Mara Swapnnu Bharat - 8 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 8

Featured Books
Categories
Share

મારા સ્વપ્નનું ભારત - 8

પ્રકરણ આઠમુ

વર્ગવિગ્રહ

હું એમવર્ગને મૂડીદારોને શત્રુ ગણવાનું શીખવતો નથી, પણ હું એમને શીખવું છું કે તેઓ પોતે પોતાના શત્રુ છે. ૧

વર્ગવિગ્રહ ભારતની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ છે. તે સમાન ન્યાયના અને સૌના મૂળભૂત હકના વિશાળ પાયા પર સામ્યવાદ સ્થાપવા શક્તિમાન છે. મારા સ્વપ્નના રામરાજ્યમાં રાય તેમ જ રંકના હક સુરક્ષિત હશે. ૨

શોષિત અને શોષક વચ્ચે સહકાર હોવો જોઈએ એવું મેં કદી કહ્યું નથી. શોષણ અને શોષણ કરવાની ઈચ્છા મોજૂદ હોય ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. હું ફકત એટલું નથી માનતો કે જમીનદારો અને મૂડીવાદીઓ સ્વભાવે જ શોષકો હોય છે, અથવા તેમના અને પ્રજાના હિત વચ્ચે પાયાનો અથવા કદી મેળ ન ખાય એવો વિરોધ હોય છે. તમામ શોષણનો આધાર શોષિતોના રાજીખુશીના કે બળજબરી-થી લીધેલા સહકાર ઉપર છે. આપણને કબૂલ કરવાનું ન ગમે છતાં એ હકીકત છે કે લોકો શોષકની આજ્ઞા માનવાની ના પાડે તો શોષણ થાય જ નહીં. પણ આપણો સ્વાર્થ આડે આવે છે અને આપણે આપણી બેડીઓને ચીટકી રહીએ છીએ.

આ બંધ થવું જોઈએ. જરૂર જમીનદારો ને મૂડીવાદીઓનો નાશ કરવાની નથી, પણ તેમની અને લોકોની વચ્ચેના આજના સંબંધો બદલીને વધારે તંદુરસ્ત અને વધારે શુદ્ધ કરવાની છે.

વર્ગવિગ્રહની વાત મને પસંદ નથી. ભારતમાં વગ્રવિગ્રહ અનિવાર્ય નથી એટલું જ નહીં, જો આપણે અહિંસાનો સંદેશ બરાબર સમજ્યા હોઈએ તો તે ટાળી શકાય એમ છે. જે લોકો કહે છે કે વર્ગવિગ્રહ અનિવાર્ય છે, તેઓ અહિંસાના ફલિતાર્થોને કાં તો સમજ્યા નથી અથવા તો ઉપરછલ્લા સમજ્યા છે.

પશ્વિમમાંથી આયાત કરેલાં મોહક સૂત્રોથી આપણે દોરવાઈ ન જઈએ. આપણી પાસે આપણી પૂર્વની વિશિષ્ટ પરંપરા નથી શું ?મજૂરી અને મૂડીના સવાલનો ઉકેલ આપણે આપણી રીતે નથી લાવી શકતા ?

વર્ણાશ્રમની પ્રથા એ ઊંચનીચ વચ્ચે તેમ જ મૂડી અને મજૂરી વચ્ચે મેળ બેસાડવાનું સાધન નથી તો બીજું શું છે ? આ વિષયમાંપશ્વિમમાંથી જે કંઈ આવે છે તે હિંસાના રંગે રંગાયેલું હોય છે. હું તેનો વિરોધ કરું છું કારણ કે આ માર્ગને અંતે આવતો વિનાશ મેં જોયો છે. આજે પશ્વિમમાં પણ વધુ વિચારશીલ વર્ગ તેમની પદ્ધતિ તેમને જે ઊંડી ખાઈ તરફ લઈ જઈ રહી છે તે જોઈને ભયભીત થઈ ગયો છે. અને પશ્વિમમાં મારું જે કંઈ વજન છે તે હિંસા અને શોષણ-ના ઝેરી કૂંડાળામાંથી છૂટવાનો ઉકેલ શોધવાના મારા સતત પ્રયત્નને આભારી છે. પશ્વિમની સામાજિક વ્યવસ્થાનો હું સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરતો આવ્યો છું. અને મેં જોયું છે કે પશ્વિમના લોકોમાં જે બેચેની ને અસંતોષ વ્યાપી રહ્યાં છે તેની પાછળ સત્યની વ્યાકુળ ખોજની ભાવના રહેલી છે. એ ભાવનાની હું કદર કરું છું આપણી પૂર્વની સંસ્થાઓનો એ વૈજ્ઞાનિક શોધની ભાવનાથી આપણે અભ્યાસ કરીએ એટલે દુનિયાએ કલ્પ્યો હોય તેના કરતાં વધારે સાચો સમાજવાદ કે વધારે સાચો સામ્યવાદ આપણે વિકસાવી શકીશું. પશ્વિમનો સમાજવાદ કે સામ્યવાદ એમજનતાની ગરીબાઈના સવાલનો આખરી ઉકેલ છે એમ માની લેવું એ ખોટું છે. ૩

મારે જમીનદારનું નિકંદન કાઢવું નથી, તેમ જમીનદાર વિના ન જ ચાલી શકે એવું પણ મને લાગતું નથી...હું જમીનદારોનાં ને બીજા ધનિકોનાં દિલ અહિંસક ઉપાયોથી પલટાવવાની આશા રાખું છું, ને તેથી વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હું માનતો નથી. કેમ કે જેટલો વિરોધ ઓછો કરવો પડે એ રીતે કામ લ્વું એ અહિંસાનું એક આવશ્યક અંગ છે. ખેડૂતોને જે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે. ખેડૂતો કહે કે જ્યાં નગીઅમે ને અમારાં બાળબચ્ચાં સુખે ખાઈએ, પહેરીએ ને કેળવણી પામીએ એટલું અમને ન મળે ત્યાં લગી અમે હરગિજ જમીન નથી ફેડવાના, તો બિચારો જમીનદાર શું કરી શકે ? વસ્તુત : શ્રમજીવી ખેડૂત તેણે ઉપજાવેલા પાકનો માલિક છે. જો શ્રમજીવીઓ બુદ્ધિપૂર્વક ભેગા થઈને જૂથ બાંધે તો તેમની શક્તિની સામે થવાની કોઈની તાકાત નથી. એ રીતે હું વર્ગવિગ્રહની આવશ્યકતા નથી

માનતો. હું જો એને અનિવાર્ય માનું તો એનો ઉપદેશ કરતાં ને એ શીખવતાં અચકાઉં નહીં. ૪

સવાલ એક વર્ગને બીજા વર્ગ સામે ઊભા કરવાનો કે ઉશ્કેરવાનો નથી પણ મજૂરોને તેમના ગૌરવનું યભાન કરાવવાનો છે. ધનિકો તો આખરે દુનિયામાં ગણ્યાગાંઠ્યા છે. મજૂરોને પોતાના બળનું ભાન થાય અને છતાં તેઓ વાજબી રીતે વર્તે કે તરત ધનિકો તેમની સાથે વાજબી રીતે વર્તવા લાગશે. મજૂરોને ધનિકો સામે ઉશ્કેરવા એટલે સદાકાળ માટે વર્ગદ્વેષ જીવતો રાખવો અને તેમાંથી નીપજતાં અનિષ્ટ પરિણામો અનંતકાળ સુધી ભોગવવાં. મજૂર-માલિક વચ્ચેનો સંઘર્ષ એ ઝેરી કૂંડાળા જેવો છે અને તે કોઈ પણ ભોગે ટાળવો જોઈએ. તે આપણી નબળાઈનો સ્વીકાર છે, આપણી લઘુગ્રંથિની નિશાની છે. જે ઘડીએ મજૂરોને પોતાના ગૌરવનું ભાન થશે તે ઘડીએ પૈસાને પોતાનું યોગ્ય સ્થાન મળશે એટલે કે તે ધનિક પાસે મજૂરોના ટ્રસ્ટ તરીકે રહેશે. કારણ કે ધન કરતાં મજૂરીનું મહત્વ વધારે છે.