Mangal Prabhat - 6 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મંગળ પ્રભાત - 6

Featured Books
Categories
Share

મંગળ પ્રભાત - 6

(6)

૧૧. સર્વધર્મસમભાવ - ૨

તા. ૩૦-૯૦-’૩૦

મંગળપ્રભાત

આ વિષય એવો અગત્યનો છે કે એને જરા અહીં લંબાવું છું. મારો કેટલોક અનુભવ આપું તો સમભાવનો અર્થ કદાચ વધારે સ્પષ્ટ થશે. જેમ અહીં તેમ ફિનિક્સમાં પણ પ્રાર્થના રોજ થતી. તેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી હતા. સદ્‌ગત રુસ્તમજી શેઠ અથવા તેમના ફરજંદ ઘણી વાર હાજર હોય જ. રુસ્તમજી શેઠને ‘મને વહાલું વહાલું દાદા રામજીનું નામ’ બહુ ગમતું. મને સ્મરણ છે તે પ્રમાણે એક વેળા મગનલાલ કે કાશી એ અમને બધાંને ગવરાવતાં હતાં. રુસ્તજી શેઠ ઉલ્લાસમાં બોલી ઊઠ્યા : “ ‘દાદા રામજી’ને બદલે દાદ હોસ્મઝદ ગાઓની.” ગવરાવનારે ને ગાનારે આ વિચાર સાવ સ્વાભાવિક હોય તેમ ઝીલી લીધો. ને ત્યાર પછી રુસ્તમજી શેઠ હાજર હોય ત્યારે તો અચૂક અને તે ન હોય ત્યારે કોઇ કોઇ વાર અમે એ ભજન દાદા ‘હોરમઝદ’ને નામે ગાતા. સદ્‌ગત દાઉદ શેઠનો છોકરો સદ્‌ગત હુસેન તો આશ્રમમાં ઘણી વાર રહેતો. તે પ્રાર્થનામાં ઉત્સાહપૂર્વક ભળતો. તે પોતે બહુ મીઠા સૂરમાં ‘ઑર્ગન’ સાથે ‘યે બહારે બાગ દુનિયા ચંંદરોજ’ ગાતો, અને તે ભજન અમને બધાંને એણે શીખવી દીધું હતું ને પ્રાર્થનામાં ઘણી વાર ગવાતું. આપણી અહીંની પ્રાર્થનામાળામાં તેને સ્થાન છે, તે સત્યપ્રિય હુસેનનું સ્મરણ છે. એના કરતાં વધારે ચુસ્તપણે સત્ય આચરનારા નવજુવાન મેં જોયા નથી. જોસફ રૉયપૅન આશ્રમમાં ઘણી વાર આવે જાય. તે ખ્રિસ્તી તેમને ‘વૈશ્ણવજન’ બહુ ગમતું. તે સંગીત સરસ જાણે. તેમણે ‘વૈષ્ણવજન’ને ઠેકાણે ‘ક્રિશ્ચિયન જન તો તેને કહીએ’ એમ લલકાર્યું. બધાંએ તરત ઝીલ્યું. જોસફના હર્ષનો પારન રહ્યો એમ મેં જોયું.

આત્મસંતોષને સારુ જ્યારે હું જુદાં જુદાં ધર્મપુસ્તકો ઉથલાવી રહ્યો હતો ત્યારે ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ, જરથુસ્તી, યહૂદી અને હિંદુ એટલાનાં પુસ્તકોનો મારા સંતોષ પૂરતો પરિચય કર્યો. તેમ કરતાં મને આ બધા ધર્મો પ્રત્યે સમભાવ હતો એમ કહી શકું છું. તે વખતે મને એ જ્ઞાન હતું એમ નથી કહેતો. સમભાવ શબ્દનો પણ પૂરો પરિચય એ વેળા નહીં હોય. પણ એ વખતનાં મારાં સ્મરણ તાજાં કરું છું તો મને તે તે ધર્મોની ટીકા કરવાની ઇચ્છા સરખીયે થઇ યાદ નથી. પણ એમનાં પુસ્તકો સમજી આદરપૂર્વક વાંચતો અને બધામાં મૂળ નૈતિક સિદ્ધાંતો એકસરખા જોતો. કેટલીક વસ્તુઓ હું ન સમજી શકતો. તેમ જ હિંદુ પુસ્તકોનું હતું. આજ પણ કેટલુંયે નથી સમજતો. પણ અનુભવે જોઉં છું કે જે આપણે ન સમજી શકીએ તે ખોટું જ છે એમ માનવાની ઉતાવળ કરવી એ ભૂલ છે. જે કેટલુંક પૂર્વે ન સમજાતું તે આજે દીવા જેવું લાગે છે. સમભાવ કેળવવાથી અનેક ગૂંચોપોતાની મેળે ઊકલી જાય છે; અને જ્યાંં આપણને દોષ જોવામાં આવે ત્યાં તે દર્શાવવામાં પણ જે નમ્રતાઅને વિવેક હોય છે તેથી કોઇને દુઃખ નથી થતું.

એક મૂંઝવણ કદાચ રહે છે. ગયે વખતે મેં જણાવ્યું કે ધર્મઅધર્મનો ભેદ રહે છે. અને અધર્મ પ્રત્યે સમભાવ કેળવવાનો અહીં ઉદ્દેશ નથી. આમ જ હોય તો ધર્માધર્મનો નિર્ણય કરવામાં જ સમભાવની સાંકળ તૂટી નથી જતી ? આવો પ્રશ્ન થાય અને એવો નિર્ણય કરનાર ભૂલ કરે એમ પણ સંભવે. પણ આપણામાં ખરી અહિંસા વર્તતી હોય તો આપણે વૈરભાવમાંથી બચી જઇએ છીએ. કેમ કે અધર્મ જોતાં છતાં એ અધર્મ આચરનાર પ્રત્યે તો પ્રેમભાવ જ હશે. અને તેથી કાં તો તે આપણી દૃષ્ટિનો સ્વીકાર કરશે. અથવા આપણી ભૂલ આપણને બતાવશે. અથવા બંને એકબીજાના મતભેદને સહન કરશે. છેવટે સામેનો અહિંસક નહીં હોય તો એ કઠોરતા વાપરશે;તોયે આપણે જો અહિંસાના ખરા પૂજારી હોઇશું તો આપણી મૂદુતા તેની કઠોરતાને નિવારશે જ એમાં શંકા નથી. પારકાની ભૂલને સારુ પણ આપણે પીડાવું છે, એ સુવર્ણનિયમને જે પાળે છે તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.

૧૨. નમ્રતા

તા. ૭-૧૦-’૩૦

મંગળપ્રભાત

આને વ્રતોમાં નોખું સ્થાન નથી અને ન હોઇ શકે. અહિંસાનો એ એક અર્થ છે, અથવા કહો કે એના પેટમાં છે. પણ નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવી જવી જોઇએ. જ્યારે નિયમાવલિ પહેલી ઘડાઇ ત્યારે મિત્રવર્ગમાં તેનો મુસદ્દો મોકલ્યો હતો. સર ગુરુદાસ બૅનરજીએ નમ્રતાને વ્રતોમાં સ્થાન આપવાની સૂચના કરી હતી, ને ત્યારે પણ એ દાખલ ન કરવાનું એ જ કારણ બતાવ્યું હતું જે અહીં લખું છું. પણ જોકે તેને વ્રતમાં સ્થાન નથી છતાં તે વ્રતોના કરતાં કદાચ વધારે આવશ્યક છે; આવશ્યક તો છે જ. પણ નમ્રતા કોઇને અભ્યાસથી આવી જાણી નથી. સત્ય કેળવાય, દયા કેળવાય, નમ્રતા કેળવવી એટલે દંભ કેળવવો એમ કહેવાય. અહીં નમ્રતા એ વસ્તુ નથી કે જે મોટા માણસોમાં એકબીજાને માનાર્થે શીખવવા કેળવવામાં આવે છે. કોઇ બીજાને સાષ્ટાંગ નમસ્કાર કરતો હોય છતાં મનમાં તો તેને વિશે તિરસ્કરા ભર્યો હોય; આ નમ્રતા નથી, લુચ્ચાઇ છે. કોઇ રામનામ જપ્યા કરે, માળા ફેરવે, મુનિ જેવો થઇ સમાજમાં બેસે, પણ માંહે સ્વાર્થ ભર્યો હોય તો તે નમ્ર નથી પણ પાખંડી છે. નમ્ર મનુષ્ય પોતે જાણતો નથી કે ક્યારે તે નમ્ર છે. સત્યાદિનું માપ આપણે પોતાની પાસે રાખી શકીએ, પણ નમ્રતાનું માપ નથી હોતું. સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્રતાનું માપ નથી હોતું. સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્ર મનુષ્ય પોતે તે દેખી શકતો નથી. વસિષ્ઠ-વિશ્વામિત્રનો દાખલો તો આપણે ઘણી વાર આશ્રમમાં સમજી ગયા છીએ. આપણી નમ્રતા શૂન્યતા લગી જવી જોઇએ. આપણે કંઇક છીએ એમ મનમાં ભૂત ભરાયું એટલે નમ્રતા ઊડી ગઇ ને આપણાં બધાં વ્રતો રોળાઇ ગયાં. વ્રતપાલન કરનાર જો મનમાં પોતાના પાલનનો ગર્વ રાખે તો વ્રતોની કિંમત ખોઇ બેસે ને સમાજમાં વિષરૂપ થઇ પડે. તેના વ્રતની કિંમત ન સમાજ કરે, ન પોતે તેનું ફળ ભોગવી શકે. નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય. વિચાર કરતાં માલૂમ પડી જાય એવું છે કે આ જગતમાં જીવમાત્ર એક રજકણ કરતાં પણ કંઇ નથી શરીર રૂપે ક્ષણજીવી છીએ. કાળના અનંત ચક્રમાં સો વર્ષનું પ્રમાણ કાઢી જ ન શકાય. પણ જો એ ચકરાવામાંથી નીકળી જઇએ એટેલ કંઇ નથી થઇ જઇએ તો બધું થઇ જઇએ. કંઇ થવું એટલે ઇશ્વરથી-પરમાત્માથી, સત્યથી-વિખૂટા થવું. કંઇ ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલી બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે. પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું ને પોતાપણાનો દાવો કરવા બેઠું એટલે તે તે જ ક્ષણે સુકાયું. આ જીવનને પાણીના પરપોટાની ઉપમાં આપી છે એમાં હું મુદ્દલ અતિશયોક્તિ નથી જોતો. આવી નમ્રતા - શૂન્યતા - કેળવવાથી કેમ આવી શકે ? પણ વ્રતોને ખરી રીતે સમજવાથી ઇચ્છનાર અહંકારી કેમ થઇ શકે ? તેણે તો પ્રાણ પાથરનાર પોતાની જગા ક્યાં રોકવા જાય ? તેણે તો પ્રાણ પાથરવાનો નિશ્ચય કર્યો ત્યારે જ પોતાના દેહને ફેંકી દીધો. આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય ? એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નખાયો છે ખરો. અને તેથી આળસને, પાખંડને ઘણી જગ્યાએ સ્થાન મળી ગયું છે. ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ. પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઇશ્વર પોતે ચોવીસે કલાક એકશ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેવા આપણે થઇ જઇએ, તેનામાં ભળી જઇએ, એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થયો - થવો જોઇએ. સમુદ્રથી છૂટેલા બિંદુને સારુ આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ; પણ સમુદ્રમાં રહેલી બિંદુને આરામ ક્યાંથી ? સમુદ્રને એક ક્ષણનો પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઇસ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઇએ, એટલે આપણો આરામ ગયો, આરામની જરૂર પણ ગઇ. એ જ ખરો આરામ; એ મહા અશાંતિમાં શાંતિ. તેથી ખરી નમ્રતા આપણી પાસે જીવમાત્રની સેવા અર્થે સર્વાપર્ણની આશા રાખે છે. બધું પરવાર્યા પછી આપણી પાસેનથી રહેતો રવિવાર કે શુક્રવાર કે સોમવાર. આ સ્થિતિનું વર્ણન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે. જેણે સર્વાર્પણ કર્યું છે તેણે તે અનુભવી છે. આપણે બધાં અનુભવી શકીએ છીએ. એ અનુભવવાના અરાદાથી આશ્રમમાં ભેળાં થયાં છીએ. બધાં વ્રતો, બધી પ્રવૃત્તિ તે અનુભવવા સારુ છે. બીજું ત્રીજું કરતાં એ કોઇક દિવસ આપણે હાથ આવી જશે. એને જ શોધવા જતાં એ પ્રાપ્ય નથી.

૧૩. સ્વદેશી

પ્રવચનોમાં ‘સ્વદેશી’ ઉપર લખવાનું માંડી જ વાળીશ. રાજ્ય પ્રકરણને લગતા વિષયોને ન છેડવાનો સંકલ્પ છે તેમાં ત્રુટી આવે એમ લાગે છે. સ્વદેશીનું કેવળ ધાર્મિક દૃષ્ટિએ લખતાં પણ કેટલુંક એવું લખવું જોઇએ કે જેનો રાજ્યપ્રકરણની સાથે આડકતરો સંબંધ હોય.

૧૪. સ્વદેશીવ્રત

સ્વદેશીવ્રત આ યુગનું મહાવ્રત છે. જે વસ્તુ આત્માનો ધર્મ છે, પણ અજ્ઞાનને કે બીજે કારણેઆત્માને જેનું ભાન નથી રહ્યું તેના પાલનને સારુ વ્રત લેવાની જરૂર પડે છે. જે સ્વભાવે નિરામિષાહારી છે તેને આમિષાહાર ન કરવાનું વ્રત લેવાપણું ન હોય. આમિષ તેને સારુ પ્રલોભન નથી એટલું જ નહીં, પણ આમિષ જોતાં તેને ઓકારી આવશે.

સ્વદેશી આત્માનો ધર્મ છે પણ તે ભુલાઇ ગયો છે. તેથી તેને વિશે વ્રત લેવાની જરૂર રહે છે. આત્માને સારુ સ્વદેશીનો અંતિમ અર્થ સ્થૂળ સંબંધોમાત્રથી આત્યંતિક મુક્તિ છે. દેહ પણ તેને સારુ પરદેશી છે. કેમ કે દેહ બીજા આત્માઓની સાથે ઐકય સાધતાં તેને રોકે છે, તેના માર્ગમાં વિઘ્નરૂપ છે. જીવમાત્રની સાથે ઐક્ય સાધતાં સ્વદેશીધર્મને જાણનાર ને પાળનાર દેહનો પણ ત્યાગ કરે.

આ અર્થ ખરો હોય તો આપણે સહેજે સમજી જઇએ કે આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત થઇ રહેવું એ સ્વદેશીધર્મ છે. એ સેવા કરતાં દૂરના રહી જાય છે અથવા તેને હાનિ થાય છે એવો આભાસ આવવાનો સંભવ છે. પણ તે આભાસમાત્ર હશે. સ્વદેશીની શુદ્ધ સેવા કરતાં પરદેશીની પણ શુદ્ધ સેવા થાય જ છે. જેવું પિડે તેવું બ્રહ્માડે.

એથી ઊલટું દૂરનાની સેવા કરવાનો મોહ રાખતાં તે થતી નથી ને પડોશીની સેવા રહી જાય છે. એમ બાવાનાં બેઉ બગડે છે. મારી ઉપર આધાર રાખનાર કુટુંબીજન અથવા ગ્રામવાસીને મેં મૂક્યા એટલે મારી ઉપરનો તેમનો જે આધાર હોય તે ગયો. દૂરનાની સેવા કરવા જતાં તેની સેવા કરવાનો જેનો ધર્મ છે તે તેને ભુલે છે. દુરનાની આળપંપાળ તે કરતો હોય તેમ બને, એટલે ત્યાંનું વાતાવરણ તેણે બગાડ્યું ને પોતાનું ચૂંથીને તો તે ચાલ્યો જ હતો. આમ દરેક રીતે તેણે નુકસાન જ કર્યું. આવા હિસાબો અસંખ્ય કલ્પી સ્વદેશીધર્મ સિદ્ધ કરી શકાય. તેથી જ ‘સ્વધર્મે નિધનં શ્રેય : પરધર્મો ભયાવહ : વાકય નીકળ્યું છે. એનો અર્થ આમ જરૂર કરી શકાય :’ ‘સ્વદેશી પાળતાં મૃત્યુ થાય તોયે સારું છે. પરદેશી તો ભયાનક જ છે.’ સ્વધર્મ એટલે સ્વદેશી.

સ્વદેશી ન સમજવાથી જ ગોટો વળે છે. કુટુંબની ઉપર મોહ રાખી હું તેને પંપાળું, તેને ખાતર ધન ચોરું, બીજાં કાવતરાં રચું, એ સ્વદેશી નથી. મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે. તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે. સ્વધર્મના પાલનથી પરધર્મીને કે હાનિ પહોંચે જ નહીં, પહોંચવી જોઇએ નહીં. પહોંચે તો માનેલો ધર્મ સ્વધર્મ નથી પણ તે સ્વાભિમાન છે તેથી જ ત્યાજય છે.

સ્વદેશીનું પાલન કરતાં કુટુંબનો ભોગ પણ આપવો પડે, પણ તેવું કરવું પડે તો તેમાંયે કુટુંબની સેવા હોવી જોઇએ. જેમ પોતાને જતા કરીને પોતાને રક્ષી શકીએ છીએ એમ કુટુંબને જતું કરી કુટુંબને રક્ષતા હોઇએ એમ બને. મારા ગામમાં મરકી થઇ છે. એ રોગની વ્યાધિમાં સપડાયેલાની સેવામાં હું મને, પત્નીને, પુત્રોને, પુત્રીઓને રોકું ને બધાં એ વ્યાધિમાં સપડાઇ મોતને શરણ થાય તો મેં કુટુંબનો સંહાર નથી કર્યો, તેની સેવા કરી છે. સ્વદેશીમાં સ્વાર્થ નથી અથવા છે તો તે શુદ્ધ સ્વાર્થ છે. શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.

આ વિચારશ્રેણીનો આશ્રય લેતાં મેં ખાદીમાં સામાજિક શુદ્ધ સ્વદેશી ધર્મ જોયો. બધા સમજી શકે તેવો, બધાને જે પાળવાની આ યુગમાં, આ દેશમાં બહુ આવશ્યકતા છે એવો કયો સ્વદેશી ધર્મ હોઇ શકે ? જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઇ શકે એવો ક્યો સ્વદેશી ધર્મ હોય ? જવાબમાં રેંટિયો અથવા ખાદી મળ્યાં.

આ ધર્મના પાલનથી પરદેશી મિલવાળાઓને નુકસાન થાય છે એમ કોઇ ન માને. ચોરને ચોરેલી મિલકત પાછી આપવી પડે અથવા ચોરી કરતાં અટકાવાય તો તેમાં તેને નુકસાન નથી, લાભ છે. પડોશી શરાબ પીતાં કે અફીણ ખાતાં બંધ થાય તેથી કલાલને કે અફીણના દુકાનદારને નુકસાન નથી, લાભ છે, અયોગ્ય રીતે જેઓ અર્થ સાધતા હોય તેમના એ અનર્થનો નાશ થાય તેમાં તેમને અને જગતને લાભ જ છે.

પણ જેવો રેંટિયા વડે જેમતેમ સૂતર કાંતી, ખાદી પેહરી-પહેરાવી સ્વદેશી ધર્મનું પૂર્ણ પાલન થયું માની બેસે છે તેઓ મહામોહમાં ડુબેલા છે. ખાદી એ સામાજિક સ્વદેશીનું પ્રથમ પગથિયું છે, એ સ્વદેશી ધર્મની પરિસીમાં નથી. એવા ખાદીધારી જોયા છે જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન નથી કરતા. તેઓ તો ચાલતા પ્રવાહમાં તણાઇ રહ્યા છે. સ્વદેશીવ્રતનું પાલન કરનાર નિત્ય પોતાની આસપાસ નિરીક્ષણ કરશે ને જ્યાં જ્યાં પડોશીની સેવા કરી શકાય એટલે જ્યાં જ્યાં તેમને હાથે તૈયાર થયેલો આવશ્યક માલ હશે ત્યાં ત્યાં બીજો તજીને તે લેશે.પછી ભલે સ્વદેશી વસ્તુ પ્રથમ મોંઘી ને ઊતરતી હોય. તેને સુધરાવવાનો પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઇને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરતા નહીં મંડી જાય.

પણ સ્વદેશી ધર્મજાણનાર પોતાના કૂવામાં ડૂબી નહીં જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્ધેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્ધેષ કરશે જ નહીં. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઇનો દ્ધેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી - અહિંસામાંથી - ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.