Mara Swapnnu Bharat - 7 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 7

Featured Books
Categories
Share

મારા સ્વપ્નનું ભારત - 7

પ્રકરણ સાતમુ

ઉધોગવાદનો શાપ

જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્વાકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ છે એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઉતરોતર વધતો જતો એવો જાગ્રત વર્ગ છે.

પણ એ સંસ્કૃતિ સારી હોય કે ખોટી, હિંદનું ઉધોગીકરણ પશ્વિમની રીતે શા માટે કરવું જોઈએ ? પશ્વિમની સમસ્કૃતિ શહેરી છે.

ઈંગ્લંડ કે ઈટાલી જેવા નાના દેશો તેમની પદ્ધતિઓને શહેરી બનાવે તે પરવડે. આછી વસ્તીવાળા અમેરિકા જેવા મોટા દેશને પણ એમ જ કરવું પડે. પણ ગીચ વસ્તીવાળા વિશાળ દેશને, જેની પ્રાચીન પ્રણાલિકાઓ ગ્રામીણ છે અને જે તેને આજ સુધી ઉપયોગી થતી આવી છે,તે દેશે પશ્વિમના નમૂનાનું અનુકરણ કરવાની જરૂર નથી, ન કરવું જોઈએ. એક સ્થિતિમાં રહેલા દેશ માટે જે સારું છે તે બીજી સ્થિતિમાં આવેલા દેશ માટે સારું હોય જ એમ નથી. એકનો ખોરાક તે બીજા માટે ઝેર હોઈ શકે.

દેશની ભૌગોલિક સ્થિતિ તેની સંસ્કૃતિ ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. ધ્રુવ પ્રદેશોમાં રહેનાર માટે રુવાંટીનો ડગલો (ફર કોટ) જરૂરી થઈ પડે; પણ વિષુવવૃતના પ્રદેશમાં રહેનારને તે ગૂંગળાવી નાખે. ૧

હું ઝાઝી દલીલમાં ઊતર્યા વિના મારી જે દ્ર ઢ માન્યતા છે તે તેમને જણાવી દઉં કે જગતમાં છે ઉત્પાતો થઈ રહ્યા છે તેનું કારણ આ

મોટા પ્રમાણમાં માલ બનાવવાની ઘેલછૌ જ છે. ક્ષણભર માની લો કે મનુષ્યની જેટલી હાજતો છે તે બધી યંત્રો વાટે પૂરી પડે છે. છતાં યંત્રોથી થતી પેદાશ તો અમુક પ્રદેશોમાં જ થઈ શકે, અને તેથી તમારે એ માલની વહેંચણી માટે અટપટો રસ્તો લેવો જ પડે. પણ જો માલ જે જગાએ જોઈએ ત્યાં જ પેદા થાય ને ત્યાં જ વહેંચાય તો દગાને માટે ઓછો અવકાશ રહે સટ્ટો તો કોઈ કરી જ ન શકે.

તમે જુઓ છો કે આ રાષ્ટ્રો (ટુરોપ અને અમેરિકા) જગતમાં નબળાં કહેવાતાં કે સંગઠન વિનાનાં રાષ્ટ્રોને ચૂસી શકે છે. એ પ્રજાઓને આ વાતની ખબર પડશે ને તેઓ નક્કી કરશે કે હવે આપણે ચુસવું નથી, તો તેઓ પોતે જેટલું પેદા કરી શકશે એટલું જ વાપરીને સંતોષ માનશે.

ત્યારે માણસની જે મુખ્ય હાજતોને વિષે જે મોટા પ્રમાણમાં માલ પેદા થાય છે તે બંધ થઈ જશે.

જે જગ્યાએ માલ પેદા થાય ત્યાં જ વપરાય એવી સ્થિતિ આવશે ત્યારે ઉત્પતિનો વેગ અમર્યાદપણે અને ગમે તે ભોગે વધારવાની લાલચ નહીં રહે. આજની આપણી આર્થિક વ્યવસ્થાને લીધે જે પાર વિનાની

મુસીબતો ને ગૂંચવાડા ઊભા થાય છે તે પણ પછી તો ટળી જશે. ૨

યંત્રોનું પોતાનું આગવું સ્થાન છે; અને તે રહેવાનાં. પણ આવશ્યક માનવમજૂરીનું સ્થાન તેમને લેવા દેવું ન જોઈએ. ઘરમાં વપરાતાં યંત્રોમાં દરેક પ્રકારના સુધારાને હું આવકારું. પણ હું જાણું છું કે જ્યાં સુધી લાખો ખેડૂતોને ઘેર બેઠાં કરી શકાય તેવો બીજો કોઈ ધંધો આપી ન શકાય ત્યાં સુધી હાથે કરવાની મજૂરીને સ્થાને યંત્રથી ચાલતી ત્રાકો દાખલ કરવી એ ગૂનો છે. ૩

યંત્રોની દેખીતી સફળતાથી હું અંજાવાને તૈયાર નથી. વળી દરેક હિંસક યંત્રની સામે મારો હડહડતો વિરોધ છે. પણ વ્યક્તિની મહેનત બચાવે, અને કરોડો ઝૂંપડાવાસી ગામડિયાઓનો બોજો હલકો કરે એવાં સાદાં હથિયાર અને સાધનોને હું જરૂર વધાવી લઉં. ૪

હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાં વેરાયેલા ગ્રામવાસીઓરૂપી જીવતાં યંત્રોની સામે જડ યંત્રો ન ખડકવાં જોઈએ. યંત્રો મનુષ્યના પ્રયત્નને મદદ

કરે, તેને સરળ બનાવે એ યંત્રોનો સદુપયોગ કહેવાય. આજના ઉપયોગનું વલણ તો એ દિશામાં જ વધતું જાય છે કે ગણ્યાગાંઠ્યાલોકોના હાથમાં સંપતિના ઢગલા વાળવા અને જે કરોડો સ્ત્રીપુરુષોનાં મોંમાંથી રોટલો ઝૂંટવી

લેવામાં આવે છે તેમની તો લવલેશ પરવા સરખી ન કરવી. ૫

ગામડું સજીવન ત્યારે જ થાય જ્યારે એનું શોષણ થતું અટકે.

વિશાળ ઉધોગોની સાથે હરીફાઈ અને ખપતના પ્રશ્નો આવશે એટલે ગ્રામવાસીઓનું સીધું કે આડકતરું શોષણ થયા વિના નહીં જ રહેવાનું.

તેથી અમારે ગામડાને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભાગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામઉધોગનું આ રૂપ જળવાઈ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપરી શકે એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્ર એ બીજાને ચૂસવાના સાધન તરીકે ન વાપરવાં જોઈએ. ૬

કોઈ પણ દેશને કોઈ પણ પ્રસંગે યંત્રોધોગો ખીલવવાની જરૂર હોય, એમ હું માનતો નથી. હિંદને તો આ વસ્તુ વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. ખરેખર, ગૃહઉધોગો દ્વારા પોતાનાં લાખો ઝૂંપડાંઓની ખિલવણી કરી, સાદું પણ ઉમદા જીવન અપનાવીને તથા દુનિયા જોડે સુલેહશાંતિથી રહીને જ સ્વતંત્ર હિંદ ત્રાહિ પોકારી રહેલી દુનિયા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી શકશે, એમ હું માનું છું. લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવા જટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી. આપણે ઉમદા જીવન જીવવાની કળા શીખીએ, તો જ જીવનનું સઘળું માધુર્ય પ્રગટાવી શકીશું.

જોખમભર્યું જીવન જીવવામાં એક પ્રકારનો નશો ભલે હોય, પણ જોખમની સન્મુખ જીવવું અને જોખમભરી રીતે જીવવું, એ બે વચ્ચેનો ભેદ

આપણે સમજવો જોઈશે. જંગલી પશુઓ અને એથીયે વધુ જંગલી

માણસોથી ભરેલાં જંગલમાં પોતાની પાસે બંદૂક રાખ્યા વિના, અને એકમાત્ર ઈશ્વર પર આધાર રાખીને એકાકી રહેવાની હિંમત દાખવનાર

માણસ જોખમની સામે થઈને જીવે છે. બીજો સદાયે હવામાં અધ્ધર રહે છે અને કોક કોક વાર ઊંધે માથે પૃથ્વી પર ઊતરી આવે છે. આ કસરત જોઈને આભા બની ગયેલા લોકો તેની પ્રશંસા કરવા માંડે છે. આવો માણસ જોખમભરી રીતે જીવે છે. એકનું જીવન સહેતુક ને બીજાનું હેતુરહિત છે.

ઠીસી ઠીસીને સશસ્ત્ર બનેલી દુનિયા તથા તેના ઠાઠમાઠ અને આડંબર સામે વિસ્તાર અને વસ્તીમાં ચાહે એટલા મોટા પણ એકલ-દોકલ

રાષ્ચ્રને માટે આવું સાદું જીવન શક્ય છે કે નથી, એ અશ્રદ્ધાળુ-ના મનમાં શંકા ઉપજાવે એવો સવાલ છે. એનો જવાબ સીધો અને સરળ છે.

સાદાઈનું જીવન જો જીવવા જેવું હોય, તો એ પ્રયત્ન કરવા જેવો છે ; પછી એવો પ્રયાસ કરનાર ભલેને એક જ વ્યક્તિ કે ગણી-ગાંઠી વ્યક્તિઓનું એક નાનકડું જૂથ હોય.

સાથે સાથે જ હું એમ પણ માનું છું કે, અમુક ચાવીરૂપ ઉધોગો જરૂરના છે. હું ઘરમાં બેસીને વાતો કરવાના સમાજવાદમાં કે સશસ્ત્ર એટલે કે હિંસક સમાજવાદમાં માનતો નથી. સૌના હ્ય્દયપલટાની રાહ જોયા વિના

મારી શ્રદ્ધાને અનુરૂપ અમલી કાર્ય કરવામાં હું માનું છું. એટલે, ચાવીરૂપ ઉધોગની યાદીની ભાંજગડમાં પડ્યા વિના જે ઉધોગોમાં ઘણા લોકોને સાથે કામ કરવાની જરૂર પડે, તેમની માલકી રાજ્યની હોય, એમ હું ઈચ્છું.

તેમની નિપુણ કે અણઘડમજૂરીના ફળની માલકી રાજ્ય દ્વારા એ મજૂરોની હશે. પણ આવું રાજ્ય કેવળ અહિંસાના પાયા પર રચાયેલું જ હું કલ્પી શકું છું, એટલે ધનિકોની દોલત બળાત્કારે ખૂંચવી ન લેતાં વ્યક્તિની

માલકીને રાજ્યની માલકીમાં ફેરવી નાખવાની પ્રક્રિયામાં હું તેમનો સહકાર શોધીશ. કરોડપતિઓ કે ભિખારીઓ, એમાંના કોઈ સમાજમાં અછૂત નથી. એ બંને એક જ રોગનાં જુદા જુદા રૂપનાં ચાંદાં છે. અને ગરીબ શું કે તવંગર શું, સૌ માણસો જ છે.

અને હિંદમાં તેમ જ અન્યત્ર અમાનુષીપણાનાં જે પ્રગર્શનો આપણે નિહાળ્યાં છે અને કદાચ હજી પણ નિહાળવાનાં આવશે, તે છતાં હું આ

શ્રદ્ધા પ્રગટ કરું છું. આપણે જોખમની સામે થઈને જીવતાં શીખીએ.