવી જોઈએ એ વાત સાચી છે ; પણ તેની સાથે બીજી એક વાત પણ એટલી જ સાચી છે કે કચડાતા આવેલા કરોડો બેફામ રીતે પોતાનાં હકનો જ આગ્રહ રાખે તેથી સમાજનું એથી વધારેં નહીં તો એવું અકલ્યાણ થવાનો સંભવ રહે છે. કચડાયેલી જનતાની મેં કહી તેવી વર્તણૂકથી ઈશ્વરી અને એવા જ બીજા અધિકારોનો દાવો કરનારાં મુઠ્ઠીભર માણસોને થાય તેના કરતાં એ કરોડોને જ વધારે નુકસાન થવાનો સંભવ છે. એ મુઠ્ઠીભર માણસો કાં તો શૂરાની જેમ અથવા નામરદની જેમ મરણને શરણ થશે પણ એટલા ખોબા જેટલા લોકોનાં મરણથી સુખમય સમાધાન અને શાંતિની વ્યવસ્થા નહીં સ્થપાય. તેથી હક અને ફરજ એ બંનેનો પરસ્પર સંબંધ સમજી લેવાની જરૂર છે. હું બેધડક સૂચવવા ઈચ્છું છું કે યોગ્ય રીતે પ્રગટ થતા નથી તે મેળવવા જેવાયે નથી. એ બીજા કોઈના હક અથવા અધિકાર ખૂંચવી લેવા જેવું થાય અને તેથી તેવા હકો જેટલા જલદી છોડી દેવાય તેટલા સારા. જે મા કે બાપ પોતાનાં ફરજંદો તરફની પોતાની ફરજ પ્રથમ અદા કર્યા વિના તેમની પાસેથી પોતાની આજ્ઞા પળાવવાના પોતાના હકનો દાવો તે સાચે જ ધૃણાને પાત્ર છે. તેવીજ રીતે પત્વ્રતા પત્ની પાસેથી કોઈ બદચાલનો પતિ હરેક બાબતમાં પોતાની આજ્ઞાનું પાલન થાય એવી અપેક્ષા રાખે તો ધર્મની આજ્ઞાનો અવળો અર્થ થાય. પરંતુ સંતાનો તરફની પોતાની ફરજ બજાવવાનો હમેશાં તત્પર રહેનાર મા કે બાપની આજ્ઞાને ઠોકરે ઉડાવનારાં ફરજંદો કૃતધ્ન અથવા નગુરાં ગણાશે અને પોતાનાં મા કે બાપના કરતાં પોતાની જાતનું વધારેઅકલ્યાણ કરશે. પતિ અને પત્નીને વિષે પણ એવું જ કહી શકાય. હવે, માલિક શેઠિયાઓ અને મજૂરો, જમીનદારો અને ગણોતિયાઓ, રજ-વાડાંના રાજાઓ અને તેમની રૈયત, અથવા હિંદુઓ ને મુસલમાનો સૌને આ સાદો છતાં સર્વસામાન્ય નિયમ લાગુ કરો તો તમે જોશો કે હિંદમાં અને દુનિયાભરમાં જીવનના વહેવારમાં અને વેપારરોજગારમાં આજે જે બખેડા અને અનવસ્થા દેખાય છે તેને બદલે જીવનના હરેક ક્ષેત્રમાં સૌથી સરસ સુમેળવાળા સંબંધો સ્થાપી શકાય. હું જેને સત્યાગ્રહ નામથી ઓળખાવું છું તે નિયમ પોતપોતાની ફરજો અને તેમના પાલનમાંથી આપોઆપ પ્રગટ થતા હકોના સિદ્ધાંતને બરાબર સમજી લેવામાંથી ફલિત થાય છે.

પોતાના મુસ્લિમ પાડોશી તરફ એક હિંદુની ફરજ શી છે ? હિંદુનો ધર્મ પોતાના મુસ્લિમ પાડોશી સાથે પોતાના એક માનવબંધુ તરીકે દોસ્તી રાખવાનો, તેનાં સુખદુઃખમાં ભાગ લેવાનો અને તેની આફતમાં તેની મદદે ધાવાનો. આ ધર્મના પાલન પછી જ હિંદુ પોતાના મુસ્લિમ પાડોશી પાસેથી એવી જ જાતના વર્તનની અપેક્ષા રાખે અને ઘણો સંભવ છે કે પોતાને અપેક્ષિત જવાબ તેને મળશે. ધારો કે એક ગામમાં હિંદુઓની વસ્તી વધુમતીની છે અને તેમની વચ્ચે થોડા પાંચપચીસ મુસ્લિમો વેરા-યેલા છે.

એ સંજોગોમાં વધુમતીની વસ્તીની પોતાના જૂજ સંખ્યાના મુસ્લિમ પાડોશીઓ તરફની ફરજ અદા કરવાની જવાબદારી અનેકગણી વધી જાય છે. અને મારી સમજ પ્રમાણે એ હિંદુઓએ પોતાના થોડી સંખ્યામાં મુસ્લિમ પાડોશીઓ પ્રત્યેની પોતાની ફરજ એટલી હદ સુધી બજાવવાની રહે છે કે વધુમતીની વસ્તીના પોતાના તરફના વર્તનમાંથી એ મુસ્લિમોને કદી એમ ન થાય કે અમારા ધર્મને કારણે અમારી સામે ભેદ રાખવામાં આવેછે.

આટલો ધર્મ બરાબર બજાવ્યાં પહેલાં નહીં પણ તે પછી જ મુસ્લિમો પોતાના સ્વાભાવિક મિત્રો થાય એવી અપેક્ષા હિંદુઓ રાખી શકે અને પછી જોખમને વખતે બંને કોમો જાણે એક જ વ્યક્તિ હોય તેમ સાથે મળીને કાર્ય કરશે. પણ ધારો કે એ થોડા મુસ્લિમો પેલા ઘણા હિંદુઓના યોગ્ય વર્તનનો યોગ્ય જવાબ ન વાળે અને હરેક વખતે આડા થઈને લડવાની વાતો કરે તો એ નામરદાઈ લેખાશે. એ સંજોગોમાં પછી વધારે સંખ્યાની વસ્તીવાળા હિંદુઓની ફરજ શી ? બેશક, તેમનો ધર્મ એવો ન જ હોય કે એ થોડી સંખ્યાના લોકોને કેવળ હેવાનની જબરજસ્તીથી જેર કરે ; કેમ કે એ ખોટી રીતે મેળવેલા હકનો ઉપભોગ થાય. પોતાના સગા ભાઈઓની વર્તણૂક પર જેમ હિંદુઓ અંકુશ મૂકે તેમ એ અલ્પ સંખ્યાના મુસ્લિમોના નામરદાઈભર્યા વર્તનમ પર અંકુશ મૂકવાનો તેમનો ધર્મ હોય. આ દાખલાનું વધારે વિવરણ કરવાની જરૂર હું નથી જોતો. માત્ર એટલું જણાવીને હું વિવેચન બંધ કરીશ કે મારા દાખલામાં બતાવેલી કોમોની પરિસ્થિતિ ઊલટાસૂલટી કરી નાખો તોયે મારો સિદ્ધાંત એની એ જ ઢબે લાગુ પડે છે. આ બધું જે મેં કહ્યું તે પરથી એ જ સિદ્ધાંંત આજની આખીયે પરિસ્થિતિને બરાબર કામ આપે તે રીતે વિસ્તારીને લાગુ કરવાનું સુતરું છે. અને આજની પરિસ્થિતિનો ઉકેલ નીકળતો નથી તેનું કારણ પણ એટલું જ છે કે દરેકે પ્રથમ બરાબર બજાવેલી ફરજમાંથી જ તેને લગતો હક ફલિત થાય છે એ સિદ્ધાંતનો લોકો અમલ કરતા નથી.

રજવાડાંના રાજા અને તેમની રૈયતની રૈયતને પણ એ જ નિયમ લાગુ પડે છે. રાજાઓનો ધર્મ પોતાની પ્રજાના સાચા સેવક તરીકે કાર્ય કરવાનો છે. બહારથી કોઈક સતાએ બક્ષેલા હકની રૂએ એ લોકો પોતાની રૈયત ઉપર રાજ નહીં ચલાવે, તરવારથી મળતા અધિકારની રૂએ તો કદી ન ચલાવે. રાજાઓ પોતાની પ્રજાની બજાવેલી સેવાના હકથી અને પોતાને મળેલા વિશેષ ડહાપણના હકથી રાજ્યનો અમલ ચલાવે. આટલો ધર્મ બજાવ્યા પછી જ રાજાઓને રાજીખુશીથી ભરી દેવામાં આવતા કરવેરા ઉઘરાવવાના અને પોતાની જાતને માટે નહીં પણ પોતાની સંભાળ નીચેની રૈયતને માટે એવી જ રાજીખુશીથી આપવામાં આવેલી કેટલીક જાતની સેવા લોવાનો હક મળે. રાજાઓ પોતાના આ પ્રથમ અને સાદા ધર્મનું પાલન ન કરે તો રૈયતને તેમના તરફ બદલામાં બજાવવાની કોઈ ફરજ રહેતી નથી એટલું જ નહીં, રાજાઓ ખોટી રીતે જે હકનો દાવો કરે તે હકના અમલનો પ્રતિકાર કરવાની તેમની ફરજ ઊભી થાય છે. બીજી રીતે એમ કહી શકાય કે રૈયતને રાજ્યની સતા પડાવી લેનારનો તથા અરાજકતાનો પ્રતિકાર કરવાનો હક પ્રાપ્ત થાય છે. પરંતુ એ હકના અમલમાં રૈયત ખૂન, કતલ અને લૂંટને રસ્તે ચડે તો ફરજ અથવા ધર્મની દ્રષ્ટિથી વાત કરતાં એમ

કહેવાય કે તેમનો પ્રતિકાર માણસજાતની સામેનો એક ગુનો બની જાય છે.

ફરજના પાલનમાંથી કુદરતી રીતે જ પ્રગટ થતી શક્તિ સત્યાગ્રહમાંથી જન્મનારી કોઈથીયે ન જીતી શકાય તેવી અહિંસાની શક્તિ છે. ૧