પ્રકરણ ત્રીજુ
રાષ્ટ્રવાદના બચાવમાં
મારે માટે દેશપ્રેમ એ મનુષ્યપ્રેમથી જુદો નથી. હું દેશપ્રેમી છું કારણ કે હું મનુષ્ય છું અને માનવપ્રેમી છું. મારો દેશપ્રેમ હિંદુસ્તાન માટે આગવો નથી. હિંદુસ્તાનની સેવા માટે હું ઈંગ્લંડ કે જર્મનીને હાનિ નહીં પહોંચાડું. મારી જીવન-યોજનામાં સામ્રાજયવાદને સ્થાન નથી. દેશભક્તનો કાનૂન કુટુંબના વડાના કાનૂનથા જુદો નથી. દેશભક્તમાં જો માનવતાની ન્યૂનતા હોય તો તેના દેશપ્રેમમાં તેટલી ઊણપ છે. વ્યક્તિના અને રાજ્યના કાનૂન વચ્ચે વિરોધ નથી. ૧
દેશપ્રેમનો ધર્મ આજે આપણને શીખવે છે કે વ્યક્તિએ કુટુંબ માટે મરવું જોઈએ, કુટુંબે ગામ માટે, ગામે પ્રાંત માટે અને પ્રાંતે દેશ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. તે જ રીતે જરૂર પડ્યે આખા જગતના હિતાર્થે મરી શકે-પોતાનો ભોગ આપી શકે તે માટે દેશ સ્વતંત્ર હોવો જોઈએ. તેથી રાષ્ટ્રીયતા માટેનો મારો પ્રેમ અથવા રાષ્ટ્રીયતાનો મારો વિચાર માગે છે કે મારો દેશ સ્વતંત્ર થવો જોઈએ અને જરૂર પડ્યે માનવજાતિને જિવાડવા પોતાનો યભોગ આપે. મારા દેશપ્રેમમાં જાતિદ્વષને કોઈ સ્થાન નથી. આપણો દેશપ્રેમ એવો હો. ૨
આખી દુનિયાને લાભ થાય એટલા માટે હું ભારતનો ઉદ્ધાર ચાહું છું. બીજા દેશોને પાયમાલ કરીને ભારત પોતાની ઉન્નતિ સાધે એમ હું ઈચ્છતો નથી. ૩
યુરોપના પગ આગળ દીનહીન પડેલું કે એના ચરણસ્પર્શ વડે પોતાને કૃતકૃત્ય થયેલું હિંદ માનવજાતિને કશો જ આશાનો સંદેશ આપી શકે નહીં. જાગ્રત અને સ્વતંત્ર હિંદુસ્તાન આજની વ્યાકુળ, કષ્ટાતી દુનિયાને શાંતિ અને આશ્વાસનનો સંદેશો અવશ્ય આપી શકે. ૪
રાષ્ટ્રીય બન્યા સિવાય કોઈ આંતરરાષ્ટ્રીય બની શકે નહીં. રાષ્ટ્રીયતા હકીકત બને, એટલે કે જુદા જુદા દેશોના લોકો સંગઠિત થાય અને સંપીને એક માણસની જેમ વર્તે ત્યાર પછી જ આંતરરાષ્ટ્રીયતા સંભવી શકે છે. રાષ્ટ્રપ્રેમ એ પાપ નથી ; પણ સંકીર્ણતા, સ્વાર્થ, એકલવાયાપણું જે વર્તમાન પ્રજાઓ વચ્ચે ઝઘડાનું કારણ છે તે પાપ છે. દરેક બીજાને ભોગે લાભ લેવા માગે છે. બીજાની પાયમાલી કરીને આગળ વધવના માગે છે. હિંદુસ્તાનના રાષ્ટ્રવાદે નવો ચીલો પાડ્યો છે. સારાયે માનવ-સમાજની સેવા ને લાભ માટે જ તે સંગઠિત થવા અને પોતાની શક્તિનો પૂરેપૂરો વિકાસ કરવા માગે છે. ૫
ભારતમાં જન્મ આપીને ઈશ્વરે મારું ભાગ્ય ભારતના લોકો સાથે જોટ્યું છે. એટલે જો હું એમની સેવા કરવામાં નિષ્ફળ જાઉં તો હું ઈશ્વરને બેવફા નીવડ્યો ગણાઉં. જો ભયારતના લોકોની સેવા કેમ કરવી એ મને ન આવડે તો માનવજાતની સેવા કેમ કરવી એ મને કદાપી નહીં આવડે. મારા દેશની સેવા કરવામાં જ્યાં લગી હું બીજા દેશોને નુકશાન ન કરતો હોઉં ત્યાં સુધી મારો માર્ગ ખોટો હોલાની સંભાવના ઓછી છે. ૬
મારી દેશભક્તિ બીજા દેશોથી અલગ એવી હિંદુસ્તાનની આગવી ભક્તિ નથી. તે સર્વસ્પર્શી છે અને જે દેશભક્તિ બીજા દેશોની વિટંબણાઓ અથવા તેમના શોષણના પાયા પર પોતાનો ઉત્કર્ષ સાધવા માગે છે તેનો મારે ત્યાગ કરવો જોઈએ. દેશભક્તિ વિષે મારા વિચાર જો હંમેશાં, હરેક દાખલામાં અને એક પણ અપવાદ સિવાય સારીયે માનવજાતિના વિશાળ હિત સાથે મેળ ન ખાતા હોય તો તે નિરર્થક છે. એટલું જ નહીં, મારો ધર્મ અને તેમાંથી ઉત્પન્ન થયેલી મારી દેશભક્તિ જીવમાત્રને સ્પર્શે છે. મારે માત્ર મનુષ્ય સાથે જ ભ્રાતૃભાવ અથવા અભેદ સિદ્ધ કરવો નથી, પણ જીવમાત્ર સાથે, પેટે ચાલતાં પ્રાણીઓ સાથે પણ અભેદ સિદ્ધ કરવો છે...કારણ કે આપણે એક જ પ્રભુનમાં સંતાન હોવાનો દાવો કરીએ છીએ અમે તેથી હરકોઈ સ્વરૂપે દેખાતું ચેતનમાત્ર તત્વત : એક જ હોવું જોઈએ. ૭
આપણી રાષ્ટ્રીયતા બીજાં રાષ્ટ્રોને જોખમરૂપ ન હોય. જેમ આપણે કોઈને લૂંટવા માગતા નથી તેમ આપણા દેશને લૂંટાવા દેવા માગતા નથી. સ્વરાજય દ્વારા પણ આપણે તો જગતનું હિત સાધવું છે. ૮
લગભગ પચાસ વલસના જાહેર જીવન પછી હું આજે કહી શકું છું કે રાષ્ટ્રની સેવા અને જગતની સેવા એ વિરોધી વસ્તુઓ નથી એ સુદ્ધાંત વિષેની મારી શ્રદ્ધા વધતી ગઈ છે. એ મારો સિદ્ધાંત છે. એનો સ્વીકાર કરવાથી જ જગતમાં શાંતિ સ્થપાશે, અને પૃથ્વી પર વસતી પ્રજાઓ વચ્ચેનો દ્વેષભાવ શમી જશે.