પ્રકરણ પાંચમુ
ભારત અને સમાજવાદ
મૂડીદારો મૂડીનો દુરુપયોગ કરે છે. એ શોધ થઈ તેની સાથે સમાજવાદનો જન્મ નહોતો થયો. મેં સહ્યું છે તેમ સમાજવાદ, સામ્યવાદ પણ, ઈશોપનિષદના પ્રથમ શ્લોકમાં સ્પષ્ટ રીતે સમાયેલો છે. સાચી વાત તો એ છે કે જ્યારે કેટલાક સુધારકોનો મતપરિવર્તનની પદ્ધતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો ત્યારે જે વસ્તુ ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ને નામે ઓળખાય છે તેના શાસ્ત્રનો જન્મ થયો. જે પ્રશ્ન વૈજ્ઞાનિક સમાજવાદી-ઓની સામે ઊભેલો છે તેનો જ નિકાલ લાવવાના પ્રયત્નમાં હું રોકાયેલો છું. એ વાત સાચી છે કે હું હંમેશાં કેવળ શુદ્ધ અહિંસાના સાધનનો જ ઉપયોગ કરું છું.
મારો પ્રયત્ન કદાચ અફળ જાય. એમ બને તો એનું કારણ અહિંસાશાસ્ત્રનું મારું અજ્ઞાન હશે. એ સિદ્ધાંત વિષેની મારી શ્રદ્ધા દિનપ્રતિદિન વધતી જાય છે. પણ એમ બને કે હું એ સિદ્ધાંતનું વિવરણ કરવાને અપાત્ર હોઉ.
ચરખા સંઘ ને ગ્રામોધોગ સંઘ એ બે સંસ્થા દ્વારા અહિંસાના શાસ્ત્રની અખિલ ભારતીય ધોરણ પર કસોટી ચાલી રહેલી છે. એ મહાસભાએ ઊભા કરેલાં બે સ્વતંત્ર મંડળ છે અને એ ઊભાં કરવાનો હેતુ એ છે કે મહાસભા જેવી સર્વાંશે લોકશાસનની પદ્ધતિએ ચાલતી સંસ્થામાં કાર્યનીતિના જે ફેરફારો હંમેશા થયા જ કરે તેનાથી અલિપ્ત અને સ્વતંત્ર રહીને આ મંડળો દ્વારા હું મારા પ્રયોગો ચલાવી શકું. ૧
આપણા પૂર્વજો આપણને સાચો સમાજવાદ આપી ગયા છે. તેમણે શીખવ્યું છે :
સભી ભોમ ગોપાલકી વામેં અટક કહાં ?
જાકે મનમે ખટક રહી સોહી અટક રહા.
ગોપાળ એ તો ઈશ્વરનું નામ છે. આધુનિક ભાષામાં એનો અર્થ રાજ્ય એટલે કે લોકો થાય. આજે ભૂમિ લોકોની માલિકીની નથી એ ખરું.
પણ તેમાં ઉપરના શિક્ષણનો દોષ નથી. આપણે જેઓ તેનો અમલ કરતા નથી તેમનો દોષ છે. મને જરાયે શંકા નથી કે રશિયા કે બીજા દેશો આ આદર્શને જેટલા પ્રમાણમાં પહોંચી શકે તેટલા જ પ્રમાણ-માં આપણે પણ પહોંચી શકીએ, અને તે હિંસા કર્યા સિવાય. મૂડીદારોની મૂડી હિંસક રીતે છીનવી લેવાને બદલે રેંટિયાનો તેમાંથી ફલિત થતા બધા અર્થો સાથે સ્વીકાર કરવામાં આવે તો તે વધારેમાં વધારે અસરકારક નીવડે. જમીન અને બીજી બધી સંપતિ જે તેને માટે કામ કરે તેની છે. કમનસીબે મજૂરો આ સાદી વાતથી અજ્ઞાત છે અથવા તેમને અજ્ઞાત રાખવામાં આવ્યા છે.
મેં હંમેશાં માન્યું છે કે હિંસા વાટે નાનામાં નાના અને નીટલામાં નીચલા સુધીનાને સામાજિક ન્યાય અપાવવાનું અશક્ય છે. મેં વધુ એમ પણ માન્યું છે કે સૌથી નીચલા થરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય
તાલીમ આપવામાં આવે તો તેમનાં દુઃખો અને અન્યાયોની દાદ મેળવવી શક્ય છે. એ માર્ગ અહિંસક અસહકારનો છે. અમુક પ્રસંગે અસહકાર એ સહકારના જેટલો જ ધર્મરુપ થઈ પડે છે. કોઈ પણ બંધાયેલો નથી. પારકે પ્રયત્ને મળેલું સ્વાતંત્ર્ય ગમે તેટલું સદ્ભાવભર્યું હોય તોપણ એવા પ્રયત્ન ન રહે ત્યારે તે ચકાવી શકાશે જ નહીં. મતલબ કે એવું સ્વાતંત્ર્ય ખરું સ્વાતંત્ર્ય જ નથી. પણ અદનામાં અદનો માણસ પણ અહિંસક અસહકારથી એવા સ્વાતંત્ર્યનમે પામવાની કળા શીખી શકે છે ને તે જ ઘડીથી એની હૂંફ અને એનો ઉજાસ એ પોતાના અંતરમાં અનુભવશે...મારો તો દ્રઢ વિશ્વાસ છે કે હિંસા જે કદી ન સાધી શકે તે વસ્તુ અહિંસક અસહકાર અંતે બૂરાઈ કરનારનો હ્ય્દય-પલટો કરીને સાધી શકે છે. હિંદમાં આપણે અહિંસાને એને લાયકની અજમાયશ જ કદી આપી નથી. અચંબો જ એ છે કે આપણી સેળ-ભેળિયા અહિંસાથી પણ આપણે આટલું બધું સાધી શક્યા છીએ. ૩
ભલીભાંતે જીવવા રહેવા જોઈએ તે કરતાં વધુ જમીન કોઈ માણસ પાસે ન હોવી જોઈએ. આપણી આમપ્રજાનું દારુણ દારિધ તેમની પાસે પોતાની કહી શકાય એવી કશી જમીન ન હોવાને કારણે જ છે એ વાતની કોનાથી ના પડાય એમ છે ?
પણ એ સુધારો એમ ઝટપટ કરાવી લેવાય તેવો નથી એ પણ સમજવું જરૂરી છે. જો એને અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમ
જ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન
મળવું જોઈએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહીં આવે.
મિફલિસોને પણ સમજ મળવી જોઈએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ કરવાની એમને ફરજ પાડવાનો કોઈને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તેઓ પોતાની મુક્તિ સાધી શકે છે. હેતુ-સિદ્ધિ કરવી હોય તો મેં કહી તેવી કેળવણી અત્યારે જ શરૂ કર્યે છૂટકો. પ્રારંભિક પગલા તરીકે એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસનું વાતાવરણ જમાવવું જોઈએ. ઉપલા વર્ગો અને આમપ્રજા વચ્ચે હિંસક વિગ્રહ હોઈ શકે નહીં. ૪
સમાજવાદી કોણ ?
સમાજવાદ સુંદર શબ્દ છે. હું જાણું છું ત્યાં લગી સમાજવાદ એટલે સમાજનાં બધાં અંગ સરખાં. ન કોઈ નીચાં ન કોઈ ઊંચા. નથી માથું ઊંચું કેમ કે તે શરીરની ટોચ પર છે, નથી પગનાં તળિયાં નીચાં કેમ કે તે જમીનને અડે છે. જેમ વ્યક્તિના શરીરનાં બધાં અંગ સરખાં તેમ જ સમાજશરીરનાં. આવી માન્યતાનું નામ સમાજવાદ.
આ વાદમાં રાજા ને પ્રજા, ધનિક કે ગરીબ, માલિક ને મજૂર એવું દ્વૈત નથી. આ રીતે સમાજવાદ એટલે અદ્વૈતવાદ.
સમાજ ઉપર નજર નાખીએ તો જોઈએ છીએ કે દ્વૈત જ છે. આ ઊંચો, પેલો નીચો. આ હિંદુ, પેલો મુસલમાન, ત્રીજો ખ્રિસ્તી,ચોથો પારસી, પાંચમો શીખ, છઠ્ઠો યહૂદી. વળી તેમાંય પેટા જાતિ. મારા અદ્વૈતવાદમાં આ બધાનું એકીકરણ છે. એ બધાં અદ્વૈતમાં સમાઈ જાય.
આ વાદને પહોંચવના સારુ આપણે એકબીજાની સામે જોયા ન કરીએ ; જ્યાં સુધી બધાનો પલટો ન થાય ત્યાં લગી આપણે બેઠા રહીએ, જીવનમાં ફેરફાર ન કરીએ, ભાષણ કરીએ, પક્ષ બનાવીએ ને બાજપક્ષીની જેમ જ્યાં શિકાર મળે ત્યાં ઝડપ મારેએ-આ સમાજવાદ નથી જ.
સમાજવાદ જેવી ભવ્ય ચીજ ઝડપ મારતાં આપણાથી દૂર જ જવાની.
સમાજવાદનો આરંભ પહેલા સમાજવાદીથી થાય. એકડો હોય ને તેની ઉપર મીંડા ચડે તોય તેમની કિંમત બેવડી નહીં પણ દશગણી થતી જાય. પણ જો એક મીંડું જ હોય તો મીંડાં ગમે તેટલાં મેળવો છતાં તેમની કિંમત મીંડું જ રહેવાની;માત્ર કાગળ બગડશે અને મીંડાંભરતાં મહેનત થાય તે એળે જાય.
વળી, સમાજવાદ અત્યંત શુદ્ધ વસ્તુ છે ; તેને પહોંચવાનાં સાધન પણ શુદ્ધ જ હોવાં જોઈએ. ગંદા સાધનથી ગંદુ જ સાધ્ય સિદ્ધ થવાનું.
તેથી રાજાને મારીને રાજાપ્રજા સરખાં ન જ થાય, માલિકને મારીને મજૂર માલિક નહીં બને. આમ બધાને વિષે ઘટાવી શકાય.
અસત્યથી સત્યને ન પહોંચાય. સત્યને પહોંચવા નિરંતર સત્ય આચર્યે છૂટકો. અહિંસા ને સત્યની તો જોડી ખરી ના ?નહીં જ. સત્યમાં અહિંસા છુપાયેલી છે, અહિંસામાં સત્ય. તેથી જ મેં કહ્યું છે કે એ બન્ને એક સિક્કાની બે બાજુ છે. બેયની કિંમત એક જ. વાંચવામાં જ ફેર ; એક બાજુ અહિંસા, બીજી બાજુ સત્ય. આ અહિંસા ને સત્ય પવિત્રતા વિના નભી જ ન શકે. શરીરની કે મનની અપવિત્રતાને છુપાવો એટલે અસત્ય ને હિંસા દાખલ થયાં જ છે.
સત્યવાદી, અહિંસક, પવિત્ર સમાજવાદી જ જગતમાં કે હિંદુ સ્તાનમાં સમાજવાદ ફેલાવી શકે. સમાજવાદ એચરનારો દેશ હજુ કયાંય નથી. મેં બતાવ્યાં તે સાધન વિના એવી સમાજસ્થાપના અસંભવિત છે.