ગાંધીજી
(1)
પરિશિષ્ટ
‘મંગલપ્રભાત’
યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચતા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયાની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માગણી એકબે ભાઇઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઇએ એવો ગાંધીજીઓ આગ્રહ હોવાથી, દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક ફળ તે આશ્રમનાં વ્રતો પરનું તેમનું ભાષ્ય છે. એ ‘વ્રતવિચાર’ને નામે પ્રસિદ્ધ થયું.
આદર્શ કેદી તરીકે સરકારને બધી રીતે નિર્ભય કરી મૂકનાર ગાંધીજીએ જેલમાંથી સ્વદેશી પર કશું ન લખવાનો નિર્ણય કર્યો. એટલે ‘વ્રતવિચાર’માં એ એક વસ્તુ રહી ગઇ હતી. બહાર આવ્યા પછી એમણે સ્વદેશી વ્રત પર એક લેખ ઉમેરી આશ્રમવ્રતોની વિચારણા સંપૂર્ણ કરી છે.
ઉપરકહ્યું છે તેમ એે પ્રવચનો મંગળપ્રભાતે લખાતાં હતાંએટલે આ પ્રવચનસંગ્રહનું નામ ‘મંગળપ્રભાત’ જ રાખ્યું છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કરહ્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી અતિશયોક્તિ છે ખરી ?
- દત્તાત્રેય બારકૃષ્ણ કાલેલકર
પહેલી આવૃત્તિનું નિવેદન
તા. ૨૨-૭-’૩૦ને દિવસે યરવડા જેલમાંથી આશ્રમ ઉપર લખેલા પત્રમાં પૂજ્ય ગાંધીજીએ લખ્યું :
“... ના કાગળમાં સૂચન છે કે મારે દર અઠવાડિયે કંઇક પ્રવચન પ્રાર્થના સમયે વાંચવા સારુ મોકલી દેવું. વિચાર કરતાં મને આ માગણી યોગ્ય લાગી છે. પ્રાર્થના સમયે કંઇક વધારે ચેતન રેડવામાં આ મારો ફાળો ગણજો.”
અને એ જ પત્ર સાથે સત્યવ્રતનું વ્યાખ્યાન મોકલી આપ્યું. તે પછી દર અઠવાડિયે એક પછી એક બીજાં વ્રતનાં વ્યાખ્યાન મોકલતા ગયા. તેમનો આ સંગ્રહ છે.
સાબરમતી, તા. ૯-૯-’૩૦
નારણદાસ ખુ. ગાંધી
મંત્રી, ઉદ્યોગમંદિર
૧. સત્ય
૨૨-૭-’૩૦
સવારની પ્રાર્થના પછી
આપણી સંસ્થાનું મૂળ જ સત્યના આગ્રહમાં રહ્યું છે. તેથી સત્યને જ પહેલું લઉં છું.
‘સત્ય’ શબ્દ સત્માંથી છે. સત્ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્’ એટલે ‘સત્ય’ છે. તેથી પરમેશ્વર ‘સત્ય’ છે એમ કહેવાી કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે. આપણું રાજકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અને રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત્’ કે ‘સત્ય’ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે.
અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન - શુદ્ધ જ્ઞાન - છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઇશ્વર નામની સાથે ચિત્ એટલે જ્ઞાન શબ્દ યોજાયો છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય, શોક હોય જ નહીં. અને સત્ય શાશ્વત છે તેથી આનંદ પણ શાશ્વત હોય. આથી જ ઇશ્વરને આપણે સચ્ચિદાનંદ નામેપણ ઓળખીએ છીએ.
આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જે કારણે આપણી પ્રત્યેક. એને જ કારણે આપણી પ્રત્યેક શ્વાસોચ્છવાસ લઇએ. આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઇ પડે. સત્ય વિના કોઇ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે.
સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું એટલું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ અર્થમાં સત્ય શબ્દ યોજયો છે.વિચારમાં વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજું કંઇ જાણવાપણુંનથી રહેતું. કેમ કે જ્ઞાન માત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી; પછી તેમાં ખરો આનંદ તો હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઇએ તો આપણને તરત ખબર પડે કે કઇ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઇ ત્યાજ્ય છે; શું જોવા યોગ્ય છે, શું નથી; શું વાંચવા યોગ્ય છે, શું નથી.
પણ સત્ય જે પારસમણિરૂપ છે, જે કામધેનુંરૂપ છે તે કેમ જડે ? તેનો જવાબ ભગવાને આપ્યો છે : અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ તાલાવેલી તે અભ્યાસ; તે વિના બીજી બધી વસ્તુ વિશે આત્યંતિક ુઉદાસીનતા તે વૈરાગ્ય. આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી. જ્યાં શુદ્ધ પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ ક્યાં પ્રત્યેક મનુષ્યને નોખો નથી જણાતો ? છતાં તે એક જ છે એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે. તેથી જેને તે સત્ય ભાસે તે પ્રમાણે તે વર્તે તેમાં દોષ નથી, એટલું જ નહીં પણ તે જ કર્તવ્ય છે. પછી તેમ કરવામાં ભૂલ હશે તોપણ તે સુધરી જવાની છે જ. કેેમ કે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ મરવાનું હોય. એટલે તેમાં સ્વાર્થની તો ગંધ સરખીયે ન હોય. આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લગી કોઇ આડે માર્ગે છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભક્તિ છે, ને ભક્તિને તે ‘શીશતણું સાટું’ છે; અથવા તે હરિનો મારગ હોઇ તેમાં કાયરતાને સ્થાન, તેમાં હાર જેવું કંઇ છે જ નહીં. એ ‘મરીને જીવવાનો મંત્ર’ છે.
પણ હવે આપણે લગભગ અહિંસાને કઠિ આવી પહોંચ્યા. એનો વિચાર આવતે અઠવાડિયે કરીશું.
આ પ્રસંગે હરિશ્વંદ્ર, પ્રહ્લાદ, રામચંદ્ર, ઇનામ હસનહુસેન, ખ્રિસ્તી સંતો વગેરેનાં દૃષ્ટાંતો વિચારી જવાં જોઇએ. આ રટણ બીજા અઠવાડિયા લગી સહુ, બાળક,મોટાં, સ્ત્રી - પુરુષ. ચાલતાં, બેસતા, ખાતાં, પીતાં, રમતાં, બધું કરતાં કર્યા જ કરેને તે કરતાં કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઇ જાય તો કેવું સારું ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારુ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણે બધાંને સારુ નીવડો.
૨. અહિંસા
તા. ૨૯-૭-’૩૦
મંગળપ્રભાત
સત્યનો, અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અહિંસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય.
પણ સત્યનાં સંપૂર્ણ તો આ દેહે અસંભવિત છે. તેણી કલ્પના જ માત્ર કરી શકાય. ક્ષણિક દેહ વાટે શાશ્વત ધર્મનો સાક્ષાત્કાર સંભવતો નથી. તેથી છેવટે શ્રદ્ધાનો ઉપયોગ કરવાનો તો રહે જ છે.
તેથી અહિંસા જિજ્ઞાસુને જડી. મારા માર્ગમાં જે મુસીબતો આવે તેને હું સહન કરું, કે તેને અંગે જેનાશો કરવા પડે તે કરતો જાઉં ને મારો માર્ગ કાપું ? આ પ્રશ્ન જિજ્ઞાસુ પાસે ખડો થયો. જો નાશ કરતો ચાલે તો તે માર્ગ કાપતો નથી પણ હતો ત્યાં જ રહે છે, એમ તેણે જોયું. જો સંકટો સહન કરે છે તો તે આગળ વધે છે. પહેલે જ નાશે તેણે જોયું કે જે સત્યને તે શોધે છે તે બહારની પણ અંતરમાં છે. એટલે જેમ જેમ નાશ કરતો જાય તેમ તેમ તે પાછળ પડતો જાય, સત્ય વેગળું જાય.
આપણી ઉપર ચોર ઉપદ્રવ કરે છે તેમાંથી બચવા સારુ તેમને દંડયા. તે ક્ષણે તે ભાગ્યા તો ખરા, પણ બીજી જગ્યાએ જઇને ધાડ પાડી. પણ બીજી જગ્યા પણ આપણી જ છે, એટલે આપણે તો અંધારી ગલીમાં આથડ્યા. ચોરનો ઉપદ્રવ વધતો ગયો, કેમ કે તેમણે તો ચોરીને કર્તવ્ય માન્યું છે. આપણે જોયુંં કે આના કરતાં સારું એ છે કે ચોરનો ઉપદ્રવ સહન કરો, તેમ કરતાં ચોરને સમજ આવશે. આટલું સહન કરવામાંથી આપણે જોયું કે ચોર કંઇ આપણાતી જુદા નથી. આપણને તો બધા સગા છે. તેમને દંડવા હોય નહીં. પણ ઉપદ્રવ સહન કર્યે જઇએ તેથી બસ નથી. તેમાંથી તો કાયરતા પેદા થાય. એટલે આપણે બીજો વિશેષ ધર્મ જોયો ચોર આપણાં ભાઇભાંડુ હોય તો તેમનામાં તે ભાવાના પેદા કરવી જોઇએ. એટલે આપણે તેઓને અપનાવવાને સારુ ઉપાયો શોધવા પૂરતી તસ્દી લેવી રહી. આ અહિંસાનો માર્ગ. આમાં ઉત્તરોત્તર દુઃખ વહોરવાની જ વાત આવે છે, અખૂટ ધીરજ શીખવાની વાત આવે છે. અને જો તે હોય તો અંતેો ચોર શાહુકાર બને છે, આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને મિત્ર બનાવતાં શીખીએ છીએ; ઇશ્વરનો, સત્યનો મહિમાં વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણામાં સાહસ, હિંમત વધે છે; આપણે શાશ્વત - અશાશ્વતનો ભેદ વધારે ગળે છે, નમ્રતા વધે છે; પરિગ્રહ સહેજે ઓછો થાય છે; ને દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે.
આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્ધેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાંં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ ? તોયે આરો નથી. વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપ તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.
મારે લખવું હતું સહેલું, લખાઇ ગયું કઠણ. છતાં જેણે અહિંસાનો જરાયે વિચાર કર્યો હશે તેને સમજવામાં મુશ્કેલી ન આવવી જોઇએ.
આટલું સહુ જાણી લે : અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે,જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ. તેમાં ઊલટી કઇ ને સૂલટી કઇ ? છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઇ. સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઇક દિવસ તો કરશું જ. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બાહ્ય દૃષ્ટિએ જોતાં આપણી ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતાં એક જ મંત્ર જપીએ - સત્ય છે. તે જ છે. તે જ એક પરમેશ્વર. તેનો સાક્ષાત્કાર કરવાનો એક જ માર્ગ, એક જ સાધન તે અહિંસા; તેને કદી નહી છોડું. જે સત્યરૂપ પરમેશ્વરને નામે આ પ્રતિજ્ઞા કરી છે તેનું પાલન કરવાનું તે બળ આપો.